હીરાની કિંમત …

હીરાની કિંમત …

એક બુદ્ધિશાળી ઝવેરી હતો. પોતાના કામમાં બહુ જ ચતુર હતો. દેવયોગે યુવાવયે જ તેનું મૃત્યુ થયું. તેની પાછળ તેની પત્ની અને નાનું બાળક રહ્યા. લોકોએ એમનાં પૈસા દબાવી લીધા. ધન નષ્ટ થયું. એ સ્ત્રી પાસે એના પતિએ આપેલો એક હીરો હતો. એ હીરો અતિ કિંમતી હતો. જ્યારે તેનો પુત્ર પંદરવીસ વર્ષનો થયો ત્યારે તે સ્ત્રીએ તેને  કહ્યું : ‘જો બેટા ! તારા પિતાજીએ આ હીરો આપ્યો હતો. એમણે આ હીરાની કિંમત કહી નહોતી. આ હીરો અમૂલ્ય હોવાનું કહ્યું હતું. દરેક પોતપોતાની બુદ્ધિ અનુસાર આ હીરાનું મૂલ્ય આંકશે, હીરાની કિંમત નહિ કરે. આ હીરો લઇ તું જા અને તેની કિંમતની આકરણી કરી આવ. પરંતુ કોઈ જગ્યાએ હીરો દેવાનો નહિ.


એ છોકરો બજારમાં ગયો. એ પહેલાં એક શાક વેંચવાવાળી પાસે ગયો અને હીરો બતાવીને, તેની કેટલી કિંમત આપશે તેવું પૂછ્યું. શાકવાળીએ કહ્યું કે બે મૂળા લઇ જા, આ તો બાળકોને રમવા માટે આ સરસ વસ્તુ છે. છોકરાએ કહ્યું કે હીરો નથી આપવો. આગળ ચાલતા ચાલતાં કેટલાંય લોકોને તેણે હીરાની કિંમત પૂછી તો કોઈએ બે રૂપિયા, તો કોઈએ ત્રણ રૂપિયા કહ્યા. આગળ જતાં એક સોની પાસે ગયો તો હીરાની કિંમત દસ –વીસ પચ્ચાસ રૂપિયા સુધીની થઇ ગઈ. ત્યાર પછી એક ઝવેરી પાસે જતાં તો એ હીરાની કિંમત પાંચસો, સાતસો, એક હજાર રૂપિયા થઇ ગઈ. છોકરો, જેમ જેમ સારા હીરા પરખુઓ પાસે ગયો તેમ તેમ તેની કિંમત વધારે ને વધારે વધતી ગઈ. તે એક ખૂબ જ હીરાની પરખ કરે તેવાની પાસે ગયો. તેણે હીરાની એક લાખ રૂપિયા સુધીની કિંમત કહી. છોકરાને નવાઈ લાગી કે આ હીરો તો બહુ વિચિત્ર છે. લોકોને પૂછતાં પૂછતાં તે અતિ એક વયોવૃદ્ધ ઝવેરી પાસે પહોંચ્યો. એ વૃદ્ધ ઝવેરી ઘણો જ પ્રમાણિક અને હીરાનો બહુ જ સારો પરખનારો હીરા પરખુ હતો. છોકરાએ તે હીરો તેને બતાવ્યો તો તેણે એ છોકરા સામું જોઈને પૂછ્યું : ‘આ હીરો તારી પાસે આવ્યો ક્યાંથી? છોકરા કહ્યું કે એ તો મારા પિતાજી પાસેથી મને  મળ્યો છે. એમણે મને આપ્યો હતો. એમણે કહ્યું : ‘તારા પિતાજી કોણ?’ છોકરાએ પોતાના પિતાજીનું નામ કહ્યું અને કહ્યું : ‘તેઓ હીરાના વેપારી હતાં.’

‘એમનું નામ તો અમે અગાઉ અનેકવાર સાંભળેલું. ઘણા સમયથી એમનાં વિશે કાંઈ સાંભળવા મળ્યું નથી. તેનું કારણ શું છે?’ છોકરાએ કહ્યું : ‘એમનું દેહાવસાન થયું છે.’ ‘અરે ! એ તો બહુ જ જાણીતા કુશળ પરીક્ષક, હીરા પરખુ હતા.’

‘હું એમનો જ પુત્ર છું, કહો આ હીરાની કેટલી કિંમત આપશો?’

‘એની કોઈ કિંમત ના થાય, હીરો તો અમૂલ્ય છે, મારી પાસે જેટલું ધન, સંપત્તિ છે એ આપું તો પણ તેની પૂરી કિંમત ના આપી શકું’, તે વૃદ્ધ વેપારીએ કહ્યું : ‘પણ અમારે તો ખાવાના સાંસા છે. અમે શું કરીએ ?’ એ છોકરાએ કહ્યું : ‘એ તો તમે જાણો. હું હીરાની કિંમત કઈ રીતે જાણી શકું? કહી શકું ?  એની કિંમત કહેવાથી તો હીરાનો તિરસ્કાર અને અપમાન થાય. હા એક વાત છે, તું જેટલા લઈશ તેટલા રૂપિયા હું તને આપી દઈશ.’

‘એ કેવી રીતે?’ છોકરાએ પૂછ્યું. વૃદ્ધ ઝવેરીએ કહ્યું : ‘અમારી ત્રણ દુકાનો છે, અમારી પહેલી દુકાનમાં તને પંદર મિનિટ મળશે. પંદર મિનિટમાં દુકાનમાંની જેટલી વસ્તુઓ તું બહાર કાઢી શકીશ, એ તારી થઇ જશે. વસ્તુ લેવાવાળા અને રાખવાવાળા બધા તૈયાર રહેશે. તું દુકાનમાંથી વસ્તુ ફેંકી દેજે. પંદર મિનિટ પછી તું દુકાનમાં નહિ રહી શકે.’

છોકરાએ કહ્યું : વાત તો બહુ સારી છે. છોકરાને દુકાન બતાવવામાં આવી. એ દુકાનમાં જોયું કે દુકાન સજાવેલી છે. તેમાં લોખો રૂપિયાના એક એવા  હીરા રાખેલા છે. કેટલાએ બોક્સ તો પડ્યા છે, જે ચમકારા મારતા હતાં. હીરા તો ઠીક પણ આવા ચમકતા બોક્સ પણ એણે ક્યારેય જોયા ન હતાં. એ તો એ જોઈને જ આભો બની ગયો. એની સાથે એક માણસ, પણ ઘડીયારમાં સમય જોતો હતો. એણે કહ્યું જો પાંચ મિનિટ તો થઇ ગઈ. છોકરો જોતો જોતો વિચારતો રહ્યો કે પંદર મિનિટ પછી તો દુકાનમાં રહેવા નહિ દે તેથી સારી રીતે બધી ચીજ જોઈ લઉં. જોત જોતામાં પંદર મિનિટ થઇ જતાં પેલા માણસે કહ્યું કે સમય પૂરો થઇ ગયો. હવે બહાર નીકળી જા. હવે અંદરની કોઈ પણ ચીજને તે અડકી પણ નહિ શકે, એક દાણો પણ હવે તે નહિ લઇ શકે. છોકરો બહાર નીકળી ગયો.

વૃદ્ધ ઝવેરીએ તેને  બીજી દુકાન દેખાડી અને કહ્યું કે તેને તેમાં પચ્ચીસ મિનિટનો સમય ત્યાં રહેવા અપાશે. એ સમયમાં તે જે અને જેટલી ચીજવસ્તુઓ બહાર ફેંકી દઇ શકેશે, એ તમામ તેને મળશે, તેની થઇ જશે. છોકરો એ દુકાનમાં પ્રવેશ્યો. તેમાં તો પહેલી દુકાન કરતાં પણ વધારે સજાવટ હતી. એ જોઈને તો એ અચંબો પામી ગયો કે આ તો કોઈ અજાયબદાર છે. કેટલી વિલક્ષણ વસ્તુઓ છે. છોકરાએ પૂછ્યું કે આ દુકાન શું આગળ લાંબી છે? માણસે કહ્યું કે હા, દુકાન ઘણી લાંબી અને સુંદર છે. છોકરો આગળ ચાલતો ગયો ને જોયું કે દુકાન તો અધિક ને અધિક સુંદર છે. સાથેનો માણસ ઘડિયાળ જોતો કહેતો હતો કે જો પાંચ મિનિટ થઇ. દસ મિનિટ થઇ ગઈ. છોકરાએ વિચાર્યું અત્યારે જોઈ તો લઉં પછી તો અહીં રહેવા નહિ દે. આ રીતે જોતા જોતા તો પચ્ચીસ મિનિટ થઇ ગઈ એટલે તેને  બહાર નીકળી  જવા કહેવાયું. હવે તે એક પણ વસ્તુને અડકી નહિ શકે.

હવે એ છોકરાને ત્રીજી દુકાન બતાવવામાં આવી અને  કહેવામાં આવ્યું કે એ દુકાનમાં તેને  એક કલાકનો સમય આપવામાં આવશે. પ્રથમ દુકાનમાં વસ્તુઓ ઘણી કિંમતી હતી, પણ સજાવટ ઓછી હતી. બીજી દુકાનમાં સજાવટ તો વધારે હતી પરંતુ વસ્તુઓ ઓછી કિંમતની હતી. ત્રીજી દુકાન તો અતિશય લાંબી હતી. તેમાં ખાવા પીવાની, પહેરવા-ઓઢવાની વગેરે સેંકડો ચીજવસ્તુઓ હતી. મોટર, સ્કૂટર, સાઈકલ વગેરે જુદી જુદી વસ્તુઓ હતી. અવનવા નાચ-ગાન ચાલી રહ્યા હતાં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ – જેવી પાંચ વિષયો જેવી અવનવી વસ્તુઓ ત્યાં હતી. છોકરો આ બધી વસ્તુઓમાં જ લીન થઇ ગયો. એ તો ગાડીમાં, ઘોડાગાડીમાં, હીંચકાઓ પર ઝૂલતો; કોઈવાર નાટક જોવે છે તો કોઈવાર સિનેમા, એને તો ત્યાં એવી વસ્તુઓ જોઈ, જે અગાઉ એણે ક્યારેય જોઈ નહોતી કે તેના વિશે સાંભળ્યું નહોતું. સાથે રહેલાં માણસે કહ્યું કે જો પહેલી દુકાન ગઈ, બીજી પણ ગઈ અને હવે આ ત્રીજી દુકાન પણ જઈ રહી છે. હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે. હવે જલ્દીથી પાછો વળી જા. આ દુકાનમાંથી નીકળતા-નીકળતા તો સમય પૂરો થઇ ગયો. દુકાનમાંથી નીકળતી વખતે ત્યાં પડેલો એક કોથળો તેણે ઉપાડી લીધો. દુકાનમાંથી બહાર આવીને કોથળામાં જોયું તો ખોટા-સિક્કાઓ, લોખંડની પટ્ટીઓ અને પથરા ભરેલા હતાં.

વૃદ્ધ માલિકે પોતાના નોકરોને સૂચના આપી રાખી હતી કે એ જે જે વસ્તુઓ દુકાનમાંથી લે, તેની જાણ તેમને  કરવી; (મને આપતા રહેવી) છેવટે નોકરોએ માલિકને ખબર આપ્યા કે તેણે દુકાનમાંથી કશું લીધું નથી. આ કોઈ કામનો માણસ નથી. છોકરો ખાલી હાથે ત્યાંથી પાછો ફર્યો.

જે ભાઈ-બહેન આ વાર્તા વાંચી રહ્યા હશે, એના મનમાં તો એમ થતું હશે કે આપણને એવી દુકાન મળે ને તો આંખો મીંચીને સારી-સારી વસ્તુઓ તેઓ બહાર ફેંકી દે.

હકીકતમાં તો આપણું મનુષ્યજીવન જ એ દુકાન છે. આપણા જીવનના પ્રથમ પંદર વર્ષ એ પેલી દુકાન છે. પચ્ચીસ વર્ષ એ બીજી દુકાન છે; અને અંતિમ સાઇંઠ વર્ષ ત્રીજી દુકાન. જીવનના પ્રથમ પંદર વર્ષ રમવા-કુદવામાં વીતી જાય છે. તેના પછીના પચ્ચીસ વર્ષ ગધાપચ્ચીસી કહેવાય છે. જેમાં મનુષ્ય સ્ત્રી, ધન, વિ.ના ચક્કરમાં ફસાઈ જાય છે. ભજન કરવાનો તેને  સમય જ મળતો નથી. અગર જો તે એ સમયે સાધનભજન કરે તો સાધાનાપચ્ચીસી થઇ જાય. જે કોઈ આ પચ્ચીસ વર્ષોમાં સાધન-ભજન ના કરે, તે વૃધ્ધાવસ્થામાં પણ સાધનભાજન ન કરી શકે. ચાલીસ વર્ષની અવસ્થામાં આવતાં જ તેને પોતાનાં  પુત્ર – પુત્રીઓનાં લગ્ન વિવાહની ચિંતા સતાવ્યા લાગે છે. એમનાં વિવાહ કાર્ય પછી તો કુટુંબ બહોળું થઇ જાય છે. કુટુંબની જવાબદારી વધી જાય છે. પછી ભજન કરવાનો સમય જ ક્યાંથી મળે ? આ પ્રકારની ઉપાધિઓમાં ફસાઈને મનુષ્ય પોતાનું આ અમૂલ્ય જીવન વેડફી નાખે છે.


ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....