માતૃ દર્શન …(પ્રસંગ કથા)

માતૃ દર્શન … 

૧૬૫૭ની ઓક્ટોબરની એક સાંજનો સમય છે, સંધ્યા સુંદર ખીલી છે અને વાતાવરણ ગુલાબી છે. શિવાજી માતા ભવાનીના મંદિરમાંથી બહાર આવીને આશ્ચર્યમાં ડૂબી ગયા.

ખચ્ચરો અને બળદગાડીની એક લાંબી કતાર નજરે ચડે છે. હીરા-પન્ના અને જર-જવાહરાતથી ભરેલ અને સોના ચાંદીના ભારથી દબાયેલા પશુ ધીમે ધીમે કિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે.

પ્રધાન મોરો પંતે શિવાજીની જિજ્ઞાસાને શાંત કરતાં કહ્યું : ‘મહારાજ, અંબાજી  સોનદેવે કલ્યાણના સુબા પર આધિપત્ય કરી લીધું છે અને લૂંટનો સામાન લઈને આવ્યા છે.’ શિવાજી અંબાજીને ભેટી પડ્યા અને પોતાનો બહુમૂલ્ય  હાર ઇનામ રૂપે આપ્યો. કલ્યાણના શક્તિશાળી સુબેદાર આટલી આસાનીથી હારી ગયા, એનાથી શિવાજી આશ્ચર્ય અનુભવતા હતા. શિવાજીની છાતી ગર્વથી ફૂલી ઊઠી. પોતાના બહાદૂર વીર સેનાપતિને જોઈને કહ્યું : ‘ શાબાશ અંબાજી !વાહ !તમારી સ્વામીભક્તિ અને બહાદૂરી માટે હું ગર્વ અનુભવું છું.’

ઓચિંતાની એક પાલખી જોઈને તેઓ ચોંકી ઊઠ્યા અને પૂછ્યું : ‘ આ પાલખીમાં શું છે ?’ અંબાજીએ હસતાં હસતાં કહ્યું : ‘મહારાજ, આ પાલખીમાં કલ્યાણની સૌથી ખૂબસૂરત, મુલ અહમદની પુત્રવધૂ સલમા છે. તેનું સૌંદર્ય સમગ્ર મહારાષ્ટ્રમાં પંકાયેલું છે. એનો ક્રૂર સાસરો સેંકડો હિંદુ સ્ત્રીઓની આબરૂ સાથે ખેલ કરતો રહ્યો હતો. આજે એનો બદલો લેવાનો મજાનો અવસર આપણને મળ્યો છે.’ શિવાજીને અંબાજીની આ સફળતા પર ઘણું ગૌરવ થતું હતું પરંતુ આ વાત સાંભળીને શિવાજી વિહવળ થઇ ઊઠ્યા. તેમણે આંખો મીંચી દીધી. એમને પોતાનું બાળપણ યાદ આવવા લાગ્યું. પિતા શાજી વીજાપુરના સુલ્તાનોને ત્યાં જાગીરદાર અને લશ્કરી અધિકારી હતાં. ૩૦૦૦ મરાઠા ઘોડે સવાર અને પાયદળ સીપાઈઓનું એમનું પોતાનું સૈન્ય હતું. માતા જીજાબાઈ કર્તવ્યનિષ્ઠ, સાહસિક અને ધર્મપરાયણ આદર્શ નારી હતાં. પરંતુ પરમાત્માએ એમને રૂપ આપ્યું ન હતું.

શાહજીએ ૩૦ વર્ષની ઉંમરે તુકાબાઈ નામની એક બીજી સુંદર યુવતી સાથે લગ્ન કર્યાં. એમની સાથે તેઓ બેંગ્લોરમાં રહેવા લાગ્યા. ૧૬૨૬માં એમણે જીજાબાઇને બે વર્ષના પુત્ર શિવાજી સાથે શિવનેરના કિલ્લામાં મોકલી દીધાં. દુઃખી જીજાબાઈએ પોતાનું સમગ્ર વહાલ બાળક શિવા પર વરસાવી દીધું. પૂરી ધીરતા સાથે તેઓ પોતાનું જીવન વિતાવતાં હતાં.

સદભાગ્યે દાદાજી કોંડદેવ જેવા સ્વામી ભક્ત અભિવાહક તથા સમર્થ ગુરુ રામદાસ જેવા ભવિષ્ય દ્રષ્ટાનું માર્ગદર્શન બાળક શિવાજીને મળ્યું. એને  લીધે બાળપણથી જ શિવાજીમાં સારા સંસ્કારનાં મૂળિયાં જામવાં લાગ્યાં. સાહસ અને વીરતાની સાથે ધર્મ પ્રત્યે અથાગ શ્રદ્ધાનાં લક્ષણ પણ આ નાના બાળકમાં સ્પષ્ટપણે નજરે પડતાં.

એ જમાનામાં વિવાહ બાળપણમાં જ થઇ જતા. તેઓ ૧૪ વર્ષના થયા ત્યારે માતાએ પોતાના પતિને શિવાજીનાં લગ્ન વિશે લખ્યું. શાહજીએ એ બંનેને બેંગ્લોરમાં પોતાના નિવાસ્થાને બોલાવી લીધા. ત્યાં જીજાબાઈની શોક્ય તુકાબાઈએ એનું અનેક રીતે અપમાન કર્યું. આમ છતાં પણ ૧૨-૧૨ વર્ષની કઠિન તપસ્યાને લીધે જીજાબાઈએ પોતાની જાતને અત્યંત સંયમમાં રાખી હતી. એટલે જ સંયમ એનું ધન બની ગયું હતું.

એમણે શાહ્જીને કેવળ આટલું જ કહ્યું : ‘આપના સુખમાં જ મારું સુખ છે. આપનું બધું ધન અને જાગીર તુકાબાઈ અને એમનાં પુત્ર વ્યંકોજીને ભલે મળે. શિવાને કેવળ પૂના ગામ દેજો. પછી જે એનામાં યોગ્યતા હશે તો તે એમાં વધારો કરી લેશે.’

આ રીતે ૧૫ વર્ષની નાની ઉંમરમાં શિવાજી પૂનાના જાગીરદાર બન્યા. એમણે ઘોડેસવારોની એક નાની ટૂકડી તૈયાર કરી લીધી અને મોકો જોઈને આસપાસના ઇલાકામાં છાપા મારવા લાગ્યા. મુસલમાન સુલતાનો અને અધિકારીઓના અત્યાચારથી લોકો ઘણા દુઃખી હતાં એટલે એમને ક્યાંય વિશેષ રોકવાવાળું કોઈ ન હતું. લૂંટનો સામાન લઈને માની સામે મૂકી દેતા. એમાંથી ત્રીજો ભાગ સિપાઈઓમાં વેંચી દેતા. કેટલોક અંશ જૂના પુરાના મંદિરના પુનુરદ્વારમાં કે કૂવા-વાવ ગળાવવા કે એની મરામત કરવાના ખર્ચમાં વપરાતો. બાકી વધેલું ધન ઉત્તમ ઓલાદના ઘોડા અને નવાં નવાં અસ્ત્રશસ્ત્ર ખરીદવામાં વપરાતું.

બધા પ્રકારે સાધન-સંપન્ન હોવા છતાં પણ તેઓ પોતાને સ્વામી રામદાસના સેવક માત્ર જ મનાતા. એટલે જ એમણે પોતાના ધ્વજને રંગ ભગવો રાખ્યો હતો. ૧૬૫૭માં એમની ઉંમર કેવળ ૩૦ વર્ષની હતી. એ સમય દરમિયાન એમણે મહારાષ્ટ્રના મોટા ભાગના કિલ્લાઓ કબજે કરી લીધા હતા. વીસ હજાર સુસજ્જ મરાઠાવીરોનું સૈન્ય એમની પાસે હતું. દુશ્મનોના મોટાં મોટાં સૈન્યો પર તેઓ બાજની જેમ આક્રમણ કરતા અને બધું લૂંટીને પાછાં રાયગઢના પોતાના અભેદ્ય કિલ્લામાં આવી જતા. ૨૫-૨૫ કોશ સુધી આક્રમણ કરીને મરાઠા સૈન્ય રાયગઢ કોઈ પણ જાતના વિઘ્ન વિના પાછું આવી જતું. લોકોને તો શરૂ શરૂમાં એમાં વિશ્વાસેય ન પડતો. પછીથી અફઘાનો અને પઠાણોના મનમાં એવી ધારણા બંધાઈ ગઈ કે શિવાજીને પ્રેતાત્માનો સહારો છે. એટલે જ એમનું નામ સાંભળતાં જ હથિયાર છોડીને ભાગી જતા.

દિવસ-રાત યુદ્ધમાં મગ્ન રહેવા છતાં પણ પોતાની માતા પાસેથી એમને ધાર્મિક પ્રેરણા મળતી રહી. જો કે એમને હિન્દુધર્મ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા હતી અને યવનોના અત્યાચારને લીધે મંદિરના વિધ્વંશને કારણે એમનું ચિત્ત ખિન્ન થઈ ઊઠતું. આમ હોવા છતાં પણ એમણે બીજા ધર્મની ક્યારેય નિંદા કરી ન હતી. કોઈ મસ્જિદ કે ગિરિજાઘરનો નાશ કર્યો ન હતો કે એવાં સ્થાનોને ભ્રષ્ટ  પણ નોહતા કર્યાં. એટલું જ નહિ, એમણે જૂની-પુરાણી મસ્જિદોની મરામત પણ કરાવી હતી. પોતાના સેનાપતિઓને તેમણે સપષ્ટ આદેશ આપી રાખ્યો હતો કે કોઈ પણ ધર્મ સ્થાનને હાની ન પહોંચાડવી અને દુશ્મનોની કોઈ પણે સ્ત્રીની લાજ ન લૂંટવી.

આવા સંસ્કારશીલ અને સાચા ધર્મપરાયણ શિવાજીએ  જોયું કે પાલખીના ઝીણા બારીક પડદા પાછળ હીરા-ઝવેરાતથી સજ્જ થયેલ એક પરમ સુંદર યુવતી ભયભીત બનીને અને લજ્જાથી સંકોચાઈને એક બાજુએ બેઠી છે. થોડીવાર સુધી તેઓ એકીટસે એના તરફ જોઈ રહ્યા પછી કહ્યું : ‘બહેન, ઉંમરમાં તું મારાથી નાની છો. પણ તારામાં મને ‘મારી મા’ દેખાય છે. હા, એટલો ફરક છે કે પરમાત્માએ તને મારી મા કરતાં અતૂલનીય રૂપ સંપત્તિ પણ આપી છે. મને એવું લાગે છે કે ઈશ્વરે ફૂરસદના સમયે અત્યંત કાળજી અને જાગૃતતાપૂર્વક  તારી રચના કરી હશે. સદભાગ્યે આવા સૌંદર્યનો  થોડો ઘણો અંશ મારી માતાને મળી જાત તો એને  પોતાના સુહાગનું દુઃખ સહન કરવું ન પડત. અને હું પણ સુંદર બાળકરૂપે જન્મ્યો હોત. મારા સેનાપતિએ તમારું અપમાન કર્યું છે. કોઈ પણ કારણ વગર તમને તકલીફ દીધી છે. જે ધારણા સાથે તમને એ અહીં લાવ્યા છે એ સાંભળીને શરમથી મારું માથું નીચે ઝૂકી જાય છે. જો મારી માતા અને મારા ગુરુજી સાંભળશે તો આવા જધન્ય કાર્યમા શિવાજીનો સંકેત જરૂર રહ્યો હશે એમ વિચારશે. બહેન તું ચિંતા ન કર. તને તારી ઈજ્જત સાથે તારા પતિ પાસે પહોંચાડી દઈશ. મારે બહેન નથી,. આજથી તું મારી નાની બહેન બની છો અને હું તારો મોટો ભાઈ.’

પાસે ઊભેલા સૈનિકોએ જોયું તો શિવાજીની આંખો ભીની થઇ ગઈ છે. થોડીવાર પછી મૌન તોડીને ક્રોધથી કાંપતાં કાંપતાં કહ્યું : ‘અંબાજી ! તમે તમારી મૂર્ખતાને લીધે આટલી મોટી જીતને હારમાં ફેરવી નાંખી. શિવાજી પણ પોતાના અંત:પુર માટે પારકી વહુ-દિકરીઓને પણ લૂંટે છે એ વાત જ્યારે લોકો સાંભળશે ત્યારે તેઓ આપણા વિશે શું વિચારશે ? આપણી ઈજ્જત –આબરૂ ક્યાં જવાની ? પછી તો મરાઠી સિપાઈઓ અને એના સરદારો ભર દિવસે સ્ત્રીઓની લાજ લૂંટતા રહેશે. છેલ્લાં ૧૪ વર્ષથી તમે મારી સાથે છો. ક્યારેય તમને આવી ઈચ્છા કે લાલસાનો આભાસ પણ થયો છે ખરો ? તો પછી મારા આદેશની અવગણના કરીને  એક દુઃખી નારીને અહીં લઇ આવ્યા એવી હિંમત તમે કેમ કરી શક્યા ? અંબાજી ! તમે મારી આબરૂ પર કલંક લગાવ્યો છે. જો રાજા પોતે જ પોતાનું ચારિત્ર્ય ગુમાવી દે તો પછી સૈનિકોની મર્યાદા તૂટી જ જવાની. શું આજ મારા ‘હિંદુ પદપાદશાહી ’  નું વિકૃત રૂપ હશે ? ભૂલ તો મારી એટલી મોટી છે કે તમને ફાંસીને માચડે ચડાવી દેવા જોઈએ. પરંતુ આ સમયે હું ક્રોધમાં છું એટલે તમારા વિશે ફેંસલો સોંપવાનો અધિકાર પ્રધાનમંત્રી મોરોપંતને આપું છું.’

અંબાજી વિજયના આનંદ સાથે ઝૂમતો ઝૂમતો આવ્યો હતો અને અહીં બધાની સામે જ આ અપમાનનો ઘૂંટડો એણે ગાળવો પડ્યો. પ્રધાનમંત્રી મોરોપંતને અંબાજી પર ઘણો સ્નેહભાવ હતો. એમણે પોતાની જાત દેખરેખ નીચે બધી રીતે યોગ્ય બનાવીને આટલા મોટા હોદા પર પહોંચાડ્યો હતો. બે હાથ જોડીને શિવાજીને એમણે પ્રાર્થના કરી : ‘મહારાજ ! અંબાજી હજુ જુવાન છે અને થોડો અજ્ઞાની પણ ખરો. એમ છતાં પણ વીર અને સાચો સ્વામીભક્ત છે. આ એનો પહેલો અપરાધ છે, એટલે હું એને ક્ષમા આપવાની પ્રાર્થના કરું છું.’

સલમાને મરાઠાઓની કેદમાં આવી આશા ન હતી. શિવાજી ઈન્સાન છે કે ફરિસ્તા-એ સમજવાનો તે પ્રયત્ન કરવા લાગી. એમનાં સાસરે લડાઈમાં જીતેલી સેંકડો સ્ત્રીઓ આવતી. કેટલીકને પસંદ કરીને, એને લાચાર બનાવીને તેઓ પોતાના માટે રાખી લેતાં અને બાકીની સ્ત્રીઓને સામાન્ય સિપાઈઓમાં વેંચી દેતા. તેમની આબરૂ લૂંટી લેવામાં આવતી અને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે લાચાર બનાવી દેવામાં આવતી. સલમાની આંખોમાં આંસુઓની ધાર વહેવા માંડી.

થોડા દિવસો પછી સલમા વિદાય થઇ રહી હતી. અહીં શિવાજીના ઘેરથી પોતાના સાસરે ! શિવાજીએ પોતાની મોંબોલી નાની બહેનને ભેટીને વિદાય આપી. ખચ્ચર અને ઘોડા પર કરિયાવરનો સામાન પણ હતો. રૂપેરી-સોનેરી પડદાથી ઢંકાયેલ પાલખીની આજુબાજુ સુરક્ષા માટે ઘોડેસ્વાર રૂપે હતા અંબાજી સોનદેવ ! તેઓ આજે પોતાના મહારાજ શિવાજીની અનામત પાછી સોંપવા જઈ રહ્યા હતા.

પાલખી આવી ત્યારે સલમા હિબકા ખાઈ રહી હતી. એની આંખમાં ચિંતા અને આશંકાના આંસું હતાં અને જ્યારે પાલખી આજે વિદાય લઇ રહી હતી ત્યારે પણ એ હિબકે ચડી ગઈ. પણ આજે એ હિબકામાં પ્રેમ આનંદ અને ઉલાસ હતો..

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....