ખોટી બે આની…(જ્યોતીન્દ્ર દવે)

ખોટી બે આની…(જ્યોતીન્દ્ર દવે)

હમણાં થોડા દિવસ પર મારા હાથમાં, કોણ જાણે ક્યાંથી, ખોટી બે આની આવી પડી હતી. એ બે આની ખોટી છે એમ જ્યારે મોદીએ પાછી આપતાં અર્ઘતિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે ‘કયો મોરલો કલા કરી ગયો?’ એમ મને થયું. પરંતુ એ પશ્ર્નનું નિરાકરણ થઈ શકે તો પણ એથી આટલી બે આની પુરતી મારી ગરીબાઈ ઓછી થાય તેમા નહોતું. એ પ્રશ્ર્ન પડતો મૂકી એ બે આની ને શી રીતે ચલાવવી તેનો મેં વિચાર કરવા માંડ્યો.
હાથમાં વર્તમાન પત્ર રાખી વાંચવાનો ડોળ કરી મે ટ્રામના કંડકટરને  બે આની જરા પણ અચકાયા વગર આપી. એણે ટિકિટ આપી ને બે આની લેવા પ્રયત્ન કર્યો. જૂઠી વસ્તુને પોતાની જાહેરત કરવાનું ઘણું મન હોય છે. એ ન્યાયે કંડ્ક્ટરના  હાથમાંથી એ ચંચળતાની મુર્તિ સરીને નીચે પડી અને સાચી બે આની જેવો અવાજ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. કંડક્ટરે બે આની ઉપાડી, વિસ્મયથી તેને ફેરવી-ફેરવીને જોઈ, રાજાની નિર્દોષ પ્રતિકૃતિ સામું થોડી વાર એ ઘુરક્યો ને પછી કંઈ બોલ્યા વગર બે આની મારા હાથમાં મૂકી. એનું જ અનુકરણ કરી મેં બે આની પાછી લઈ લીઘી, વિસ્મયથી થોડી વાર હું તેના સામું જોઈ રહ્યો,ફેરવી-ફેરવીને મેં તેનું બારીક અવલોકન કર્યું; રાજાની પતિકૃતિ સામું ઠપકાભરી નજરે જોયું ને પછી કંઈ પણ બોલ્યા વગર એ બે આની ગજવામાં મૂકી બીજી કાઢી એને આપી. એક આનો પાછો આપી વિજયની નજર ફેંકી કંડક્ટર એને પંથે પડ્યો.
ચા પીવાની સામાન્ય ઈચ્છા તો મને હંમેશ રહે જ છે, પરંતુ હ્ર્દયના ઊંડા ઊઁડાણમાંથી ‘ચા! ચા!’ નો પોકાર ન ઊઠે ત્યાં સુઘી પૈસા ખરચીને રેસ્ટોરામાં ચા પીવા હું બનતા સુઘી જતો નથી. પ્ંદર વીસ મિનિટ પૂર્વે જ ચાનો સ્ંયોગ થયેલો હોવાથી હ્રદયમાંથી ચાનો પોકાર ઊઠવાને હજી ક્ંઇક અર્ઘાએક કલાક જેટલી વાર હતી. છતાં આ પ્રસ્ંગે હું એવા પોકારની વાટ જોયા વગર ખોટી બે આની ચલાવવા માટે ખરચી નાંખી, મને કદી નહિ મળેલો એવો વ્યવહારકુશળતાનો યશ મેળવવાની મહત્વકાંક્ષાથી એક રેસ્ટોરાંમાં દાખલ થયો. એકલી બે આની પકડાઈ જવાનો સ્ંભવ વઘારે એમ લાગવાથી મેઁ સાવચેતી વાપરી ચારેક આના જેટ્લો ખરચ કરવો એમ ઘારી ચા ઉપરાંત બીજુ કંઇ પણ મ્ંગાવ્યું. ચા પૂરી કરી હું પૈસા આપવા ગલ્લા પાસે ગયો. ‘ચાર આના લો!’ વેઈટરે બૂમ પાડી. પૈસા લેવા માટે ગલ્લા પાસે ઊભેલા પુરુષની આંખો ઘણી નબળી હોય એમ લાગ્યું, અને એ ઉપકાર ગણી ઈશ્ર્વર નો હું હરખાયો. પર્ંતુ હિન્દુસ્તાનના હરખની પેઠે મારો હરખ પણ અકાલીન ને અકારણ નીવડ્યો. બે ખરા આના વચ્ચે ખોટી બે આની મૂકીને મેં એને આપી ને રોફભેર ચાલવા માંડ્યું.
‘શી  ‘. ! મિસ્ટર!’ એણે મને બૂમ મારી. આશ્ર્ચર્ય પામતો હોઉં એવી રીતે હું પાછો ફર્યો.
‘કેમ?’ મેં પુછ્યું.
‘એ નહીં ચલેગી.’ કહી એણે બે આની પાછી આપી.
‘કેમ?’
‘ખોટી હૈ.’
‘ખોટી શેની?’
‘દૂસરી દો-‘
‘તું કોઈ બીજાને પઘરાવી દેજે.’
‘નહીં. દુસરી દો.’
‘ખોટી શાથી થઈ’ એના ઉપર છાપ નથી’ એને આપણે એને ખરી માનીને ચલાવવા માંડીએ એટલે એ ખોટી હોય તોયે ખરી જ થઈ જશે-‘
પણ એના મોં સામું જોઈ વાક્ય પૂરું કરવા કરતાં બે આની બદલી આપી ચાલ્યા જવું વઘારે સલામત લાગવાથી મેં તેમ કર્યું .
આ પછી મેઁ બે ચાર દિવસ સુઘી એ બે આની ચલાવવા માટે તનતોડ મહેનત કરી, પણ વફાદારીની વઘારે પડતી ભાવનાવાળી એ બે આની એ મારો ત્યાગ ન જ કર્યો.
આખરે અંતિમ ઉપાય તરીકે ભિખારી ને આપી દઈને કે દેરામાં નાખીને એની પીડામાંથી મુક્ત થવાના મરણીયા નિર્ણય પર હું આવ્યો. પરંતુ એટલામાં મને એક યુક્તિ સૂઝી. એક કાણા પાનવાળાની દુકાને જઈ મેં બે પૈસાના પાન ખરીદી તેને રૂપીયો આપ્યો. એણે બે પૈસા કાપી લઈ બાકીનું પરચૂરણ આપ્યું, પરચૂરણ ગણીને જોતા યુક્તિપૂર્વક પેલી ખોટી બે આની મેં એના ભેગી સેરવી દીધી. પછી જાણે અચાનક નજર પડી હોય તેમ એ બે આની મેં બહાર કાઢી કંઈક સાશંક દ્રષ્ટિએ એના તરફ જોઈ – આ બે આની ખોટી છે, બીજી આપ કહી પાનવાળાને પાછી આપી.
પાનવાળાએ બે આની પાછી લીધી અને કહ્યું, ‘મારી પાસે બીજી બે આની નથી. તમે બે આના આપો તો હું પાવલી આપું.’
મેં બે આના આપી એની પાસેથી પાવલી લીધી.
‘જ્ંગ જીત્યો રે મારો કાણીયો !’ નું ગીત ધીમે અવાજે ગાતો હું ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં બે ત્રણ મિત્રો મળ્યા, તેમને બે આની ની કથા કહી અને મારા વિજયનું અખંડ સ્મરણ જાંળવવા તેમને ચા પીવા પાસેના રેસ્ટોરાંમાં લઈ ગયો. ચા પી પૈસા ચૂકવવા પેલી પાનવાળાની પાવલી મેં રેસ્ટોરાંના માલિકને આપી. તેણે પાવલીને જમીન પર પછાડીને રૂપાનો ઢોંગ કરતી એ પાવલી કલાઈના અવાજે કકળી ઉઠી ! ‘એ પાવલી નહીં ચલેગી, દૂસરી દો.’ અને અનુભવે રીઢો બનેલો હું કંઈ પણ બોલ્યો નહીં ને બીજી પાવલી આપી, અપૂર્વ પરાક્રમ પછી હારેલા વીર યોધ્ધાની પેઠે ત્યાંથી પાછો ફર્યો. અને ‘જંગ જીત્યો રે મારો કાણીયો’ ની બીજી પંક્તિ ‘વહુ ચાલે તબ જાણીયો’ હતાશ હ્રદયે સંભારી.
‘લાવો, હું એ ચલાવી આપીશ.’ મારા એક મિત્રે કહ્યું, એ અતિવ શ્રધ્ધાળુ હ્રદયને આઘાત ન પહોંચાડવાના ઈરાદાથી મેં એને પાવલી આપી.
થોડા દિવસ પછી એ મિત્ર મને પાછો મળ્યો. મેં પૂછ્યું ‘કેમ’? પાવલી ચાલી ખરી કે?’
‘અરે, હા, તે જ દિવસે મેં કોઈને પોરવી દીધી !’
આમ મારી પાવલી ચાલી ખરી પણ તેથી મને કંઈ પણ ફાયદો થયો નહીં. એ મિત્રે મને પેલી પાવલીના બદલામાં બીજી પાવલી આપવી જોઈતી હતી, પરંતુ ત્યાર પછી અનેક વાર મળ્યા છતાં મારી પાવલી ચલાવવાની પોતાની કલાની વારંવાર પ્રશંસાયુક્ત કથા કરવા છતાં, એણે એ પાવલી પરના મારા હક વિશે શબ્દ સરખો ઉચ્ચાર્યો નથી !
( ‘શ્રેષ્ઠ હાસ્યરચનાઓ જ્યોતીન્દ્ર દવે’ માંથી સાભાર )
જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડ્ંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ ખૂબ વંચાય છે. ખોટી બે આની શીર્ષક ધરાવતા તેમના પ્રસિધ્ધ પ્રસ્તુત હાસ્યનિબંધમાં તેઓ માનવના સહજ સ્વભાવની કેટલીક આગવી વાતો વર્ણવે છે. તેમને મળેલી ખોટી બે આની બીજાને પધરાવી દેવાની પેરવી અને પ્રયત્નો સૂક્ષ્મ હાસ્ય સરળતાથી નિષ્પન્ન કરે છે. તો અંતે બીજાને છેતરવા જતા અને ખોટી બે આની ચલાવવા જતા તેમને પાવલી ગુમાવવાનો વખત આવે છે તેનું કઠાક્ષભર્યું વર્ણન આ સુંદર નિબંધમાં સુપેરે થયું છે.

 

સાભાર : અક્ષરનાદ

http://aksharnaad.com

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • શ્રી અશોકભાઇ
  પોતાની મુર્ખાઇ પર હસીને બીજા ગદબદિયા કર્યા વગર હસાવવા એ ક્‍ઇ ખાવાના ખેલ નથી.શ્રી જ્યોતિન્દ્ર દવેની અન્ય રચનાઓ પણ મુકશો
  આભાર

 • આદરણીય અશોકભાઈ જ્યોતીન્દ્ર દવે સરસ રચના મૂકી છે , વધુ જ્યોતીન્દ્ર દવેની રચનાઓ મૂકી વધુ મોજ કરાવતા રહેજો .

 • જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડ્ંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ ખૂબ વંચાય છે. ખોટી બે આની શીર્ષક ધરાવતા તેમના પ્રસિધ્ધ પ્રસ્તુત હાસ્યનિબંધમાં તેઓ માનવના સહજ સ્વભાવની કેટલીક આગવી વાતો વર્ણવે છે. તેમને મળેલી ખોટી બે આની બીજાને પધરાવી દેવાની પેરવી અને પ્રયત્નો સૂક્ષ્મ હાસ્ય સરળતાથી નિષ્પન્ન કરે છે. તો અંતે બીજાને છેતરવા જતા અને ખોટી બે આની ચલાવવા જતા તેમને પાવલી ગુમાવવાનો વખત આવે છે તેનું કઠાક્ષભર્યું વર્ણન આ સુંદર નિબંધમાં સુપેરે થયું છે.
  At the End of the Hasya-Varta, the above gived the Message hidden within the Varta.
  Nice !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo Chandrapukar Par !

  • આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

   બ્લોગ ની મૂલાકાત લઇ અને ‘ખોટી બેઆની’… પોસ્ટ પર મૂકેલ પ્રતિભાવ બદલ ધન્યવાદ !