ત્રણ લઘુકથાઓ – ડૉ. ચારૂતા એચ. ગણાત્રા…

ત્રણ લઘુકથાઓ …
ડૉ. ચારૂતા એચ. ગણાત્રા…

 

 

[૧] બારી

 

એ બારી હંમેશા બંધ રહેતી. નાનપણથી જ હું જોતો આવ્યો છું કે એ બારી હંમેશા બંધ હોય છે. ‘શું હશે એ બારીની બીજી તરફ ?’ બાળસહજ મારા મનમાં એ પ્રશ્ન જરૂર થતો. પણ એ બારી ક્યારેય ન ખુલતી. ક્યારેક કોઈને કહેતા સાંભળ્યા હતા કે બારીની પેલી તરફ કંઈક ભયાનક છે. પણ કોઈ સરખો જવાબ ન દેતા. એક દિવસ તો ઠપકો પણ મળ્યો કે :
‘ખબરદાર, બારી વિષે એક વાત પણ વિચારી છે તો ! આપણાં પૂર્વજોનાં જમાનાથી કોઈએ આ બારી ખોલી જ નથી.’
કોઈએ બંધ બારી ન ખોલી હોય તો શું થયું ? શું મારે પણ બારી ન ખોલવી ?! ફક્ત કોઈ કાલ્પનિક ભયથી પીડાઈને આ બારી બંધ જ રાખવી !! પણ મારો બળવાખોર સ્વભાવ બધા ઓળખી ગયા હતા. માટે બારી વિષેની ડરામણી વાતોથી માંડીને મારી ઉપર વર્તાતી કડકાઈમાં વધારો થતો ચાલ્યો. માનવનો સ્વભાવ એવો હોય છે કે જે વસ્તુની ‘ના’ પાડો એ વસ્તુ વારંવાર કરવાનું મન થાય. મને પણ બારી ખોલવાનું મન થતું. વધુ ને વધુ પ્રબળતાથી બારી ખોલવાનું મન થતું.
અને…

 

એક દિવસ…

 

ઘરે કોઈ નહોતું. મને કોઈ એકલા ન છોડતા, પણ આજે અનાયાસે ઘરે કોઈ નહોતું. ધીમે ધીમે મેં ડગલા બારી તરફ માંડ્યા. ચોર નજરે આજુબાજુ જોઈ લીધું કે કોઈ આવતું તો નથી ને ! દરેક ડગલે મનમાં રોમાંચ વધતો જતો હતો. ક્ષણેક અટક્યો. વિચાર પણ આવી ગયો કે કંઈક અજુગતું બન્યું તો ? ખરેખર કંઈક ‘ભયાનક’ હશે તો ? પણ એ વિચાર ખંખરી ફરી આગળ વધવા લાગ્યો. દરેક ડગલે વધતા હૃદયનાં ધબકારા, વધતો રોમાંચ… અને ક્યારે મેં બારી ખોલી નાખી એ યાદ ન રહ્યું….

 

પણ…

 

….બારીની બીજી બાજુ તો હતું એક પ્રેમ ભર્યું આકાશ… લહેરાતા વૃક્ષો… કુદરતનું અનુપમ સૌંદર્ય, મ્હોરતા ફુલો, ચહેકતા પક્ષીઓ… ઘણું ઘણું… અને સાથે… અદ્દભુત આનંદ, નિતાંત શાંતિ… મનનો રહ્યો સહ્યો ભય પણ ચાલ્યો ગયો…અને હું બોલી ઊઠ્યો : ‘આ તો મારા જ મનની બારી છે…’ કુદરત અને મારી વચ્ચે મારા મનની આ બંધ બારીનો જ પડદો હતો. કૃત્રિમતાનાં ઘરમાં એક બારી તો કુદરત તરફની હોય જ છે. બસ, જરૂર હોય છે એ બારીને ખોલવાની અને આપણી ભીતર કુદરતને આવકારવાની….

 

તમે એ બારી ખોલી કે નહીં ?! કુદરત છે તમારી પ્રતિક્ષામાં…

 

 

[૨] અભૂતપૂર્વ

 

 

એ તદ્દન નિ:રસ દિવસ હતો. સવાર પડી પણ ઊઠી ન શકાયું. અને આંખ ખૂલી ત્યારે સવારના આઠ વાગી ગયા હતા. કસરત પણ ન થઈ અને ઑફિસે જવાની સાડાસાતની ટ્રેઈન ચુકી ગયો. ઑફિસે ફરજીયાત રજા લેવી પડી. શું કરવું ? ઘરે એકલો હતો. સારા જોવા જેવા કોઈ પિક્ચર પણ નથી આવ્યા. આજનો દિવસ તો નક્કામો ગયો જ સમજી લેવાનો. ચાલો, છાપાનાં પાનાઓ ફેરવું….!

 

 

છાપાનાં રોજિંદા સમાચારનાં પાના ઉપર કંઈક એવું લખ્યું હતું કે મારો ચહેરો ખીલી ઊઠ્યો. શરીરની અને મનની આળસ દૂર થઈ ગઈ. જલ્દીથી તૈયાર થઈ ગયો. હા, ત્યાં સાડાનવે પહોંચવાનું હતું અને પછી આખો દિવસ ત્યાં જ. સાંજે છુટ્ટા પડવાનું નક્કી કરેલું હતું. રસ્તામાં એક જ વિચાર આવતો હતો કે ત્યાં જઈ કોને મળીશ ? કોઈ ઓળખીતું હશે કે કેમ….! કોઈ પરિચિત….કોઈ મિત્ર ? વિચારોમાં હું ત્યાં પહોંચી ગયો. દરવાજા પર જ સસ્મિત મારું સ્વાગત થયું. મારા હાથમાં એક પુષ્પ મુકીને મને સુપ્રભાત પાઠવ્યા. મારું મન હસી પડ્યું, પણ કોઈ પરિચિત વ્યક્તિ ન દેખાણી…!

 

 

ખેર ! એ જગ્યા ક્યાં મારા માટે અપરિચિત હતી….એ તો હતી મારી પોતાની જ શાળ… આજે હતું શાળાનાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન. નોકરીનું વળગણ એટલું ગજબનું હતું કે છાપું વાંચતો છેક સાંજે. આ તો અનાયાસે છાપુ હાથમાં આવી ગયું. રજા પણ પડી ગઈ અને…

 

 

‘સુજીત… સુજીત….! અહીં ઉપર છીએ… આપણાં જૂના વર્ગમાં….’ મારા જૂના મિત્રોનાં પોકાર મને સંભળાયા. બારમાં ધોરણમાં શાળા છોડી એ સમયે જે સ્ફૂર્તિ હતી એ જ સ્ફૂર્તિથી હું પહોંચી ગયો અમારા વર્ગમાં.

 

 

‘આપણા નામ હજી કોતરાયેલા છે…?’

 

 

‘હા, જો ઈશાંતનો ‘આઈ’, પ્રકાશનો ‘પી’ અને તારો? ?સુજીતનો ‘એસ’. બધા સાથે મળીને આઈ.પી.એસ. જો આ રહ્યા આપણાં નામ… ફરક એટલો છે કે શાળાની બેન્ચ પર નહીં શાળાની પત્રિકામાં છે આપણાં નામ… પત્રિકામાં લખ્યું હતું : ‘અમારી શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ…’ અને મારા-અમારા જેવા ઘણાં વિદ્યાર્થીઓનાં ફોટા હતાં. અમારા આચાર્ય પણ હાજર હતા અને તેમણે સંબોધ્યા, ‘આ અમારી શાળાના ભૂતપૂર્વ નહીં, અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ? છે…’

 

 

મિત્રો સાથેની વાતચીત-મજાક, શિક્ષકોને મળવાનું અને શાળાનું વાતાવરણ…! એ દિવસની સાંજ ક્યાં પડી ગઈ એ ખબર જ ન પડી. પણ આ એક દિવસે મને જાણે આખા વર્ષની સ્ફૂર્તિ આપી દીધી. મિત્રો સાથે સરનામા, ફોનનંબરની આપ-લે કરી એ દિવસની યાદ ને મનમાં ભરી લઈ ઘરે આવ્યો.

 

 

….અને માનશો ! મારો આજનો દિવસ ખુબ સરસ પસાર થયો.

 

 

[૩] વરદાન …

 

 

‘મનુષ્ય રૂપે તું જન્મ લેવા જઈ રહ્યો છે. બોલ, તારી સાથે તું શું લઈ જવા માગે છે ?’ ઈશ્વરે પોતાના દરબારમાં ઉભેલા મનુષ્યોની કતારમાં આ પ્રશ્ન પુછ્યો.
‘ખૂબ પૈસા….’
‘પ્રતિષ્ઠા…’

 

‘અભ્યાસ…..’

 

દૂર દૂરથી અવાજો સંભળાવા લાગ્યા. ઈશ્વરે દરેકને યોગ્યતા પ્રમાણે ‘તથાસ્તુ’ કહી આશીર્વાદ આપ્યા.

 

‘તું કંઈ નથી બોલતો, પુત્ર ?’ ઈશ્વરનો પ્રેમાળ સ્વર સંભળાયો.

 

‘પ્રભુ ! હું આશિષ માગતાં અચકાઉં છું….’

 

‘જેમની યોગ્યતા હતી તેમને જ તો મેં આશીર્વાદ આપવા અહીં બોલાવ્યા હતા. દરેક પરિસ્થિતિને પોતાની રીતે પરિવર્તિત કરવાનો અધિકાર તો ઈશ્વર પણ નથી આપતા…..’

 

‘પ્રભુ મારે… અમરત્વનું વરદાન જોઈએ છે….’
 આકાશે એક ધડાકો થયો….

 

‘શું માંગી રહ્યો છે તું ?’ ઈશ્વરનાં પ્રેમાળ સ્વરનું સ્થાન ક્રોધે લઈ લીધું, ‘અશક્ય વરદાન તું માગી રહ્યો છે. ઘોર તપસ્યા કરનાર પણ અમરત્વનું વરદાન નથી મેળવી શકતા?’

 

‘પ્રભુ ! ….ક્ષમા પ્રભુ… પણ મારી માગણી અધુરી છે….’

 

‘હજી પણ તું કંઈ માંગવા ઈચ્છે છે …’ ઈશ્વરનો સ્વર વધુ ક્રોધિત બન્યો.

 

‘હા…’ એક નિર્ભિક સ્વરનો પડઘો પડ્યો.

 

ઈશ્વર પણ એક ક્ષણ માટે વિચારમાં પડ્યા અને છેવટે તેને વરદાન માગવાની અનુમતિ મળી.

 

‘પ્રભુ ! તમારી વરદાન આપવાની કૃપાની અવગણના કરવાનો કોઈ ઈરાદો નહોતો. પણ, મારા શબ્દોને યોગ્ય રીતે રજુ ન કરી શક્યો… જીવનભર નાદ બ્રહ્મની ઉપાસનાનું મને વરદાન આપો… શબ્દદેહે અને સ્વરદેહે હું અમરત્વ ઈચ્છું છું, પ્રભુ…! ઈશ્વરને પ્રિય, ઈશ્વરની સમીપ હોય તેવા કલાકાર તરીકે હું અમરત્વ ઈચ્છું છું…!’

 

‘તને વરદાન છે… તથાસ્તુ…’ પ્રભુનો માધુર્યભર્યો કોમળ સ્વર સંભળાયો. સર્વત્ર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. વાતાવરણ તરલ અને સુગંધી બની ગયું.

 

…અને પૃથ્વી પર તેનો જન્મ થયો. તેના વિષે કહેવાયું કે જેના રૂદનમાં પણ સુર પ્રગટતા. જેના સ્વરમાં માધુર્ય પ્રગટતું અને જેના શબ્દોમાં કલા પ્રગટતી. જેના હાથમાંથી સંગીતવાદન વહેતું અને પગમાં નૃત્ય રમતું. કદાચ ઈશ્વરની સાધનામાં આનંદ મળતો હશે, પણ ઈશ્વરને પ્રિય એવી કલાની સાધનામાં અભુતપૂર્વ દિવ્યાનંદની અનુભૂતિ થવા લાગી. ઈશ્વર દ્વારા મળેલું અમરત્વનું વરદાન લઈ જન્મતા મનુષ્યો, મહાન કલાકારો અમસ્તા જ નહીં બનતા હોય….!!

 

 

[વ્યવસાયે હોમિયોપેથી ડૉક્ટર એવા ડૉ.ચારૂતાબેનની (રાજકોટ) કૃતિઓ જનકલ્યાણ સહિત અન્ય અનેક સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. રીડગુજરાતીને આ સુંદર લધુકથાઓ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે [email protected] અથવા આ નંબર પર +91 281 2467109 સંપર્ક કરી શકો છો.]

 

 

સાભારઃhttp://readgujarati.com

 

બ્લોગ લીંક : http://das,desais.net
email : [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • ડો. ચારુતાબેન,
  આપની ચારુતા ભરી વાતો મનને ખુબ સ્પર્શી ગઈ. બારી લઘુકથા તો અત્યારે જ કદાચ દરેકના જીવનને લાગે પડે તેવી છે. આપણે જીવનની દોડાદોડમાં મનની બારી ખોલીને કુદરતને માણવાનુ સદંતર ભુલી ગયા છીએ.

  • Ashok Desai

   રાજુલબેન,

   આપની રજૂઆત હકીકત છે, આપણે સદંતર મનની બારી ખોલવાનું ભૂલી અને ભૌતિકતા તરફ દોટ મૂકેલ છે તેથી જ તો કૂદરત વિસરાઈ ગયો છે.

   આભાર !