મારે ઠાકોરજી નથી થાવું રે..

By: | Post date: December 15, 2017 | Comments: No Comments

Posted in categories: Uncategorized Uncategorized

ભક્ત-ભક્તિ અને ભગવાનની રાસલીલા જોઇને થયું કે લાવને હુંય એક આટો મારી લઉં.
દિલ-દિમાંગમાં થોડી ગડમથલ થઇ ને થયું લાવ થોડું લખીને એને જરા થબથબાવી લઉં.

હું એ બરાબર જાણું છું કે કોઈપણ સંપ્રદાયમાં ઊંડા ઉતરવા માટે સાહસ, સામર્થ્ય, શક્તિ, શિક્ષણ, સમજ ને ધીરજ જોઈએ, જે મારી પાસે જરા પણ નથી, આમ છતાં જરા છબછબીયા કરી લેવાની થોડી હિંમત એકઠી કરી છે.

ભગવાન વલ્લભાચાર્યજી -ચૈતન્ય મહાપ્રભુજીને ખુબ આદર અને અતઃકરણથી વંદન, જેઓએ ભક્તિને સબંધ અને સેવા દ્વારા એક નિરાળું લાવણ્ય આપ્યું છે. ‘સબંધ’ સબંધ જીવન મધુર બનાવવા માનવીય માનસ માટે મહત્વનું પાસું છે, અને સબંધ બાંધવો જ છે તો જેના તેના સાથે શા માટે? પરમ પિતા – પરમ તત્વ સાથેજ બાંધવો અને એ પણ સૌથી મીઠ્ઠો, માં અને બાળકનો! મહાપ્રભુજીએ ભક્તની છાતીમાં સતી અનસુયા જેવી જીગર ભરીને એક ખુમારીનો કેફ ચડાવી દીધો!! એને હાક મારી કે પરમ પિતાને જ તારો બાળક બનાવી દે! દેવકી અને યશોદા જેટલો આનંદ, ઉત્સવ, સૌભાગ્ય અને સમૃદ્ધિથી જીવન ભરી દે!! આમ એણે બાળ કૃષ્ણની મૂર્તિમાં એવા પ્રાણ પૂર્યા કે ભગવાન ભક્ત માટે બાળક બની ગયા અને ભક્ત પોતાને ગોપી, યશોદા કે દેવકી સમજીને પોતાને અને જીવનને ધન્ય કરતો ગયો! અને બ્રહ્મ સાથે જેને સબંધ બંધાય એના મિજાજનું તો પછી પુછવું જ શું?

‘સેવા’, બાળ સ્વરૂપ ભગવાનને ભક્તિ કરતા સેવા અને સંભાળ વધારે જરૂરી હોય એ સમજાય, વળી એ પણ છે કે એ જગન્નાથ, ત્રિલોક પતિ છે તેથી એ રાજા-બાળ ઠાકોર છે. બાળક પણ છે અને રાજા પણ, એના મોભા મુજબ એની સેવા થવી જોઈએ, એની એકેક જરૂરત, સગવડ અને સારસંભાળ ખુબજ કાળજીથી, લાડથી અને ચોક્કસાઈથી થાય એ મહત્વનું છે.
એક છોકરી પહેલી વાર માં બને ત્યારે જેમ એની સાસુ અથવા એની માં એને બાળકને કેમ તેડવું, કેમ ખવરાવવું, કેમ નવરાવવું, કેમ સુવરાવવું વગેરે શીખવે એ રીતે- એ પ્રેમથી મહાપ્રભુજીએ ભક્તને ભગવાનની સેવાના અધિકાર માટે મહત્વના- પાયાના સિધ્ધાંત બતાવ્યા. જેવા કે :- સત્ય, સ્વચ્છતા, સુંદરતા, સરળતા અને સમર્પણ.

પરમ સત્યને પામવા સત્યનો જ રસ્તો અપનાવવો એ તો ફરજીયાત જ છે ને? બાળ ભગવાન, નાનું બાળક છે તેથી તેની પાસે મન, તન, જગ્યા અને આજુબાજુની સ્વચ્છતા એ તો અતિશય જરૂરી છે. સુંદર દિલ, ડીલ અને દિમાંગથી બાળક પાસે જઈ શકાય, રડમસ ચહેરો, થાકેલું શરીર અને કાવાદાવાથી ભરેલુ દિમાંગ બાળકને રિજવી ના શકે એ સ્વભાવિક છે.સરળતા -આપણો ભગવાન બાળક છે, જડ, કઠોર, કર્કશ કે પુર્વાગ્રહ એની સામે બિલકુલ અમાન્ય છે, તેથીજ સરળતાનું મોટું મહત્વ છે. સમર્પણ એ તો સેવા માટેની પહેલી શરત છે, સમર્પણ વગર સેવા શક્ય જ નથી અને સમર્પણ, પ્રેમ અને સમ્માન હોય તોજ શક્ય બને.
આમ સત્ય સાથે સ્વચ્છ, સુંદર અને સરળ ભક્ત પરમને સમર્પિત થાય. એનો પ્રેમ અને લગાવ વણલેખી ફરજ અદા કરે, ફરજથી નિયમિતતા આવે, નિયમિતતાથી નીતિમતા અને નીતીમતાથી ખુમારી, ખુમારીથી ખુશી અને ઉતરોતર વધતી ખુશી, આનદ અને પરમાનંદ સુધી લઇ જાય! આમ હર્યાભાર્યા, છલોછલ અને પૃષ્ટ થવાય એવો પૃષ્ટિમાર્ગ શ્રી મહાપ્રભુજીએ બતાવીને ભક્તિને અનેરા રંગોથી સજાવી દીધી! ઉપરથી એઓએ અષ્ટાક્ષર મંત્ર(શ્રી કૃષ્ણ શરણમ મમ:), તિલક અને તુલસીની કંઠી આપ્યા, અષ્ટાક્ષર મંત્રથી ચંચલ મનની વણથંભી ઉછળકુદને દિશા આપી મનને પરમ તરફ પ્રયાણ કરતુ કરીને સુંદર સજાવી દીધું! કપાળની મધ્યમાં માણસની બુદ્ધિનો નિવાસ છે, જે વ્યક્તિના વિવેકને દિશા આપે છે. કપાળનું તિલક- જે કપાળની પૂજા છે, જેનાથી સતત યાદ રહે કે હું એક માણસ છું અને ઈશ્વરને મારાથી અપેક્ષા છે, મને આપેલી બુદ્ધિ મારે વિવેકથી વાપરવી જોઈએ, આમ બુદ્ધિ શુદ્ધ રહે. તુલસી એ સમર્પણનું ચિન્હ છે.તેથી તુલસીની માળાથી વ્યક્તિને સતત યાદ રહે કે હું પરમ તત્વ પરમેશ્વરને સમર્પિત છું, એથી શરીર શુદ્ધ અને સાત્વિક રાખવાનો એ પૂરો પ્રયત્ન શીલ રહે અને સજાગ રહે . આમ મન, બુદ્ધિ અને શરીરની સુંદરતા અને શુદ્ધતા જીવન ધન્ય બનાવી દે એમાં નવાય શી? બસ તેથી તો એઓ ભક્ત માટે પ્રભુથી ઊચા મહાપ્રભુ કહેવાયા એ કઈ વધારે પણ નથી જ!!

સમય ચક્રના સ્વભાવ મુજબ બદાલાતા સમય સાથે સેવા પરંપરાગત હસ્તાંતર થતી રહી, અને ક્યારેક તો દેખાદેખી કે માભો વધારવા માટે પણ
સેવા પધરાવવાની એક હોડ જામી. બાલ કૃષ્ણ પધરાવવા, એની સેવા, એની સજાવટ જાણે એક સ્ટેટસ થઇ રહ્યું.
ધીરે ધીરે જાણે સત્ય ઝાખું થવા લાગ્યું, સાચવવી પડતી પરંપરાની એક ભૂમિકાએ સેવા આવવા લાગી. નક્કી થયેલા ભોગ, નક્કી થયેલા વાઘા અને નક્કી થયા મુજબની સેવા એક આગળથી ચાલી આવતી ક્રિયા, આગળ ધકેલાતી રહી!
સમય, શક્તિ, સ્વભાવ અને સમજ મુજબ આ સેવાનો દોર આગળ ધપતો રહ્યો.
સત્યની જગ્યા દેખાદેખી અને સ્ટેટસે લીધી એ રીતે સ્વચ્છતાના તો જાણે શીંગડા! શરીરની સ્વચ્છતાએ પ્રાધન્ય લીધું, આ નિયમો અતિ ઘણા પાવરધા થવા લાગ્યા. નાહ્યા વગર સેવા ન કારાય સારી વાત પણ સેવા કરવા જતી વ્યક્તિને નાહ્યા વગરની વ્યક્તિના કપડાનો છેડો પણ ભૂલથી અડી જાય તો તો આસમાન તૂટી પડે!આમાં નાના બાળકો પણ બક્ષાય નહિ. ઘરમાં મોટી દીકરી કે નાની વહુના રુતુસ્રવાના સમયે જાણે ગુનેગારની માફક તાજ્ય અને અપમાનિત થવા લાગી! આ ચાર દિવસ તો એનો પડછાયો પણ ઠાકોરજી બિરાજતા હોય એ જગ્યાની આસપાસ ન પડવો જોઈએ! વળી ઘરના સંડાસ બાથરૂમ ધોવા આવતા નાના માણસોને ઠાકોરજીના દીદાર પણ ના થઇ જાય એની પૂરી તકેદારી રહે.
ઠાકોરજી માટે બનતી સામગ્રીની પ્રસરતી સુગન્ધથી જાણે-અજાણ્યે કોઈએ મોમાં પાણી લાવવા નહિ. એના માટે બધી અલગથી વ્યવસ્થા અને સંભાળ કે કોઈ અશુદ્ધિ દ્રષ્ટી માત્રની પણ અડી ના જાય! આમ સ્વચ્છતાના જડ પણાએ લહેરી લોકોને જરા સેવાથી અળગા ધક્કેલ્યા.

સુંદરતાનું સ્થાન સજાવટે લીધું આંતરિક સુંદરતા વધારે પડતી તકેદારીથી મલીન થવા લાગી અને બાહ્ય સુશોભન સ્પર્ધાત્મક થવા લાગી. અને સ્વાભાવિક છે કે સ્પર્ધામાં કોમળતા ઓગળી જાય.
સ્વચ્છતાને નામે જડતા, સુંદરતાના નામે સ્પર્ધા અને બાહ્ય સુશોભનમાં સરળતા તો કોણ જાણે ક્યાં ડૂબી ગઈ! ભક્તિ માટેનો પાયો સરળતા, વિખેરાય ગયો.અને એવે ટાણે સમર્પણની તો આશા જ કેમ કરાય?

વાલ્લાભાચાર્યએ કહેલ બ્રહ્મસમ્બન્ધ તો સાવ સરળ થઇ ગયો! કોટી બ્રમાંડના માલિક સાથે સબંધ બાંધવા માટે માત્ર એક ઉપવાસ કરો, નવા કપડા પહેરો, મુખ્યાજી કાનમાં અષ્ટાંક્ષર મંત્ર આપે અને બ્રહ્મસબંધ મળી જાય! બ્રહ્મસબંધ થવા ને બદલે બ્રહ્મસબંધ લેવાની પ્રથા શરુ થઇ!
તિલક તો કોણ જાણે ક્યાં, કેમ અને ક્યારે અહીંથી નીકળી ગયું. માત્ર મુખ્યાજીએ જ કરવાનું રહ્યું, હા પણ કંઠી તો બ્રહ્મસબંધ લીધો છે તો પહેરવીજ પડે, પણ બીજા ઘરેણા સાથે કંઠી મેચ ના આવે એટલે મંગળસુત્રમાં કે સોનાની ચેઈન માં કંઠીના થોડા પારા સોનીને કહીને ઘડાવી લેવા અથવા સોનામાં કંઠીના પારા મઢાવી લેવાના, આમ કંઠી પહેર્યાના આત્મ સંતોષ સાથે ભક્ત કંઠીની રસમ ખુબ નિભાવતો થયો.
આ તો સમય સમયને માન છે ભાઈ!
આ બધી તો ભક્તની વાત થઇ, ભગવાન બાલકૃષ્ણની વાત તો હવે કરું છું.

સવારે ભક્ત ભગવાનને તાળી પાડીને ઉઠાડે, નીંદર ભરેલી આંખે ભગવાન ઉઠે, ભક્ત એને એના આસન ઉપર બેસાડે થોડું જળ આપે, મોઢું સાફ કરવા. પછી તૈયાર કરેલો મંગળા ભોગ ભગવાન સામે ધરે અને પડદો પાડી દેવાનો! ભગવાન જમે એ કોઈ જોય ના જાય કે પછી (એ ને નજર ના લાગે) એની પાછળનો હેતુ મને સમજતો નથી. આ દરમ્યાન ભગવાનને પહેરાવવાના ઘરેણા, વસ્ત્રો -એના રમકડા અને રાજભોગની તૈયારી થઇ જાય. આવા સમયે સંસારી ભક્તને કોઈ નાના-મોટા કામ આવી જાય તો એ પણ કરી લ્યે. પડદા પાછળ ભગવાને મંગળ ભોગ અરોગી લીધાની ભક્તને તસલ્લી થઇ જાય એટલે ભગવાનને પાટલા ઉપર બેસાડી સ્નાન કરાવી, વસ્ત્ર-વાઘા- અને ઘરેણા પહેરાવી સુંદર શિંગાર કરી પછી આસન ઉપર બેસાડે થોડું રમાડે અને તૈયાર કરેલો રાજભોગ ધરાવે અને પાછો પડદો પાડી ધ્યે! એ દરમ્યાન ભક્ત ભગવાનને સુવરાવવા એનો ઢોલીયો વ્યવસ્થિત કરે અને રાત્રી ભોગ માટે બંટાજીમાં નક્કી થયા મુજબના ભોગ ભરી તૈયાર કરે. અને સાથે સાથે નક્કી થયા મુજબના પાઠ, ભજન અને મંત્ર સ્મરણ ચાલુ રાખે. એ દરમ્યાન ભગવાને જમી લીધું છે એવું સમજીને પડદો હટાવી, પાછા પ્રભુજીને પાટે પધરાવે અને એના વસ્ત્ર-અલંકાર ઉતારીને રાત્રીના પહેરાવવાના વસ્ત્ર ધોતી જેવું પહેરાવે, અને ઢોલીયામાં સુવરાવી ધ્યે, શિયાળો હોય તો ગોદડી અને હોય ઉનાળો તો પાતળી ચાદર જેવું ઓઢાડી ભગવાનને સુવરાવી ધ્યે અને એના માટે તૈયાર કરેલા બંટાજીમાં ભોગ અને જારીજીમાં જળ એના ઢોલીયા પાસે રાખે અને પડદો પાડી ધ્યે. અને મંદિરના દરવાજા બંધ! આ બધી ભક્તિ કરતા ભક્તને દોઢ થી બે કલાક થાય. અને ત્યાર પછી બીજા દિવસની સવારે મંદિર ખુલે!

મને ખબર નથી કે બધા વૈષ્ણવો એમજ કરે છે કે નહી, પણ મેં આવું જોયું છે તેથી મને ખરેખર મનમાં ડંસે છે આમ ૨૨ કલાક થી પુરાયેલા બાલ કૃષ્ણને શું થતું હશે? જે કૃષ્ણનું જીવન પરમ સ્વતંત્ર-મુક્ત છે. દુનિયાને મુક્ત રહેવાના અને મુક્તિના પાઠ ભણાવતો કૃષ્ણ, મંદિરના દરવાજા પાછળ કેમ રહેતો હશે? માતા યશોદાએ એને ઘડી બે ઘડી ખાંડણીએ બાંધ્યો હતો ત્યારે આખાય ગોકુલની ગોપીઓ રડી પડી હતી, માતાની આખો પણ ક્યાં કોરી હતી? આ નાનકડા બંધનમાં પણ જેને યમલાર્જુનને મુક્ત કર્યા હતા! એને આવું બંધન?!
એવું નથી કે માત્ર બાલ કૃષ્ણ જ આવું સહન કરે છે પણ ગણપતિ અને માતાજી પણ સ્પર્ધા, સુશોભન અને વિસર્જનની વેદના સહન કરે છે. હનુમાનજી અને બીજા અનેક ભગવાન ભક્તોની સમજ વગરની અતિ શ્રદ્ધાથી અકળાય રહ્યા છે. તેથી તો એ ઘડવૈયાને કહે છે કે મારે ઠાકોરજી નથી થાવું……..

મને લાગે છે કે આજ-કાલ દરેક સંપ્રદાય એના મૂળભૂત સિદ્ધાંતો અને એની ઉચકક્ષાની નીતિ-નિયમોથી કયાંક ને ક્યાંક વંચિત થતા જાય છે.દરેક પોતાની સમજ અને સગવડ પ્રમાણે અમુક નિયમોમાં જડ થાય છે તો અમુક નિયમોમાં શીથીલ. અને પરિણામે સંપ્રદાયથી સમાજ સશક્ત, સુસંગત અને સુવાવ્ય્સ્થિત થવાને બદલે વિખારતો જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Powered By Indic IME