કળશની કથા …

કળશની કથા … 

બહુ પ્રાચીન વાર્તા છે. આ વાર્તા ભારતનાં કોઈ એક પ્રદેશની પ્રચલિત વાર્તા છે. એક હતો રાજકુમાર. રાજવૈભવના શિખરે બેસીને પણ ઉદાસ રહેતો. તેનો પ્રાણ જાણે કોઈ ગંભીર પ્રેરણાથી વ્યાકુળ. તેણે કોણ જાણે શું આકાશ કે હવામાંથી અમૃતનું આહવાન સાંભળ્યું હશે? કુટુંબીજનો તેને બાંધી શક્યા નહિ. અચાનક એક દિવસ ઘર છોડીને વૈરાગી બનીને ભાગી ગયો. કોઈને તેની ભાળ ન મળી. પરિચિત વાતાવરણથી હંમેશાં માટે ખોવાઈ ગયો. રાજકુમાર માર્ગ પર ચાલતો જ રહ્યો. મનમાં ને મનમાં વિચારે કે મને કોણ રસ્તો બતાવશે ? ક્યાં હશે તે સદગુરુ જે મને ભવસાગર પાર કરાવશે ?

એક સુંદર સવારમાં તે આવી પહોંચ્યો એક લીલાછમ છાયાથી ઘેરાયેલા આશ્રમમાં. દૂર પહાડ, અરણ્ય, નિર્જરનો મૃદુ ધ્વનિ અને આ બાજુ નીરાળું, નિર્જન તપોવન. એક ઋષિ શાસ્ત્ર પાઠ કરે છે. પ્રભાતના પ્રકાશ જેવી તેમની ઉજ્જવળ મુખમુદ્રા. મુગ્ધ રાજકુમાર ઋષિનાં ચરણમાં ઢળી પડ્યો.

–    ક્યાંથી આવો છો ?

–    પ્રભુ, હું માર્ગ ભૂલ્યો છું. મને માર્ગ બતાવો.

–    વત્સ, કયો માર્ગ ઈચ્છો છો ?

–    શ્રેયપથ, ભગવાન્.

–    તે માર્ગ તો અતિ દુષ્કર-તલવારની ધારનો માર્ગ !

તે પથ પર તો અખૂટ મનોબળ લઈને ચાલવું પડે. પ્રત્યેક મુહૂર્તે પતનનો ભય છે.

–    આપના આશીર્વાદથી પથ સરળ થશે, દેવ.

–    સારું, આશ્રમમાં રહો, બેટા. કેટલાંય કામકાજ કરવાં પડશે. તમારું કોમળ શરીર, પરિશ્રમ કરી શકશે તો ?

–    મારી શક્તિ પ્રમાણે અવશ્ય કરીશ.

–    તમે આશ્રમનાં કામકાજમાં અત્યારે જ લાગી જાઓ. જ્યારે સમય થશે ત્યારે બોલાવી લઈશ.

રાજકુમાર હવે આશ્રમવાસી થયો. સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી આશ્રમનું બધું જ કામ કરવું પડે. વણ થાક્યો, વિશ્રામ વગર કર્મનું ચક્ર સતત ફરતું રહે છે. ધીમે ધીમે કામકાજ પૂરું થાય. રાજકુમારના અનભ્યસ્ત હાથમાં ક્રમશ: નિપુણતા આવી. મન હવે સજાગ થયું છે અને દેહ તત્પર. રાજકુમાર ઉધમી બન્યો છે. પરંતુ જે પ્રબલ વૈરાગ્યથી પ્રેરાઈને રાજમહેલ છોડ્યો હતો, તેની સાધના તો ક્યારે શરૂ થશે? દિવસના દિવસ વીતી ગયા. માસ, ઋતુઓ યથાક્રમે ફર્યા કેરે છે. વૃક્ષોના પાંદડાં ખરે, ફરી લીલી કુમળી કુંપણોથી વૃક્ષ ભરપૂર થાય, ફૂલ ઉગે, ફૂલ ખરે, ફળ ઉગે વળી ફળ પડે. કેવળ કુમારની દિનચર્ચામાં કોઈ ફેરફાર નહિ. જાણે જીવન કઠણ નિયમ શૃંખલામાં બંધાઈ ગયું છે ! 

મનમાં ને મનમાં રીસ કરે છે–  પછી શું જીવન આવા શારીરિક પરિશ્રમમાં જ સમાપ્ત થશે? અંતરની પ્રેરણા શું નિષ્ફળ જશે? તેનાં કામકાજથી સહુ ખુશ. ગુરુદેવ પણ. પરંતુ હજુ સુધી કોઈ પાઠ શીખવવાની વાત તેઓ કેમ કહેતા નથી? કુમાર વિચારવા લાગ્યા-હવે નહિ. બીજે ક્યાંક ચાલ્યો જઈશ. ઘણી મહેનત કરી ફળ શું મળ્યું ? આ રીતે વિચારીને તેણે આશ્રમના સાધુઓના પાણી ભરવાના કળશને હાથમાં લીધો. કળશ સુંદર ઘાટનો અને લાલ રંગનો છે. તે લઈને લાંબા માર્ગે પગપાળા જઈને ઝરણાનું જલ લાવવાનું છે. જતાં જતાં વિચારે છે : કળશને ઝરણાનાં કાંઠે રાખીને બે આંખો જ્યાં દોડે ત્યાં ચાલ્યો જઈશ. પછી હું મુક્ત થઈશ.


જેવી ભાવના તેવું જ કામ. પરંતુ કેવું આશ્ચર્ય જાણે કોઈક તેને બોલાવે છે ! પાછું વળીને જોયું તો કુંભના મુખમાંથી વાણી ફૂટે છે. આ તે કેવી અજબ ઘટના ! કળશ કહે છે: ક્યાં જાઓ છો, રાજકુમાર? મને ફેંકીને ચાલ્યા જાઓ છો ? તમે એવું તે કયું કષ્ટ સહ્યું છે? મેં તમારા કરતાં અનેકગણું કષ્ટ સહન કર્યું છે અને અંતે સાધુઓની સેવા માટે ઉપયોગી થયો છું. મારા કષ્ટની રામકહાણી તમે થોડીવાર ચૂપ રહીને સાંભળો. ત્યારબાદ જો ચાલ્યા જવા ઈચ્છો તો તમને રોકીશ નહિ.

વિસ્મય પામીને કુમાર બોલ્યો : કહો, તારા દુઃખની વાત સાંભળીશ. મારા દુઃખની વાત તો તમે જાણો જ છો. તો પછી તમારા  દુઃખની વાત સાંભળવામાં મને શો વાંધો હોય ? કળશ બોલ્યો : તો પછી શરૂઆતથી જ વાત કરું. હું સૌ પહેલા કઠણ માટી હતો. ધરતી માતાની છાતીએ ચોંટીને રહેતો. મારું કોઈ અલગ અસ્તિત્વ ન હતું. બધા મને પગે કચડી ચાલ્યા જતા, તો પણ ચેતના જાગતી નહિ. કારણ મારે પોતાનો ભિન્ન અસ્તિત્વબોધ ત્યારે જાગ્યો ન હતો. અચાનક એક દિવસ કુંભાર મને ખોદીને લઇ ગયો. મારા પરિચિત મૂળમાંથી જાણે ઉખેડીને અન્ય જગ્યાએ સ્તુપાકારે રાખી દીધો. પડી રહ્યો તે પડી જ રહ્યો. ઢગલાબંધ માટી રૂપે પડી રહ્યો. સૂર્યના તાપથી ક્યારેક સુકાઈ જાઉં તો ક્યારેક વરસાદના પાણીમાં કાદવ થઇ જાવ, કોઈને મારી ચિંતા ન હતી. વિચારતો કે શું આમ જ અપમાનજનક સ્થિતિમાં નાશ પામીશ ?

વાહ, અચાનક એક દિવસ કુંભાર આવ્યો અને હાથ લગાવ્યો. મારામાં રહેલા પ્રત્યેક નાના મોટા કાંકરા અને કચરાને દૂર કરવા લાગ્યો – અવાક થઇને વિચાર કર્યો : મને ખબર ન હતી કે મારામાં આટ આટલા કાંકરા, અને કચરો છે ! મારા તો પ્રાણ જાણે ઊડી ગયા કે જશે !  અરે ! માટી સપાટ કરતી વખતે જે યાતના ભોગવવી પડી છે, તે યાદ કરતા કંપી ઊઠું છું. પોતાનામાં આટલું બધું સારું-નરસું છે એમ વિચારતા કોને સારું લાગે, કહો ?

પછી જોયું કે પાણી નાખીને કુંભારે મને ગૂંદીને એક માટીનો પીંડો બનાવ્યો. મને જાણે કોઈ એક આકાર મળ્યો. અલગ વ્યક્તિત્વ મળ્યું. કાંકરા, અશુદ્ધિથી હું મુક્ત થયો. ‘શુદ્ધ હું’ એમ વિચારતા કેટલો આનંદ થાય. પરંતુ ત્યારે તો સમજ્યો નહિ કે હજુય ભયંકર દુઃખ મારી રાહ જુએ છે. આ વખતે કુંભારે મને હાથમાં લીધો અને ચાકડા પર મૂક્યો. મારી સત્તાને કચડી-મચડી ચૂરે-ચૂરો કરી દીધો. આ વખતે તો મોત જ આવ્યું જાણે ! અસહ્ય પીડા ! કેવી વિષમ વ્યથા ! તે રૂક્ષ યાતનાને વ્યક્ત કરવા માટે કોઈ ભાષા ન હતી. પરંતુ ધીરે ધીરે મારામાં એક અકલ્પનીય પરિવર્તન આવ્યું. હું ‘કંઈક – એક’ થઇ ગયો. એક ચોક્કસ આકાર મળ્યો. પરંતુ ત્યારે પણ એકદમ કાચો પોચો છું; મેં જોયું કે હવે હું કંઈક પાત્ર થયો છું. પરંતુ તેમાં કંઈ રાખી શકાય એવો કઠણ તો હજુ નથી થયો.

કુમાર ! તું શું મારે વાત કંઈ સમજી શકે છે ? હા સમજી શકું છું. ગુરુની શિક્ષા ગ્રહણ કરવા માટે હું પણ યોગ્ય પાત્ર થયો નથી. એકદમ કાચો પોચો છું.

કુમાર, અહીં જ વાત પુરી થતી નથી. હું રસ્તા પર તડકામાં પડ્યો રહ્યો. રોજ શેકાતો હતો, તપતો હતો, સળગતો હતો. તો પણ ભાંગી તો ન ગયો. જોયું કે તપતા તપતા હું તો સખ્ત થઇ ગયો ! એકદમ ખટખટ શબ્દ  કરતો થયો. ભાંગી જતો ન હતો. ઢળી પડતો ન હતો. એકદમ સીધોસટ તડકામાં ઊભો છું. મનમાં ણે મનમાં વિચારું છું કે મારાં દુઃખનો અંત આવશે. બરાબર એ વખતે કુંભાર ઉતાવળે આવ્યો અને મને ઊંચકી લીધો, ઘુમાવીને ચારે કોર ચકાસી લીધો.થયું કે મને જોઈ પ્રસન્ન થયો છે. પરંતુ મને લઈને તે ચાલવા માંડ્યો. કયાં ? તે તમે વિચારી પણ નહિ શકો. જોયું કે હળહળ કરતી આગની ભઠ્ઠી સળગે છે. મને તેમાં ફેંકી દીધો. કુંભારે તો મને આગમાં સળગાવ્યો છે. હવે તો અગ્નિદાહની વેદનાથી હું બેશુદ્ધ થઇ ગયો. ધક્ ધક્ કરતા અગ્નિમાં મારો સફેદ રંગ લાલ થઇ ગયો. હું પોતે પોતાને ઓળખી શક્યો નહિ. ત્યારબાદ કુંભારે મને ઠંડા પાણીમાં ડુબાડી દીધો. મારું તપ્ત અંગ શાંત થયું. ધીરે ધીરે એક નવીન શરીર લઈને હું પોતાને નવા સ્વરૂપમાં પામ્યો. વિચારવા લાગ્યો : આટલા દિવસો પછી મને કંઈક ધારણ કરવાની પાત્રતા મળી !  હવે પાણી, દૂધ, ઘી, દહીં કંઈ પણ રાખી શકશે – રહેશે. પડીને નષ્ટ નહિ થાય. એક પ્રકારની તૃપ્તિ થઇ-કઈ રીતે કહો ? મારો કાચો અહમ મરી ગયો અને પાકા અહમે જન્મ લીધો.

ત્યારબાદ  મને દુકાનમાં વેચવા રાખ્યો. મને આશા થઇ કે હવે હું કોઈના કામમાં આવીશ. પરંતુ કોઈ મને ખરીદવા જલ્દીથી આવ્યું નહિ. બધા જુએ – ચકાસે અને ચાલ્યા જાય. અંતે સાધુના એક શિષ્ય આવ્યા. તેણે મને ખરીદ્યો. જુઓ, આટલાં બધાં દુઃખ વેઠ્યા બાદ હું સાધુ સેવા માટે ઉપયુક્ત થયો.’

હવે તમે મને છોડીને ચાલ્યા જાઓ છો ? તમે શું મારા કરતાં ય વધારે દુઃખ વેઠ્યા છે કે જેથી આવો સાધુસંગ છોડીને ચાલ્યા જાઓ છો ?

રાજકુમારનું માથું શરમથી ઝૂકી ગયું. ગુરુનાં દ્વારે પાછો ફર્યો. સાથે કળશ ભરીને સ્વચ્છ જળ. ગુરુ પણ હવે સ્મિતપૂર્વક બોલ્યાં, આવો કુમાર, આજ હું તમને સાધનાનો પાઠ શીખવીશ.

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....