ત્રણ લઘુકથાઓ …

ત્રણ લઘુકથાઓ -ડૉ. ચારૂતા એચ. ગણાત્રા…

gift of light

[૧] બારી
એ બારી હંમેશા બંધ રહેતી. નાનપણથી જ હું જોતો આવ્યો છું કે એ બારી હંમેશા બંધ હોય છે. ‘શું હશે એ બારીની બીજી તરફ ?’ બાળસહજ મારા મનમાં એ પ્રશ્ન જરૂર થતો. પણ એ બારી ક્યારેય ન ખુલતી. ક્યારેક કોઈને કહેતા સાંભળ્યા હતા કે બારીની પેલી તરફ કંઈક ભયાનક છે. પણ કોઈ સરખો જવાબ ન દેતા. એક દિવસ તો ઠપકો પણ મળ્યો કે :
‘ખબરદાર, બારી વિષે એક વાત પણ વિચારી છે તો ! આપણાં પૂર્વજોનાં જમાનાથી કોઈએ આ બારી ખોલી જ નથી.’
કોઈએ બંધ બારી ન ખોલી હોય તો શું થયું ? શું મારે પણ બારી ન ખોલવી ?! ફક્ત કોઈ કાલ્પનિક ભયથી પીડાઈને આ બારી બંધ જ રાખવી !! પણ મારો બળવાખોર સ્વભાવ બધા ઓળખી ગયા હતા. માટે બારી વિષેની ડરામણી વાતોથી માંડીને મારી ઉપર વર્તાતી કડકાઈમાં વધારો થતો ચાલ્યો. માનવનો સ્વભાવ એવો હોય છે કે જે વસ્તુની ‘ના’ પાડો એ વસ્તુ વારંવાર કરવાનું મન થાય. મને પણ બારી ખોલવાનું મન થતું. વધુ ને વધુ પ્રબળતાથી બારી ખોલવાનું મન થતું.
અને…
એક દિવસ…
ઘરે કોઈ નહોતું. મને કોઈ એકલા ન છોડતા, પણ આજે અનાયાસે ઘરે કોઈ નહોતું. ધીમે ધીમે મેં ડગલા બારી તરફ માંડ્યા. ચોર નજરે આજુબાજુ જોઈ લીધું કે કોઈ આવતું તો નથી ને ! દરેક ડગલે મનમાં રોમાંચ વધતો જતો હતો. ક્ષણેક અટક્યો. વિચાર પણ આવી ગયો કે કંઈક અજુગતું બન્યું તો ? ખરેખર કંઈક ‘ભયાનક’ હશે તો ? પણ એ વિચાર ખંખરી ફરી આગળ વધવા લાગ્યો. દરેક ડગલે વધતા હૃદયનાં ધબકારા, વધતો રોમાંચ… અને ક્યારે મેં બારી ખોલી નાખી એ યાદ ન રહ્યું….
પણ…
….બારીની બીજી બાજુ તો હતું એક પ્રેમ ભર્યું આકાશ… લહેરાતા વૃક્ષો… કુદરતનું અનુપમ સૌંદર્ય, મ્હોરતા ફુલો, ચહેકતા પક્ષીઓ… ઘણું ઘણું… અને સાથે… અદ્દભુત આનંદ, નિતાંત શાંતિ… મનનો રહ્યો સહ્યો ભય પણ ચાલ્યો ગયો…અને હું બોલી ઊઠ્યો : ‘આ તો મારા જ મનની બારી છે…’ કુદરત અને મારી વચ્ચે મારા મનની આ બંધ બારીનો જ પડદો હતો. કૃત્રિમતાનાં ઘરમાં એક બારી તો કુદરત તરફની હોય જ છે. બસ, જરૂર હોય છે એ બારીને ખોલવાની અને આપણી ભીતર કુદરતને આવકારવાની….
તમે એ બારી ખોલી કે નહીં ?! કુદરત છે તમારી પ્રતિક્ષામાં…
[૨] અભૂતપૂર્વ
એ તદ્દન નિ:રસ દિવસ હતો. સવાર પડી પણ ઊઠી ન શકાયું. અને આંખ ખૂલી ત્યારે સવારના આઠ વાગી ગયા હતા. કસરત પણ ન થઈ અને ઑફિસે જવાની સાડાસાતની ટ્રેઈન ચુકી ગયો. ઑફિસે ફરજીયાત રજા લેવી પડી. શું કરવું ? ઘરે એકલો હતો. સારા જોવા જેવા કોઈ પિક્ચર પણ નથી આવ્યા. આજનો દિવસ તો નક્કામો ગયો જ સમજી લેવાનો. ચાલો, છાપાનાં પાનાઓ ફેરવું….!
છાપાનાં રોજિંદા સમાચારનાં પાના ઉપર કંઈક એવું લખ્યું હતું કે મારો ચહેરો ખીલી ઊઠ્યો. શરીરની અને મનની આળસ દૂર થઈ ગઈ. જલ્દીથી તૈયાર થઈ ગયો. હા, ત્યાં સાડાનવે પહોંચવાનું હતું અને પછી આખો દિવસ ત્યાં જ. સાંજે છુટ્ટા પડવાનું નક્કી કરેલું હતું. રસ્તામાં એક જ વિચાર આવતો હતો કે ત્યાં જઈ કોને મળીશ ? કોઈ ઓળખીતું હશે કે કેમ….! કોઈ પરિચિત….કોઈ મિત્ર ? વિચારોમાં હું ત્યાં પહોંચી ગયો. દરવાજા પર જ સસ્મિત મારું સ્વાગત થયું. મારા હાથમાં એક પુષ્પ મુકીને મને સુપ્રભાત પાઠવ્યા. મારું મન હસી પડ્યું, પણ કોઈ પરિચિત વ્યક્તિ ન દેખાણી…!
ખેર ! એ જગ્યા ક્યાં મારા માટે અપરિચિત હતી….એ તો હતી મારી પોતાની જ શાળ… આજે હતું શાળાનાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન. નોકરીનું વળગણ એટલું ગજબનું હતું કે છાપું વાંચતો છેક સાંજે. આ તો અનાયાસે છાપુ હાથમાં આવી ગયું. રજા પણ પડી ગઈ અને…
‘સુજીત… સુજીત….! અહીં ઉપર છીએ… આપણાં જૂના વર્ગમાં….’ મારા જૂના મિત્રોનાં પોકાર મને સંભળાયા. બારમાં ધોરણમાં શાળા છોડી એ સમયે જે સ્ફૂર્તિ હતી એ જ સ્ફૂર્તિથી હું પહોંચી ગયો અમારા વર્ગમાં.
‘આપણા નામ હજી કોતરાયેલા છે…?’
‘હા, જો ઈશાંતનો ‘આઈ’, પ્રકાશનો ‘પી’ અને તારો? ?સુજીતનો ‘એસ’. બધા સાથે મળીને આઈ.પી.એસ. જો આ રહ્યા આપણાં નામ… ફરક એટલો છે કે શાળાની બેન્ચ પર નહીં શાળાની પત્રિકામાં છે આપણાં નામ… પત્રિકામાં લખ્યું હતું : ‘અમારી શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ…’ અને મારા-અમારા જેવા ઘણાં વિદ્યાર્થીઓનાં ફોટા હતાં. અમારા આચાર્ય પણ હાજર હતા અને તેમણે સંબોધ્યા, ‘આ અમારી શાળાના ભૂતપૂર્વ નહીં, અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ?છે…’
મિત્રો સાથેની વાતચીત-મજાક, શિક્ષકોને મળવાનું અને શાળાનું વાતાવરણ…! એ દિવસની સાંજ ક્યાં પડી ગઈ એ ખબર જ ન પડી. પણ આ એક દિવસે મને જાણે આખા વર્ષની સ્ફૂર્તિ આપી દીધી. મિત્રો સાથે સરનામા, ફોનનંબરની આપ-લે કરી એ દિવસની યાદ ને મનમાં ભરી લઈ ઘરે આવ્યો.
….અને માનશો ! મારો આજનો દિવસ ખુબ સરસ પસાર થયો.
[૩] વરદાન
‘મનુષ્ય રૂપે તું જન્મ લેવા જઈ રહ્યો છે. બોલ, તારી સાથે તું શું લઈ જવા માગે છે ?’ ઈશ્વરે પોતાના દરબારમાં ઉભેલા મનુષ્યોની કતારમાં આ પ્રશ્ન પુછ્યો.
‘ખૂબ પૈસા….’
‘પ્રતિષ્ઠા…’
‘અભ્યાસ…..’
દૂર દૂરથી અવાજો સંભળાવા લાગ્યા. ઈશ્વરે દરેકને યોગ્યતા પ્રમાણે ‘તથાસ્તુ’ કહી આશીર્વાદ આપ્યા.
‘તું કંઈ નથી બોલતો, પુત્ર ?’ ઈશ્વરનો પ્રેમાળ સ્વર સંભળાયો.
‘પ્રભુ ! હું આશિષ માગતાં અચકાઉં છું….’
‘જેમની યોગ્યતા હતી તેમને જ તો મેં આશીર્વાદ આપવા અહીં બોલાવ્યા હતા. દરેક પરિસ્થિતિને પોતાની રીતે પરિવર્તિત કરવાનો અધિકાર તો ઈશ્વર પણ નથી આપતા…..’
‘પ્રભુ મારે… અમરત્વનું વરદાન જોઈએ છે….’
આકાશે એક ધડાકો થયો….
‘શું માંગી રહ્યો છે તું ?’ ઈશ્વરનાં પ્રેમાળ સ્વરનું સ્થાન ક્રોધે લઈ લીધું, ‘અશક્ય વરદાન તું માગી રહ્યો છે. ઘોર તપસ્યા કરનાર પણ અમરત્વનું વરદાન નથી મેળવી શકતા?’
‘પ્રભુ ! ….ક્ષમા પ્રભુ… પણ મારી માગણી અધુરી છે….’
‘હજી પણ તું કંઈ માંગવા ઈચ્છે છે …’ ઈશ્વરનો સ્વર વધુ ક્રોધિત બન્યો.
‘હા…’ એક નિર્ભિક સ્વરનો પડઘો પડ્યો.
ઈશ્વર પણ એક ક્ષણ માટે વિચારમાં પડ્યા અને છેવટે તેને વરદાન માગવાની અનુમતિ મળી.
‘પ્રભુ ! તમારી વરદાન આપવાની કૃપાની અવગણના કરવાનો કોઈ ઈરાદો નહોતો. પણ, મારા શબ્દોને યોગ્ય રીતે રજુ ન કરી શક્યો… જીવનભર નાદ બ્રહ્મની ઉપાસનાનું મને વરદાન આપો… શબ્દદેહે અને સ્વરદેહે હું અમરત્વ ઈચ્છું છું, પ્રભુ…! ઈશ્વરને પ્રિય, ઈશ્વરની સમીપ હોય તેવા કલાકાર તરીકે હું અમરત્વ ઈચ્છું છું…!’
‘તને વરદાન છે… તથાસ્તુ…’ પ્રભુનો માધુર્યભર્યો કોમળ સ્વર સંભળાયો. સર્વત્ર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. વાતાવરણ તરલ અને સુગંધી બની ગયું.
…અને પૃથ્વી પર તેનો જન્મ થયો. તેના વિષે કહેવાયું કે જેના રૂદનમાં પણ સુર પ્રગટતા. જેના સ્વરમાં માધુર્ય પ્રગટતું અને જેના શબ્દોમાં કલા પ્રગટતી. જેના હાથમાંથી સંગીતવાદન વહેતું અને પગમાં નૃત્ય રમતું. કદાચ ઈશ્વરની સાધનામાં આનંદ મળતો હશે, પણ ઈશ્વરને પ્રિય એવી કલાની સાધનામાં અભુતપૂર્વ દિવ્યાનંદની અનુભૂતિ થવા લાગી. ઈશ્વર દ્વારા મળેલું અમરત્વનું વરદાન લઈ જન્મતા મનુષ્યો, મહાન કલાકારો અમસ્તા જ નહીં બનતા હોય….!!
સાભાર : રીડ ગુજરાતી.કોમ
[વ્યવસાયે હોમિયોપેથી ડૉક્ટર એવા ડૉ.ચારૂતાબેનની (રાજકોટ) કૃતિઓ જનકલ્યાણ સહિત અન્ય અનેક સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. રીડગુજરાતીને આ સુંદર લધુકથાઓ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dr_charuta81@rediffmail.com પર સંપર્ક કરી શકો છો.]
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ - પ્રેરકવાતો, વીણેલા મોતી | 2 Comments

સમોસા …

સમોસા …

 

સમોસા ઉત્તર ભારતનું વ્યંજન છે, પરંતુ હવે તે પુરા ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના દરેક દેશમાં સૌના માનીતા અને પ્રિય છે. અગાઉ આપણે મગની દાળના (મીની) સમોસા કેમ બને તે જોયું; આજે આપણે બટેટા-લીલા વટાણાના સમોસા બનાવીશું.

સમોસાના લોટ (પળ માટેની ) માટેની સામગ્રી:

સામગ્રી:

૩૦૦ ગ્રામ મેંદો

૭૫ ગ્રામ ઘી

૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર ( સમોસાના પળ ને બિસ્કીટ જેવું બનાવવા ૨૫૦ ગ્રામ લોટ માટેનું માપ)

મીઠું સ્વાદાનુસાર

સમોસામાં ભરવા માટેનું પૂરણ બનાવવાની સામગ્રી:

સામગ્રી:

૬૦૦ ગ્રામ બટેટા

૧/૨ કપ લીલા વટાણા ( જો તમને પસંદ હોય તો જ)

૧૨-૧૫ નંગ કાજુ

૨૫-૩૦ નંગ કિસમિસ ( જો તમને પસંદ હોય તો જ )

૨-૩ નંગ લીલા મરચા ( મરચાને જીણા સમારી લેવા)

૨”-ઈંચનો આદુનો ટૂકડો ( આદુને છીણી લેવું)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર

૨ નાની ચમચી ધાણા નો પાઉડર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧/૪ નાની ચમચી આમચૂર પાઉડર

મીઠું સ્વાદાનુસાર

તેલ-તળવા માટે જરૂરિયાત મુજબનું

રીત:

સૌ પ્રથમ બટેટાને બાફવા મૂકી દેવા. મેંદામાં તેલ/ઘી નું મોણ, અને મીઠું નાંખી અને સારી રીતે તેને મિક્સ કરી દેવું. અને તે લોટને નવસેકા (હુંફાળા) પાણીથી બાંધવો. લોટ (કણક) થોડો કઠણ રહે તેમ બાંધવો. અને ત્યારબાદ, ૩૦ મિનિટ સુધી તેને ઢાંકી અને એક સાઈડ પર રાખી દેવો. ( લોટમાં /(કણક માં ) -ઘી નાખવાથી સમોસાના પળ ઉપર બબલ્સ નહિ થાય.)

બાફેલા બટેટાની છાલ ઉતારી અને તેને મોટા કટકામાં સમારવા.

ત્યારબાદ, એક કડાઈમાં એક ચમચો તેલ મૂકવું અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખવી. તેલ ગરમ થાય એટલે તેમાં ઘાના પાઉડર, લીલા સમારેલા મરચાં અને છીણેલું આદુ નાંખી અને સાંતળવું અને ત્યારબાદ, સમારેલા બટેટા અને વટાણા પણ નાંખવા. ત્યારબાદ, ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, અને આમચૂર પાઉડર તેમાં નાંખવો. અને એક ચમચાથી હલાવી બધાંને મિક્સ કરવું. જ્યારે બરોબર મસાલો બટેટા ઉપર ચડી જાય (મિક્સ થઇ જાય) એટલે ગેસ બંધ કરી દેવો અને કડાઈ નીચે ઉતારી લેવી.

પૂરણ ઠંડું થઇ ગયાબાદ, કાજુ-કિસમિસ તેમાં મિક્સ કરી દેવા. આમ, સમોસાનું પૂરણ તૈયાર થઇ જશે.

હવે જે લોટ બાંધેલ છે તેના લગભગ ૧૦ સરખા લુઆ-ગોળા (ભાગ) કરવા. અને એક ગોળા ને લગભગ ૮”-ઈંચ જેવી પૂરી બને તેમ વેલણથી વણવો. વણેલો લોટ થોડો મોટો હોવો જરૂરી.

 

આ વણેલા લોટના એક સરખા બે ભાગ ચપ્પૂથી કરવા. અને એક ભાગને કોણ આકારમાં બનાવી તેના છેડા પાણીથી ચિપકાવવા. પાણી લગાડી અને થોડું પ્રેસ કરવાથી ચિપકી જશે.

 

જે ત્રિકોણ આકારમાં કોણ બનાવેલ છે તેમાં બટેટાનું પૂરણ (માવો) ભરવું. અને ત્યારબાદ, ઉપરના ખૂલ્લા ભાગને પણ કવરની જેમ બંધ કરી અને પાણી થી ચિપકાવવો.

 

આમ, ધીરે ધીરે બધાજ સમોસા ભરી અને તૈયાર કરવાં.

સમોસાને ત્યારબાદ, તળવા માટે એક કડાઈમાં જરૂરી તેલ લેવું અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવી. તળ ગરમ થાય એટલે એકી સાથે ૪-૫ સમોસા તળવા માટે કડાઈમાં મૂકવા. ( કડાઈના માપને ધ્યાનમાં રાખી અને સમોસા એકીસાથે તળવા મૂકવા )

સમોસા ખાસ ધ્યાન રહે કે મધ્યમ (ધીમા) તાપે/આંચે ગેસ પર તળવા અને જ્યાં સુધી બ્રાઉન કલર થાય નહિ ત્યાં સુધી તેને તળવા. બંને સાઈડ ને ફેરવતા રેહવી.

સમોસા તળાઈ ગયાબાદ, એક પ્લેટ પર પેપર નેપકીન રાખી અને તેની ઉપર સમોસા તળાઈ ગયેલા રાખવા.

આમ ધીરે ધીરે બધાજ સમોસા તળી લેવા.

 

સમોસા લીલી કોથમીરની ચટણી અથવા મીઠી ચટણી સાથે પીરસવા.

ટીપ્સ:

(૧)  બેકિંગ પાઉડર ખૂલ્લો રહી ગયેલ હોય કે જુનો હોય તો તેનો ઉપયોગ કરશો નહિ તે કદી કામમાં નહિ આવે. બકિંગ પાઉડર હંમેશાં ઉપયોગ કરી લીધાબાદ, એરટાઈટ સાધનમાં જ પેક કરીને રાખવો.

(૨) સમોસાના પળમાં બબ્લસ થતા હોય તો લોટમાં તેલને બદલે ઘી નું મોણ નાંખી અને લોટ બાંધવો. અને લોટ ને હંમેશ કઠણ બાંધવો.

અન્ય રીત :

કાંદાના સમોસા ની રીત :-

આજ રીતે કાંદાના સમોસા પણ બહુ જ સરસ બને છે.

જાડા પૌવામાં ૫ થી ૬ કાંદાને બારીક સમારીને મિક્સ કરવા તેમાં લીંબુંનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, બારીક સમારેલા લીલા મરચાં, થોડું લાલ મરચું, કોથમરી, આખું જીરૂ, નાખી મિક્સ કરી લગભગ ૨ થી ૩ કલાક ઢાંકીને રાખવું.(પૌવામાં પાણી બિલકુલ નાખવું નહિ )પડ બનાવવા માટે ૧ વાટકી ઘઉં ના લોટ માં ૧/૨ વાટકી મેંદો, ૧/૪ વાટકી ચોખાનો લોટ લેવો તેમાં ૧ ચમચી લીંબું નો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ચમચી જીરૂ નાખવું, ૨ ચમચી ગરમ તેલ નાખવું અને ગરમ પાણીથી લોટ બાંધી ગોળ વણી કાચા પડ બનાવી શકાય અથવા રોટલી બનાવી કાચીપાકી શેકી પાકા પડ પણ બનાવી શકાય.પાકા પડ બનાવવાનો ફાયદો એ છે કે સમોસા જલ્દીથી થઈ જાય છે.

નોંધ: ઉપરોક્ત રીત અમોને અમારા બ્લોગના પાઠક  શ્રીમતી પૂર્વીબેન મલકાણ -મોદી (યુ.એસ.એ.) તરફથી મળેલ છે જેનો સાભાર સ્વીકાર કરી અત્રે આપ પાઠક મિત્રો માટે અહીં પ્રસ્તુત કરેલ છે. જે માટે અમો પૂર્વીબેન ના  આભારી છીએ.)

Posted in દાદીમા ની રસોઇ .., પ્રાદેશિક રેસીપી, ફરસાણ-નાસ્તો | 6 Comments

(૧) શાબરના શિંગડા … અને (૨) ‘કશું કદી મફત મળતું નથી.’…(બોધકથા)

(૧) શાબરના શિંગડા …
{ઈસપ ઈસુની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં થઈ ગયો હોવાનું મનાય છે, ખરેખર તો તે એક ખરીદેલો ગુલામ હતો અને પોતાના માલિકના બાળકોને ખુશ રાખવા તેણે આ બધી વાર્તાઓની રચના કરી હતી. વાર્તાના પાત્રો રૂપે તેણે લીધેલા જંગલના પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, શિયાળ, કાગડો, રીંછ, હરણ, ઉંદર, દેડકો જેવા પશુ પક્ષીઓ અને પ્રાણીઓના ઉદાહરણ સાથે સમજાવાયેલી આ વાર્તાઓ નાના બાળકોની સાથે મોટેરાઓને પણ એટલી જ પ્રિય થઈ પડી છે. સાથે સાથે આ વાર્તાઓ વ્યવહારીક જ્ઞાન અને નીતીબોધ પણ સરળ પ્રવાહી ભાષામાં સુપેરે આપી જાય છે. આપણા સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ જેટલું જ મહત્વ પાશ્ચાત્ય સાહિત્યમાં ઈસપની આ બોધકથાઓનું છે. આજે પ્રસ્તુત છે તેમાંની એક સરસ વાર્તા.}
deer
(૧) સાબરના શિંગડા…
એક ખૂબ ગાઢ જંગલ હતું, તેમાં અનેક પશુ પક્ષીઓ રહેતા હતાં. એ જંગલની વચ્ચે સાબરનું એક ટોળું રહેતું હતું. એક સાબર તે ટોળામાંથી વિખુટું પડી ગયું હતું. તે ખૂબ તરસ્યું થયું, પાણીની શોધમાં તે ઘણે દૂર આવી ચડ્યું. અહીં તેણે એક તળાવ જોયું. તે નીચું મોં કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી, એ પોતાના સુંદર રૂપને ઘડીભર જોઈ રહ્યું. પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયાં. પણ તેણે પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી, તે મનોમન બોલ્યું, “અહા, શું મારા શિંગડા છે, જાણે મારા માથા ઉપર સુંદર મુગટ, આ શિંગડાથી તો હું ખૂબ શોભું છું, આ રૂપાળા શિંગડા મારી શાન છે, પરંતુ આ લાંબા કદરૂપા પગથી તો હું લજવાઈ જાઊં છું.”
સાબર પાણી પીતું હતું એવામાં કેટલાક શિકારી કૂતરાઓનો અવાજ એના કાને પડ્યો. એણે શિકારી કૂતરાઓને પોતાની તરફ આવતા જોયાં. સાબર ત્યાંથી જીવ લઈને નાઠું, એ એટલું ઝડપથી દોડ્યું કે જંગલની ઝાડી સુધી પહોંચી ગયું.
પણ એટલામાં પેલા શિકારી કૂતરાઓ પણ ખૂબ ઝડપથી તેની પાછળ પાછળ આવી પહોંચ્યા. સાબર આ ઝાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું. પણ એના વાંકાચૂકા શિંગડા ઝાડીમાં ભરાઈ ગયા, એ ઝાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યું.
શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા, તેમણે સાબરને ફસાયેલું જોયું અને બધાં એક સાથે તેના પર તૂટી પડ્યા અને તેને ફાડી ખાધું. મરતા મરતા સાબરને થયું, “મારા કદરૂપા પગ જેનાથી હું લજવાઈ જતું હતું એણે તો મારો જીવ બચાવ્યો, પણ આ વખાણેલા રૂપાળા શિંગડા જેને જોઈને મને ગર્વ થતો હતો એણે જ મને ફસાવ્યું, અને મારા મૃત્યુનું કારણ બન્યાં.”
બોધ ..સાચા કે ખોટા સાથીદારનું પારખું સંકટ સમયે જ થાય છે.
(૨) ‘કશું કદી મફત મળતું નથી.’…
બહુ જૂની આ વાત છે.
એક રાજાએ એના સૌથી હોશિયાર અને શાણા દરબારીઓને એક કામ સોંપ્યું. શું હતું એ કામ ? જગતની શાણપણવાળી વાત, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ એમ દરેક સમયે સનાતન સત્ય હોય એવી વાત શોધી લાવવાનો હુકમ કર્યો, સાથે એમ પણ કહ્યું કે વાતને લેખિત સ્વરૂપમાં તૈયાર કરવી જેથી આ વર્તમાન તેમ જ ભવિષ્યની પ્રજાનેય ઉપયોગી નીવડે.
દરબારીઓ તો આ કામ પાછળ દિવસ-રાત જોયા વિના મંડી પડ્યા. છેવટે એ સફળ થયા. જગતની સૌથી શાણપણભરી વાત શોધી એને બાર ગ્રંથમાં સમાવી રાજા સમક્ષ રજૂ કરી. આ ગ્રંથ જોઈ રાજા કહે : ‘મને ખાતરી છે કે આ બધા ગ્રંથમાં એવું શાણપણભર્યું જ્ઞાન તમે સમાવ્યું છે કે આવનારી પેઢીઓ માટે એને છોડી જવાનું આપણને ગૌરવ થાય. જો કે મને ડર છે કે આટલા મોટા ગ્રંથ કોણ વાંચશે?  એટલે આ લખાણ ટૂંકાવીને રજૂ કરો.’ ફરીથી દરબારીઓએ એના પર મહેનત કરી બધા લખાણનાં સારાંશને એક જ ગ્રંથમાં સમાવી લીધો. જો કે રાજાને એનાથીય સંતોષ ન હતો. એવડો મોટો એક ગ્રંથ પણ લોકો નહીં વાંચે એમ કહી એને હજી વધુ ટૂંકાવવા હુકમ કર્યો. શાણા દરબારીઓએ ગ્રંથને ટૂંકાવીને એક પ્રકરણ તૈયાર કર્યું. રાજા કહે કે એને પણ ટૂંકાવો. આથી એમાંથી એક પાનું, પછી એક ફકરો અને છેવટે એક વાક્ય તૈયાર કરી રાજા પાસે રજૂ કર્યું.
રાજાએ આ વાક્ય જોયું અને ખુશીથી ઝૂમી ઊઠ્યો. એ કહે : ‘વાહ ! જગતની સૌથી શાણપણભરી આ વાત છે. આ સત્યને લોકો જેટલું ઝડપથી સમજશે એટલી ઝડપથી આપણી બધી સમસ્યા ઉકેલાઈ જશે.’
શાણપણભર્યું આ સત્ય શું છે ?
‘કશું કદી મફત મળતું નથી……’ અર્થાત ‘નો ફ્રી લંચ !’
આ એક એવું શાશ્વત સત્ય છે જેને કદી કાળનું બંધન નડ્યું નથી. ભૂતકાળમાં આ વાત જેટલી સાચી હતી એટલી જ સત્ય અત્યારે પણ છે અને ભવિષ્યમાંય આમાં ફેર પડવાનો કોઈ અવકાશ નથી
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ - પ્રેરકવાતો, વીણેલા મોતી | 3 Comments

એક દિવસમાં ….(ઉર્ધ્વ જીવનની વાર્તા)

એક દિવસમાં ….(ઉર્ધ્વ જીવનની વાર્તા)

sun rise

આવ બેટા રાજુ, આવ. તું અહીં શા માટે આવ્યો છે ખબર છે ? ‘હા. મને બધી ખબર છે. મારા પપ્પા મને અહીં શા માટે મૂકી ગયા, એ હું બરાબર જાણું છું. તેઓ મને મારી મારીને થાકી ગયા એટલે હવે તમારી પાસે માર ખાવા મોકલી દીધો છે. અહીં તો કોઈ જરાક તોફાન કરે એટલે એને તમે લાકડીએથી ફટકારો છો, એમ મમ્મી કહેતી હતી. પણ હું કંઈ લાકડીઓના મારથી બીશ નહીં. હું જે ત્યાં કરતો હતો એ જ અહીં કરવાનો, કરવાનો ને કરવાનો જ.’ જમીન પર જોરથી પગ પછાડતાં પછાડતાં રાજુએ નવજીવન સંસ્થાના સંસ્થાપક જેમને સહુ મોટાભાઈના વહાલભર્યા નામથી સંબોધતા હતા તેમને બેધડક કહી દીધું. રાજુની બોલવાની ખુમારી, એનો જુસ્સો, એની દીલની સચ્ચાઈ મોટાભાઈ ને સ્પર્શી ગયાં અને તેમને લાગ્યું કે છે તો પાણીદાર રત્ન. ભલેને ઉપર ઉપર કાદવથી ખરડાયેલું હોય.તેમણે અત્યંત વ્હાલથી રાજુને કહ્યું, “આવ મારા દીકરા, આવ. હું તારા જેવા ખુમારી વાળા અને પરાક્રમી છોકરાની જ શોધમાં હતો. બેસ કહું ને બેસી જાય, લાકડી બતાવું ને ડરના માર્યા ધ્રૂજી જાય એવા છોકરાઓ તો મેં બહુ જોયા. પણ હું તો તારા જેવા કોઇ બહાદુર બેટાની શોધમાં હતો કે જે મને પણ કહી દે કે હું તમારાથી જરાય ડરતો નથી. આજે મને એવો દીકરો મળ્યો ખરો ! આવ તો ખરો, હવે આપણે બે મળીને ધરતી ધ્રુજાવશું.
‘રાજુ આ તે કેવી વાત સાંભળી રહયો હતો ! આવું તો એણે કયારેય સાંભળ્યું ન હતું. ડેડી કે મમ્મી આગળ આવી કરડાકીથી બોલ્યો હોય તો બે ચાર શબ્દો બોલતાંની સાથે જ બે ચાર થપ્પડ પડી જ ગઈ હોય, ને, “તું કેમ કરવાનો એ અમે ય જોઈ લેશું. વંઠી ગયો છે. સાવ રખડુ થઈ ગયો છે. કોઇ કહયામાં રહયો નથી. ભણવાનું નામ નહીં ને બસ ભટક્યા કરે છે. મોટો થઈને ભીખ માંગજે ભીખ. આવું આવું તો તે કેટલુંય સાંભળતો રહેતો. હવે તો એ બધાં વાક્ય એને મોઢે થઈ ગયાં હતાં અને એની પોતાના ઉપર બિલકુલ અસર પડતી ન હતી. પણ આજે તો તે કંઈક જુદું જ સાંભળતો હતો ! એણે તો મનોમન લાકડીના પ્રહારો ખમવાની પણ તૈયારી કરી રાખી હતી તેના બદલે મોટાભાઈના આવા ફુલ જેવા શબ્દો તેને સાંભળવા મળ્યાને તેના નાનકડા હૃદયમાં હલચલ મચી ગઈ. આવું પણ કોઇ તેના માટે બોલી શકે ખરું ? પણ શું ખરેખર તેઓ એના માટે આ બોલતા હતા કે પછી એના ડેડીની જેમ બનાવટ કરતા હતા ? એ સમજવા તેણે મોટાભાઈ સામે એક તીરછી નજર ફેંકી. આ નજરમા આખી દુનિયા પ્રત્યે તિરસ્કાર ભર્યો હતો. એની આંખમાંથી નિકળતી ધિક્કારની જ્વાળાથી જાણે તે આખી દુનિયાને બાળી નાંખવા માંગતો ન હોય ! એમ તે મોટાભાઈ સામે તાકી જ રહયો.”રાજુ અહીં આવ ને ! મારી પાસે બેસ. એમ બારણામાં શું ઊભો રહયો છે ? હવે તો આ તારું જ ઘર છે બેટા !” ‘ના. મારે કોઇ જ ઘર નથી હવે. મારા ડેડી-મમ્મીએ મને કાઢી મૂકયો છે અને અહીં મને નાંખી ગયા છે. પણ હું હવે જોઉં છું કે તમે મને અહીં કેમ રાખી શકો છો ? તે ધૂંધવાતો હતો તેના મનનો રોષ ઉગ્ર હતો. એનો અંતરનો આક્રોશ અને માતા પિતા પ્રત્યેનો તિરસ્કાર જોઈને મોટાભાઈને લાગ્યું કે આ રત્નના પાસાં પાડવાનું કામ બહુ જ સાવધાનીથી કરવું પડશે. પણ એક વખત પાસાં પડયા પછી તો આ રત્ન અવશ્ય ઝળકી ઊઠશે !’ “ચાલ રાજુ, આપણે જમી લઈએ. આજે તો તારા પિતાજીએ બધાં જ બાળકોને શ્રીખંડ પૂરીનું જમણ આપ્યું છે. તને શ્રીખંડ બહુ ભાવે છે ને ? બધાંએ જમી લીધું. આપણે બે જ બાકી છીએ.”
‘ના. હું શ્રીખંડ નહીં ખાઉં.’
‘કેમ ? તને તો બહુ ભાવે છે ને ?’
‘પણ કહયુંને કે હું નહીં ખાઉં.’
‘અરે , મારો બહાદુર દીકરો, પહેલવહેલો ઘરે આવ્યો ને જો તે ન ખાય તો હું પણ નહીં ખાઉં !’
‘પણ તમારે શું છે તે તમે નહી ખાઓ ?’
‘તો તારે શું છે તે તું નહીં ખાય ?’
મોટા ભાઈનું આ વાક્ય સાંભળી રાજુ એક ક્ષણ સ્થિર થઈ ગયો. તેના મનમાં કંઈક ગડમથલ ચાલતી હોય તેમ તેને લાગ્યું. અને પછી તે એકાએક જોરથી બરાડી ઊઠ્યો : ‘હું કદી શ્રીખંડ ખાવાનો નથી, નથી ને નથી.’ ને તેને યાદ આવ્યો તે દિવસનો પ્રસંગ. ઘરે મહેમાનો આવ્યા હતાં. ત્યારે તે મમ્મીને કહેવા લાગ્યો : ‘મમ્મી, બહુ ભૂખ લાગી છે.’ કેમકે તે જાણતો હતો કે ફક્ત મહેમાનો હોય ત્યારે જ મમ્મી એની સાથે સારી રીતે બોલે છે અને કંઈ કહેતી નથી. મહેમાનોએ કહ્યું કે, ‘રાજુ અમારી સાથે જમશે તો અમને બહુ જ ગમશે.’મમ્મીએ ના પાડી કહ્યું : ‘પિન્ટુ બાલમંદિરથી આવશે ત્યારે બંને ભાઈઓ સાથે જમશે.’ પણ રાજુએ મમ્મીની વાત ગણકારી જ નહીં ને મહેમાનોની સાથે જમવા બેસી ગયો. તેણે શ્રીખંડ જ ઝાપટ્યો. ત્રણ વાટકા શ્રીખંડના ખાઈ ગયો. અને પછી મહેમાનોના ગયા બાદ એને જે મેથીપાક મમ્મીએ આપ્યો તે રાજુ કદી ભૂલ્યો ન હતો. અને ત્યારે એણે મમ્મીને કહી દીધું કે હવે જિંદગીમાં તારા શ્રીખંડને અડું તો કહેજે.’ અને ખરેખર, તે એના આ બોલને વળગી રહ્યો. એ પછી ઘરમાં ઘણીવાર શ્રીખંડ આવ્યો પણ રાજુ એને અડકયો પણ નહીં. ત્યારે મમ્મી એના દેખતાં જ પિન્ટુને કેવા લાડથી શ્રીખંડ ખવડાવતી હતી; પણ તેણે ક્યારેય રાજુને એમ નહોતું કહ્યું કે ‘તું નહીં ખાય તો હું પણ નહીં ખાઉં.’ આ પ્રસંગ યાદ આવતાં તેનું મોઢું ક્રોધથી લાલચોળ થઈ ગયું. અને તેણે પોતાના હાથની મુઠ્ઠીઓ જોરથી વાળી દીધી.
રાજુના આ હાવભાવને મોટાભાઈ નીરખતા જ રહ્યા. થોડી વાર પછી બોલ્યા : ‘રાજુ, આપણે બંને ભૂખ્યા રહેશું તો ચાલશે; પણ મારાં પેલાં દરદીઓ ભૂખ્યાં નહીં રહી શકે. બિચારી ખિસકોલીને પાણી પીવું હશે. પેલા પોપટની મરડાઈ ગયેલી ડોકે માલિશ કરવું પડશે. અને નાનકડા સસલાને તો કૂતરાએ મોઢામાં પકડેલું તે બિચારું હજુ ય ફફડે છે, તેને ઘાસ નાંખવું પડશે. એમાં તું મને મદદ કરીશ ?’
હેં ! મોટાભાઈ પાસે ખિસકોલી, પોપટ અને સસલા એવાં પ્રાણીઓ છે ! તો મોટાભાઈ જંગલી અને ગામડિયા ન કહેવાય ! એને એના પપ્પાના શબ્દો યાદ આવી ગયા.
‘ફેંકી દે, તારું એ કબૂતરનું બચ્ચું. આવા જંગલી ને ગામડિયાવેડા ક્યાંથી શીખી લાવ્યો !’
‘પણ ડેડી, એનો બિચારાનો પગ ભાંગી ગયો છે. બેચાર દિવસમાં તે સાજું થઈ જાય પછી ઉડાડી મુકીશ. આ તો બિચારું ઊડી શકતું નથી તે કૂતરાં ખાઈ જશે.’
‘મેં કહ્યું ને કે ઘરમાં આવું ‘ન્યુસન્સ ન જોઈએ.’ એમ કહીને તેના ડેડીએ કબૂતરનાં બચ્ચાનો બારીમાંથી ઘા કરી દીધો હતો. એ બિચારું તરફડીને મરી ગયું.ત્યારે એના હૃદયમાં કેવું તીવ્ર દુ:ખ થયું હતું અને ત્યારે એના ડેડી એને જગતના ક્રૂરમાં ક્રૂર માણસ લાગ્યા હતા.
અરે, અહીં તો મોટાભાઈ પાસે કેટલાં બધાં પશુપંખીઓ હતાં. આ બધાંને જોઈને રાજુ આનંદમાં આવી ગયો.
માંદી ખિસકોલીની સુંવાળી રુંવાટીવાળી પીઠ ઉપર ધીમે ધીમે હાથ ફેરવતાં રાજુનો ગુસ્સો ક્યાં ચાલ્યો ગયો. એની પણ એને ખબર ન પડી. તે તો ભૂલી જ ગયો કે તે આજે જ અહીં આવ્યો હતો. તેને એવું લાગ્યું કે આ બધાં તો એના ચિરપરિચિત સ્વજનો છે. પોપટની વાંકી ડોક પર ગરમ હૂંફાળા કપડાંથી શેક કરતાં કરતાં એના કુમળા હૃદય પર બાઝેલા ધિક્કાર અને તિરસ્કારના પડ તૂટવા લાગ્યા. એથી તે ખુશ થઈની બોલી ઊઠ્યો, “મોટાભાઈ, આ પોપટ તો બોલે છે.” ‘આવો. આવો. મને સારું છે.’ પોપટને આ રીતે બોલતો જોઈને એનું હૃદય આનંદથી નાચી ઊઠ્યું. જગત પ્રત્યેનો એનો ધિક્કાર ઓગળવા માંડયો. ફફડતાં સસલાને તેણે પ્રેમથી ઊંચકી લીધું ત્યારે તો જાણે દુનિયાભરનો પ્રેમ એના હૃદયમાં આવી ગયો હોય તેમ તે સસલાને વહાલથી થપથપાવવા લાગ્યો. આ દરદીઓની માવજત કરી, જ્યારે બંને પાછા વળ્યા ત્યારે રાજુના અંતરમાં એના કાળમીંઢ જેવા બની ગયેલા હૃદયને કોરીને પ્રેમનું ઝરણું વહેવા માંડ્યું હતું. મોટાભાઈ એને હવે આત્મીય લાગ્યા. કેમકે તેઓ એના ડેડીની જેમ ‘હા બેટા,આમ કરશું. તેમ કરશું.’ એમ ખાલી બોલતાં જ નહોતા પણ ખરેખર કરતા હતા. આ ખાતરી, આ મૂંગા પ્રાણીઓએ રાજુને કરાવી આપી.તેથી હવે રાજુને મોટાભાઈ વિશ્વાસ મૂકવા જેવા માણસ લાગ્યા.
હવે રાજુનો રોષ ઓગળી ગયો હતો. પશુપંખીઓએ તેના હૃદયને આર્દ્ર બનાવી દીધું હતું. મોટાભાઈએ તેને જાતજાતના પ્રાણીઓની વાતો કહેતાં કહેતાં પ્રેમથી શ્રીખંડ ખવડાવી દીધો.
‘રાજુ, પેલા છોડવાઓ બિચારા રાહ જોતા હશે. ચાલને બગીચામાં,એને જરા મળી આવીએ.’ બપોરે મોટાભાઈએ રાજુને કહ્યું. ઓહ, મોટાભાઈને તો છોડવાઓ પણ ગમે છે ! રાજુ મોટાભાઈને અહોભાવથી જોઈ રહ્યો. બંને બગીચામાં ગયા. ત્યાં રાજુ જેવડાં, તેનાથી મોટા, તેનાથી નાના, કેટલા બધા છોકરાઓ કામ કરી રહ્યા હતા. તે બધા છોકરાઓને બગીચામાં કામ કરતાં જોઈને વિસ્મિત થઈ ગયો.
‘અરે કેતન, નયન, વીરેન, સુરુ-બધા અહીં આવો તો ! જુઓ, આજે આપણા કુટુંબમાં એક બહાદુર સભ્ય ઉમેરાયો છે, અને તે છે આપણો આ રાજુ.’
મોટાભાઈએ સહુને રાજુની ઓળખાણ કરાવી અને સહુએ રાજુના આગમનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. મોટાભાઈ રાજુને એક એક વૃક્ષ અને છોડવાઓનો પરિચય કરાવતાં એના અંતરના ભાવોને નીરખી રહ્યા હતા. ‘રાજુ, આ છે કેતનની દાડમી. કેવી લાલચટક ફુલોથી શોભે છે ! હવે નાનાં નાનાં દાડમ પણ લાગ્યાં છે. પણ એનાં એક એક ફૂલ, કળી અને દરેક નાનાં લાગેલાં દાડમની કેતનને બરાબર ખબર છે હો ! અને આ જો વીરેનની ચીકુડી, નાની છે, પણ કેવી ફાલી છે ! આ વખતે પહેલી વાર ફળ બેઠાં. અને આ છે નયનની માલતી. જો ને ફુલોથી કેવી લચી પડી છે ! હવે અમે આ માલતીનો મંડપ બાંધવાનાં છીએ નહીં નયન ?’ આમ મોટાભાઈ એક એક છોડનો રાજુને પરિચય આપતા ગયા તેમ તેમ રાજુના અંતરનો ઉલ્લાસ વધતો ગયો. એને ય પોતાનું કહેવાય એવું એક વૃક્ષ જોતું હતું. તે દિવસ યાદ આવ્યો. તે ઉકરડામાંથી આંબાનો એક નાનકડો રોપ શોધી લાવ્યો અને કોઈને પૂછયા વગર તેણે એ રોપને ફળિયાના એક ખૂણામાં રોપી જ દીધો. બે-ચાર દિવસ તો ઘરમાં કોઈને ય આ વાતની ખબર જ ન પડી. પણ રાજુભાઈનો ઉત્સાહ સમાય નહીં એટલે એણે મમ્મીને ઉત્સાહથી કહી દીધું : “મમ્મી, મમ્મી, મારો આંબો લાગી ગયો. જોજે ને તે મોટો થઈ જશે પછી એમાં કેરીઓ આવે એ !” “હેં…તેં શું કહ્યું ? ફળિયામાં આંબો રોપ્યો ? એમ તે કંઈ આંબા ઊગતા હશે ? ને એમાં કેરીઓ આવતી હશે ? નકામા કચરા થાય, જીવાત થાય ને ફળિયું બગડે. તારો આંબો કાઢી નાંખજે. એવાં ફતુર આપણને ન પોષાય.” મમ્મીની આવી વાત સાંભળતાં જ રાજુના ઉત્સાહ પર ઠંડુ પાણી ફરી વળ્યું. તે તો થીજી જ ગયો ! તો ય તેણે નાની લાલ કૂંપળ ફૂટેલો પોતાનો આંબો ન જ ઉખેડ્યો. પરંતુ બીજે દિવસે તેણે નિશાળેથી આવીને જોયું તો તેના આંબાનું નામનિશાન ન હતું. એ મમ્મીએ જ ઉખેડ્યો હતો. આથી એણે ખૂબ ધમપછાડા કર્યા, પણ એનું કંઈ જ ન વળ્યું. ઊલટાનો તેને મમ્મીના હાથનો માર ખાવો પડ્યો.
‘રાજુ તું શું વિચાર કરે છે ?’ રાજુને ખોવાયેલો જોઈને મોટાભાઈએ પૂછ્યું.
“મોટાભાઈ, આંબો વવાય ?”
‘કેમ નહીં ?’
‘કેતન, પેલી બાજુ આંબાના બે રોપ છે તેમાંથી એક લઈ આવ. આ સામે જ જ્ગ્યા ખાલી પડી છે ત્યાં રાજુનો ઘેઘૂર આંબો થશે.કેમ ખરું ને ?’
અને રાજુ ઘેઘૂર આંબો અને તેના પર લટકતી સોનેરી રંગની પાકી પાકી કેરીઓનું સ્વપ્ન જોઈ રહ્યો. હવે તેની આંખમાં ચમક આવી ગઈ.
મોટાભાઈએ રાજુના હાથે આંબો રોપાવ્યો. રાજુનું હૃદય અપાર આનંદથી છલકાઈ રહ્યું. હવે આ દુનિયામાં તેનું પોતાનું કહેવાય તેવું કોઈ હતું, અને તે હતો તેનો આંબો.
‘હેં મોટાભાઈ, તેને રોજેરોજ પાણી પીવડાવવાનું ને ! ‘ હું બે વખત પાણી પીવડાવું તો તે જલ્દી વધે ને ? આંબા વિષે તેણે અનેક પ્રશ્નો મોટાભાઈને પૂછી નાંખ્યા.
‘રાજુ તારે નદીકિનારે ફરવા આવવું છે ?’ સાંજે મોટાભાઈએ રાજુને પૂછ્યું.
‘હા, મોટાભાઈ. નદી તો મને બહુ જ ગમે. એકવાર અમે ફૈબાના ઘરે ગામડે ગયેલાં. ત્યાં બધા છોકરાઓ સાથે નદીમાં હું છાનોમાનો નહાવા જતો. પણ ડેડીને ખબર પડી ગઈ. તેઓ તે છોકરાઓ પર એટલા બધા ખીજાયા કે પછી કોઈ મને નદીએ લઈ જ ન જતું. આમ મારું તરતાં શીખવાનું અધૂરું રહી ગયું. તમને તરતાં આવડે છે ?’
‘હા. તારે શીખવું છે ? હમણાં નિશાળમાં વેકેશન છે એટલે રોજ નદીએ નહાવા આવી શકાશે. પછી તો રવિવારે જ આવી શકાય. હું તને તરતાં શીખવાડીશ. તારા જેવા હિંમતવાનને તો એક જ દિવસમાં તરતાં આવડી જશે.’ રાજુએ ન્યુઝ રીલમાં તરણ-સ્પર્ધાની ફિલ્મ જોયેલી તેમાં પ્રથમ આવનાર અમીતની જગ્યાએ જાણે તે પોતે ઊભો છે ને સુવર્ણચંદ્રક મેળવી રહ્યો છે, એવું તેણે કલ્પી લીધું ! તેણે ઉમંગથી મોટાભાઈનો હાથ પકડી લીધો અને બોલ્યો, ‘સાચે જ મને તરતાં આવડી જશે !’
‘કેમ નહીં ? બે દિવસમાં તો તું તરતાં તરતાં પેલે કિનારે પહોંચી જઈશ.’
હવે મોટાભાઈ તેના ફક્ત આત્મીય સ્વજન જ નહીં પણ જિગરી દોસ્ત બની ગયા હતા. તેમણે રાજુના અંતસ્તલને સ્પર્શી લીધું હતું. ધીમે ધીમે રાજુને ખબર પણ ન પડે તેમ રાજુ મોટાભાઈ આગળ તેના નાનકડાં હૈયામાં અત્યાર સુધી સંઘરી રાખેલી અસંખ્ય વાતો કહેતો ગયો.
‘મમ્મી પહેલાં મારું બહું ધ્યાન રાખતી. હું માંગું તે આપતી. કોઈ વાત ના ન પાડતી. પણ પિન્ટુ આવ્યો ને મમ્મી આખો દિવસ પિન્ટુની પાછળ જ ફર્યા કરે. હવે એ મોટો થયો તો મારી બધી જ વસ્તુઓ પિન્ટુને આપવાની ! તે મારી નોટબુક ફાડી નાંખે કે એરોપ્લેન તોડી નાંખે ને હું ત્યારે ખીજાઉં તો મમ્મી મને મારે અને પછી મમ્મી ન હોય ત્યારે હું પીન્ટુને બરાબરનો મારું.
મમ્મી મને ઓરડામાં પૂરી દે તો બારી ઠેકીને ભાગી જાઉં. એક વખત તો મેં ય પિન્ટુને ઓરડામાં પૂરી દીધો હતો.’ રાજુને પહેલી જ વાર પોતાની વાતમાં રસ લેનાર ને સાંભળનાર કોઈ મળ્યું હતું એટલે એ પોતાની વાતો કહ્યે જ જતો હતો. અને એના આ બધા તોફાનોમાં તેણે કંઈ ખરાબ કામ કર્યું હોય કે ગુનો કર્યો હોય તેવું તેને લાગતું જ ન હતું.
જતાં પહેલાં રાજુના પપ્પાએ મોટાભાઈને કહેલું : ‘પહેલા તો રાજુ બહુ જ ડાહ્યો હતો. ભણવામાં પણ હોંશિયાર હતો. પણ ખબર નહીં છેલ્લા બે વરસથી તો નથી તેનું ભણવામાં ચિત્ત કે નથી ઘરમાં, ઘરમાં તો આખો વખત તે ધમાલ, ઉત્પાત, મારકૂટ ને ભાંગફોડ કરે છે. અમે તો તેના તોફાનોથી હવે ત્રાસી ગયાં છીએ. તમારી સંસ્થાનું નામ સાંભળ્યું અને ઘણાંએ મને સલાહ પણ આપી એટલે હું અહીં આવ્યો છું. સવારથી સંસ્થાની પ્રવૃત્તિઓ જોઈ રહ્યો છું. રાજુ જેવાં કેટલાય બાળકોને મેં અહીં ખુશખુશાલ જોયાં એટલે મને થયું કે હું સાચી જગ્યાએ જ રાજુને લઈ આવ્યો છું. ખરેખર તમે અદ્દભુત કાર્ય કરી રહ્યા છો. આવાં તોફાની અને ઉદ્દંડ બાળકોને તમે કઈ રીતે વશ કરો છો ? એમની પાસેથી આટલું સુંદર કામ કઈ રીતે લો છો ?’
“જુઓ શેઠ સાહેબ, બાળકો ઉદ્દંડ, તોફાની, ઉધ્ધત કે દુરાચારી બને એ માટે હું બાળકોને સહેજે ય દોષિત ગણતો નથી દોષિત તો તેના માતાપિતા અને તેના ઘરમાં રહેલું વાતાવરણ જ છે. શ્રીમાતાજી કહે છે. બાળકોને માટે સૌથી ઉત્તમ શાળા તો આપણું નિત્યનું હરપળે જીવાતું જીવન જ છે.”
મોટાભાઈની આવી વાત સાંભળી રાજુના પપ્પા ચમકી ગયા ! તેઓ કેવી નિર્ભેળ સત્યવાણી ઉચ્ચારી રહયા હતા ! એમને જણાયું કે એમનું પોતાનું જીવન જ કેવું ક્લુષિત હતું. બહાર તો ધંધાર્થે હસતું મોઢું રાખવું પડતું, પણ ઘરમાં તેમણે કયારે ય બાળકો સાથે આનંદગોષ્ટિ કરી હતી ? રાજુના પપ્પાના મનમાં મોટાભાઈને જોઈને પહેલી વાર વિચાર આવી ગયો કે બાળકોને ય વહાલ કરવું જોઈએ !
‘શેઠ સાહેબ, બાળકોને પૈસાની જરૂર નથી, પ્રેમની જરૂર છે; અંતરના સાચા પ્રેમની’, તમે પ્રેમ આપશો તો બાળકો એમનું સમગ્ર હૃદય તમને આપી દેશે. તમે એમના જીવનમાં સાચેસાચ રસ લેશો તો બાળકો ખીલી ઊઠશે તમે બાળકોને ઘડો છો તેના કરતાં બાળકો તમને ઘડે છે, એ વધારે સાચું છે. એ હું મારા અનુભવ પરથી કહું છું.’
‘અમે અમારાં બાળકોને પ્રેમ તો આપીએ જ છીએ.’
‘ખરેખર ? તો પછી આમ બને જ નહીં. ખરેખર તમારું જીવન તમારાં બાળકો માટે જ છે ?’ મોટાભાઈએ એવી વેધક નજરે રાજુના પપ્પા સામે જોયું કે રાજુના પપ્પાએ નજરને જીરવી શક્યા નહીં. અને તેમણે કહ્યું, ‘અમે તો બાળકો પ્રત્યેની ફરજ બજાવીએ છીએ.પણ તમે કરો છો એવું બધું તો કરવાની અમને ફુરસદ ક્યાંથી હોય ? ધંધામાં ય ધ્યાન આપવું પડે ને ? ‘
‘અરે, ધંધામાં આપો છો એના કરતાં પા ભાગનું ધ્યાન પણ જો રાજુ તરફ આપ્યું હોતતો છોકરો આટલો ઉધ્ધત ન બનત ! પણ કંઈ નહીં, તમારો રાજુ સાચો છે, દંભી નથી. એનામાં એક તરવરાટ છે. એના હૃદયમાં એક આગ ભભૂકી રહી છે. તેની કલ્પનાશક્તિ અને સંવેદનશક્તિને તમે કુંઠિત કરી નાંખી છે; અને તેના વિદ્રોહ રૂપે તે નિષ્ઠુર બની ગયો છે. સામેની ભીંત ઉપરનું સુવાક્ય વાંચો.
‘કોઈ પણ વસ્તુ જો બાળકની કલ્પનાને જાગૃત કરી તેને તૃપ્ત કરી શકતી હોય તો તેથી તમારે લેશ પણ ડરવાનું નથી. આ કલ્પનાશક્તિને લીધે જ બાળકનો અભ્યાસ એક જીવતી જાગતી વસ્તુ બની રહે છે અને મન આનંદનો અનુભવ કરતું કરતું આગળ વધે છે. ‘ શ્રીમાતાજી.’
‘આ વૃક્ષો, આ પશુ-પક્ષીઓ, પર્વતો, નદીઓ, આકાશ તારા-ચંદ્ર વગેરેના સાનિધ્ય અને પરિચય દ્વારા હું આ બાળકોની કુંઠિત થયેલી કલ્પના અને સંવેદના જાગૃત કરું છું અને પછી તો બાળકો આપોઆપ ખીલતાં જાય છે. આ છે બાળકોને વશ કરવાની મારી રીત !’
‘ખરેખર અનોખી છે તમારી પધ્ધતિ. અમે માતાપિતા જે નથી કરી શકતાં એ તમે કરી રહ્યા છો.’ એમ કહી શેઠસાહેબ મોટાભાઈને પગે લાગ્યા અને બોલ્યા : ‘હવે મને રાજુની ચિંતા નથી. તમારા હાથમાં એ જરૂર ખીલી ઊઠશે. હવે એ મારો નહીં પણ તમારો સાચો દીકરો છે. તમારી રીતે એને ઘડજો.હું નિરાંત જીવે પાછો જાઉં છું !’
‘મોટાભાઈ આ વિચારી રહ્યા હતા ત્યાં રાજુએ એમને પૂછ્યું,? આપણે કાલે સવારે પાછાં અહીં આવશું ને ? ત્યારે તમે મને તરતાં શીખવશો ને ?’
‘ ના રાજુ, કાલે સવારે હું તને ત્યાં સામે ટેકરીઓ દેખાય છે ત્યાં ફરવા લઈ જઈશ. પણ તારે વહેલું ઊઠવું પડશે. ઊઠીશ ને ?’
‘હા, હા, જરૂર ઊઠી જઈશ. ટેકરીઓ ખૂંદવી તો મને બહુ ગમે.’ રાજુને યાદ આવ્યું કે જ્યારે તે મોટરમાં આવતો હતો ત્યારે તેણે રસ્તામાં શું નક્કી કર્યું હતું ? કે આજે તે આખી રાત ઊંઘવાનો ન હતો.બધા સૂઈ જાય ત્યારે તે એવી જગ્યાએ ભાગી જવાનો હતો કે જ્યાં એના મમ્મી-ડેડી કે આ મોટાભાઈ કોઈ શોધી જ ન શકે.
પણ હવે તે ક્યાંય ભાગી શકે તેમ જ ક્યાં હતો ? તેણે આંબાને મોટો કરવાનો હતો. પોપટની વાંકી ડોક સાજી કરવાની હતી. સસલા સાથે રમવાનું હતું. નદીમાં તરતાં શીખવાનું હતું અને મોટાભાઈ સાથે પેલી ટેકરીઓ ખૂંદવાની હતી ! ઓહ ! એક દિવસમાં તો એને કેટલું બધું કામ મળી ગયું હતું !
તે રાત્રે તે સૂતો ત્યારે પહેલી વાર તેના મનમાં કોઈ પ્રત્યે ધિક્કાર નહોતો, રોષ નહોતો, કોઈ ઘુઘવાટ નહોતો; પણ મનમાં આનંદ હતો, ઉત્સાહ હતો, ઉલ્લાસ હતો. તે ઘસઘસાટ ઊંઘી ગયો. ઊંઘમાં ન તો તેણે કંઈ બડબડાટ કર્યો કે ન હાથ પગ પછાડ્યા કે ન દાંત કચકચાવ્યા કે ન ચીસો પાડી. વહેલી સવારે જ્યારે એના મસ્તક ઉપર પ્રેમાળ હાથ ફરી રહ્યો હતો અને મોટાભાઈ તેને ધીમે ધીમે જગાડી રહ્યા હતા, “બેટા, ચાલ ફરવા જવું છે ને?” ત્યારે તે જાગ્યો અને ત્યારે તેને લાગ્યું કે જાણે તે કોઈ નવી જ દુનિયામાં જાગ્યો છે. મોટા-ભાઈનો હાથ પકડી ઉલ્લાસથી તે ટેકરીઓ તરફ જઈ રહ્યો હતો ત્યારે ટેકરીઓ પાછળથી નવપ્રભાત ઊગી રહ્યું હતું અને તેનો આછો ઉજાસ રાજુના સ્મિતભર્યા વદન પર પથરાઈ રહ્યો હતો.
સાભાર :લેખક: જ્યોતિબેન થાનકી
(ઉર્ધ્વ જીવનની વાર્તાઓ)
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ - પ્રેરકવાતો, વીણેલા મોતી | 1 Comment

એક દુર્ભાગ્યની વાર્તા …

ભિન્ન ભિન્ન સંજોગો અને એ જ કાર્ય …

luck

સામાન્ય દ્રષ્ટિએ જેને અનૈતિક કે દુરાચાર ગણી શકીએ એ કાર્ય ચોક્કસ સંજોગમાં અને એમાંય વિશેષ કરીને બીજાનાં કલ્યાણ માટે કરેલું કાર્ય નૈતિક અને સદાચાર બની જાય છે.  ખોટું બોલવું એ અનૈતિક કાર્ય છે.  પરંતુ કુરુક્ષેત્રના રણમેદાનમાં જ્યારે આચાર્ય દ્રોણ પાંડવના સહાયક યોધ્ધાઓણે સેંકડોની સંખ્યામાં હણી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતે જ સત્યનિષ્ઠ યુધિષ્ઠિરનેદ્રોણના આ આક્રમણને ખાળવા અને કેટલાંય લોકોને બચાવવા અસત્ય બોલવા કહ્યું :
શ્રી રામકૃષ્ણ મઠ-મિશનના તેરમાં પરમાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજને એક વખત કોઈકે સાધુઓ ખોટું બોલે છે કે કેમ એ વિશે પૂછ્યું.  સૌના આશ્ચર્ય વચ્ચે પોતાની વિશિષ્ઠ નિગૂઢ ભાવે એમણે જવાબ આપ્યો : ‘ હા.’ સભાખંડમાં ઉગ્રતાપૂર્વકનો ગણગણાટ ઊઠ્યો !  મહારાજશ્રીએ પોતાનો જમનો હાથ સૌને શાંત કરવા ઊંચો કર્યો અને પછી એમને આ વાત સૌને કહી :
‘પોતાની સત્યનિષ્ઠા માટે સુખ્યાત એક સાધુ હતા.  એક સાંજે તેઓ એકલા રસ્તાની બાજુએ બેઠા હતા ત્યારે એક માણસ હાંફતો હાંફતો અને વ્યગ્ર બનીને દોડતો તેમની પાસે આવ્યો.  તે બોલી ઊઠ્યો : ‘સ્વામીજી, કેટલાક દુષ્ટ લોકો મારો પીછો કરી રહ્યા છે.  તેઓ મને મારું ધન મેળવવા મારી નાખવા ઈચ્છે છે.’  સાધુએ તેના તરફ એક નજર કરી પણ એને બોલતો બંધ ન કરી શક્યા.  એ માણસ તો ઉપાડ્યો ડાબી બાજુએ થોડીક ક્ષણો પછી ઘાતકી દેખાતા લોકોનો સમૂહ હાથમાં છરા લઈને પેલા સાધુ પાસે દોડી આવ્યા અને પૂછ્યું : ‘આ રસ્તે દોડતા જતા કોઈ માણસને તમે જોયો છે ?’ સાધુ એ પોતાનું માથું હકારમાં ધુણાવ્યું.  પેલા બરાડી ઊઠ્યા : ‘કઈ બાજુ ગયો એ ?’  પેલા સાધુએ જમણી બાજુએ આંગળી ચીંધી.  પેલા લૂંટારુ તો એ દિશામાં ભાગ્યા.
પછી સ્વામી રંગનાથાનંદજીએ સભાજનોને પૂછ્યું : ‘ એ વિચિત્ર પરિસ્થિતિમાં શું સાધુએ ખોટું બોળીને ધર્મનું આચરણ કર્યું ગણાય ?’  સભાગૃહમાં સાધુના અસત્ય બોલવાના કથનને સહર્ષ માન્યતા આપતો તાળીઓનો ગડગડાટ થયો.  જો કે નૈતિકતા અને સદાચાર વિશે વિપુલ માત્રામાં લખાયું છે અને એને સમજાવવા માટે ઘણું ઘણું કહેવાયું પણ છે.  આમ છતાં પણ લોકોને નૈતિકતા અને સદાચારની સંકલ્પનાને સમજવામાં અને આચરણમાં મૂકવામાં ઘણી મુશ્કેલી પડે છે.
એક દુર્ભાગ્યની વાર્તા …
એક વખત એક યુવાન સ્ત્રી એક સાધુ પાસે આવી અને તેને માંડ માંડ છ વર્ષના પોતાના પુત્રને તેમના અનાથાલયમાં દાખલ કરવા માટે વિનંતી કરવા લાગી.  સાધુએ છોકરાના પિતા વિશે પૂછ્યું.  તેણે કહ્યું કે તે આ ટાપુ છોડીને ચાલ્યો ગયો છે. આંનદામાનમાં પોતાનું ભાગ્ય અજમાવવા માટે ટાપુ છોડીને બીજી જગ્યાએ ચાલી જતા અને કુટુંબથી વિખુટા પડી જતા ઘણા દુઃખદ પ્રસંગો બનતા હોય છે.  સાધુએ  એ છોકરાને તેમના અનાથાલયમાં દાખલ કર્યો.  જતાં પહેલાં પેલી યુવતિએ ઓછામાં ઓછું મહિનામાં એક વખત એને મળવા આવશે એવું વચન પણ આપ્યું.
તેણે પોતાનું વચન પાળ્યું અને તેમના અનાથાલયની મુલાકાતે અવારનવાર આવતી રહી.  થોડા મહિના પછી તે એક દક્ષિણી પુરુષની સાથે આવી.  તેણીએ મને પોતાના પુત્રના પિતા તરીકે એ પુરુષનું નામ નોધાવા કહ્યું.  એકાદ વર્ષ પછી વળી પાછી તે કોઈ બીજાં સ્થાનિક પુરુષ સાથે આવી.  આ વખતે તેણીએ પહેલાંના પુરુષને બદલે પોતાના પુત્રના પિતા તરીકે નવા આવનાર પુરુષનું નામ લખવા કહ્યું. સાધુ કંઈ બોલ્યાં નહિ.  પણ તેમના ચહેરાના હાવભાવ ઉપરથી તેણી એટલું પામી ગઈ કે મને એનું આ વર્તન જરાય ગમ્યું નથી.
એક દિવસ બપોરે પછી તે એકલી આવી અને તેણીએ સાધુના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.  સાધુએ તેને એમ કરવા ન દીધું અને થોડી ઉદ્ધતાઈથી ઓસરીમાં બેસી જેવા કહ્યું.  તેણીએ સાધુની કચેરી છોડી અને ઓસરીમાં નીચે બેઠી અને પછી ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી.  શા માટે તે રડી પડી એની મહાત્માને  ખબર નથી પરંતુ તેમને એના પ્રત્યે લાગણી ન થઇ અને સહાનુભૂતિ પણ ન બતાવી.
પેલી સ્ત્રી ડૂંસકા સાથે બોલવા લાગી :  ‘તમે શા માટે મને તિરસ્કારો છો એ હું જાણું છું.  હું એ પણ જાણું છું કે તમારા જેવા પવિત્ર સાધુ પુરુષ આવી ચારિત્ર્યહીન સ્ત્રીને કેવી રીતે સહન કરી શકે ?  પણ મહારાજ, મારી રામ કહાની હું તમને સંભળાવું એ માટે મને રજા આપો.’  પછી એ સ્ત્રીએ પોતાના દુર્ભાગ્યની વાત માંડીને કહી :
મારા જન્મ પછી તરત જ મારી માતા મૃત્યુ પામી.  અપર માના હાથ હેઠળ હું મોટી થઇ.  મારા પિતા પણ હું દસ-અગિયાર વર્ષની હતી ત્યારે મૃત્યુ પામ્યા.  અમારે ખેડવા જમીન હતી પણ ખેતી કરનાર પુરુષ ન હતો.  એક દિવસ જ્યારે હું શાળાએથી પાછી આવી ત્યારે મારી સાવકી માએ મને કહ્યું: ‘લગ્ન કરવા તૈયાર થઇ જા.’  મારાથી ત્રણ ગણા મોટા એક હિન્દી ભાષી મજૂરને મેં જોયો.  મારે બળજબરીથી એની સાથે પરણવું પડ્યું.  એ માણસ ખરાબ ન હતો અને એણે મારી સાથે એવું બેહુદુ વર્તનેય નહોતું કર્યું.  પણ મારી શાળાના દિવસો આથમી ગયા.  એકાદ વર્ષ પછી અનાજની ભાગીદારી માટે મારી સાવકી મા સાથે એને ઝગડો થયો.  એ ઘર છોડીને ચાલ્યો ગયો.  મારી સાવકી માએ મને વળી પાછી શાળાએ જવાની છૂટ આપી.  થોડાક મહિના પછી શાળાએ જવાનું બંધ થયું.  સાવકી માને પોતાની ખેતી માટે એક બીજો મજૂર મળી ગયો.  મારે મારી સાવકી માના આદેશને માથે ચડાવવો રહ્યો.  એ પુરુષ મારી સાથે આઠેક વર્ષ સુધી રહ્યો અને મારા આ પુત્રનો પિતા બન્યો.  વળી એક સવારે એ પણ ચાલ્યો ગયો એની મને ખબર પડી.  હવે હું મોતી થઇ ગઈ હતી અને બધું સમજતી હતી કે મારી સાવકી મા પોતાની જમીનને ખેડવા મજૂર મેળવવા મારો દુરપયોગ કરે છે.
જ્યારે ત્રીજી વખત પોતાની જમીન માટે કામ કરે તેવો પુરુષ મળ્યો ત્યારે કોઈનેય કહ્યા વગર અને ક્યાં જવું એની કાંઈ સાનભાન વિના હું ઘરમાંથી નીકળી ગઈ.  મને એક હોડી મળી ગઈ. કિનારે મારી મુલાકાત એક ભળી સ્ત્રી સાથે થઇ.  તેમને મને તમારા અને આ આશ્રમ વિશે કહ્યું.  એ આશ્રમમાં મારા પુત્રને મૂકવાની મને સલાહ આપી.  ત્યાર પછી પથ્થરના એક કારખાનામાં રોજિંદા મજૂર તરીકે જોડાઈ જવા કહ્યું.  સ્વામીજી મહારાજ ! તમે તો એક પવિત્ર પુરુષ છો.  તમે ઘણી બાબતો જાણતા હશો પણ પતિના આધારવિહોણી એક સ્ત્રીની દુર્દશા અને દુઃખપીડાને તમે નથી જાણતા.  જીવનમાં ટકી રહેવા માટે પણ મારે એક વ્યક્તિ સાથે પરણવું પડ્યું.  તે ડ્રાઈવર હતો અને હવે એ જ કારણે આ માણસનો મારે આશરો લેવો પડ્યો.  પણ સ્વામીજી, હું તમને વચન આટલું આપું છું કે જ્યારે મારો દીકરો આધાર વર્ષનો થઇ જશે અને પોતાની સારસંભાળ પોતે લેતો થઇ જશે ત્યારે હું મારું આ જીવન પૂરું કરી દઈશ. મારા વચનમાં વિશ્વાસ રાખજો, સ્વામીજી.
ડૂસકાંભર્યા અવાજે, ચોધાર આંસું વહેતી આંખે તે સ્ત્રીએ સાધુને પ્રશ્ન પૂછ્યો : સ્વામીજી, શું હું દુરાચારી કે અનૈતિક  પથે ચાલનારી છું ?’

 

સાધુ આ પ્રશ્નનો ઉત્તર આપી ન શક્યા .  શું અમારા સુજ્ઞપાઠક મિત્રો એનો ઉત્તર આપી શકશે ? આપના પ્રતિભાવ જરૂર અહીં મૂકવાની કોશીશ કરશો…
(રા.જ. ૧૧-૦૮/૩૪૩-૩૪૫/૨૫-૨૭)
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ - પ્રેરકવાતો, વીણેલા મોતી | 7 Comments

(૧) રાજાની પાસે બેસવાનું ફળ … (બોધકથા)

(૧) રાજાની પાસે બેસવાનું ફળ … (બોધકથા)

shethji

શ્રાવસ્તી નગરીમાં વિષ્ણુગુપ્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ ગરીબ પણ બુદ્ધિમાન હતો. સમય અને સંજોગોને માન આપી ભિક્ષાવૃત્તિ કરી પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરતો હતો. વિષ્ણુગુપ્તને એક દીકરી હતી. નામ એનું રાધા હતું. રાધાના લગ્ન માટે તે બચત પણ કરતો હતો. બચત કરેલી રકમ અમૂલખ શેઠની પેઢીમાં જમા કરાવતો હતો. વિષ્ણુગુપ્તે આ રીતે દશ વરસ સુધી બચત કરી, હવે તેની રાધા પુખ્ત વયની બની હતી. સારું ઘર અને સારો વર જોઈ વિષ્ણુગુપ્તે રાધાની સગાઈ કરી નાખી. વસંતપંચમીના રોજ લગ્ન કરવાનું મુહૂર્ત પણ જોવડાવી દીધું.
એક દિવસ વિષ્ણુગુપ્ત અમૂલખ શેઠની પેઢીએ આવી કહેવા લાગ્યો : ‘ શેઠજી, મેં દીકરીનાં લગ્ન લીધાં છે. માટે હિસાબ કરીને મારી બચત થયેલી રકમ આપો.’
શેઠની દાનત બગડી હતી. એણે ઉગ્ર સ્વરે કહ્યું : ‘હું તને ઓળખતો નથી. બચત કેવી ને વાત કેવી ? ભાગ અહીંથી.’
વિષ્ણુગુપ્ત કહે : ‘શેઠ, ગરીબ બ્રાહ્મણની મજાક ન કરો. હાડિયાને હસવાનું થાય છે ને ઊંદરડીનો જીવ જાય છે. આપની ખાતાવહીમાં મારું ખાતું પાડેલું છે. એમાં મારી બચત રકમ બોલે છે. કૃપા કરી મારી ખાતાવહી જુઓ, મારી જે રકમ નીકળતી હોય તે આપો. હું ભિક્ષાવૃત્તિ કરવા આવ્યો નથી.? શેઠે નોકરો મારફતે બ્રાહ્મણને તગેડી મૂક્યો. શેઠની બેઈમાનીથી વિષ્ણુગુપ્તને ભારે આઘાત લાગ્યો. એનો અરમાનોનો મહેલ કડડડ ભૂસ કરતો તૂટી પડ્યો. એ ભારે હૈયે રાજાના મહેલે આવ્યો.
રાજા બિંદુસાર યજ્ઞના કામમાં વ્યસત હતો. એને એક પળની નવરાશ ન હતી. આમ છતાં પ્રજાવત્સલ રાજાએ યજ્ઞનું કામ પડતું મુકી ગરીબ બ્રાહ્મણની કથની પૂરેપૂરી સાંભળી. બ્રાહ્મણને કહ્યું : ‘પૂરાવાના અભાવે હું ન્યાય આપી શકતો નથી. ન્યાયશાસ્ત્રમાં પૂરાવાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આમ છતાં તને તારી બચતની રકમ મળે તે માટે મેં એક યુક્તિ વિચારી છે.’ આમ કહી રાજાએ એના કાનમાં યુક્તિ જણાવી. રાજાની યુક્તિ સાંભળી રવિકિરણથી કમળ ખીલે એમ બ્રાહ્મણનું મોં ખીલી ઊઠ્યું. એ ધમધમ પગલાં ભરતો પોતાના આવાસે ગયો. રાજાએ સાંજે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે, ‘આવતી કાલે સવારથી રાજાની શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગે ફરશે. તો સૌ નગરજનોને શોભાયાત્રામાં ભાગ લેવાનું આમંત્રણ છે.’ આખી રાત નગરના લોકોએ નગરને ધજાપતાકાથી શણગાર્યું. લોકો ખુશીના મહેરામણમાં હિલોળા લેતા હતા.
એવામાં સવાર પડ્યું. દશવાગે રાજા બિંદુસારની શોભાયાત્રા દક્ષિણ દરવાજે આવેલા ભગવાન સોમેશ્વ્રરના મંદિર પાસેથી નીકળી. લોકો, વેપારીઓ અને શ્રેષ્ઠીઓ માર્ગમાં રાજાનું અભિવાદન કરતા હતા. આ વખતે વિષ્ણુગુપ્ત અમૂલખ શેઠની પેઢીએ ઊભો હતો. થોડી જ વારમાં રાજાની શોભાયાત્રા અમૂલખ શેઠની પેઢી પાસે આવી પહોંચી. અમૂલખશેઠે ફૂલહાર પહેરાવી રાજાનું અભિવાદન કર્યું. આ વખતે રાજાની નજર વિષ્ણુગુપ્ત પર પડી. રાજાએ ઈશારો કરી વિષ્ણુગુપ્તને પોતાની પાસે બોલાવ્યો. રાજાએ ‘ગુરુદેવ’ કહી વાતની શરૂઆત કરી : ‘યજ્ઞના કામકાજ માટે મારે તમારી સલાહ લેવાની છે. માટે આપ થોડીવાર મારી પાસે બેસો.’વિષ્ણુગુપ્ત થોડીવાર રાજાની પાસે બેસી ઊતરી ગયો. નગરજનો અને અમૂલખશેઠ વિષ્ણુગુપ્તને રાજા તરફથી મળતું માન જોઈ રહ્યા. નગરજનો દંગ થઈ ગયાં. જ્યારે અમુલખ શેઠ ધ્રૂજી ગયો. શેઠ અમૂલખને મનમાં વસી ગયું કે, ‘વિષ્ણુગુપ્ત જો મારા વિરુદ્ધ રાજાને ફરિયાદ કરશે તો રાજાના સૈનિકો મારા તમામ ચોપડાઓ જપ્ત કરી તપાસ કરશે. ખાતાવહીમાં બ્રાહ્મણનું ખાતું જોઈ મારી તમામ મિલકત રાજા જપ્ત કરશે. મને જેલમાં પૂરશે. મારા કુટુંબને દેશનિકાલ કરશે. આ તો રાજા વાજાંને વાંદરા. એમનું કંઈ કહેવાય નહીં.’ આવું વિચારી શેઠે નોકરોને દોડાવી વિષ્ણુગુપ્તને પેઢી પર બોલાવી મંગાવ્યો.
શેઠે બ્રાહ્મણને પેઢીમાં બેસાડી બહુમાન કર્યું. વિનમ્ર થઈને કહ્યું : ‘બ્રહ્મદેવતા, તમારા ગયા પછી મેં ખાતાવહી તપાસી તો તમારું જમા પડેલું ધન મળી આવ્યું. મને એ યાદ ન હતું. આપ મને ક્ષમા કરશો. હું અત્યારે જ હિસાબ કરી તમારી તમામ રકમ વ્યાજસહિત આપી દઉં છું. ઉપરાંત દીકરીનો લગ્નપ્રસંગ હોઈ હું થોડી વધારે રકમ મારા તરફથી આપું છું. આપ એનો સ્વીકાર કરશો.’ વિષ્ણુગુપ્તનું કામ થઈ ગયું. એ વિચારવા લાગ્યો કે રાજા સાથે થોડીવાર બેસવાથી આ પરિણામ આવ્યું તો રાજાના રાજા ઈશ્વર પાસે બેસીને ઉપાસના કરવાથી કોણ જાણે કેટલું મોટું ફળ મળતું હશે ? આ રીતે ઉચ્ચ ચિંતન કરવાથી ભક્તની વિચારણા, ક્રિયા અને નિષ્ઠામાં ફેરફાર થઈ જાય છે. ભક્ત ધીરે ધીરે ઊંચે ઊઠવા લાગે છે.
ચંદન પાસે ઊગનારાં બીજાં ઝાડ પણ સુગંધિત થઈ જાય છે. તીડ, કીડા, પતંગિયાં લીલાઘાસમાં રહેવાને કારણે લીલાં થઈ જાય છે. તેમ ઈશ્વર પાસે સાચી ઉપાસના કરવાથી આપણે ઈશ્વરમય બની જઈએ છીએ. આવું વિચારી વિષ્ણુગુપ્ત ઈશ્વર પાસે બેસી ઉપાસના કરવા લાગી ગયો.
સાભારઃપોપટલાલ મંડલી…

 

Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ - પ્રેરકવાતો | 2 Comments

માગતાં શીખો … (બોધકથા)

માગતાં શીખો … (બોધકથા)

Final Diwali Card - ASD-JAD-YAD-n-D

એક વાણિયો હતો, જેનું નામ હતું માણેકલાલ; નહોતાં મા-બાપ, કે નહોતી સ્ત્રી કે ઘરબાર, અને વળી અધૂરામાં પૂરું બિચારો બન્ને આંખે હતો અંધ. એક શહેરમાં આવીને રહેલો અને તેની જ કોમના એક ગૃહસ્થે દયા લાવીને દુકાને મુનીમ રાખેલ. મુનીમનું કામ મોઢેથી ટપોટપ હિસાબ કરી દેવાનું હતું. હિસાબમાં એવો એક્કો હતો કે એની કોઈ જોડ મળે નહિ. દસ રૂપિયા પગાર મળતો, તેમાંથી દોઢ રૂપિયો ઓરડીના ભાડાનો ભરતો; જેશંકર નામના બ્રાહ્મણને ત્રણ રૂપિયા રસોઈના મહેનતાણાના આપી રસોઈ કરાવતો અને જેશંકર અને માણેકલાલ લહેર કરતા. જેશંકર ગામમાં માગવા જતો અને ખાઈ-પી લહેર કરતો. જેશંકર ઘરબારી હતો, તેને એક છોકરો હતો અને ઘરવાળી હતી; ત્રણચાર રૂપિયા ઘેર મોકલતો અને ગાડું ઠીકઠીક ગબડે જતું હતું. 

એક વખત પુરુષોત્તમ માસ આવ્યો અને વળી તે શ્રાવણ માસ હતો; એટલે જેશંકરે, ભીડભંજક મહાદેવમાં બેસી આખો દિવસ શંકરની ઉપાસના કરવા નક્કી કર્યું,આની વાદે માણેકલાલે પણ નિશ્ચય કર્યો અને બન્ને જણાએ મહાદેવ-ભોળા ભગવાનને પ્રસન્ન કરવા તપ આદર્યું. બ્રાહ્મણ અંદર બેસે અને વાણિયો બહાર બેસે એટલો જ ફેર. બરાબર મહિના દિવસ સુધી એક ચિત્ત અને ધ્યાનથી ઉપવાસ કરીને ‘ૐ નમ: શિવાય’ ના સવા લક્ષ જપ કર્યાં. ભોળાનાથ પ્રસન્ન થયા અને એકેક વરદાન માગી લેવા કહ્યું. વાણિયો તો ખુશખુશ થઈ ગયો, પણ બ્રાહ્મણ લોભી તે ભગવાન ભોળાનાથને કહે : ‘પ્રભો, આ તો આપનો અન્યાય છે. હું અંદર બેસીને આપને સ્નાન કરાવતો, ચંદન ચોપડતો, ફૂલ ચડાવતો અને વળી જ્ઞાતે બ્રાહ્મણ જ્યારે આ વાણિયો તો બહાર બેસતો અને જ્ઞાતે વૈશ્ય. માટે વરદાનમાં ફરક હોવો જોઈએ. વાણિયાને આપે ભલે એક વરદાન આપ્યું અને તેને એક જ બસ છે; કારણ કે તે તો એકલો જ છે, જ્યારે દીનાનાથ, અમે તો ત્રણ જણાં છીએ, તો અમો ત્રણેને એક એક વરદાન મળવું જોઈએ.’ ભગવાન કહે : ‘ભાઈ, ભલે ત્રણ વરદાન તમારા ત્રણ વચ્ચે, પણ તું જાણે છે કે, અતિલોભ પાપનું મૂળ છે, લોભે લક્ષણ જાય; પણ તું અનુભવથી જ શીખીશ, તથાસ્તુ.’

બ્રાહ્મણ તો દેવળેથી જ પોતાને ગામ ગયો અને ઘેર જઈને જુએ છે તો પોતાની પત્ની કપડાં ધોવાં નદીએ ગયેલી અને છોકરો નિશાળે ગયેલો. જેશંકર તો હરખમાં ને હરખમાં શૌચ આદિ દૈનિક ક્રિયાઓ પતાવવા ઉપડ્યાં. રસ્તામાં નદીએ પત્ની મળી અને તેને વરદાનની વાત કરી અને એક ઈચ્છિત વરદાન માગવાનું તેને ભાગે આવ્યું હતું તે વાત કરી ને પછી એ ઉપડ્યા. બ્રાહ્મણી તો વિચારમાં પડી કે મારે શું માગવું ? વિચાર કરતાં રૂપ માગવાનું નક્કી કર્યું. કારણ કે રૂપ હશે તો બ્રાહ્મણ વશ રહેશે; નહિ તો વરદાનથી ધન મેળવી બીજી રૂપાળી સ્ત્રીને પરણશે એવી બીક લાગી. બ્રાહ્મણીએ તો રૂપ માગ્યું અને રૂપસુંદરી બની ગઈ.

બરાબર આ વખતે એક રાજા શિકારે નીકળેલો.. તે પોતાના ઘોડાને પાણી પાવા નદીએ આવ્યો અને આ રૂપરૂપના અવતારવાળી સ્ત્રીને જોઈને તેની દાનત બગડી. તેને એમ લાગ્યું કે આ સ્ત્રી તો રાજદરબારમાં શોભે, એમ વિચારીને પેલી સ્ત્રીને પકડી ઘોડે બેસાડી દીધી અને પોતે પણ તે જ ઘોડા ઉપર બેસી, ઘોડાને દોડાવી મૂક્યો; જેશંકરનો છોકરો આ જ વખતે નદીએ બોલાવવા આવ્યો પણ પોતાની માતાનું હરણ થતાં જોઈને પોકેપોકે રોવા લાગ્યો. જેશંકર શૌચ આદિ પ્રાત:ક્રિયા પતાવીને આવ્યો અને બધી બનેલી વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. છોકરાને ઘેર મૂકીને, ગામમાંથી કોઈનો ઘોડો માગીને રાજાના ઘોડાની પછવાડે પછવાડે ગયો. રાજાએ તો બ્રાહ્મણીને ખૂબ આશા આપેલી અને પટરાણી બનાવીશ એમ વચન આપ્યું અને દરદાગીના અને કપડાંની લાલચમાં લપટાવી. બ્રાહ્મણ તે ગામમાં ગયો અને પોતાની સ્ત્રીનો માંડમાંડ પત્તો મેળવ્યો. બહુ જ કાકલૂદી અને કાલાવાલાથી એક જ વખત તે સ્ત્રીનું મોઢું જોવાની રજા મળી. મોઢું જુએ તો રૂપરૂપનો ભંડાર. બ્રાહ્મણ સમજી ગયો કે આ સ્ત્રીએ તો વરદાન માગી મને ખાડામાં ઉતારી દીધો. સ્ત્રીને ઘણું સમજાવ્યું કે હું તને માગે તે આપીશ, તું વ્યભિચારીણી કેમ થાય છે ? છોકરાં રોઈ રોઈને મરી જશે અને તને આ શું સૂઝ્યું ? ઘણી રીતે સમજાવી પણ તે તો એક ટળી બીજી થઈ નહિ. એ તો જબદજસ્ત નાગણી થઈ.

બ્રાહ્મણને ગુસ્સો આવ્યો કે તપ કરી માંડમાંડ વરદાન મળ્યાં અને આ સ્ત્રીએ તો એનો દાટવાળી દીધો. મારી કમાણી ઉપર પાણી ફેરવી દીધું, આના કરતાં તો ભગવાને એક વરદાન આપ્યું તે લીધું હોત તો ઠીક હતું. આ લોભનાં ફળ ભોગવવાં રહ્યાં. આ તો હું સુખ લેવા દોડ્યો, ત્યાં નસીબ બે ડગલાં આગળ ને આગળ. પછી બ્રાહ્મણે પણ રાજાને ઘણી વિનંતિ કરી : ‘હે રાજા તમારે તો પ્રજાનું રક્ષણ કરવું જોઈએ તેને બદલે આ તો ભક્ષણ કરો છો, પ્રજાની મા અને દીકરીની લાજ અને મર્યાદા માટે તો ક્ષત્રિયોએ પોતાનાં માથાં આપ્યાં છે તેને બદલે તમે તો આવાં હલકાં અને નીચ કામ કરો છો ?તમે તો ગૌબ્રાહ્મણપ્રતિપાળ કહેવાવ, તેને બદલે બ્રાહ્મણનાં જ ગળાં કાપો છો ? રાજા, તું જરા સમજી જા. રાજા રાવણે પણ સીતાજીનું હરણ કરી શું લાડવો લીધો ? અને દુર્યોધને પાંચાળીનાં પટકુળ ખેંચી શું સુખ માણ્યું ?’ આવી રીતે ઘણાંઘણાં વચનો રાજાને સંભળાવ્યાં; પણ તે તો પોતાના વિચારમાં અડગ રહ્યો. છેવટે બ્રાહ્મણે ભોળાનાથ ભગવાનની સ્તુતિ કરી વરદાન માગ્યું કે : ‘હે ભોળાનાથ, આ સ્ત્રીને ગધેડી બનાવી દ્યો.’ બ્રાહ્મણી તુરત જ ગધેડી બની ગઈ અને આ જોઈને રાજા તો ગભરાયો અને બ્રાહ્મણને પગે પડી કહેવા લાગ્યો કે, ‘મહારાજ, મારો ગુનો માફ કરો. હું તમારી ક્ષમા માગું છું, તમે તો દયાળુ છો. મહારાજ, હવે તમારે જોઈએ તે માગી લો. પણ મને ગધેડો બનાવશો મા.’ રાજા તો ભાગીને સંતાઈ જ ગયો. બ્રાહ્મણ તો ગધેડીને દોરીને પોતાને ગામ આવ્યો. છોકરો તો બિચારો માના વિરહમાં રોતો હતો; કારણ કે તેને મા વિના સંસાર સૂનો હતો.

જેશંકરનો દીકરો બિચારો મા વિના ઝૂરતો હતો, એટલામાં ગધેડીને લઈ તેના પિતા આવી પહોંચ્યા. જેશંકરે કહ્યું :’ બેટા ! રો મા, જો આ તારી માને પકડી લાવ્યો છું. તું નહિ સાચું માને કે આ તારી મા છે, પણ હું સાચું કહું છું કે આ તારી મા છે. હવે હું કહું તેમ કર. હાથ જોડી બોલ કે હે ભોળાનાથ શંકર, આ ગધેડી મારી મા જેવી હતી તેવી થઈ જાઓ.’ પિતાની આજ્ઞા પ્રમાણે પુત્રે કહ્યું એટલે તુરત જ ગધેડી બદલાઈ ગઈ અને તે બ્રાહ્મણી બની ગઈ; છોકરો માને પ્રેમથી ભેટી પડ્યો. ત્રણ વરદાન હતાં, પણ માગતા ન આવડ્યું એટલે હતા ત્યાં ને ત્યાં અને હતા તેવા ને તેવા રહ્યા.

હવે પેલા વાણિયા માણેકલાલે શું માગ્યું તે જુઓ. તેને તો એક જ વરદાન હતું. ધન માગે તો આંખ ન મળે, આંખ માગે તો ધન ન મળે અને પાછી નોકરી તો કરવી જ પડે.એટલે ખૂબ વિચાર કરી માગ્યું :’હે ભોળાનાથ, હું મારા છોકરાના છોકરાની વહુને સાત માળની હવેલીએ સોનાની ગોળીએ છાશ કરતાં જોઉં.’ આમાં વાણિયાએ માગવામાં શું બાકી રાખ્યું ?’ ધન માગ્યું, વહુ માગી, દીકરા માગ્યા અને દીકરાનો પરિવાર માગ્યો, ઘર માગ્યું. ઢોર માંગ્યા અને આંખ પણ માગી લીધી. આવી રીતે જેને માગતાં આવડે છે તેનો બેડો પાર થાય છે. આપણે જેવું માગીએ એવું ઈશ્વર જરૂર આપે છે પણ માગતા પહેલાં આપણે આપણામાં લાયકાત લાવવા જરૂર પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમ લાયક બનો પછી માગણી મૂકો.

Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ - પ્રેરકવાતો, વીણેલા મોતી | 1 Comment

(૧) કાનજી કાળા (રચના) અને (૨) પુરુષોત્તમ શ્રીકૃષ્ણ …

(૧) કાનજી કાળા …
રચિયતા : શ્રી કેદારસિંહજી એમ. જાડેજા …
ઢાળ:- રાગ પ્રભાતિ જેવો
krishna
 

કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે…

રામ બની તેં અહલ્યા ઉધ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી,       ભક્ત ઉગાર્યા ભારી રે…

એકજ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી રે
ધોબી ના વચને રાણી સીતા ને, કષ્ટ દીધાં બહુ ભારી રે…

ક્રુષ્ણ બની તું કપટ કરે છે,   રણ છોડી રણછોડ બને છે
છોગાળા ને તું છળ થી છળે છે, વિપરીત વાણી તારી રે…

જોર કરી જાંબુવતી લાવ્યાં,   પરણ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી,    વિરહ વેઠાવ્યા ભારી રે…

બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જનમ ભોમકા (જેલ) ભાગ ભજાવે, મતી બગાડે તારી રે…

“કેદાર” કપટ એક કાન કરી દે,  મુજ પાપી ને પાર કરી દે
જગત બધાને જાણ કરી દે,    તૂં અધમ નો પણ ઉધ્ધારી રે…

(૨) પુરુષોત્તમ શ્રીકૃષ્ણ …
ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદભુત -રમણીય વ્યક્તિત્વો પાંગર્યા છે ! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાતાં આવતાં આ જનકલ્યાણકારી વ્યક્તિત્વ ભારતીય જનજીવનના આદર્શરૂપ રહ્યાં છે.
આ બન્નેમાં પણ કૃષ્ણે તો ભારતીય વિચારો, જીવન અને સંસ્કૃતિ ઉપર ઘણી ઘેરી અસર કરી છે. ધર્મ અને તત્વજ્ઞાનમાં જ નહિ, રહસ્યવાદમાં, કવિતામાં, શિલ્પમાં, સંગીતમાં, નૃત્યમાં અને ગ્રામજીવનનાં દરેકે દરેક પાસાંમાં એ પ્રવેશી ચૂક્યા છે. એણે ભારતની પેઢી દર પેઢી પર પોતાનો જાદુ પાથરી દીધો છે.
નવાઈ તો એ છે કે આવું અદભુત રમણીય ચરિત્ર ધરાવતા પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પર પણ એના અજ્ઞાન કે અધૂરી સમજણને કારણે આક્ષેપો અને કપરી આલોચનાઓ મૂર્ખોએ કરી છે. આપણે અતિઉત્સાહભરી પ્રશંસાઓ અને કપરી આલોચનાઓની વચ્ચેનો સંતુલિત માર્ગ શોધવાનો અહીં પ્રયત્ન કરવાનો છે.
આપણે અહીં જે કૃષ્ણ ની વાત કરવાની છીએ, તે કંઈ ઋગ્વેદના (પ્રથમ અને દસમા મંડલના) વિશ્વકાયના પિતા ‘કૃષ્ણ’ પણ નથી કે કૌષિતકી બ્રાહ્મણ (૩૦/૯) ના આંગિરસ ‘કૃષ્ણ’ પણ નથી. તેમજ ઐતરેય આરણ્યક (૩/૨૬) નાં હારિત ‘કૃષ્ણ’ પણ નથી અને મહાભારતકાર ‘કૃષણ’ ?દ્વૈપાયન પણ નથી. આપણા કૃષ્ણ તો એ છે કે જે કંસના કારાવાસમાં જનમ્યા હતાં; જેમણે શૈશવમાં નિર્દોષ અને લીલાઓ કરી; બંસીનાદથી ગોપીઓને ગાંડી કરી;? જેમણે ભરયુવાની માં ભૂમિને ભારરૂપ ત્રાસવાદી કંસ અને કેશી જેવા કેટલાયને મોતને ઘાટ ઉતારી દીધા હતા; જેમણે બાળીને નવી વસાહતો સ્થાપી હતી; જેમણે રુકિમ, શિશુપાલ અને જરાસંઘ જેવા અનેક જુલ્મીઓના જુલ્મમાંથી રાજા-પ્રજાને છોડાવ્યાં હતાં; જેમણે છેક મોટી ઉંમરે પણ ઘોર આંગિરસ પાસેથી વિદ્યા મેળવી હતી; જે અર્જુનના રથના યુધ્ધ સમયે સારથી બન્યા હતા; જેમણે પાંડવોને વિજય અપાવ્યો હતો; જેમણે બાળસખા સુદામાની દરિદ્રતા દૂર કર્યું હતું; અને જેઓ અંતે અકળ રહસ્યસંકેતને અનુસરીને, બાજીગર જેમ પોતાની બાજીણે સંકેલી લે, તેમ પોતાની જીવનલીલાને સંકેલીને ચાલ્યા ગયા ! આ મહામાનવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ વિશે થોડીક વાત કરવી છે.
આ કૃષ્ણકથા મુખ્યત્વે મહાભારત, ભાગવત, હરિવંશ અને વિષ્ણુપુરાણમાં અને સામાન્ય રીતે બીજા પુરાણોમાં પણ પથરાયેલી છે. એક બીજામાં અન્યની પૂર્તિ કરી પૂર્ણ કથા પ્રાપ્ત થાય છે. આમ તો આ કૃષ્ણકથા ભારતનાં આબાલવૃધ્ધ્માં અત્યંત જાણીતી છે જ, જીવન સાથે જડાઈ છે.
આ કૃષ્ણ કોઈ મહામાનવ છે કે કોઈ દિવ્ય અવતાર છે, એની વાયકાઓને એક બાજુએ મૂકીએ, તોયે એટલું તો સુનિશ્ચિત જ છે કે ત્રણેક હજાર વર્ષોથી હજારો-લાખો -કરોડો હિંદુઓના હૃદયમાં એ શાસન ચલાવી રહ્યા છે.
અને જો એ મહામાનવ સમગ્રહિંદુવંશ ઉપર આટલી બધી ઊંડી અસર પાડી શક્યા હોય તો એ ભગવાન સ્વયં સિવાય બીજો કોઈ જ ન હોઈ શકે ! માનવજાતિના ઉધ્ધાર માટે-ધર્મસંસ્થાપન માટે ભગવાન જ ભૂમિ પર અવતર્યા એવી હિંદુઓની શ્રધ્ધા સ્વાભાવિક જ છે.
ઇતિહાસ ઈશ્વર અવતાર સર્જતો નથી. પણ ઈશ્વર અવતાર જ ઇતિહાસને સર્જીને એને ઘડે છે. અવતારનો પ્રાથમિક હેતુ ધર્મસંસ્થાપન હોય છે. આ હેતુની સિદ્ધિ માટે તત્કાલીન ધર્માચારી સજ્જનોના હાથ મજબૂત કરવા અનર જરૂર પડ્યે દુરાચારીઓને દબાવવા કે એમનો ધ્વંશ કરવાની આવશ્યકતા હોય છે.
આ માટે તે અવતાર પોતાની સઘળી સત્તા અને તત્કાલીન સહાયક સ્તોત્રોનો ઉપયોગ કરે છે પણ આ પ્રક્રિયામાં તે પોતાનાં માનવ સહજ લક્ષણોને છોડી નહિ દે, છોડવાં જોઈએ પણ નહિ જ, હા, કોઈક વખત પોતાની માનાવાતીત ઉચ્ચતર સ્તરે જવાની ક્ષમતા અને સંભાવનાને લોકો આગળ રજૂ કરે છે ખરો ! અને એવી રજૂઆતો આપોઆપ જ થઇ જાય છે. અવતાર એને માટે સભાન હોતો નથી.
આ દ્રષ્ટિથી કૃષ્ણચરિતનું અધ્યયન કરતાં એનું વ્યકતિત્વ કેટલું પ્રેરક છે ? માનવ માટે કેટલું ઉપયોગી છે ? કૃષ્ણનું સમગ્રજીવન ‘ધર્મકેન્દ્રી’ હતું: ધર્મધારણ, ધર્માંરક્ષણ ધર્મનું પુન:સ્થાપન અને ધર્મની સમસ્યાઓનું સમાધાન -આ બધાં કૃષ્ણજીવનનાં મૂળતત્વો હતાં.
જો આ ધર્મ માનવોનાં મન અને હૈયામાં વસતો ન હોય, અને એમનાં કાર્યોમાં એ અભિવ્યક્તિ પામતો ન હોય તો તે એ ખાલી સૂકો ખ્યાલમાત્ર જ છે. એટલે જ કૃષ્ણે સૌ પ્રથમ માનવીય સંબંધોને પોતાનાં જીવનમાં મહત્વ આપ્યું. અને એમાં પણ વંચિતો, દીનહીનો, દુર્બળો, સમાજે હિન્ ગનેલાઓ અને સ્ત્રીઓ સાથેના કૃષ્ણના માનવીય સંબંધો મોખરે છે. વૃંદાવન ગોવાળિયાઓની એમને કેવી કાળજી લીધી ! કુબ્જાની કુરુપ્તાને કેવી દૂર કરી ! કપરે કાળે દ્રૌપદીની કેવી લાજ રાખી ! ગરીબ કુચેલાને કેવું સ્વાસ્થ્ય આપ્યું. અને આવાં આવાં તો કેટલાંય ઉદાહરણો કૃષ્ણના વ્યક્તિત્વને અજવાળી રહ્યાં છે.
કમળથીયે કોમળ હૈયું ધરાવતા કૃષ્ણ જરૂર પડ્યે ધર્મરક્ષણાર્થે અને ધાર્મિકજનોના રક્ષણાર્થે વ્રજ્થીય કઠોર -અચલ ઇચ્છાશક્તિ ભય કે પરાજયને એ ઓળખાતા ણ હતા. તેમણે મારેલા રાક્ષશો અને દબાવી દીધેલા અસુરો અસંખ્ય હતાં. તેમનું યુદ્ધકૌશલ અનુપમ હતું. આમ છતાં એ ‘યુદ્ધખોર’ ન હતાં. એ અનન્ય રાજપુરુષ અને શાંતિદૂત તરીકે પણ ઘણા પ્રવીણ હતાં. કૃષ્ણમાં ‘મગજ’ અને ‘મસલ્સ’ ની શક્તિઓનો દુર્લભ સયોંગ હતો. વૈદિક્જ્ઞાન, ભૌતિકજ્ઞાન, કલા વગેરેમાં તેઓ પાવરધા હતા. ભગવદગીતા, અનુગીતા અને ઉદ્ધવગીતા એનાં જવલંત ઉદાહારનોઓ છે. પ્રખર બુદ્ધિશક્તિ, આંતરસૂઝ અને વ્યવહારુ ડહાપણના તેઓ ભંડાર હતાં. એથી તેઓ કેટલીય આંટીઘૂંટીઓને આસાનીથી ઉકેલી શક્યા હતા. એમનુ હસ્તિનાપુરનું દૂતકાર્ય, કર્ણને પાંડવોના પક્ષમાં લાવવાનો તેમનો પ્રયત્ન, કુરુક્ષેત્રની યુદ્ધમાં તેમણે કરેલી વિવાદાસ્પદ બનેલી વ્યૂહરચનાઓ -વગેરે આ વાતની સાખ પૂરે છે.
બુદ્ધિ અને વિદ્વત્તા ઘણી વખત સભ્યતા અને શિષ્ટતાને બદલે માણસમાં અંહકાર અને લુચ્ચાઈ ઉત્પન્ન કરી દે છે. પણ કૃષ્ણ તો પૂર્ણ નમ્રમાનાવ જ હતાં. કંસને માર્યા પછી કે જરાસંઘને મરાવ્યા પછી એ પોતે રાજગાદી પર ન બેઠા અને ઉગ્રસેન તેમજ સહદેવને ગાડી પર બેસાડ્યા?! ?વૃધ્ધો, બ્રાહ્મણો, ઋષિઓને તેમણે યથોચિત સમ્માન્યા હતાં. ગંભીર ઉદ્વેગકારી પ્રસંગોએ પણ શાંત અને સ્વસ્થ રહ્યા હતાં. ગંદી ગાળો વરસાવતા શિશુપાલ સામે તેમણે અનન્ય સહિષ્ણુતા દાખવી હતી-એ એનો દાખલો છે.
કૃષણ તત્વજ્ઞાની અને સાથો સાથ એક સિદ્ધ યોગી પણ હતાં. તેથી તેઓ ‘યોગેશ્વર’ તરીકે સર્વત્ર જાણીતા છે. યોગબળથી એમને અક્રુરને વિષ્ણુદર્શન કરાવ્યા, કુબ્જાને રૂપ બક્ષ્યું. શ્રીકૃષ્ણમાં રહસ્યમયતા અને પ્રવૃતિશિલાતા સમાંતરે ચાલતા. શ્રીકૃષણ લોક-કલ્યાણાર્થે બાળપણથી મરણ સુધી સતત પ્રવૃતિશીલ રહ્યા. એમનું આખુંયે જીવન લોક કલ્યાણ માટે સમર્પિત હતું. શરીરયાત્રા સિવાયનું એમનું કોઈપણ કાર્ય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે થયું નથી. એમનાં કોઈ પણ કાર્યમાં વ્યક્તિગત સ્વાર્થની લેશમાત્ર પણ ગંધ નહિ મળે. ‘પારકી છઠ્ઠીના જાગતલ’ (બીજાનાં કાર્યો કરવા માટે તત્પર) નું જીવતું જાગતું રૂપ એટલે શ્રીકૃષ્ણ !
Posted in કેદારસિંહજી મે. જાડેજા, ટૂંકીવાર્તા-બોધકથાઓ - પ્રેરકવાતો, વીણેલા મોતી | Leave a comment

દાનનો મર્મ …(ભાગ ..૨)…

દાનનો મર્મ …(ભાગ ..૨)…
ગતાંકથી ચાલુ…
dan no murm
(બધા લોકો જિજ્ઞાષા સાથે નોળિયાને જોઈ રહ્યા હતાં. તેણે માનવ વાણીમાં કહ્યું : ‘હે બ્રાહ્મણજનો ! મહારાજ યુધિષ્ઠિરનાં આ મહાયજ્ઞ અને અનોખા દાનનું મહત્વ એક શેર સત્તુના દાન બરાબર પણ નથી.’ ધૃષ્ટ નોળિયાની વાત સાંભળીને બધા લોકો ખળભળી ઊઠ્યા. સાથે ને સાથે નોળિયાની આ વિચિત્રતા અને એની નિર્ભિકતા જોઈને બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. કેટલાક લોકો આગળ આવ્યા અને હિંમત કરીને નોળિયાને પૂછ્યું : ‘હે નકુલરાજ, ધર્મરાજ યુધિષ્ઠિરે જે યજ્ઞ તથા મહાદાન કર્યાં છે એવાં યજ્ઞ અને દાન આજ સુધી કોઈએ જોયાં કે સાંભળ્યાં નથી. ભવિષ્યમાં આવું થશે કે કેમ, એવી આશાએ ન કરી શકાય. આમ છતાં પણ તમે આ યજ્ઞની નિંદા કરી અને તેનું મહત્વ એક શેર જવના લોટ બરાબર પણ નથી એમ કેમ કહ્યું ?’)
.
નોળિયાએ હસીને કહ્યું : ‘હે બ્રહ્મદેવો, તમે મારા કહેવાનો મર્મ નથી જાણતા એટલે આ યજ્ઞ અને દાનની આટલી બધી પ્રશંસા કરો છો અને મેં કરેલી નિંદાનું કારણ પૂછો છો. મારી વાતનું તાત્પર્ય જાણી લીધા પછી આપ લોકો પણ મારી વાતનું સમર્થન કરશો એવો મને દ્રઢ વિશ્વાસ પણ છે.’ બ્રાહ્મણોએ પૂછ્યું : ‘નકુલરાજ, તો હવે તમે અમને એ શેર જવના લોટનું મૂલ્ય અને રહસ્ય સમજાવો.’ નોળિયાએ બ્રાહ્મણોને આ કથા સંભળાવી :
પૂણ્યભૂમિ કુરુક્ષેત્રમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એ પરિવારમાં ચાર વ્યક્તિ હતાં –બ્રાહ્મણ, તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ. પરિવારનાં બધાં સભ્યો નિષ્ઠાવાન અને ધર્મવૃતિવાળાં હતાં. આ પરિવારે અપરિગ્રહવૃત્તિનું  વ્રત લીધું હતું. એ વ્રત પ્રમાણે બ્રાહ્મણ દેવતા ધન કે અન્નનો સંગ્રહ ન કરતા. પક્ષીની જેમ ખેતરોમાંથી અન્નના દાણા આવશ્યકતા પ્રમાણે લઇ આવતા અને અપરિગ્રહ વૃતિ સાથે જીવન નિર્વાહ કરતા. સાથે ને સાથે એમણે છેક છઠ્ઠા પ્રહરે ભોજન લેવાનું વ્રત લીધું હતું.
એક વખત કુરુક્ષેત્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વર્ષ પર વર્ષ વીતતાં ગયાં. પાણીનું એક ટીપુંયે ન વરસ્યું. આખા વિસ્તારમાં ત્રાહિ ત્રાહિનો પોકાર મચી ગયો. પશુ પક્ષી ભૂખ અને પાણી વિના તરફડીને મારવાં લાગ્યાં. કેટલાંક બચ્યાં એમને પોતાના પેટની જ્વાલાને સંતોષવા માણસો એમને મારીને ખાઈ ગયા. પૃથ્વી સૂકી ભઠ્ઠ અને ચારે બાજુ તિરાડોવાળી થઇ ગઈ હતી. ધૂળની ડમરીઓ ઊડતી. આવા વિષમકાળમાં પરિવાર પર જાણે કે વિપત્તિનો પહાડ જ તૂટી પડ્યો. અપરિગ્રહ વૃતિ પરિવારે અન્ન-ધનનો સંગ્રહ કર્યો ન હતો. દુષ્કાળને કારણે ખેતખળામાં પણ કંઈ મળે તેમ ન હતું. દરરોજ ભોજન કરવાનો છઠ્ઠો પ્રહર આવી જતો અને બ્રાહ્મણ પરિવારને ભૂખમાં છોડીને ચાલ્યો જતો. આમ કેટલાંય પ્રહર વીતી ગયા પણ અન્નનું દર્શન ન થયું. પરિવારનાં બધાં સભ્યો દુર્બળ બની ગયાં. ગમે તેમ કરીને પોતાના પ્રાણને જાળવી રાખ્યાં હતાં. આવા ઘોર સમયે એક દિવસ બ્રાહ્મણને એક શેર જાવ દાનમાં મળ્યા. બ્રાહ્મણે અત્યંત કરુણાપૂર્વક આ કૃપા માટે પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી અને આનંદ ઉત્સાહ સાથે ઘરે પાછો આવ્યો. ઘરે આવીને મળેલું અન્ન પત્નીને આપ્યું. ઝડપથી પ્રસાદ બનાવીને ઈષ્ટદેવને નૈવેધ ધરવાનું  કહ્યું. બ્રાહ્મણીએ શ્રધ્ધાપૂર્વક જવનો લોટ બનાવ્યો અને રાંધીને ઈષ્ટદેવને નૈવેધ અપર્ણ કર્યું. રાંધેલ અન્નના ચાર સરખા ભાગ કર્યાં. ચારેય ભાગ ક્રમશ: પતિ, પુત્ર, પુત્રવધુ અને પોતાની વચ્ચે વહેંચી દીધા. જેવા એ લોકો ભોજન કરવા બેઠા કે બારણે એક કરુણ ક્ષીણ અવાજ સંભળાયો : ‘ભાઈ, કંઈ ભોજન સામગ્રી મળશે ખરી?’
બધાના હાથ એમનાં એમ રહી ગયા. ભોજનનો કોળિયો પાછો થાળીમાં મૂકી દીધો. બધાના મૂખ પર એક જ પ્રશ્ન હરતો : ‘શું બારણે કોઈ અતિથિ આવ્યા છે ?’ બ્રાહ્મણે બારણું ખોલ્યું અને તેમણે એક ભૂખથી પીડિત જીવતા નરકંકાલ જેવા માણસને જોયો. ભૂખને કારણે એનું પેટ અને પીઠ જાણે કે એક થઇ ગયા હતા. એક દુર્બળ વ્યક્તિએ દયાભરી નજરે બ્રાહ્મણ તરફ જોયું અને વળી પાછો બોલ્યો: ‘બાબા, કંઈ ખાવાનું મળશે ખરું ?’ બ્રાહ્મણે અતિથિને સહાય કરી અને આદરપૂર્વક ઘરની અંદર લાવ્યા. એને આસન પર બેસાડ્યા અને પોતાના ભાગનું ભોજન એની સામે મૂકી દીધું. ભૂખ્યો મહેમાન થોડી જ વારમાં બ્રાહ્મણનું ભોજન ખાઈ ગયો પણ એની ભૂખની જ્વાળા શાંત ન થઇ. જાણે કે એ વધુ પ્રજ્વલિત થઇ ઊઠી. ભૂખનો ભાવ એના મુખ પર સ્પષ્ટ પણે જોઈ શકાતો હતો. બ્રાહ્મણના સંકોચનો પાર ન હતો. હવે અતિથિની ભૂખ ભાંગવી કેમ? પોતાનો ભાગ તો આપી દીધો હતો.
હવે કોને અન્નથી વેગળાં કરવા એ પ્રશ્ન હતો. પતિપરાયણ પત્નીએ પોતાના સ્વામીના મનનું દુઃખ જાણી લીધું અને એને કહ્યું: ‘નાથ, સ્ત્રી માટે પતીવ્રતાધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે. પત્નીને અર્ધાંગિની કહેવાય છે. પતિના પાપપુણ્યમાં એનો અડધો ભાગ હોય છે. અતિથિ સેવાના આ મહાન ધર્મ-પાલનમાં મારે પણ આપણે સાથ આપવો જોઈએ. એટલે હું મારા ભાગનું અન્ન અતિથિદેવની સેવામાં અપર્ણ કરી શકું એ માટે મને આદેશ આપો.’
બ્રાહ્મણનો સંકોચ દૂર થયો. પોતાની પત્નીનું સદાચરણ જોઈને એના આનંદ અને ગર્વનો પાર ન રહ્યો. એમણે આનંદપૂર્વક પત્નીનો ભાગ અતિથિની સેવામાં અપર્ણ કરવા અનુમતિ આપી. અતિથિ પણ તરત જ આ ભાગ ઝાપટી ગયા. હજીયે એની ભૂખ ભાંગી ન હતી. એના મુખ પરના ભાવ જોઈને બ્રાહ્મણ દુઃખી દુઃખી થઇ ગયા. આજે એક અતિથિ એમના બારણેથી ભૂખ્યો પાછો ફરશે. એનો એને મોટો અફસોસ હતો.
પિતાના મુખની ઉદ્વિગ્નતા જોઈને પુત્રે વિનંતી કરી : ‘પિતાજી, માતાપિતાની સેવા એ જ પુત્રનો પરમ ધર્મ છે એમ નીતિ કહે છે. એમની સેવાસુશ્રુષાથી પુત્રને પરમગતિ મળે છે. તમે અત્યારે દુઃખી છો. તમારું દુઃખ દૂર કરવા જો હું મારા પ્રાણનું બલિદાન પણ આપી શકું તો એ મારું સદભાગ્ય ગણાશે. હું પણ મારા ભાગનું અન્ન અતિથિદેવને આપું એવી આજ્ઞા મને પણ આપો.’
પુત્રનું આચરણ જોઈને બ્રાહ્મણદેવ ગળગળા થઇ ઊઠ્યા. પુત્રને ભેટી પડ્યા, આંખમાંથી આનંદના અશ્રુ વહેવા લાગ્યાં. ગળગળા અવાજે પુત્રને કર્તવ્ય પાલન માટે આજ્ઞા કરી. આ રીતે પુત્રે પણ પોતાનો ભાગ અતિથિને આપી દીધો. અતિથિ મહાશય તો એ ભાગેય આરોગી ગયા. એમના મુખ પર સંતોષની છાયા દેખાતી ન હતી. વળી પાછા એમણે બ્રાહ્મણો તરફ જોયું. અતિથિના મુખ ભાવ જોઈને  બ્રાહ્મણ વ્યાકુળ વ્યાકુળ થઇ ગયા. મનમાં વિચારવા લાગ્યા – ‘હે પ્રભુ આ શું? ભૂખી પત્ની અને પુત્રના મોંનો કોળિયો લઈને અતિથિદેવને અપર્ણ કર્યો. હું પોતે ય ભૂખની જ્વાળામાં બળતો રહ્યો. છતાંયે આજે હું આ અતિથિને તૃપ્ત ન કરી શક્યો. હે ભગવાન ! હું અતિથિસેવાના ધર્મમાંથી ભ્રષ્ટ  થયો છું. હે પ્રભુ, મને માર્ગ બતાવો. મારા ધર્મની રક્ષા કરો.’
એમનું વ્યથિત હૃદય જાણે કે નેત્રો દ્વારા વહી રહ્યું હતું. બરાબર એ જ વખતે સુશીલ પુત્રવધુએ અત્યંત નમ્રતાપૂર્વક પોતાના સસરાને કહ્યું : ‘પિતાજી, આપની કૃપાથી જ મને આપના સુપુત્ર પતિ રૂપે મળ્યા છે. હું પતિવ્રતા ધર્મનું પાલન કરવા સમર્થ છું. પતિનાં કાર્યમાં મદદ કરવી એ મારો ધર્મ છે. મારા પતિ માટે આપ જ દેવ સ્વરૂપ છો, એટલે આ અતિથિ સેવાના મહાન યજ્ઞમાં મારો ભાગ પણ આપીને આપને હું ચિંતામુક્ત કરું, એ મારો પરમધર્મ બની રહે છે.’
પુત્રવધુની આ ઉદારતા અને ત્યાગ જોઈને બ્રાહ્મણના આનંદનો પાર ન રહ્યો. એના હૃદયની ગ્લાની દૂર થઇ ગઈ. અંતકરણથી પુત્રવધુને આશીર્વાદ આપ્યા અને એના ભાગનું અન્ન પણ અતિથિને અપર્ણ કરી દીધું.
હવે અતિથિના હોઠ પર હાસ્યની રેખા ખેંચાઈ. પૂર્ણ તૃપ્તિ સાથે એણે ભોજન કર્યું. એમની ભૂખ હવે ભાંગી ગઈ. એના મુખ પર પૂર્ણ તૃપ્તિ અને સંતોષ છલકાઈ રહ્યો હતો. અતિથિ તો આશીર્વાદ આપીને ચાલતા થયા.
નિરંતર ઉપવાસ અને સાધનાની કઠોરતાને લીધે બધાં સભ્યોનાં શરીર દુર્બળ અને જર્જર બની ગયાં હતાં. ભૂખનો અગ્નિ અને સાધનાની કઠોરતા એમનાં દેહ વધુ સહન કરી ન શક્યા. કાળચક્રના અનિવાર્ય નિયમ પ્રમાણે તે ચારેય કાળનો કોળિયો બની ગયાં. નોળિયાએ બ્રાહ્મણોને કહ્યું : ‘હે દ્વિજ્જનો ! હું એ જ જગ્યાએ એક ભોંણમાં રહેતો હતો. ભોજનની શોધમાં અહીંતહીં ભટકતો હતો. જે સ્થળે પેલા અતિથિએ ભોજન કર્યું હતું ત્યાં સત્તુના કેટલાક કણ પડ્યા હતા. અકસ્માતે મારા શરીરનો એક ભાગ એ લોટને સ્પર્શી ગયો. એમના સ્પર્શમાત્રથી જ મારા શરીરનો એ ભાગ સોનાનો બની ગયો. એ દિવસથી હું એવા કોઈ મહાન ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ કે દાન વગેરેના પવિત્ર સ્થળની શોધમાં ભટકું છું કે એવી ભૂમિના સ્પર્શથી મારું બાકીનું અડધું શરીર પણ સુવર્ણમય બનાવી શકું એ મારો હેતુ છે. ત્યારથી માંડીને આજ સુધી દાનપુણ્ય થતાં કેટલાંય પવિત્ર સ્થળોએ ભટકતો રહ્યો છું. મહારાજ યુધિષ્ઠિરના યજ્ઞ અને દાનની પ્રશંસા મેં ખૂબ સાંભળી. એટલે હું અહીં આવી ગયો. પરંતુ બીજાં સ્થાનોની જેમ અહીં પણ મને નિરાશા જ મળી !
ધર્મ દેવ સ્વયં અતિથિના રૂપે એ બ્રાહ્મણની આકરી કસોટી કરવાં આવ્યા હતાં. ધર્મે જ પછીના કાળમાં દાનનો મહિમા બતાવ્યો હતો, એ જ હું આપને કહી રહ્યો છું : ‘સુખી અને સાધન સંપન્ન ઘણા લોકો પોતાની સુવિધા પ્રમાણે દાન દેતા હોય છે, પરંતુ એમનું દાન, દાનની પવિત્ર ભાવનાપૂર્વક થતું નથી.
એ લોકો તો દીનદુઃખી પ્રત્યે દયા કે કરુણાની ભાવનાથી જ પ્રેરાઈને આવું કરે છે. એટલે એમની સંપન્નતા કે સક્ષમતા જ આ લોકોના દાનની પ્રેરણા બની જાય છે. પરિણામે એ દાનનું ફળ શ્રેષ્ઠ નથી હોતું.
જે લોકો નાશ-યશ કે કીર્તિની આશા રાખીને કે દાનને બદલે કંઈક મળે એવી અપેક્ષાથી દાન કરે છે એ દાન નિમ્નકક્ષા કહેવાય છે.
સાચું દાન તો એ છે કે જે કેવળ દાન આપવાની પ્રેરણાથી જ અપાય છે. દાન કરવું એ મારો ધર્મ છે એમ વિચારીને સામાન્ય પરિસ્થિતિમાં જે લોકો દાન કરે છે તેનું સુફળ પ્રાપ્ત થવાનું જ. પરંતુ અસાધારણ કે વિષમ પરિસ્થિતિમાં જ્યારે મનુષ્યને દાન દેવાની કોઈ સુવિધા હોતી નથી, દુઃખ કષ્ટ અને વિપત્તિને કારણે જ્યારે માનવનું ચિત્ત વિક્ષુબ્ધ બની જાય ત્યારે પણ દાન વિશે એ માનવીની બુદ્ધિ નિર્લોભ રહે અને શુદ્ધ દાનની પ્રેરણાથી પ્રેરાઈને તે પોતાનું સર્વસ્વ શ્રદ્ધાપૂર્વક દાનમાં ધરી દે તો ચોક્કસ એ માણસને પરમપદની પ્રાપ્તિ મળવાની જ.
ધન જ એક માત્ર દાનનું સાધન નથી. કરોડો સુવર્ણ મુદ્રાઓના શ્રદ્ધાપૂર્વક કરેલા દાન કરતાં. શ્રદ્ધાપૂર્વક દીધેલા થોડા અન્નના દાણાનું દાન શ્રેષ્ઠ છે. એટલે દાનનું ફળ વસ્તુગત નથી, ભાવગત છે. શ્રદ્ધા જ દાનની શ્રેષ્ઠતા કે ન્યુનતાની કસોટી છે. દાન દેતી વખતે દાતાના મનમાં દાન પ્રત્યે જે ભાવ જાગે છે એ જ દાનની કસોટી છે અને એ જ દાનનો મર્મ છે.
સમાપ્ત …
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ - પ્રેરકવાતો | Leave a comment

દાનનો મર્મ …(ભાગ ..૧)

દાનનો મર્મ …(ભાગ ..૧)

dan no murm

મહાભારતનું મહાતાંડવ સમાપ્ત થઈ ચૂક્યું હતું. દેશમાં સર્વત્ર શાંતિ છવાયાં હતાં. રાજકાજ પણ સુચારુ રૂપે ચાલતાં હતાં. એ સમયે મહારાજ યુધિષ્ઠિરના રાજયમાં બધા લોકો સુખી અને પ્રસન્ન હતા. એ સમયે મહારાજ યુધિષ્ઠિરના મનમાં ‘હું પણ અશ્વમેઘ યજ્ઞ કરીશ’ એવી એક પ્રબળ  અભિલાષા જાગી. મનમાં આવો વિચાર આવતાં જ એમની છાતી ગ્રવથી ફૂલી ગઈ અને મસ્તક ઊંચું થઇ ગયું, ભૂજાઓ ફરકવા લાગી. પોતાના નિર્ણયની વાત ભાઈઓને કહી સંભળાવી. બધાએ ધર્મરાજની વાતનું સહર્ષ સમર્થન કર્યું.
રાજયના બધા અધિકારીઓને આ મહાયજ્ઞની તૈયારી કરવાનો આદેશ આપી દીધો. અન્નના કોઠારો ભિન્ન ભિન્ન પ્રકારના અનાજથી ભરવાં લાગ્યા. પશુશાળામાં દૂધ અને દાન માટે અસંખ્ય ગાયો આવતી થઈ. યજ્ઞની વેદી બનાવવા ઉચિત સ્થાનની પસંદગી પણ કરવામાં આવી. અનુભવી અને નિપુણ કલાકારો તેમજ શિલ્પકારોને મંડપ વગેરે બનાવવાની જવાબદારી સોંપી દીધી. અતિથિઓને ઉતારવા માટે મોટાં મોટાં અતિથિભવનો બની ગયાં. એમાં શયન – વિશ્રામ વગેરેની બધી સુખસુવિધાઓ હતી. અતિથિઓને પોતાની રુચિ પ્રમાણે ભોજન વગેરે મળતા રહે એટલા માટે અનેક પાક્શાત્રીઓની વ્યવસ્થા પણ થઇ. રાજ્યના અંત:અંચલમાં બધી તૈયારીઓ થઇ રહી હતી. આ બાજુ પાંડવોની રાજસીમાની બહારના વિસ્તારમાં અશ્વમેઘનો વિજય અશ્વ ભમી રહ્યો હતો સ્વછંદ અને મુક્ત મને ! મહાવીર અર્જુન પોતાની અજેય સેનાને લઈને અશ્વની રક્ષા માટે સાથે જઈ રહ્યા હતા.
એક પછી એક રાજ્યની સીમાઓ વટાવીને અશ્વ ફરી રહ્યો હતો. ધનુર્ધર અર્જુન અને એની વિશાળ સેનાને ભલા કોણ લાલકરવાનું સાહસ કરી શકો ! અશ્વ જે રાજ્યમાં જતો એ રાજ્યના રાજા ધર્મરાજ યુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકાર કરી લેતાં અને અનેક બહુ મૂલ્ય રત્ન તેમજ પશુ વગેરે ભેટ રૂપે અર્જુનને અપર્ણ કરતા.
ભારતની પરિક્રમા કરીને અર્જુન યથા સમયે હસ્તિનાપુર પાછા ફર્યા અને યુધિષ્ઠિરને કહ્યું : ‘મહારાજ, ભારતના બધા રાજાઓએ આપનું આધિપત્ય સ્વીકાર્યું છે. સાથે ને સાથે ભેટ રૂપે અનેક રત્ન, ધન, પશુ પણ આપ્યાં છે. બધાએ યજ્ઞમાં આવવાનું નિમંત્રણ પણ સ્વીકારી લીધું છે.’ અર્જુનની નિર્વિઘ્ન તેમજ સફળ વિજયયાત્રાના સમાચાર સાંભળીને ધર્મરાજ ખૂબ પ્રસન્ન થયા. ભાવભીના હૃદયે તેઓ અર્જુનને ભેટી પડયા. મંત્રીઓ તેમજ વિદ્વાનો સાથે પરમાર્શ કરીને તપસ્વી ઋષિઓ, ત્યાગી તેમજ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો વગેરેને યજ્ઞ સંપન્ન કરવાના હેતુથી નિમંત્રણ સ્વીકારી લીધું અને યથા સમયે યજ્ઞમંડલમાં ઉપસ્થિત થઇ ગયા. મહારાજ યુધિષ્ઠર પોતે જ ઋષિમુની વગેરે અતિથિઓનું સ્વાગત કરી રહ્યા હતા. એમનાં નિવાસ અને ભોજનની વ્યવસ્થાની જાત-દેખરેખ રાખતા હતા. રાજાની સુંદર મજાની વ્યવસ્થાથી બધા અતિથિઓ પ્રસન્ન અને સંતુષ્ટ હતા.
શુભ મુહૂર્ત જોઈને યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો. વેદમંત્રના ધ્વનિથી દિશાઓ ગુંજી ઊઠી. બધા દેવતાઓનું આહવાન કરીને એમને યજ્ઞભાગ અપર્ણ કરવામાં આવ્યો. યજ્ઞ પૂરો થયા પછી દાન દેવાનું મહાન કાર્ય શરૂ થયું. આ મહાયજ્ઞમાં દાન દાતાની ઈચ્છા પ્રમાણે નહિ પણ દાન લેનારની ઈચ્છા પ્રમાણે દેવાતું હતું. રાજભંડાર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. અન્નભંડાર પણ ખાલી કરી દીધો. લાખો ગાયો દાનમાં દેવામાં આવી. જેમણે જેટલું માંગ્યું અને જે માંગ્યું એટલું અને એ એમને આપવામાં આવ્યું. યુધિષ્ઠિરના આ મહાદાનથી સમગ્ર પૃથ્વી ધન્ય થઇ ગઈ. જાણે કે પૃથ્વી પરથી દુઃખ અને દારિધ્ર નિ:શેષ બની ગયા. આ મહાપર્વની સમાપ્તિ થઇ. બધા બ્રાહ્મણો, મુનીઋષિ વગેરે મહારાજા યુધિષ્ઠિરની પ્રશંસા કરીને એમને આશીર્વાદ આપતા હતા ત્યારે એક વિચિત્ર ઘટના ઘટી.
જ્યારે યજ્ઞ મંડપમાં સત્વનગાન થઇ રહ્યાં હતાં તે સમયે ત્યાં મેઘ સમી એક ગંભીર ગર્જના થઇ. બધાએ આશ્ચર્ય સાથે જોયું તો ત્યાં એક વિચિત્ર એવું પ્રાણી ઊભું છે. તેનો અર્ધો દેહ સુવર્ણની જેમ ચમકી રહ્યો છે અને બાકીનું અરધું અંગ અસલ સ્વરૂપમાં હતું. એ વિચિત્ર પ્રાણી હતું, નોળિયો. બધા લોકો જિજ્ઞાષા સાથે નોળિયાને જોઈ રહ્યા હતાં. તેણે માનવ વાણીમાં કહ્યું : ‘હે બ્રાહ્મણજનો ! મહારાજ યુધિષ્ઠિરનાં આ મહાયજ્ઞ અને અનોખા દાનનું મહત્વ એક શેર સત્તુના દાન બરાબર પણ નથી.’ ધૃષ્ટ નોળિયાની વાત સાંભળીને બધા લોકો ખળભળી ઊઠ્યા. સાથે ને સાથે નોળિયાની આ વિચિત્રતા અને એની નિર્ભિકતા જોઈને બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. કેટલાક લોકો આગળ આવ્યા અને હિંમત કરીને નોળિયાને પૂછ્યું : ‘હે નકુલરાજ, ધર્મરાજ યુધિષ્ઠિરે જે યજ્ઞ તથા મહાદાન કર્યાં છે એવાં યજ્ઞ અને દાન આજ સુધી કોઈએ જોયાં કે સાંભળ્યાં નથી. ભવિષ્યમાં આવું થશે કે કેમ, એવી આશાએ ન કરી શકાય. આમ છતાં પણ તમે આ યજ્ઞની નિંદા કરી અને તેનું મહત્વ એક શેર જવના લોટ બરાબર પણ નથી એમ કેમ કહ્યું ?’
(નોળિયાએ હસીને કહ્યું : ‘હે બ્રહ્મદેવો, તમે મારા કહેવાનો મર્મ નથી જાણતા એટલે આ યજ્ઞ અને દાનની આટલી બધી પ્રશંસા કરો છો અને મેં કરેલી નિંદાનું કારણ પૂછો છો. મારી વાતનું તાત્પર્ય જાણી લીધા પછી આપ લોકો પણ મારી વાતનું સમર્થન કરશો એવો મને દ્રઢ વિશ્વાસ પણ છે.’ બ્રાહ્મણોએ પૂછ્યું : ‘નકુલરાજ, તો હવે તમે અમને એ શેર જવના લોટનું મૂલ્ય અને રહસ્ય સમજાવો.’)
નોળિયાએ બ્રાહ્મણોને આ કથા સંભળાવી : ….(વધુ વાંચવા આવતીકાલની પોસ્ટ અહીં જરૂરથી જોશો કે નોળિયાએ એવી તે કઈ કથા સંભળાવી ? )
ક્રમશ:
Posted in ટૂંકીવાર્તા-બોધકથાઓ - પ્રેરકવાતો, વીણેલા મોતી | Leave a comment