(૧) કસ્તુરી તિલકમ્ લલાટ પટલે …(પં.જશરાજ) અને (૨) શ્રીકૃષ્ણ …(લેખ)

(૧) કસ્તુરી તિલકમ, લલાટ પટલે …
સ્વર: પંડિત જશરાજ …

.

.
(૨) શ્રીકૃષ્ણ ને  જાણીએ …..
શ્રીકૃષ્ણ સામાન્ય રીતે પરંપરાગત રીતરિવાજો માનતા. પણ એ પ્રત્યે આંધળા પૂજ્યભાવ ન રાખતા. એમની ન્યાયબુદ્ધિએ જો કોઈ રિવાજ ફેરફાર માગતો હોય, છોડવો પડતો હોય, નવો રિવાજ દાખલ કરવો હોય, તો જરાય ખચકાયા વિના તેઓ કરતા. વૃંદાવનની ઇંદ્રપૂજા બંધ કરાવીને ગાય અને ગોવર્ધનની પૂજા એમને દાખલ કરી હતી. એ જ ગ્રામસમાજ માટે ઉપયોગી હતી. એમને અર્જુનનું સારથિપણું સ્વીકાર્યું. એ તો શ્રમજીવી હલકી ગણાતી જાતિનું કામ હતું. પણ તેઓ જાણતા હતા કે પાંડવોને કરેલી મદદ ધર્મસહાય જ છે.
કૃષ્ણ પૂર્ણ માનવ હતાં. એમને બધી જ માનવીય લાગણીઓનો યોગ્ય પ્રતિભાવ આપ્યો છે. એમની સાથે સંબંધ રાખતા સૌ કોઈને તેઓ સ્વજન જ જણાતા, એટલું જ નહિ એમનો સંગ સૌને અનિવાર્ય લાગતો. એમનાં માબાપ- વાસુદેવદેવકી, પાલક માબાપ- નંદયશોદા, એમના સખા ગોકુળ-વૃંદાવનના ગોવાળિયાઓ, ગોપીઓ, એમની પત્નીઓ-રુકમણી, સત્યભામા વગેરે; વડીલ યાદવો, પાંડવો, હસ્તિનાપૂરના વડીલો, અરે ! ગાયો, વાનરો અને અશ્વો પણ- એ સૌના હૃદયને તે એટલા તો સપર્શી ચૂક્યા હતાં કે એક જ જાદુઈ સ્પર્શથી તેઓ એ બધાંનાં હૃદયના સ્વામી બની જતા, પોતિકા બની જતા. પછી ક્યારેય ‘પારકા’ થતા નહિ. એમની મોહક મૂર્તિ, બંસીમાંથી નીતરતું મંજુલ સંગીત અને મધઝરતી અને અકાટ્ય તર્કથી સ્પષ્ટ થયેલી વાણી, ગમે તેને, અરે ! દેવોને પણ તેમના દાસ બનાવી દે તેવી હતી, તો બિચાર માનવપ્રાણીનું તો શું ગજું ? ‘પુરુષોત્તમ’ નામની તેઓ પૂરેપૂરી અન્વર્થક્તા ધરાવતા હતાં.
શ્રીકૃષ્ણ સુદીર્ધ સમય જીવ્યા. જે બીજા માટે જીવે છે, તેઓ જ ખરેખર જીવે છે. શ્રીકૃષ્ણ આવું જ જીવ્યા. તેઓ લાંબુ જીવ્યા, અન્યને માટે જીવ્યા અને તેથી સુંદર રીતે જીવ્યા. શ્રીકૃષ્ણની જીવન ફિલસુફી એમનાં જીવનમાંથી જ તારવી શકાય તેવી છે. તેમના જીવન-સંગીતનો મુખ્ય સૂર હતો ‘ધર્મ’. કેવો હતો કૃષ્ણનો ધર્મ? ‘જે વ્યક્તિ અને સમાજનું શ્રેય-કલ્યાણ કરે તે ધર્મ, વ્યક્તિ અને સમાજની પરસ્પરની સંવાદિતા સાધે તે ધર્મ; વ્યક્તિ અને સમાજ વચ્ચે સંઘર્ષ સર્જાય, તો સામાજિક કલ્યાણને(શ્રેયને) પ્રથમ પસંદગી આપે તે ધર્મ.’ આ હતો શ્રીકૃષ્ણનો ધર્મ. શ્રીકૃષ્ણનાં બધાં કાર્યો ધર્મના આ માપદંડથી માપવા માટે સજ્જ જ છે. આલોચકોને મહાભારતમાંનાં અનૈતિક લાગતાં વિવાદાસ્પદ કાર્યોનું સમાધાન શ્રીકૃષ્ણનો ધર્મનો આ માપદંડ કરી આપે છે.
શાસ્ત્રો, ઋષિમુનિસ્થાપિત પરંપરાઓ અને વ્યક્તિનું વિશુદ્ધ મન-આ ત્રણ ધર્મના માન્ય સ્તોત્રો છે. શ્રીકૃષ્ણ આ ત્રણેયને અનુંશાર્યા છે. એમને પોતાનાં જીવન દરમિયાન શાસ્ત્રવિહિત વિધિવિધાનો કર્યા છે, ફરજો બધી બજાવી છે, વડીલોને, બ્રાહ્મણોને અને ઋષિઓને આદર આપ્યો છે અને આશ્રિતોની કાળજી લીધી છે.
એમણે ઉપર્યુક્ત ધર્મ સદૈવ કહ્યો છે અને પોષ્યો છે. ધર્મસંસ્થાઓ અને એનાં અનુયાયીઓ-સંચાલકો વચ્ચે સુમેળ હોય, ત્યારે કૃષ્ણ સદાયે તે બન્નેને રક્ષવા તૈયાર રેતા. પણ બન્ને વચ્ચે વિખવાદ થાય, તો જે પક્ષે ધર્મ હોય, તે જ પક્ષે તેઓ ઊભા રહેતા.
ભાગવત કૃષ્ણને ‘સ્વયં ભગવાન’ – જ કહે છે. ગીતાના તેઓ પુરુષોત્તમ છે. એને કર્મ કરવા ન કરવા સાથે કશો સંબંધ નથી, કર્મ માંથી એને કશું મેળવવું કારાવવું યે નથી છતાં લોક્સંગ્રાહર્થે – બહુ જનહિતાય અવિશ્રાન્ત રીતે, પૂર્ણ નિ:સ્વાર્થભાવે આખી જિંદગી તેઓ કરતા જ રહ્યા છે. જેમાં વૈયકિતક સ્વાર્થની લેશમાત્ર છાયા પણ પડી નથી. વળી, એવાં બધાં જ કાર્યો પૂર્ણ રીતે કરાયાં છે, જરા પણ અધૂરપ એમણે ચલાવી નથી. કુશળતાથી, પ્રેમથી, નિષ્ઠાથી બધાં કાર્યો કર્યાં છે.
કૃષ્ણ પ્રેમકળા અને યુદ્ધકળા-બન્નેમાં પારંગત હતા, તેઓ દિન હીનોને આશ્વાસનની મધમીઠી વાણી પણ બોળી શકતા અને ધર્મત્યાગીને ધમકી પણ આપી શકતા; તેઓ પ્રેમને વશ હતાં પણ છેતરપિંડી ?અને દંભ સામે ખડકની જેમ ઝીક ઝીલી શકતા; જીવનની સમસ્યાઓ ઉકેલવા તેઓ તેઓ સદા તત્પર રેહતા; પ્રતિકૂળ પરિસ્થિતિ ગૂંચવાડો ઊભો કરે, તે પેહલાં જ એને દૂર કરી દેતા; અને સૌથી વધારે તો તેઓ સાવ જ નિષ્કામ હતાં. ઉચ્ચતમ અનાસક્તિની તેઓ મૂર્તિ હતાં; તેઓ ‘યોગેશ્વર’ પણ હતાં અને ‘યોગીશ્વર’ પણ હતાં. જિજ્ઞાસુને ઉચ્ચતમ આધ્યાત્મિક વૈવિધ્ય સમજાવવામાં તેઓ ક્યારેય થાક્યા નથી. તો આપણને એને ઉન્નતિ કરવા શો સંદેશ આપ્યો છે?
તે આ છે; ‘ધર્મ માટે-અન્યના શ્રેય માટે સદા તત્પર રહો, ક્યારય સ્વાર્થી બનશો નહિ; કોઈપણ કામ નિષ્ઠાથી યથાશક્તિ કરો; દ્રઢ શ્રધ્ધા રાખી ધર્મને અનુસરો; આવો ધર્મ તમને રક્ષશે. જીવનની સમસ્યાઓથી ભાગો નહિ, બાહ્દુરીથી એનો સામનો કરો; ભગવાનને પ્રાર્થના કરો, તે તમને જીવનસમસ્યાઓને પાર કરવાનું બળ આપશે; ક્યારેય ભૂલશો નહિ કે જીવનનું પરમલક્ષ્ય મોક્ષ જ છે જ્ઞાન-ભક્તિ કે કર્મ દ્વારા મોક્ષપ્રાપ્તિ માટે માંડ્યા જ રહો.’
હજારો વર્ષોથી માનવમાનમાં કૃષ્ણ એક કોયડો સમાન રહ્યા છે; એણે હજારો લોકોને મોહક નશામાં મગ્ન કરી દીધા છે; એમાં નવાઈ નથી. એનું ‘કૃષ્ણવાસુદેવ’ એવું નામ જ આ કોયડો ઉકેલી આપે છે ‘કૃષ્ણ નામનો વ્યુત્પત્તિલભ્ય અર્થ જ ‘આકર્ષક’ – બીજાને પોતાની તરફ  ખેંચનાર’ – એવો થાય છે. અને ‘વાસુદેવ’ નો અર્થ ‘સર્વવ્યાપક દિવ્યતા’- એવો થાય છે. (જુઓ વિષ્ણુસહસ્ત્રનામ ) એટલે કૃષ્ણ માનવ તરીકે અતિસુંદર છે અને આંતરિક રીતે સ્નેહ્ભાજન છે, ભક્તોને તેઓ આનંદ આપે છે, પણ ભગવાનરૂપે કે ધરતી પર અવતરેલા અવતારરૂપે તે અનિવર્ચનીય -અવ્યાખ્યાયે જ રહ્યા છે.
‘કૃષ્ણ નો બીજો અર્થ ‘કાળો’ કે ‘રહસ્યમય’ એવો થાય છે. તેઓ શ્યામવરણ હતાં અને તેમની જીવનરીતિ રહસ્યમય હતી દૂરથી કાળો દેખાતો સાગર નજીક જઈ અંજલિમાં પાણી લેતાં તો એ જલ-સાગર-વર્ણહીન જ લાગે છે. શ્રધાપૂર્વક એની સમીપ જાઓ, તો એ અજ્ઞાનની કાળપ દૂર થઈને સ્ફટિક સમાન સ્વચ્છરૂપે, દિવ્યાનંદ રૂપે અને હંમેશાં હાજરાહજૂર રૂપે અનુભવાશે.
કૃષ્ણનું વચન છે: ‘જે ભાવે તમે એને  ભજો, તે ભાવે એ પ્રતિસાદ આપશે.’ તમે એને  કોયડારૂપ કૃષ્ણરૂપે ભજશો, તો એ વધુ કોયડારૂપે તમારી સામે હાજર થશે. અને જો તમે એને ‘માનવરૂપધારી દિવ્યતા’ નાં રૂપે ભજશો, તો એ તમારી બધી સમસ્યાઓ હાલ કરનાર દયાળુ ઈશ્વરરૂપે દેખાશે; ત્યારે તમારી બધી સમસ્યાઓ ઉકલી જશે. આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ વિશ્વના રહસ્યવાદી કૃષ્ણભકતો સેંકડો સદીઓથી પૂરું પાડતા આવ્યાં છે.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • આભાર…………… ડૉ.કિશોરભાઈ !

  • Dr.Kishorbhai Mohanbhai Patel

    આદરણીયશ્રી. અશોકભાઈ

    આ જગત માટે કૃષ્ણ અવતાર જ લીલામૃત છે,

    કૃષ્ણ લીલા થકી કર્મ એજ ભક્તોને મુક્તિ અપાવનાર શક્તિ

    છે. ખુબજ સરસ, અભિનંદન