વિદ્યાનું મહત્વ અને પાત્રતા …

વિદ્યાનું મહત્વ અને પાત્રતા …

દેવતા અને દૈત્ય વચ્ચે હંમેશા યુધ્ધ થતું જ રહેતું હોય છે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યાના જાણકાર હતા. આ વિદ્યા તેમને ભગવાન પાસેથી ઘણા વર્ષોની તપશ્ચર્યાને અંતે પ્રાપ્ત થઇ હતી. આ વિદ્યાનો ઉપયોગ કરીને તેઓ મરેલા દૈત્યોને ફરીથી જીવંત કરતા હતા. જો કે દેવતા આ વિદ્યાથી અજાણ હતા. વળી તેમની પાસે અમૃત પણ નહોતું. દેવતાઓએ તેમના ગુરૂ બૃહસ્પતિને કહ્યુ. બૃહસ્પતિએ તેમના પુત્ર કચને શુક્રાચાર્યના શિષ્ય બનવા કહ્યુ. કચે તરત જ પિતાની આજ્ઞાનો અમલ કર્યો અને શુક્રાચાર્યના આશ્રમમાં આવી પહોંચ્યો.
તેણે શુક્રાચાર્યને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બોલ્યો “હે ગુરૂદેવ! હું દેવતાના ગુરૂ બૃહસ્પતિનો પુત્ર અને અગ્નિરસ ગોત્રનો છુ. લોકો મને કચના નામે ઓળખે છે. હું અહીં આપના વિદ્યાર્થી તરીકે આવ્યો છુ”.
શુક્રાચાર્યે કચને પોતાના શિષ્ય તરીકે રાજીખુશીથી સ્વીકારી લીધો. કચ હંમેશા સૂર્યોદય પહેલા ઊઠી જતો. તે હંમેશા ગુરૂની આજ્ઞામાં જ રહેતો અને ખુબ જ રસપુર્વક વિદ્યાભ્યાસ કરતો. કોઇપણ જાતના વિકારોને તે પોતાના મનમાં પ્રવેશવા દેતો નહીં અને ગુરૂસેવા અને વિદ્યાભ્યાસમાં જ પોતાનું મન પરોવી રાખતો.
શુક્રાચાર્યને દેવયાની નામે એક ખુબ જ સુંદર પુત્રી હતી. તેને કચ પ્રત્યે પ્રેમની લાગણી હતી. તેણે કચને પોતાની લાગણી દર્શાવવા પ્રયત્ન કર્યો પરંતુ કચ હંમેશા પોતાના વિદ્યાભ્યાસમાં જ મશગુલ રહેતો. કચ પોતાના ખંતિલા સ્વભાવને કારણે ગુરૂનો પ્રિય શિષ્ય બની ગયો હતો. દૈત્યોથી આ સહન થતું નહી અને તેઓને કચ પ્રત્યે ખુબ જ ઇર્ષા થતી હતી. વળી તેમને એ ડર પણ રહેતો કે જો કચ સંજીવની વિદ્યા શીખી લેશે તો તેઓને દેવતાઓને હરાવવાનું મુશ્કેલ બનશે.
એક દિવસ કચ ગોપાલકની સેવા માટે વનમાં ગયો. જેવો સૂર્યાસ્ત થયો કે દૈત્યોની શક્તિમાં વધારો થયો. તેઓએ કચ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો. દેવયાની કચની પ્રતિક્ષા કરતી હતી. તેણે તેના પિતાજીને કહ્યુ “પિતાજી, કચ હંમેશા સૂર્યાસ્ત પહેલા આશ્રમમાં આવી જાય છે. પરંતુ આજે તેને આવતા મોડુ થયું લાગે છે તો તમે જરા તપાસ કરો”. શુક્રાચાર્યે પોતાની દિવ્યદૃષ્ટીથી કચ સાથે શું બન્યુ તે જોયુ અને તેને જીવિત કર્યો. દૈત્યોની ઇર્ષા પહેલા કરતા વધી ગઇ અને તેમણે ફરી કચને મારી નાખવા માટે આયોજન કર્યુ. તેમણે કચને મારી નાખ્યો અને તેના શરીરને બાળીને તેની રાખને સુરામાં ભેળવી પોતાના ગુરૂને આપી. શુક્રાચાર્યે સુરાપાન કર્યુ. કચ આશ્રમે આવ્યો ન હોવાથી દેવયાનીએ ફરીથી પોતાના પિતાજીને કચની ભાળ મેળવવા માટે વિનંતી કરી. શુક્રાચાર્ય પોતાએ અજાણતા કરેલી ભુલથી અવાક્ બની ગયા. તેમણે વિચાર્યુ “સુરાપાનથી વ્યક્તિ પોતાની વિવેકશક્તિ ખોઇ બેસે છે અને સારા નરસાનો ભેદ પારખી શકતો નથી.”
આ વાર્તામાંથી મળતો બોધઃ
વિદ્યાનું મહત્વ અહીં દર્શાવેલ છે.
દેવતા અને દૈત્ય વચ્ચે વૈમનસ્ય હતું છતાં પણ કચે પોતાની ઓળખ છુપાવી નહી. તેને ખબર હતી કે ગુરૂને છેતરવાથી વિદ્યા મેળવી શકાય નહી. શુક્રાચાર્ય પણ કચ કોણ હતો તે જાણવા છતાં તેને શિષ્ય બનાવ્યો કારણ કે પાત્ર વ્યક્તિને હંમેશા શિક્ષા આપવી જ જોઇએ.
ઇર્ષા એ મોટુ દુષણ છે. ઇર્ષાથી ખરા અને ખોટાનો ભેદ પારખી શકાતો નથી.
સુરાપાન (દારૂનું સેવન) એ નાશ નોતરનારૂ છે.
-સંકલિત

 

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....