(૧) કંજુસાઈનું પરિણામ ..અને(૨)આત્મસમર્પણમાં ફરિયાદને કશું સ્થાન નથી …

(૧) કંજુસાઈનું પરિણામ …

એક ગરીબ બ્રાહ્મણ હતું. તેણે પોતાની પુત્રીના લગ્ન કરવાના હતા. તેણે વિચાર્યું કે કથા કરવાથી થોડા પૈસા મળશે અને પોતાનું કામ થઇ જશે. એવો વિચાર કરીને તેણે ભગવાન રામના મંદિરમાં બેસીને કથાની શરૂઆત કરી. એણે વિચાર્યું કે કોઈ શ્રોતા આવે કે ન આવે પણ ભગવાન તો મારી કથા સાંભળશે જ.

પંડિતજીની કથામાં થોડા શ્રોતાઓ આવવા લાગ્યા. એક ખૂબ જ કંજૂસ શેઠ હતો. એક દિવસ એ મંદિરમાં આવ્યો. જ્યારે તે મંદિરની પરિક્રમા કરી રહ્યો હતો ત્યારે મંદિરમાંથી તેને અવાજ સંભળાયો. એને એવું લાગ્યું કે મંદિરની અંદર કોઈ બે વ્યક્તિઓ આપસમાં વાતચીત કરી રહી છે. શેઠે કાન ધરીને સાંભળ્યું. ભગવાન રામ હનુમાનજીને કહી રહ્યા હતાં કે ‘ આ ગરીબ બ્રાહ્મણ માટે એક સો રૂપિયાની વ્યવસ્થા કરી દે, જેથી કન્યાદાન વ્યવસ્થિત રીતે થઇ શકે.’ હનુમાનજીએ કહ્યું કે ‘મહારાજ, તેને સો રૂપિયા મળી જશે.’ શેઠે આ વાત સાંભળી એટલે કથા પૂરી થતાં તે પંડિતજીને મળ્યો અને કહ્યું કે મહારાજ કથામાં રૂપિયા મળી રહે છે કે નહિ. પંડિતજીએ કહ્યું કે શ્રોતાઓ તો ઘણા આવે છે, રૂપિયા ક્યાંથી મળે? શેઠે કહ્યું કે મારી એક શરત છે કે કથામાં જેટલા રૂપિયા મળે એ મને આપી દેવાના, હું તમને પચ્ચાસ રૂપિયા આપી દઈશ. પંડિતજીએ તેની શરત સ્વીકારી લીધી. તેણે વિચાર્યું કે કથામાં આટલા રૂપિયા તો મળશે નહિ; પરંતુ શેઠજી પાસેથી પચ્ચાસ રૂપિયા મળી જશે એ જ સારું રહેશે. જુના જમાનામાં પચ્ચાસ રૂપિયા પણ બહુ જ વધારે ગણાતા. આ બાજુ શેઠની દાનત એવી હતી કે હનુમાનજી ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે એને સો રૂપિયા તો જરૂર અપાવશે જ. એ સો રૂપિયા મને મળી જશે અને પચ્ચાસ રૂપિયા હું બ્રાહ્મણને આપી દઈશ, એટલે બાકીના પચ્ચાસ રૂપિયા તો મને મળી જવાના છે. જે લોભી હોય છે, તે હંમેશાં રૂપિયાનો જ વિચાર કરે છે. એથી શેઠે ભગવાન રામ અને હનુમાનજીની વાત સાંભળી છતાં પણ તેમનામાં ભગવાન પ્રત્યેની ભક્તિનો ભાવ જાગ્યો નહિ, ઊલટાનો લોભને જ વળગી રહ્યો.

કથાની પૂર્ણાહૂતિ થતાં જ શેઠ બ્રાહ્મણ પાસે આવ્યા. તેને  એવી આશા હતી કે આજે તો બ્રાહ્મણને સો રૂપિયા દક્ષિણાના મળ્યા જ હશે. પંડિતજીએ કહ્યું કે આજે તો બહુ ઓછી દક્ષિણા મળી છે. માત્ર પાંચ – સાત રૂપિયા જ આવ્યા છે. હવે શેઠ બિચારો શું કરે ? તેણે પોતાના વાયદા મુજબ પંડિતજીને પચ્ચાસ રૂપિયા આપી દીધા. શેઠ તો મંદિરની બહાર આવી ગુસ્સે ભરાણા.

શેઠને હનુમાનજી પર ગુસ્સો આવ્યો કે તેમણે પંડિતજીને સો રૂપિયા ન અપાવ્યા અને ભગવાન પાસે જૂઠું બોલ્યાં. એ તો મંદિરમાં ગયો અને હનુમાનજીની મૂર્તિ પર ઘૂસતો માર્યો. એની સાથે જ શેઠનો હાથ મૂર્તિ સાથે ચોંટી ગયો. હવે શેઠે ઘણું જોર કર્યું છતાંય તેનો હાથ છૂટ્યો નહિ. જેને હનુમાનજી પકડે, તે કઈ રીતે  છૂટી શકે ? શેઠ ને ફરી અવાજ સંભળાયો. એણે ધ્યાનથી સાંભળ્યું.

ભગવાન રામ હનુમાનજીને પૂછી રહ્યા હતા કે તેમણે બ્રાહ્મણને સો રૂપિયા અપાવ્યા કે નહિ ? હનુમાનજીએ જવાબ આપ્યો કે પચ્ચાસ રૂપિયા તો અપાવી દીધા છે, બાકીના પચ્ચાસ રૂપિયા માટે શેઠને પકડી રાખ્યા છે. એ પચ્ચાસ રૂપિયા આપશે તો જ તેને છોડીશ. શેઠે વિચાર્યું કે લોકો મંદિરમાં આવીને તેની સ્થિતિ જોશે તો તેમની બે-ઈજ્જતી થશે. તેણે ગુસ્સાથી કહ્યું ‘ હનુમાનજી મહારાજ ! મને છોડો. હું પચ્ચાસ રૂપિયા આપીશ.’ હનુમાનજીએ શેઠનો હાથ છોડી દીધો. શેઠે જઈને પંડિતજીને પચ્ચાસ રૂપિયા આપી દીધા.

(૨)  આત્મસમર્પણમાં ફરિયાદને કશું સ્થાન નથી …

રામ અને લક્ષ્મણ પંપા સરોવરમાં નાહવા પડ્યાં ત્યારે તેમ કરતાં પહેલાં પોતાનાં ધનુષ્યો જમીનમાં ખોસ્યાં હતાં. પાણીમાંથી બહાર નીકળતાં પોતાનું ધનુષ્ય ધરતીમાંથી ખેંચતાં લક્ષ્મણે જોયું તો તેણે લોહી લાગેલું હતું.

રામ બોલ્યા : ‘જો, ભાઈ જો ! આપણે કોઈ પ્રાણીને ઇજા પહોંચાડી લાગે છે.’

ખોદતાં લક્ષ્મણે જોયું તો એક મોટો દેડકો દેખાયો. એ મરી રહ્યો હતો.

દુઃખભર્યા અવાજે રામે તેને કહ્યું : ‘ તેં શા માટે  ‘ડ્રાઉં, ડ્રાઉં’ કર્યું નહીં ? તને બચાવવા અમે મહેનત કરી હોત. સાપ પકડે છે ત્યારે કેવા જોરથી તું બરાડે છે ?’

દેડકાએ કહ્યું, ‘પ્રભુ ! સાપ મારી ઉપર હલ્લો કરે ત્યારે, ‘ડ્રાઉં ડ્રાઉં’ કરી હું પોકારું કે ‘હે રામ મને બચાવો !’ પણ આજે તો રામ જ મને મારતા હતાં એટલે હું મૂંગો રહ્યો.’

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • 1.)

  🙂 🙂 🙂

  બિચારો કંજૂસ…પણ કંજૂસને તો આવું જ થવું જોઇએ. હનુમાનદાદા એ બરાબરનો પાઠ ભણાવ્યો…છેવટે હુકમનો એક્કો તો ભગવાનનાં હાથમાં જ હોય છે ને? સરસ બોધકથા અશોકભાઇ…

  ૨.) શ્રી રામ ખુદ આવ્યા એટલે દેડકાથી કંઇ બોલાયું જ નહિં 🙁

 • Aatmasamrpan … Very Nice

  • અંકિતાબેન,

   આપના પોસ્ટ પરના પ્રતિભાવ બદલ આભાર !

   આત્મસમર્પણ કરવુ કે હોવું જે વાત કરવા અને સમજવા કરતાં અનેક ઘણું કઠિન છે. જેમાં ધીરજ અને મક્કમતા ની સૌપ્રથમ જરૂરીયાત માંગી લે છે.

   આભાર !