લઘુકથાઓ … (પ્રેરક પ્રસંગો) સંકલિત…

લઘુકથાઓ  … (પ્રેરક પ્રસંગો)  સંકલિત…

 

[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાંથી સાભાર.]

 

[૧]

 

ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા, ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું : ‘આટલા બધા તલ્લીન શાના વિચારમાં થઈ ગયા છો આજે ?’
‘મેં એક વિચિત્ર શોધ કરી છે? રસેલે જવાબ વાળ્યો, ‘જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી નથી, અને મારા માળી સાથે વાત કરતી વેળા એથી ઊલટી જ વાતની ખાતરી મને થાય છે.’

 

[૨]
હજરત મહંમદ પેગંબર સાહેબ પોતાની સાથે અબુબકરને લઈને મક્કા છોડીને ચાલ્યા ગયા, ત્યારે કુરેશો તેમને પકડવા તેમની પાછળ પડ્યા. એટલે હજરત મહંમદ સાહેબ અને અબુબકર રસ્તામાં આવેલી એક ગુફામાં સંતાઈ ગયા. કુરેશોને પાછળ પડેલા અને નજીક આવતા જોઈને અબુબકર બોલ્યા : ‘હજરત સાહેબ, આપણે ફક્ત બે જ જણા અહીં છીએ અને દુશ્મનો તો ઘણા છે. શું થશે ?’
હજરત મહંમદ સાહેબ બોલ્યા : ‘શું?’ આપણે ફક્ત બે જ જણા છીએ ? યાની અલ્લાહ નથી ? આપણે બે નથી, ત્રણ છીએ.’

 

 

[૩]
એકવાર મહાન સાધ્વી રાબિયા પાસે સત્સંગ કરવા કેટલાક ભક્તો આવ્યા, અને ખુદાની બંદગી તેમજ પવિત્ર કુરાનના પાઠની વાત કરી. રાબિયાએ પૂછ્યું :
‘ભાઈ, ખુદાની બંદગી તમે શા માટે કરો છો ?’
એક કહે : ‘ખુદાનું નામ લઈએ તો નરકમાં દુ:ખો ભોગવવાં ન પડે.’
બીજો કહે : ‘હું તો જન્નતમાં સુખ મેળવવા ખુદાનું નામ લઉં છું.’
રાબિયા કહે આ વાત બરોબર ન કહેવાય. પછી કહે, ભાઈઓ,
જ્યારે હું નાની હતી, ત્યારે એક શેઠને ત્યાં ગુલામડી તરીકે કામ કરતી હતી. ત્યાં બીજા પણ ગુલામો હતા. તેમાંના કેટલાક ગુલામો શેઠ ગુસ્સે થશે અને એ સજા કરશે એ બીકના માર્યા કામ કરતા હતા, અને કેટલાક ગુલામો માલિકને ખુશ કરવા કામ કરતા હતા. આ બન્ને પ્રકારના ગુલામો શેઠની હાજરીમાં તો બરાબર કામ કરતા પણ શેઠ હાજર ન હોય ત્યારે કામચોરી કરતા.

 

ભાઈઓ, ખુદા આપણો માલિક છે. તે આપણને નરકમાં નાખશે એવા ભયથી કે સ્વર્ગમાં સુખ આપશે તેવી લાલચથી તેની બંદગી ન કરવી જોઈએ. પરંતુ સર્વવ્યાપી પરવરદિગારને યાદ કરતાં આપણા દિલમાં પ્રેમભક્તિની ભરતી આવવી જોઈએ. ખુદાને યાદ કર્યા વિના એક ઘડી પણ ન રહેવાય એવી તાલાવેલી પેદા થવી જોઈએ.

 

 

[૪]
એક નાનકડો છોકરો નિશાળમાં કોઈ એક સહપાઠી સાથે ઝઘડ્યો હશે. ઘેર આવી મનોમન બબડવા લાગ્યો : ‘બદમાશ ! હરામખોર ! હું તને મારી નાખીશ.’ મા સાંભળી ગઈ. કશું બોલી નહિ પણ છોકરાને પાસેના પહાડોમાં લઈ ગઈ. એક ઊંચા પહાડ પર ચડી તેણે છોકરાને કહ્યું : ‘બેટા, તું ઘરમાં શું બબડતો હતો ? અહીં એ બધું છાતી ફાડીને બોલી નાખ.’ છોકરો પહેલાં તો શરમાયો પણ માએ આગ્રહ જારી રાખ્યો. સામે વિશાળ ખીણ પથરાયેલી હતી અને ત્યાર પછી ઊંચા પહાડ માથું કાઢીને ઊભા હતા. છોકરાએ બૂમ પાડી કહ્યું : ‘બદમાશ !’ સામેથી એવો જ અવાજ આવ્યો : ‘બદમાશ !’ છોકરો બોલ્યો : ‘હું તને મારી નાખીશ.’ જાણે સામેના પહાડો છોકરાને મારી નાખવા ધસમસતા હોય એવા પડછંદા પડ્યા : ‘તને મારી નાખીશ.’

 

છોકરો આ પડઘાનો નિયમ જાણતો હતો. પણ એ વખતે એ નિયમ તેના હૃદયમાં ઘર કરી ગયો. માએ કહ્યું, ‘બેટા, હવે જોરથી બોલ તો ! ભાઈ તું મને ખૂબ વહાલો છે. તારું ભલું થાય.? સામેથી એ જ શબ્દો ઉછળતા આવ્યા. માએ કહ્યું : ‘આ નિયમ કદી ન ભૂલતો.’

 

[૫]

 

એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું?’ ધર્મગુરુએ સલાહ આપી : ‘ચાલો, આપણે સહુ પ્રાર્થના કરીએ.’ આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ સહુ આવ્યાં. એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેની મશ્કરી કરી, ‘વરસાદનું ઠેકાણું નથી, અને જુઓ આ છોકરી તો છત્રી લાવી છે !’ ધર્મગુરુએ પણ પૂછ્યું, ‘બેટા, છત્રી કેમ લાવી છે ?’ એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી, ‘તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને ? તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું !’ પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા ?

 

 

[૬]
એક હતું ફૂલ.
એ કહે : ‘મારી સુગંધ હું મારી પાસે જ રાખીશ, મારી તિજોરીમાં રાખીશ. હું એનો એકલો માલિક બનીને રહીશ. બીજા કોઈને તે નહીં આપું ! સુગંધને મારા ઘરમાંથી બહાર નીકળવા જ નહીં દઉં તો !’ સુગંધને બંધ રાખવા એણે પાંખડીઓની દિવાલો રચી, પણ સુગંધ તો રોકાઈ રહી નહીં. દિવાલો ભેદીને એ બહાર નીકળી અને પવન પર સવાર થઈને ચાલી.
ફૂલ માથું હલાવી, હાથ વીંઝીને કહે : ‘અરે મારી સુગંધ, મારી દીકરી, તું પાછી આવ, તારે ક્યાંય જવાનું નથી? તું મારા ઘરમાં ને ઘરમાં રહે બેટા ! હું તને ખૂબ સાચવીને રાખીશ.’ ફૂલ બૂમો પાડતું જ રહ્યું, પણ સુગંધે કંઈ સાંભળ્યું નહીં.
સુગંધની વાતોનો જવાબ આપ્યો પવને.
તેણે કહ્યું : ?અરે ભાઈ ફૂલ, જે સુગંધ તારું ઘર મેલીને બહાર નીકળે છે તેને લોકો તારી સુગંધ કહે છે; જેને તું ઘરમાં પૂરી રાખે છે તેને કોઈ સુગંધ કહેવાનું નથી.?
હવે ફૂલે સુગંધને કહ્યું : ‘જા બેટી, મા-બાપનું નામ રોશન કર !’
(રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. રમણલાલ સોની)

 

 

[૭]
પોતાના નિધનની પૂર્વસંધ્યા. 1902. દરિદ્રનારાયણની પૂજાનો, વેદાંતપૂજાનો નવો વિધિ વિવેકાનંદે કર્યો. મઠમાં કામ કરતા આદિવાસી સાંતાલ શ્રમિકો સાથે એમણે પ્રેમથી વાતો કરી અને સૌને મઠનો પ્રસાદ લેવા વિનંતી કરી. રોટલી, દાળ, ભાત, મિઠાઈ, દહીં વગેરે જે સૌને પીરસાતું હતું તેનું જાતે નિરીક્ષણ કર્યું. ભરપેટ જમાડ્યા પછી સ્વામીજીએ તેમને કહ્યું : ‘તમે સૌ નારાયણ છો, પ્રગટ ઈશ્વર છો, મેં નારાયણને જમાડ્યા છે.’ પોતાના શિષ્યને કહ્યું, ‘તેમનામાં મને મૂર્તિમંત ઈશ્વર દેખાતો હતો. આટલી સરળતા, આટલો નિર્વ્યાજ પ્રેમ મેં બીજે કશે જોયેલ નથી.’ મઠના સાધુઓ તરફ મુખ ફેરવી સ્વામીજી બોલ્યા : ‘એ લોકો કેટલા સરલ છે તે જુઓ. એમનું થોડુંક પણ દુ:ખ તમે દૂર કરી શકશો ? નહીં તો ભગવા પહેરવાનો શો અર્થ છે ? ખૂબ તપ પછી હું આ સત્ય સમજ્યો છું. દરેક જીવમાં શિવ વસે છે એ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જીવસેવા ખરે જ શિવ સેવા છે.’

 

 

[૮]
એક વખત એક માણસ ગ્રીસ દેશના મોટા તત્વજ્ઞાની ડાયોજિનીસ પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો : ‘તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું; તેમની સાથે તત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.’
ડાયોજિનીસ ધીમે સ્વરે બોલ્યા : ‘એમ ‘! મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું; તેમની સાથે ઘણી ઘણી વાતચીત પણ કરી છે. પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !’

 

 

[૯]
હાતીમભાઈ ? બહુ પરોપકારી, વિશાળ હૃદયના. કોઈએ એમને પૂછ્યું : ‘તમારા કરતાં, વધુ યોગ્ય માણસ તમે જોયો છે ?’
‘ઘણાં હશે.? જવાબ મળ્યો, ‘પરંતુ એક અનુભવ કહું ? એક વાર મેં જબરજસ્ત મીજબાની લોકોને આપેલી. ચારેબાજુના વિસ્તારના લોકોને નોંતર્યા હતા. મારે એ જ દિવસે અચાનક જંગલમાં, કંઈ કામે જવાનું થયું. એક કઠિયારો, માથે લાકડાંનો વજનદાર ભારો. મેં પૂછ્યું, ‘તમે હાતીમની મીજબાનીમાં ન ગયા ?’ કઠિયારાએ જાણે શાસ્ત્ર કહ્યું, ‘જે પસીનો ઉતારીને પોતાનો રોટલો રળે છે એને હાતીમને ત્યાં જવાની શી જરૂર ?’

 

 

[૧૦]
નાની આવકમાં મોટા કુટુંબની જવાબદારી અને અન્ય સાંસારિક ઉપાધિઓથી વાજ આવી ગયેલા એક ભક્તે શ્રી રમણ મહર્ષિ આગળ પોતાનું દુ:ખ રડતાં અકળાઈને કહ્યું : ‘આના કરતાં તો આ જિંદગીનો અંત લાવવાનું મન થાય છે.’ મહર્ષિ તે વેળા પાંદડાની પતરાવળીઓ બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું : ‘પહેલાં આ પતરાવળીઓ ઊકરડે ફેંકી આવ, પછી આપણે વાત કરીએ.’ એ સાંભળી સ્તબ્ધ થયેલા ભક્તે કહ્યું : ‘આપે આટલા શ્રમથી બનાવેલી પતરાવળીઓ વાપર્યા વિના જ ઊકરડે ફેંકી દેવાનો શો અર્થ ?’ મહર્ષિએ હસીને કહ્યું : ‘તો પછી આપણને મળેલા અલભ્ય જીવનનો યોગ્ય ઉપયોગ ન કરતાં તેનો અંત આણવાનો વિચાર મૂર્ખાઈ નથી ?’ અને પેલા નૈરાશ્યવાદી ભક્તનો જીવન પ્રત્યેનો દષ્ટિકોણ બદલાઈ ગયો.

 

 

સાભારઃhttp://AksharNaad.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

  • shashikant

    sona ma sugandh jeva prasango 6e