વચન પાલન …

વચન પાલન …

 

 

આપણે એ જાણીએ જ છીએ કે પાંડવોએ ૧૩ વરસ સુધી વનવાસ ભોગવ્યો. અર્જુને માત્ર વચન ખાતર જ માત્ર એકલા જ વનવાસ ભોગવ્યો હતો કે જેની કથા આ પ્રમાણે છે.

 

દ્રૌપદીના પાંડવો સાથેના લગ્ન કંઇક અનોખી રીતે થયા હતા પરંતુ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ન્યાયપુર્ણ પણ હતા. દ્રૌપદી એ એક મહાન પતિવ્રતા છે અને તેના વખાણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી પણ સાંભળવા મળે છે. દ્રૌપદી અને પાંડવોના લગ્નની ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ ન્યાયપુર્ણતા નીચેના કારણોથી મુલવી શકાય છે.

 

૧. કુંતી માતા કે જેઓને ખોટુ શું છે એ જ ખબર નહોતી તેમણે પોતાના સંતાનોને આ લગ્ન માટે સંમતિ આપી.

 

૨. મહર્ષિ વ્યાસ કે જેઓ ભગવાન વિષ્ણુના એક અવતાર છે તેઓએ આ લગ્ન માટેનો આદેશ આપ્યો.

 

૩. ભગવાન શિવ દ્રૌપદીના તપથી પ્રસન્ન થઇને દ્રૌપદીને પાંડવો સાથે લગ્ન કરવા માટે આશિષ આપે છે.

 

૪. પાંડવો દૈહિક રીતે પાંચ હતા પરંતુ તેઓ ઇન્દ્રનો અંશ હોવાથી એક જ હતા.

 

નારદજી કે જેઓ ભગવાનનું મન કહેવાય છે તેઓએ પાંડવો અને દ્રૌપદીએ સાથે રહેવા માટેના કેટલાક નિયમો ઘડી આપ્યા. કારણકે પાંડવો અને દ્રૌપદી ભલે તેઓ દૈવિક અંશ હતા પરંતુ તેઓ મનુષ્યરૂપે અવતર્યા હોવાથી મનુષ્યધર્મનું પણ પાલન કરવુ જ રહ્યુ. તેમાંનો એક નિયમ એવો હતો કે દ્રૌપદીએ એક વર્ષ એક પાંડવ સાથે રહેવાનું અને જ્યારે દ્રૌપદી એક પાંડવ સાથે હોય ત્યારે બીજા ભાઇઓએ મહેલમાં પ્રવેશ કરવો નહી. આ નિયમનો ભંગ કરવાની સજા રૂપે એક વર્ષનો વનવાસ વેઠવાની સજાનું નક્કી કર્યુ.

 

દ્રૌપદી અને પાંડવો સુખેથી દિવસો પસાર કરતા હતા. એક દિવસ એક બ્રાહ્મણ દોડતો દોડતો અર્જુન પાસે આવ્યો અને ફરિયાદ કરી કે એક ચોર તેની ગાયો ચોરીને લઇ જાય છે. અર્જુન ચોરને પકડવા માટે તત્પર થયો પરંતુ તેને યાદ આવ્યુ કે તેના ધનુષ્ય અને બાણ યુધિષ્ઠિરના મહેલમાં છે અને યુધિષ્ઠિર અત્યારે દ્રૌપદીની સાથે છે. પ્રથમ તો અર્જુનને ખચકાટ થયો પરંતુ બ્રાહ્મણની આજીજી સાંભળીને પોતે યુધિષ્ઠિરના મહેલમાં જઇને પોતાના ધનુષ્ય અને બાણ લઇને ચોરને પકડવા માટે ગયો. ચોરને પકડી યોગ્ય દંડ આપીને બ્રાહ્મણને ગાયો પાછી આપી. યુધિષ્ઠિરને નિયમભંગની સઘળી હકિકત જણાવી. ધર્મરાજ યુધિષ્ઠિર હકિકત જાણીને?અર્જુનને કહ્યુ કે તેને વનવાસની જરૂર નથી. એક ઉમદા કાર્ય માટે તેણે નિયમ તોડ્યો હોવાથી અર્જુન માફીને લાયક છે. પરંતુ અર્જુન વચન પાલનનો આગ્રહી હોવાથી તરત જ વનવાસ માટે રવાના થયો.

 

વાર્તામાંથી મળતો બોધ : 

 

  • વચન પાલન ખુબ જ મહત્વનું છે. ગમે તેવા કપરા સંજોગોમાં પણ વ્યક્તિએ ક્યારેય વચનભંગ કરવો ન જોઇએ.

 

  • અર્જુનને સજાની ખબર હોવા છતાં એક રાજા તરીકેના કર્તવ્યપાલનથી સહેજ પણ ડગ્યો નહી.

 

  • આવા લોકો માટે તત્કાલિન પરિસ્થિતિ કપરી બની જાય છે પરંતુ અંતમાં ભલુ તો તેઓનું જ થાય છે.

 

સંદેશ :

 

  • જો દરેક વ્યક્તિ વચન પાલનનો આગ્રહી હોય અને હંમેશા સત્ય બોલતો હોય તો સમાજમાંથી ભ્રષ્ટાચાર નિકળી જશે. આ કામ મુશ્કેલ જરૂર છે પરંતુ અશક્ય નથી.

 

  • જો દરેક વ્યક્તિ પોતાની ફરજ બજાવતો હોય તો કોઇ પણ સમાજ આસાનીથી?અસાધારણ પ્રગતિ કરી શકે છે.

 

  • ક્ષણિક જુઠ હંમેશા ક્ષણિક લાભ અપાવે છે?જ્યારે ક્ષણિક સત્ય પણ સનાતન હોય છે.

 


સાભારઃવિશાલ મોણપરા
http://www.gurjardesh.com

બ્લોગ લીંક : http://das.desais.net
email: dadimanipot[email protected]

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....