પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૨) …

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …

મહેશ શાહ, (વડોદરા) …

  

  

ભાગ – ૨ 

 

 

SHODASH GRANTH.1

 

 

 

આ અગાઉ … શ્રી હરિરાયજી કૃત્ત શ્રી વલ્લભસાખી નું  નિયમિતપણે  ‘દાદીમા ની પોટલી’ પર રસપાન કરાવવા બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.   પરમકૃપાળુ શ્રી વલ્લભની  કૃપાથી  શ્રીમહેશભાઈ શાહ ની કલમ દ્વારા …  પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …  શ્રેણી, પ્રારંભ  કરવા નમ્ર પ્રયાસ કરેલ છે.  આ અગાઉ આપણે ભાગ-૧ અહીં માણવા કોશિશ કરેલ, આજે તેમાં આપણે ફરી આગળ વધીએ.

  

આપ સર્વે ની અનુકુળતા અને સરળતા માટે ભાગ-૧ ની લીંક અહીં નીચે દર્શાવેલ છે, લીંક  પર ક્લિક કરવાથી ભાગ-૧ ને ન માણ્યો હોય તો માણી શકશો અથવા ફરી યાદ કરવા ઉપયોગ પણ કરી શકશો.

  

 બ્લોગ લીંક :    પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૧) …

  

  

ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ …  આ ગ્રંથોમાંથી સાર રૂપ તત્વ તારવવાનો અને તેમાં એક વૈષ્ણવ તરીકે આપણને  ઉપયોગી થાય તેવું શું છે તે એક અલગ જ  પરિપ્રેક્ષ્યમાં નક્કી કરવાનો  નમ્ર પ્રયાસ તેઓ દ્વારા કરવામાં આવેલ છે…  વિશાળ વાંચક વર્ગની  અનુકુળતા અને સરળતા માટે લેખક શ્રીએ ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમ દ્વારા સરળ ભાષામાં ગ્રંથની રજૂઆત કરવા નમ્ર કોશિશ કરેલ છે.

  

(દર માસની ૧ તારીખે આ શ્રેણીના એક પોસ્ટને   બ્લોગ પર મૂકવા અમારી નમ્ર કોશિશ રહેશે, તો આપ સર્વે વૈષ્ણવો ને વિનંતી કે બ્લોગ પર આવી અને લેખને  જરૂરથી માણશો, અને આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર તેમજ લેખકશ્રી ના ઈમેઈલ આઈડી પર મોકલી આભારી કરશો.  )

 

  

પુષ્ટિના ષોડશગ્રંથ:સરળ સુગમ સંક્ષેપ … (ભાગ-૨) …

  

  

પુષ્ટિ માર્ગના સોનેરી સિદ્ધાંતો સમજી આ પરમ પુનિત પાવક પંથનો પરિચય પામવાના પ્રયત્ન રૂપે શ્રીમદ વલ્લભાચાર્યજી વિરચિત ષોડશ ગ્રંથોનાઅભ્યાસના આપણા આ નાનાશા જ્ઞાન યજ્ઞના  બીજા ચરણમાં આપણે શ્રી બાલ બોધ અને શ્રી સિધ્ધાંત રહસ્ય એ બે ગ્રંથોની વાત કરીશું.

 

૨. શ્રી બાલબોધ: 

  

  

સંક્ષિપ્ત પરિચય:

આ ગ્રંથનું નામ દર્શાવે  છે તેમ અહીં બાળકને પણ સમજાઈ જાય તેવી રીતે અને અત્યંત સરળ ભાષામાં જ્ઞાન પીરસાયું છે. કોઈ ઉંમરથી બાળક  હોય તો વળી કોઈ જ્ઞાનથી પણ બાળક હોય.  જ્યાં સુધી સિધ્ધાન્તો પૂર્ણપણે હૃદયસ્થ ન થયા હોય ત્યાં સુધી વ્યક્તિની ગણના જ્ઞાન-બાળકમાં જ થાય. બંને પ્રકારના બાળકો માટેઆ અત્યંત ઉપયોગી રચના છે.

 

આપણા વેદ, ઉપનિષદ અને સનાતન ધર્મના શાસ્ત્રોમાં માનવીના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ બતાવ્યા છે. આ ચાર પુરૂષાર્થ (પુરૂષ+અર્થ) માનવી તરીકેના જન્મને સાર્થક સિદ્ધ કરવા માટે, તેને અર્થ સભર બનાવવા માટેના જરૂરી કર્તવ્યો કે લક્ષ્ય પણ કહી શકાય. મોક્ષની મંજિલ મેળવવાના ક્રમિક ચરણ પણ ગણી શકાય.આ ચારમાંઅંતિમ/પરમ  એવા  ‘મોક્ષ’ની સમજુતી આ ગ્રંથમાં મળે છે.

 

મર્યાદા માર્ગીય મોક્ષ: 

 

 • આ મોક્ષ બે જાતના છે.

 

૧. ઈશ્વર વિચારિત (ઈશ્વર જાતે જ કૃપા વિચારીને જીવને મોક્ષ આપે તે) જેને  વેદોક્ત પણ કહે છે અને

૨. જીવ વિચારિત. તેના પણ બે પ્રકાર છે.

 

 • સ્વત:- માણસે પોતાના પ્રયત્નો એટલે કે ત્યાગથી અથવા યોગથી પ્રાપ્ત કરેલો મોક્ષ.

 

 • પરત:- શ્રી વિષ્ણુ કે શ્રી શિવજી જેવા દેવોની મદદથી મેળવેલો મોક્ષ. 

 

ભક્તિમાર્ગીય મોક્ષ:

 

 • આ પ્રકારના મોક્ષમાં આપણે જીવનમાં તદીય (લગભગ પ્રભુ જેવા જ ગુણધારી)બનીએ  અને શ્રી ઠાકોરજીનો સાક્ષાત્કારથાય. આ સ્થિતિ આમ તોજીવતાં જ મોક્ષ જેવી ગણાય.

 

 • મૃત્યુ પછી ગોલોકમાં અથવા પ્રભુની નિત્ય લીલામાં સ્થાન મળે.

 

આચાર્યશ્રી આવો પુષ્ટિમાર્ગીય મોક્ષ મેળવવા માટે ત્રણ સાધન/ઉપાય બતાવે છે.

 

 • સ્વધર્મનું આચરણ એટલે કે પ્રભુના કિર્તન, સ્મરણ, શ્રવણ અને સેવા.

 

 • સત્સંગ અને સમર્પણ સાથે શરણાગતિ.

 

તે પણ ન થઇ શકે તો ત્રીજો ઉપાય

 

 • માત્ર સંપૂર્ણ શરણાગતિ. આ  વાત શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં પણ ‘અશક્યમાં કે સુશક્યમાં માત્ર શ્રી હરિનું જ શરણ’ દ્વારા કહેવાઈ છે.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા: 

 

 • આ ગ્રંથ મોક્ષની પરિભાષા  કરે છે અને સમજાવે છે કે તે કેમ મેળવી શકાય.

 

 • મર્યાદા માર્ગના  અને ભક્તિ માર્ગના મોક્ષ વચ્ચેનો ભેદ સમજવામાં ઉપયોગી છે.

 

 • ભક્તિમાર્ગીય મોક્ષની વિશેષતા અને વિશિષ્ટતા ઉજાગર કરી છે.

 

 • ભક્તિમાર્ગીય મોક્ષ મેળવવા જરૂરી સાધનો/ઉપાયો પણ દર્શાવ્યા છે.

 

 • તે ઉપાયોથી લીલામાં સ્થાન મેળવવાનુંમાર્ગદર્શનઅને પ્રેરણા પ્રાપ્ત કરવામાં ઉપયોગી ગ્રંથ છે.

 

૩.  શ્રી સિધ્ધાંત મુક્તાવલી: 

 

સંક્ષિપ્ત પરિચય:

 

સિધ્ધાંત એટલે એવી વાત કે મુદ્દો જે અંતત:વેદ કે ઉપનિષદના આધારે સિધ્ધથઇ શકે, (સિધ્ધ+અંત).મુક્તાવલી એટલે મોતીઓની માળા. નામ ઉપરથી જ સમજાય છે કે આચાર્યશ્રીએ આપણા માર્ગના મોતી સમાન  સિધ્ધાંતો વીણી વીણીને બનાવેલી માળાએટલે આ ગ્રંથ. આ આપણા સંપ્રદાયનું અનમોલ ઘરેણું છે.

 

અહીં પુષ્ટિ માર્ગના રહસ્ય જ્ઞાન જેવો સિદ્ધાન્ત કોઈ સંશય ન રહે  તેવી રીતે સ્પષ્ટત: સમજાવ્યો છે.પ્રસ્તુત છે આ અમુલ્ય સિધ્ધાંત-મોતીઓ:

 

o   જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ ઉત્તમ છે.

 

o   સદા પોતાના શ્રી ઠાકોરજીની તનુ-વિત્તજા સેવા,તેમાં પૂર્ણપણે ચિત્ત પરોવીને કરવી.તેનાથીપરમ ફળ રૂપ માનસી સેવાની સિધ્ધીપ્રાપ્ત  થાય છે.

 

o   ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. વળી શ્રુતિ એવું ભારપૂર્વક કહે છે કે જગત રૂપેપણ તેઓ પોતે  જ છે. બંને જુદા નથી. આ જ આપણા સંપ્રદાયના પાયારૂપ મૂળ  સિધ્ધાંત(શુદ્ધાદ્વૈત સિધ્ધાંત) છે.

 

o   દેવતાઓ ભોગ વિલાસ જરૂર આપી શકે પણ આપણા આત્માનો આનંદ (આત્માનંદ/નિજાનંદ)આપવા માત્ર શ્રી કૃષ્ણ જ સક્ષમ  છે.

o   પુષ્ટિ માર્ગમાં અનુગ્રહ એટલે કે પ્રભુએ સ્વત: કરેલી કૃપા જમુખ્ય ચાલક બળ છે.

 

ગ્રંથ સાર/તેની ઉપયોગીતા 

 

 • અહીં આપણા માર્ગના પાયાનો શુદ્ધાદ્વૈત સિધ્ધાંત પ્રભુ અને જગત બંને જુદા (દ્વૈત/બે) નહીં એક જ છે કહેવાયો છે.

 

 • આપણા શ્રી ઠાકોરજીની પોતાના તનથી અને પોતાના જ ધનથી મન પરોવીને (તન-મન-ધનથી) સદા સેવા કરવાની આજ્ઞા આપી છે  અને તેના પરમ ફળ રૂપે માનસી સેવા મળે છે  તે સમજાવ્યું છે.

 

 • આ ગ્રંથ તેમાં બતાવાયેલા સીધા સરળ રસ્તે ચાલી આત્માનંદ (નિજાનંદ) મેળવવામાં અત્યંત  ઉપયોગી બની રહે છે.

 

વૈષ્ણવોને પ્રાર્થના છે કે આ પ્રયત્નમાં રહેલી ત્રુટીઓ પ્રત્યે પત્ર દ્વારા કે ઈ મેલથી  મારું ધ્યાન દોરવા કૃપા કરે. મને [email protected] ઉપર ઇ મેલ કરી શકાય છે.

 

© Mahesh Shah 2013

 

 

mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

SHODASH GRANTH  … SHORT & SWEET  SYNOPSIS …

-Mahesh Shah, Vadodara

  

[ 2 ]

 

 

SHODASH GRANTH.1.2 

 

We are on a modest journey to understand the principles of pushtimarg by studying ShriVallabhacharyaji’sShodashGranths (16 hymns). Let’s proceed to discuss 2 more hymns.

  

2. ShriBal Bodh:

  

Brief summary:

  

As the name suggests, this hymn presents the knowledge in very simple and straight forward way in such a manner that even a child (as well as those who don’t have much knowledge of Pushti principles) can understand it.

  

Our scriptures (shastras) prescribe 4 aims/goals (pususharth) or duties of human life to make the same meaningful. These are Dharm, Arth, KaamandMoksh. Salvation (moksh), the ultimate/paramount of the four is discussed in this hymn.

  

Maryada Doctrine:

  

As per this doctrine, Salvation/emancipations are of two types.

  

• Divine or Veda-based. Given graciously by Prabhu of His own.

  

• Attained by human efforts. These too areoftwo types.

  

o Self-attained: Attained by one’s own efforts like renunciation or Yoga.

  

o Assisted: Attained by assistance/grace of Gods like Shri Vishnu/ Shri Shiv.

Bhaktimargiya (Devotional) Doctrine:

  

• In this type of salvationwe become tadiya (almost like Him) and get realization (sakshatkar) of ShriThakorajeeduring our life-time. This is like attaining salvation while still alive.

  

• We get a place in Golokor in Prabhu’s eternal lila after death.

Acharyshrihas shown three means to attain such salvation.

  

• Following one’s own religious practices [recitation, remembrance, listening, worship (seva).

  

• Complete/total dedicationtogether with company of pious people (satsang) and total refuge.

  

And, if that is not possible,

  

• Complete/total dedication.In ShriKrushnrashraygranthalso it is said that in all eventualities complete refuge to ShriKrushna is the only means.

  

Essence & utility:

  

 This hymn is useful in understanding salvation (moksh) andhow it can be attained.

  

 Difference between salvation of Maryadamarg and Bhakti margis very well explained.

  

 Superiority of devotional salvation has been emphasized.

  

 Very useful in learning means (sadhan) of attaining salvation in devotional path.

  

 This hymn is useful in getting guidance, direction and inspiration todevotional salvation which ultimately secures a place in eternal lila.

  

૩. ShriSidhdhantMuktavali:

  

Brief summary:

Sidhdhant (principle) means a truth ultimately proved through Vedas or Upanishads.Muktavalimeans necklace of pearls. As the name suggests, theseareprecious pearls of principles gathered carefully by ShriVallabhacharyji for us. It is a priceless possession of our sect.

Pushtimarg’s important principles have been clearly explained here for removing all doubts.

  

Here are these pearls:

  

o The path of devotion (bhakti marg) is superior to the path of knowledge (gyanmarg).

  

o Own shriThakorajee should be worshipped with own body and own wealth, fully assimilating mind in it. This gives paramount fruit/reward of conceptual/mental worship (mansiseva).

o BhagwanShriKrushna is ParbrahmParmatma,Shrutiemphatically says that He is also the world. The two are not different. This (shudhdhadwait/pure one-ness) is the central principle/doctrine of pushtimarg.

  

o Demi gods (devatas) are able to give worldly pleasures etc. Only ShriKrushnais capable of givingatmanand (complete bliss).

  

  

o Only grace made by His own will (anugrah) is the principal driving force in pushti marg.

  

Essence & utility:

  

 Useful in understandingShudhdhadwait doctrine/principle of our sect that ‘Prabhu and the World are non-duali.e. one’.

  

 ShriVallabh has directed (givenagyaa)toworship our ShriThakorajee with full involvement to get the ultimate fruit of conceptual (manasi) worship.

  

 Useful in knowing how to get atmanand or self-bliss.

 

 

I pray the readers to draw my attention to shortcomings by sending an e mail to [email protected].

© Mahesh Shah 2013

 

 

mahesh shah.1

Mahesh Shah 
Jai Shree Jrishna Marraige Beauro – Baroda

M: +91 –9426346364 /0265 – 2330083

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય …

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય …

 

 

 
ganesh-chaturthi-26[1]
 

 
ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્‍યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

 
પુરાણોમાં કથા આવે છે કેઃમાતાપાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ,તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો,તે જીવતું થયું.તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કેઃ કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી. હું સ્નાન કરવા બેસું છું.આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં.બરાબર તે જ સમયે કૈલાશ (કિલ + આસ  જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘેર તરફ ઉ૫ડ્યા.   ઘેર આવીને જુવે છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી..અટકાવે છે.પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોન.. ?   શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમને ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું.  અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા. પાર્વતીજી પૂછે છે કેઃ તમે આ શું કરીને આવ્યા..? તો શિવજીએ કહ્યું કેઃ દ્વાર ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું.  આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે.  પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ(મસ્તક) શોધી લાવવા મોકલે છે.સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે. જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે તે ગણપતિ..! ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કેઃ આજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવો ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે. ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.

 
આ બધી વાતો રૂ૫કાત્મક છે.  ખરેખર આવી કોઇ ઘટના બનેલી જ નથી, પરંતુ બુધ્ધિશાળીઓએ તેમાંથી સારગ્રહી ગૂઢતત્વનો ભેદ સમવજો જોઇએ. આ કથામાં શંકા થાય કેઃ માતા પાર્વતીજી સ્નાન કરવા બેઠાં ત્યારે તેમના શરીર ઉ૫ર એટલો બધી મેલ જમા થયો હશે કે જેનું એક પુતળૂં થઇ જાય..?   ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઇએ કે આ મારો છોકરો છે.. !   તેમછતાં તેમને એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્ય બજાવી રહેલા છોકરાનો શિરચ્છેદ કરી નાખ્યો.. ?   જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ના ચોટાડી શકે.. ?   બિચારા નિર્દોષ પ્રાણીની હત્યા કેમ કરાવી..?   અને માણસના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થાય ખરૂં.. ?
 

 
ganesh symbolism
 

 
આ બધી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે કેઃ પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્‍ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ મહતત્વની રચના કરી.  આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્તિ કહીએ છીએ.. પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે. આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ-વિકાર થયો તે મહતત્વ(બુધ્ધિ).. તેમાંથી અહંકાર અને શબ્દ.. સ્પર્શ.. રૂ૫.. રસ અને ગંધ… આ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્વી.. પાણી.. અગ્નિ.. વાયુ અને આકાશ).. પાંચ જ્ઞાનેન્દ્દિયો (આંખ.. કાન.. નાક.. જીભ અને ત્વચા).. પાંચ કર્મેન્દ્દિયો (હાથ.. ૫ગ.. મુખ.. ગુદા અને ઉ૫સ્થ) અને મન. આમ,પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો પુરૂષ છે. આ બધામાં સૌ પ્રથમ મહતત્વ(બુધ્ધિ)નું નિર્માણ કરે છે.  આ બુધ્ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જ હોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્તક ગોઠવે છે. ગણપતિનું મસ્તક હાથીનું જ બતાવ્યું છે કારણ કેઃ હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે.   પ્રાકૃતિક બુધ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે..ઇન્દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે.  યોગવશિષ્‍ઠ રામાયણમાં બે મન બતાવવામાં આવ્યાં છેઃ એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્થામાં ૫ડ્યું છે તે.. તે મનને જો જગાડી દેવામાં આવે તો તે ગણેશ થઇ જાય છે.

 
ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું.. ? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન.. લાંબી સૂઢ.. ઝીણી આંખો.. મોટું પેટ.. મોટું માથું.. વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે…

 
ઝીણી આંખોઃ  ઝીણી આંખો સૂક્ષ્‍મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્‍ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.  પોતાની દ્રષ્‍ટ્રિ સૂક્ષ્‍મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

 
મોટું નાકઃ    મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.   તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ.   કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

 
મોટા કાનઃ    મોટા કાન બહુશ્રુત.. ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.  તેમના કાન સૂ૫ડા જેવા છે.  સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા. વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી…

 
બે દાંતઃ      ગણપતિને બે દાંત છે.   એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.   જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.

 
બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.  પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે. માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.   ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે…

 
ચાર હાથઃ    ગણપતિને ચાર હાથ છે.   તેમાં અનુક્રમે અંકુશ.. પાશ.. મોદક અને આર્શિવાદ આપતો હાથ છે.   અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.   પાશ – એ જરૂર ૫ડ્યે  ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે…

 
મોદક:     જે મોદ(આનંદ) કરાવે તે.. મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્‍ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.  ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે. એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે…

 
વિશાળ પેટઃ    બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.   સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.   ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.   કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્‍ટ પ્રાપ્‍ત થાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.   તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે.. પોતાની આત્મકથા કહેતા હોય છે.

 
હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે.   તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ…

 
૫ગઃ      તેમના ૫ગ નાના છે.   નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.   પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે – તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.   નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,  પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે…

 
વાહનઃ ઉંદરઃ   તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે.   બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.   તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય.   બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે.. જે સારૂં હોય તે ચોરી લેવું.. તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે. તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

 
વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.   તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.  આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે, એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.   કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.   આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્‍ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.   તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી, માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે.   આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ…

 
ઉંદર એ માયાનું પ્રતિક છે.  ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.   આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે…

 
ગણપતિને દુર્વા(દાભ) ઘણી જ પ્રિય છે.  લોકોને મન જેની કોઇ કિંમત નથી એવા ઘાસને પણ તેમને પોતાનું માન્યું છે અને તેની કિંમત વધારી છે.  તત્વવેત્તાઓ જેનું કોઇ મહત્વ નથી, જેને કોઇ રાખતું નથી એવાને આશરો આપે છે, તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરીને જીવન જીવવાની પ્રેરણા આપે છે.  આ દુર્વાને કોઇ રંગ કે સુગંધ નથી.  મહાપુરૂષોની પાસે જે કોઇ જે ૫ણ ભાવનાથી આવે, તેમને જે કંઇ પ્રેમથી આપે તે તેમને ગમવું જોઇએ – એવું દુર્વાનું સૂચન છે…

 
ગણપતિને લાલ ફુલ પ્રિય છે.   લાલ રંગ ક્રાંન્તિનો સૂચક છે.   તત્વવેત્તા મહાપુરૂષોને દૈવી ક્રાન્તિ પ્રિય હોય છે.

ગણપતિની ઉ૫ર આપણે ચોખા (અક્ષત) ચઢાવીએ છીએ.  અક્ષત એટલે જેનામાં ઘા નથી.. જે ખંડીત નથી પણ અખંડ છે.   મહાપુરૂષોની ૫ણ જીવન ધ્યેય માટે.. પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઇએ.

ગણ૫તિને વક્રતુંડ કહે છે.   રિધ્ધિ સિધ્ધિથી મુખ મરડીને ઉભા રહેનારને જ રિધ્ધિ સિધ્ધિ સાં૫ડે છે.   વાંકા-ચૂંકા ચાલવાવાળાને.. આડે અવડે રસ્તે જનારને જે દંડ આપે તે વક્રતુંઙ…

 
દરેક કાર્યની સિધ્ધિ માટે ગણ૫તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે.  તત્વવેત્તાઓ અને શ્રેષ્‍ઠ મહાપુરૂષો સમાજના ગણ૫તિઓ છે. કોઇપણ કાર્યની સિધ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્‍ઠ પુરૂષોનું પૂજન કરવાથી.. તેમને બોલાવવાથી.. તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્ધ થાય છે.   આધ્યાત્મિક દ્દષ્‍ટ્રિએ જોઇએ તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ(સમુહ) છે.

 
આ ગણનો ૫તિ મન છે.   કોઇપણ કાર્યને સિધ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ (મન) ઠેકાણે હોવો જોઇએ, એટલે મનને કાર્યના પ્રારંભ ૫હેલાં મન શાંત અને સ્થિર કરવું જોઇએ, જેથી કોઇ વિઘ્નો ઉભા થાય જ નહી અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય.

 
ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે…?

 
જે શાંત છે તેને અનંતમાં.. સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ.. સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે. જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.

 
અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે.   ટૂંકમાં ગણ૫તિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ.. બધા ૫રમાત્માના જ છે તેથી મારા ભાઇઓ છે.. આપણું સૌનું દૈવી સગ૫ણ છે એટલું સમજવાનું છે.

 
સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે.

 
નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કેઃ તારે જો મારી પ્રાપ્‍તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુધ્ધ શૈવ બુધ્ધિની સ્થાપના કર.. વાસના નહી.. પરંતુ આ શુધ્ધ બુધ્ધિ જ શિવ (૫રમાત્મા)ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં ૫ણ ગણ૫તિની પ્રતિમા મુકવામાં આવે છે.

 

 
શિવ એટલે કલ્યાણ…  શિવ પોતે અજન્મા..  નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મ છે….!!!
 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
સર્વે જૈન મિત્રો-પરિવાર તેમજ જૈનેત્તર મિત્રોને ‘દાદીમાની પોટલી પરિવાર” તરફથી “મિચ્છામી દુક્કડમ” તેમજ ગણેશ પર્વ નિમિત્તે શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

સ્મરણભક્તિનું માહાત્મ્ય …

સ્મરણભક્તિનું માહાત્મ્ય …

 

 Untitled

 

ભક્ત ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તેનામાં આનંદરસની ઉત્પતિ થાય છે. ભક્તની આ આનંદરસની ભાવના ભક્તોને પ્રભુ પ્રત્યેના પ્રેમનાં વ્યસન સુધી લઈ જાય છે. સંતો કહે છે કે જે જીવને પ્રભુ પ્રત્યે નિર્મળ પ્રેમ હોય છે તે જીવોને પ્રેમ શબ્દ સાથે, પ્રેમભાવ સાથે નાત-જાતનો કોઈ ભેદભાવ હોતો નથી. કારણ કે પ્રેમ એ સ્વયંભૂ છે અને સ્વયં સ્ફુરિત છે કારણ કે પ્રેમ ભાવના છે, સંવેદના છેજેનું પ્રાગટ્ય હૃદય કેરા કૂપમાંથી થાય છે. પ્રેમીઓએ પ્રેમને છીપમોતી સાથે સરખાવેલ છે, જેણે આ મોતીને મેળવી લીધું તેનું જીવન પ્રેમમય બની જાય છે અને તે કેવળ અને કેવળ પરમાત્માનો બની જાય છે. શુકદેવજી કહે છે કે ભક્તિએ એવો રસ છે જેનું પાન કરવાથી પાન કરનારને ક્યારેય સંતોષ થતો નથી તેથી તે ભક્તિકથામૃતની સતત ઝંખના કર્યા કરે છે. જે ભક્તિનું રસપાન કરવું ભક્તો હંમેશા લાલાયિત હોય છે તે ભક્તિના નવ પ્રકાર શાસ્ત્રો કહ્યા છે. આ નવ ભક્તિમાં ત્રીજોપ્રકાર સ્મરણ ભક્તિનો છે. 

 
સ્મરણભક્તિ, નામ ભક્તિને ચિત્ત, મન, અને આત્માનો વિષય માનવામાં આવ્યો છે. પ્રભુ નામને એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાથી હૃદયમાં અને આત્મામાં પ્રભુની છબી, પ્રભુના સ્વરૂપને અટલ, અચલ અંતઃકરણમાં સ્થાપિત કરવું. નારદમુની સુતજીને કહે છે કે જે ભક્તો પોતાના ઇષ્ટદેવનાં ચરણોમાં, તેમના મનમોહક સ્વરૂપની મૂર્તિને આર્તિપૂર્વક  પોતાના હૃદયમાં ધારણ કરી રાખે છે તેનાં ભવોભવની પીડા શમી જાય છે. 

 

यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् ।
विमुच्यते नतस्तस्मै विषण्वे प्रभ विषण्वे ।। 

 

પ્રભુ નામ એટ્લે પ્રભુનું ધામ, સાધનની દૃષ્ટિએ પ્રભુના નિરાળા નામોમાં કોઈ ફર્ક આવતો નાથી કારણ કે પ્રભુનું આ નામ જ આત્મા અને પરમાત્મા વચ્ચેને જોડતી કડી બને છે. એ રીતે જોઈએ તો પ્રભુનું નામ સ્મરણ એ સાધન પણ છે અને સાધ્ય પણ છે.  શુકદેવજી કહે છે કે પ્રભુનું નામ એ નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. પરંતુ જીવોના મુખથી લેવાતા નામને કોઈ સ્વાદ હોતો નથી પણ નામનું એક સ્વરૂપ હોય છે જેને લૌકિક અલૌકિક અંતઃચક્ષુથી ઓળખી શકાય છે.  ઉપનિષદમાં કહે છે કે નામસ્મરણ લેવાથી જીવમાં રહેલ સૂક્ષ્મ મન અને આત્મામાં પરમાત્માનું સ્વરૂપ વ્યાપક અને અર્થપૂર્ણ બને છે, જે જીવોના અંત સમય સુધી તેની સાથે રહે છે.  તેથી જ સંતો અને શાસ્ત્રો કહે છે કે પાણી જેમ જીવનનું મુખ્ય તત્વ છે તેમ નામસ્મરણ પણ આપણાં આત્માનું તત્વ એ રીતે બની જવું જોઈએ કે જીવનની છેલ્લી ઘડીએ કાંઇ ચાલે કે ન ચાલે પણ પ્રભુનું સ્મરણ સ્વગત જ થવું જોઈએ.  ધર્મમાં કહ્યું છે કે પ્રભુનું નામ સ્મરણ લેવા માટે પણ કોઈ ગુરુનું માર્ગદર્શન હોવું જોઈએ.  ધર્મની આ વાતથી ચોક્કસ આશ્ચર્ય થાય કે પ્રભુનું નામ તો સ્વતઃસિધ્ધ અને પરિપૂર્ણ છે તો આપણને પ્રભુનું નામસ્મરણ કરવા માટે ગુરુની સહાયતા શા માટે જોઈએ ?

 
         શ્રી વલ્લભ કહે છે કે જ્યારે જીવ એમ માને કે હું કરું છુ, ત્યારે તે જીવમાં હુંકાર ભાવ આવી જાય છે. તેથી જીવોમાં રહેલ આ હુંકાર રૂપી મદને કાઢવા માટે યોગ્ય ગુરુનું માર્ગદર્શન હોવું જોઈએ.  આજ કારણસર આપણે કહીએ છીએ કે શ્રી વલ્લભની કૃપા છે તો આપણે આ કાર્ય કરી શકીએ છીએ.  કારણ કે ગુરુને કેવળ બે વસ્તુ પ્રિય હોય છે એક તો પ્રભુનું અનુસંધાન અને બીજું પ્રભુનું અખંડ નામસ્મરણ.  વળી ગુરુનો એ સ્વભાવ પણ છે કે જે તેમને પ્રિય હોય તેજ વસ્તુનું દાન તેઓ પોતાના સેવકોને કરે છે.

 
શ્રી હરિરાયજીચરણ કહે છે કે જ્યારે જીવ અસ્પષ્ટ ભાવથી સતત પ્રભુનું નામ લીધા કરે છે ત્યારે જીવના જીવનમાં ગુરુનું આગમન થાય છે.  આ જ ગુરુ જીવોને સમજાવે છે કે તારો અહંકાર, તારો હું પદ, મદ, મોહ, તૃષ્ણા વગેરેને છોડીને પ્રભુના શરણે જા કારણ કે તારા આ લોકનું અને તારા પરલોકનું શુભ પ્રભુ જ કરશે.  ગુરુ આપણને પ્રભુનામ આપે છે પણ આપણે પ્રભુનામ શી રીતે લેવું જોઈએ ?   શ્રી હરિ સ્વયં કહે છે કે હરિચિંતન કરવા માટે એકાંત અને એકાગ્રતા જરૂરી છે.  શ્રીહરિનાં પ્રથમ એકાંત શબ્દના અર્થને સમજાવો અહીં જરૂરી છે.  એકાંત એટ્લે સમયનું એકાંત નહીં, તનનું એકાંત નહીં બલ્કે મનનું એકાંત હોવું જરૂરી છે.  લૌકિક તન ભલે આમતેમ ફર્યા કરે પણ મનનાં એકાંતમાં પ્રભુ સ્મરણ કરવું જોઈએ.  તેથી આપણી આસપાસ લૌકિકકાર્યો પણ થતાં હોય તો તેનો કોઈ ફર્ક પડતો નથી.

 
જ્યારે બીજો શબ્દ છે એકાગ્રતા. આપણે હંમેશા ભોક્તા રૂપે રહીએ છીએ તેથી સુખદુઃખનાં વમળમાંથી આપણે નીકળી શકતા નથી, તેથી જ્યારે આપણે પાણીમાં રહેલા મીઠાની માફક પ્રભુ સ્મરણમાં મગ્ન થઈ મનની એકાગ્રતા કેળવીશું ત્યારે જ આપણે આ વમળમાંથી બહાર નીકળી શકીશું.  

 
નારદસૂત્રમાં કહે છે કે જ્યાં સુધી જીવોનો શ્વાસઉચ્છવાસ ચાલે છે ત્યાં સુધી જીવોએ પ્રભુસ્મરણ કરવા તત્પર થવું જોઈએ.  શુકદેવજીએ પરિક્ષિત રાજાને કહે છે કે હે રાજન પ્રભુનું સ્મરણ કરતી વખતે જ્યારે દેહબુધ્ધિનું વિસ્મરણ થઈ જાય ત્યારે માનવું કે પ્રભુનું નામ લેવામાં જીવને સફળતા મળી છે.  હે રાજન આપણે આપણે સદૈવ જોઈએ છીએ જીવ પ્રભુનું નામ કેટલી વાર લીધું તેની ગણતરી કર્યા કરે છે પણ હે રાજન શું આ રીતે ગણતરી કરવી યોગ્ય છે ?  આપણે ત્યાં પણ વૈષ્ણવો કહે છે કે અમે રોજ નવવાર યમુનાષ્ટકનાં પાઠ કરીએ છીએ પણ બીજીરીતે જોઈએ તો યમુનાજી તો સ્વયં માતા છે અને માતાનું નામ નવથી વધુ વખત લેવાઈ જાય તો એમાં શું ગણવા બેસવાનું,  નામસ્મરણ તો વધુ ને વધુ લેવાની ટેવ રાખવી જોઈએ કારણ કે નામસ્મરણનો સતત જાપ કરવાથી પ્રભુના આનંદમય સ્વરૂપના સાનિધ્યનો લાભ મળે છે.  

 
અગ્નિપુરાણમાં કહ્યું છે કે જીવે પ્રભુસ્મરણની બાબતમાં હંમેશા અસંતોષી રહેવું જોઈએ.  કારણ કે જે દિવસે જીવને થોડો પણ પ્રભુનામ લેવાનો સંતોષ થઈ જશે તે દિવસે જીવનું પ્રભુસ્મરણ કરવાનું ઓછું કરી દેશે અને પ્રભુ પ્રત્યે તેનાં સ્નેહમાં પરીવર્તન આવી જશે, માટે આપણે મનથી અસ્થાયી થઈએ તે પહેલા સ્મરણ સાધનાને આપણાં શ્વાસોશ્વાસમાં વસાવી લઈએ.  ઘણીવાર એ પણ પ્રશ્ન થાય છે કે શું પ્રભુસ્મરણનો કોઈ વિકલ્પ હોય શકે કેમ ?  પ્રભુ શ્રીરામે કેવટને કહેલું કે મારા સ્મરણનો કેવળ એક જ વિકલ્પ છે કે મને મારા સ્વરૂપ સાથે તું તારા હૃદયમાં અને તારી જિહવા પર વસાવી લે. ગોપીજનોએ પણ આજ વાતને સિધ્ધ કરી છે.  તેઓએ પણ શ્રી ઠાકુરજીને તેમના સ્વરૂપ સાથે પોતાના હૃદયમાં, અને આત્મામાં એ રીતે વસાવી લીધેલા છે કે શ્રી ઠાકુરજી તેમનાથી દૂર જ ન જઇ શકે.  

 
શ્રી ભાગવતજીમાં કહે છે કે જ્યારે આપણે કોઈને આત્મામાં વસાવીએ છીએ તેનો અર્થ એ કે તે જીવને આપણે ઘણો પ્રેમ કરીએ છીએ, પરંતુ પ્રેમ એટ્લે શું ?  અને પ્રેમ કોની સાથે શક્ય બને ?

 
કવિ જયદેવજી કહે છે કે જ્યારે તું મારી સામે આવે છે ત્યારે મને મારા હોવાનું અસ્તિત્ત્વ રહેતું નથી, મારી નજારોની અંદર કેવળ તુ જ બિંદુ બનીને સમાઈ જાય છે, મારી આસપાસ કેવળ તારા જ હોવાની મને વારંવાર અનુભૂતિ થતી રહે છે તેનું નામ પ્રેમ છે.  કવિ જયદેવની જેમ ભ્રમરગીતમાં રહેલી ગોપીઑ કહે છે કે અમારા આરાધ્ય યશોદાનંદન છે, તેથી યશોદાનંદનનું જ સંસ્મરણ અમારા અસ્તિત્ત્વને પૂર્ણ બનાવે છે.  લલિત રસમંજરીમાં કહે છે કે નામસ્મરણ લેવાથી પ્રેમ નથી આવતો તેનાથી કેવળ અનુરાગ થાય છે, પરંતુ શ્રી હરિરાયજીચરણ કહે છે કે જ્યાં અનુરાગ હોય ત્યાં જ આસક્તિ આવે છે અને સમયનુસાર આ આસક્તિ જ વ્યસનમાં ફેરવાઇ જાય છે.

 
શ્રી હરિરાયજીચરણની વાતને યથાર્થ કરતાં ગોપીઓ કહે છે કે જ્યારે જ્યારે અમે બાલકૃષ્ણનું નામ લઈએ છીએ ત્યારે ત્યારે અમારા હૃદયમાં તેમના માટેની આસક્તિ અને અનુરાગ વધતો જાય છે.  આ વધતી જતી આસક્તિને કારણે અમે તેમનું સતત સ્મરણ કરીએ છીએ, અને જે દિવસે અમે તેમનું સ્મરણ ન કરીએ તે દિવસ અમને વ્યર્થ લાગે છે.  આગળ ગોપીઓ કહે છે કેવૃંદાવન ઉપર ઉદયમાન થતા સૂર્યચંદ્ર ક્યારેક અમને દઝાડે છે અને ક્યારેક અમને ઠંડક પહુંચાડે છે ત્યારે અમારી હાલત દયનિય બની જાય છે, અને આ સ્થિતીમાં અમે જો અમારા પ્રભુનું સ્મરણ ન કરીએ તો અમે અમારા હૃદયથી જ પરવશ થઈ જઈએ છીએ.  માટે કોઈપણ કાળે, કોઈપણ સમયે, કોઈપણ પરિસ્થિતિમાં શ્રી યશોદાના નંદનનું સ્મરણ કરવું તેજ અમારું કર્તવ્ય છે અને તેમનું નામ લેવાને માટે જ અમારો જન્મ થયો છે.

 
શ્રી વલ્લભ કહે છે કે જ્યારે જીવ પૂર્ણ શરણારગતિ સાથે શ્રી પ્રભુનું સ્મરણ કરે છે ત્યારે જીવ પ્રભુના જ સ્વરૂપ તદ્રુપ થઈ જાય છે, અને જેમ છાશમાં છુપાયેલ માખણ પાણી નાખતાં જ ઉપર આવે છે તેમ જીવોમાં રહેલો પ્રભુ માટેનો પ્રેમ, સ્નેહ અને અનુરાગ ઉપર આવી જાય છે. ગોપીઓની જેમ શ્રી હરિરાયજીચરણ વલ્લભસાખીમાં કહે છે કે પ્રભુની સેવાની પ્રાપ્તિ એ જ જીવોનું ફળ છે, પ્રભુનું સ્મરણ કરવું એજ જીવોનું કર્તવ્ય છે,

 

પ્રભુ સ્મરણમાં સંસાર-વ્યવહાર, એજ પરમાર્થનો સાચો સાર,
મારું હિતાહિત સર્વે ઈશ્વરને હાથ, એજ આત્માની સમજણ ખાસ.
 

 

ગોપીજનો કહે છે કે શ્રીઠાકુરજીનું સ્મરણ કર્યું છે ત્યારે અમને પ્રભુ મળ્યાં છે.  ગોપીજનોની વાત સાંભળીને પ્રભુ કહે છે કે જ્યારે જે ગોપીજનો કેવળ મારા થઈ ગયા છે તેમનો થઈને હું શા માટે ન રહું ?  આપણો આત્મા જાણે છે કે પ્રભુ જ આપણું સર્વેસર્વા છે તેમ છતાં પણ આપણે પ્રભુને ઓળખી શકતાં નથી.  જે પ્રભુનું સ્મરણ સતત કરવું જોઈએ તેને બદલે આપણે જ્યારે દુઃખ અને પરેશાની હોય ત્યારે જ પ્રભુનું નામ લઈએ છીએ.  ભગવાન વિષ્ણુ નારદમુનિને કહે છે કે “હે નારદ જીવો જાણે છે કે હું જ તેમનું સર્વેસર્વા છુ પણ તેમ છતાં તેઓ મને અને મારા સ્વરૂપને ઓળખી શકતાં નથી કારણ કે જીવોમાં રહેલો હું કાર ભાવ અને દેહબુધ્ધિનો અહંકાર તેમને મારાથી દૂર કરી દે છે.  જીવોને માટે મને મળવાનો કેવળ એક જ ઉપાય છે તે છે મારું સ્મરણ.  જીવ ચિત્તમા મને મળવાની તાલાવેલી સાથે જો મારું સ્મરણ સ્નેહથી કરશે તેમને માટે હું તેઓનો જ બનીને રહીશ, અને સદૈવ તેના હિતાહિતની ચિંતા હું જ કરીશ જેથી તેને તેના યોગક્ષેમની ચિંતા ન રહે.  તેથી જ કહેવાય છે કે એકવાર પ્રભુસ્મરણનો અમૃતપ્યાલો મળી ગયો પછી બીજા અમૃતની કોઈ જરૂર છે ખરી કે ?

 
ભક્તિ નૌકા તારે સર્વને, જે કો શરણે આવે શુચિ પાપી
અન્ય સાધન દારુ- તુંબિકા, ગ્રહે સભય તારે કો કદાપિ
તરે કદાપિ, બચે કામાદિ ગ્રાહથી,સામર્થ્ય નહિ અણુ તારવા સાથી
વિબુધ વિચારી જુઓ, નિજ મન,ભક્તિ ભલી કે સાધન અન્ય….?

 

ભક્તિરૂપી નૌકામાં બેસેલો ગમે તેવા ગુણવાળો હોય તો પણ પોતાની સાથે બીજા પાંચને તારી શકે છે. જ્યારે તુંબડીવાળો તો કેવળ પોતાને તારે તોયે ઘણું. હે બુધ્ધિમાનો તમે જ વિચારો કે સાધન રૂપી સાધનમાર્ગ કરતાં પ્રેમભક્તિનો ઉત્તમ છે કે નહીં.

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.

 

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણ અવતારનું રહસ્ય … (ભાગ -૨) …

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણઅવતારનું રહસ્ય … (ભાગ- ૨) …

(ગતાંકથી  ચાલું) …

 

 

 KRISHNA WITH COWS

 

 

પ્રલંબાસુર વધ :    ગોકુલમાં આવેલો પ્રલંબાસુર અગ્નિરૂપી પ્રલય બનીને આવેલો અને આખા ગોકુલમાં તેણે અગ્નિ પ્રસરાવ્યો હતો. એ અગ્નિની પ્રજવલિત જવાળામાં સર્વે વ્રજવાસીઓ બળવા લાગ્યા ત્યારે શ્રી ઠાકુરજીએ એ પ્રલંબાસુરનો વધ કરીને દાવાનળનું પાન કર્યું છે . આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે અગ્નિતત્વનું કામ બાળવાનું અને પ્રજાળવાનું છે. આ સંસાર એ પ્રલંબાસુરનું પ્રતિક છે જે સંસારના જીવોને આધિ, વ્યાધિ, ઉપાધિના અગ્નિથી બાળે છે, પ્રજાળે છે ત્યારે શ્રી ઠાકુરજીની સેવા અને સ્મરણ એ સંસારના દાવાનળને શાંત કરવાનું કામ કરે છે.

 
વત્સાસુર વધ :   મધુવનમાં ગૌચારણ કરી રહેલી શ્રી ઠાકુરજીની ધેનુઓમાં વત્સાસુર નામનો અસુર પણ ભળી ગયેલો ત્યારે શ્રી ઠાકુરજીએ એ અસુરને ઓળખી કાઢ્યો અને તેના પગ પકડી આકાશમાં ઉછાળીને મારી કાઢ્યો. સંસ્કૃતમાં વત્સ શબ્દના બે અર્થ બતાવ્યાં છે. પ્રથમ શબ્દ વત્સ એટ્લે કે પુત્ર જ્યારે પુત્રના કર્મો અવિચારી હોય ત્યારે તેના તે અવિચારી કાર્યોથી સમાજને તેનું પરિણામ ભોગવવું પડતું હોય ત્યારે તેવો પુત્ર હોય કે ન હોય તેનાથી કોઈ ફર્ક પડતો નથી. વત્સનો બીજો શબ્દ અર્થ તે વાછરડું છે બીજી રીતે જોઈએ તો વાછરડું પણ ગૌનો પુત્ર જ છે. અહીં પણ આ પ્રસંગમાં વત્સ (વાછરડું) તે દુષ્ટભાવનું સ્વરૂપ છે અને તેના પગલા વ્રજભૂમિમાં પડેલા છે. પરંતુ જે ભૂમિમાં શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દ પડેલા છે તે ભૂમિ તે ભક્તિની ભૂમિ છે અને તે ભક્તિની ભૂમિમાં દુષ્ટો કે દુષ્ટતાનું કોઈ સ્થાન ન હોઇ શકે તેથી શ્રી ઠાકુરજીએ ગૌના પુત્ર એવા વત્સાસુરનો વધ કરી વ્રજભૂમિને નિર્મળ કરી છે. આ પ્રસંગના સંદર્ભમાં વિશેષ સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે દરેક જીવની અંદર જ દુષ્ટતા રૂપી વત્સાસુર રહે છે તે દુષ્ટતાનો નાશ કર્યા વગર જીવોનું ભક્તિમાર્ગમાં આગળ વધવું મુશ્કેલ થઈ જાય છે તેથી ખાસ કરીને કલિયુગમાં રહેલા આ પુષ્ટિ જીવો જો સતત શ્રી ઠાકુરજીનું નામ સ્મરણ કરે તો જ જીવોમાં રહેલી દુષ્ટતાનો અંશ ઓછો થાય છે.

 
બકાસુર વધ :   વ્રજભૂમિમાં યમુનાજીના કિનારે જ્યારે શ્રી ઠાકુરજી પોતાના સખાઑ સાથે ખેલી રહ્યા હતા ત્યારે બકાસુર નામનો અસુર બગલાનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યો અને આવીને તેણે શ્રી ઠાકુરજી તથા તેના સખાઓને પોતાની વિશાળ ચાંચથી ગળી જવાનો પ્રયત્ન કર્યો ત્યારે શ્રી ઠાકુરજીએ તેની વિશાળ ચાંચ પકડીને ચીરી નાખ્યો અને ગોપબાળકોની રક્ષા કરી. આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે બકાસુર બગલાનું રૂપ લઈને વ્રજભૂમિમાં આવ્યો છે અને બગલો તે દંભનું પ્રતિક છે. બગલાને બે વિશાળ ચાંચ છે તે બંને ચાંચ તે અનૃત એટ્લે કે અસત્ય અને લોભનું પ્રતિક છે જ્યાં સુધી પુષ્ટિજીવોમાં અનૃત અને લોભ રહેશે ત્યાં સુધી જીવમાં ભક્તિમાર્ગ દ્રઢ થવાની શક્યતા નથી. તેથી પુષ્ટિજીવોએ સૌ પ્રથમ પોતાના જીવનમાંથી દંભ, અનૃત અને લોભનો ત્યાગ કરવો જરૂરી છે. જ્યારે જીવોમાંથી આ અનિષ્ટ તત્વો દૂર થશે ત્યારે જ જીવો ભક્તિના માર્ગની કેડી પર પગલાં મૂકી શકશે.

 

 

 nag daman

 

 

નાગદમન :   અભિમાન અને અહંકારરૂપી ભયંકર વિષમય સર્પ  આપણા મન, હૃદય અને મસ્તક પર ચઢીને બેસેલો છે ત્યારે કેવળ શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દની કૃપા જ આપણાં પર ચઢી બેસેલા અહંકાર યુક્ત સર્પનું દમન કરે છે. તે વખતે આપણી અંદર જ છુપાયેલી નાગપત્ની રૂપી દિનતા અને દૈન્યતાઓ જ્યારે પ્રભુની સંપૂર્ણ શરણારગતિ સ્વીકારે છે ત્યારે અહંકારયુક્ત થયેલા જીવને પ્રભુ ક્ષમા આપે છે. પ્રભુની નાગદમન લીલામાં દ્વિતીય પાસુ એ પણ છે કે શ્રી ઠાકુરજીએ કાલિયની ફણાઓને નાથી છે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે સાંસારિક સમુદ્રમાં જીવતા જીવને પણ લોભ, લાલચ, મદ, અસૂયા રૂપી અનેક જિહ્વા છે આ તમામ જિહ્વાને કેવળ શ્રી ઠાકુરજી જ નાથી શકે છે. વળી એ વિષમય સર્પની ફણાઓને નાથીને બાલ શ્રીકૃષ્ણ તેના પર નૃત્ય કરે છે શ્રી મહાપ્રભુજી કહે છે કે કાલિયા સર્પની એ ફણા મૃત્યુનું પ્રતિક છે પણ તેમ છતાં બાલકૃષ્ણ એ મૃત્યુથી ડર્યા નહીં પરંતુ એ મૃત્યુ પર તેમણે નૃત્ય કરીને તેના પર વિજય મેળવ્યો છે. શ્રી ઠાકુરજીની આ લીલા જીવોને મૃત્યુના ભયમાંથી અભય બનીને અભ્યંકર શી રીતે બનવું તે શીખવે છે.

 
દામોદર લીલા :   શ્રી ઠાકુરજીનું એક નામ દામોદર પણ છે. માતા યશોદાએ શ્રી ઠાકુરજીની માખણચોરી અને વ્રજનારીઓની ફરિયાદથી કંટાળીને શ્રી ઠાકુરજીને દામણે એટ્લે કે દોરડા વડે બાંધવા પડેલા. દામોદર એ શબ્દ બે શબ્દનું સંમિલિત સ્વરૂપ છે દામ એટ્કે કે દોરડું અને ઉદર એટ્લે કે પેટ. માતા યશોદાના અથાગ પ્રયત્ન બાદ ન બંધાયેલા લાલાની પાછળ માતા દોડી દોડીને થાકી ગયા ત્યારે તેઓ કાન્હા પાસે નત મસ્તક થઈ ઊભા રહી ગયાં, ત્યારે કાન્હાએ પણ દોડવાનું બંધ કર્યું અને માતાના મુખારવિંદ તરફ જોવા લાગ્યા અને સાથે વિચારવા લાગ્યા કે માતાને અત્યંત પરિશ્રમ થયો છે. પરિશ્રમયુક્ત થવાથી માતાને પ્રસ્વેદ બિંદુઑ પણ થયા છે તેથી માતાને વિશેષ પરિશ્રમ કરાવવો યોગ્ય નથી વળી માતા પણ દૈન્ય બની ગયા છે. આથી શ્રી ઠાકુરજીએ માતાના હાથમાં પકડાઈને બંધાઈ ગયા હોય તેવો ભાવ કર્યો. પૂ.ગો.૧૦૮ ગો શ્રી ઈન્દિરાબેટીજી કહે છે કે પ્રેમ એક તરફી નહિ પણ બંને બાજુનો હોય તો જ કામ થાય. પ્રભુ દામણે બંધાયા તેનું કારણ યશોદાજીનો પ્રેમ છે. શ્રી મહાપ્રભુજી આ લીલાનું રહસ્ય સમજાવતાં કહે છે કે માતા યશોદાને હું માતા છું તેવું અભિમાન આવી ગયેલું અને જગત કર્તા તો કોઈનું અભિમાન સહન નથી કરતાં ત્યાં માતાનો અહંકાર કેવી રીતે સહન કરે ?   વળી જે જગતને બાંધનાર છે તે અનંત અને શાશ્વત છે એને કોણ બાંધી શકે તેમાં ય વળી દોરડું સામર્થ્યહિન અને જડ સાધન છે. અહીં શ્રી મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે જ્યારે જીવ સાધનોનો આશરો છોડીને શરણાગતિ લઈને દૈન્ય ભાવે શ્રી ઠાકુરજી સમક્ષ જાય છે ત્યારે શ્રી ઠાકુરજી બંધાઈ જાય છે. વળી પ્રભુને બાંધવાનું એક માત્ર સાધન દૈન્યતા અને પ્રેમ છે, જ્યારે જીવ દૈન્યતાનું અને પ્રેમનું મહત્વ સમજે છે ત્યારે તેને પ્રભુની પાછળ દોડવું પડતું નથી પરંતુ પ્રભુ આપમેળે આવીને પ્રેમની દોરીએ બંધાઈ જાય છે. તેથી જ મીરાબાઈ કહે છે કે “કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે…..” અમદાવાદ કડીવાળા પ.પૂ ૧૦૮ ગો શ્રી વ્રજેશલાલજી મહારાજ શ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જે શ્રી ઠાકુરજી વ્રજમાં નાના બાલક સ્વરૂપમાં માતા પાસે બંધાયેલા છે તે જ શ્રી ઠાકુરજી તેજ સમયે મધુવનમાં ગોપસખાઓ સાથે ખેલી રહ્યાં છે અને સાથે સાથે તેજ શ્રી ઠાકુરજી કુમાર અવસ્થા ધારણ કરીને રાધિકા સંગે પણ રસભાવ વહાવી રહ્યા છે, આ રીતે શ્રી ઠાકુરજી ત્રણે  ભુવનમાં એકસાથે વ્યાપી રહેલા છે. આમ શ્રી ઠાકુરજીની એક જ સમયે અનેક લીલા હોવા છતાં ભક્તોને સર્વલીલાનો અનુભવ કરાવે છે.

 
દધિમંથન લીલા :   વેદગ્રંથોમાં આપણી ઇન્દ્રીયોને દધિ એટ્લે કે દહીં સાથે સરખાવવામાં આવી છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં સમજાવે છે કે દહીં એ સ્નેહનું પ્રતિક છે. વ્રજનારીઓ પોતાના ઘરે દધિમંથન કરે છે તેમ જીવોએ પણ પોતાની ઇન્દ્રીયોનું મંથન કરવું જોઇએ. વ્રજની ગોપીઓ હંમેશા પોતાના દધિને માટલીમાં જમાવતી હતી એનું મુખ્ય કારણ એ છે કે માટલી માટીમાંથી બને છે અને માટી ભૂમિમાંથી આવે છે અને ભૂમિ એ અપરાપ્રકૃતિનું એક મહત્વનું અંગ છે. જ્યારે ચિત્ત રૂપી પય એટ્લે કે દૂધરૂપી પ્રવાહી ભૂમિ રૂપી માટલી અર્થાત અપરાપ્રકૃતિની અંદર મળી જાય છે ત્યારે તે પ્રવાહીને એક આકાર મળી જાય છે. શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે માટલીમાંનું પ્રવાહી તે આપણું તરલ મન છે, જેમ માટલી હલે છે તે રીતે આપણું મન પણ વિવિધ પરિસ્થિતીમાં હાલકડોલક થતું જાય છે. પરંતુ જ્યારે માટલીમાં રહેલ પયરૂપી પ્રવાહીમાં જ્યારે દધિનું બિંદુ મેળવવામાં આવે છે ત્યારે તે પ્રવાહી રૂપી પય દધિરૂપે જામી જાય છે. અહીં શ્રી મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે મનરૂપી તરલ પ્રવાહી અત્યંત ચંચળ છે અને વાસનામય છે તે ચંચળ અને વાસનામય મનને કારણે ચિત્તમાં સતત અવનવા વિચારોનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. પરંતુ જ્યારે ચિત્તમાં સ્થિરતા આવી જાય છે ત્યારે તે મનરૂપી પ્રવાહી પણ સ્થિર થઈ જાય છે, તે જ રીતે માટલીની અંદર હાલકડોલક થતું દૂધ તે જીવોનું તરલ મન છે જ્યારે તે તરલ મનની અંદર ભગવદ સ્મરણ, વંદન, કિર્તન અને પ્રભુના પાદસેવન રૂપી મેણવણ મેળવવામાં આવે છે અને ચિંતન તથા મનન રૂપી સમય આપવામાં આવે છે ત્યારે તે તરલ મન દધિરૂપે ચોક્કસ ઘનીભૂત આકાર ધારણ કરે છે. મનરૂપી પ્રવાહી સ્થિર થઈ જતાં તે જીવના દેહભાવની અંદર રહેલા દધિરૂપી સ્નેહયુક્ત મનને શ્રી ઠાકુરજી પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે.

 
દાણલીલા :   દાણલીલામાં શ્રી ઠાકુરજી મટુકી પણ તોડે છે તેનો અર્થ એ છે કે મટુકીઓ એ મસ્તકમાં રહેલ અભિમાનનું પ્રતિક છે અને શ્રી ઠાકુરજી મટુકી નથી તોડતાં પરંતુ આપણામાં રહેલા અભિમાન રૂપી ગુમાનને તોડે છે. ખરી રીતે જોઈએ તો શ્રી ઠાકુરજીએ દધિમંથન કરીને ચોરી નથી કરી પરંતુ દધિની ચોરી દ્વારા ગોપીઓના સરળ મનની ચોરી કરી પોતાના સ્વરૂપમાં નિરોધ કરી એ નિઃસાધન વ્રજ્ભક્તો ઉપર કૃપા કરી છે. આ પ્રસંગના સંદર્ભમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજી ધર્મી સ્વરૂપે પોતાના તમામ ઐશ્વર્ય છોડીને ગોપીઓના મનનાં મનોરથ પૂર્ણ કરે છે. વળી શ્રી ઠાકુરજીની દાણલીલાની આ ક્રીડા તે રાજભોગની ભાવના છે જેનાં દ્વારા શ્રી ઠાકુરજી ગોપીજનોમાં ભક્તિરૂપે રહેલા વાત્સલ્ય ભાવને, ક્યારેક સખ્ય ભાવને તો ક્યારેક દાસ્ય ભાવને ગ્રહણ કરે છે.

 
પૂર્તિ :   શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે શ્રી ઠાકુરજીએ કરેલી લીલાઑ રહસ્યમય ચોક્કસ છે પરંતુ તેની પાછળના રહસ્ય અને અર્થને સમજવું તે પણ બ્રહ્મ ઉપાસના સમાન છે. આથી દરેક વૈષ્ણવોએ આ બ્રહ્મ ઉપાસના સમાન શ્રી ઠાકુરજીની કરેલી લીલાઓનું પાન કરીને તેનું ચિંતન અને મનન કરવું જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીનું સ્મરણ અને શ્રી ઠાકુરજીની કરેલી લીલાઓનું પાન કરતાં ચિત્ત અને હૃદયમાંથી વિષાદ ચાલ્યો જાય છે અને જીવનમાંથી વિષાદ ચાલી જતાં જીવન પ્રસાદમય અને આનંદમય બને છે, જેને કારણે વૈષ્ણવોના ચિત્ત પ્રફુલ્લિત બની જાય છે. અમદાવાદ- કડીવાળા પ.પૂ. ૧૦૮ ગો.શ્રી યદુનાથજી મહોદયશ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જ્યારે જ્યારે ભક્તોના હૃદયમાંથી પોતાના પ્રભુને પુકારતો આર્તનાદ નીકળશે ત્યારે ત્યારે પ્રભુ પોતાના ભક્તો માટે પ્રગટ થઈ અવતાર ધારણ કરશે દા.ત. સારસ્વત યુગમાં જેમ શ્રી ઠાકુરજી પોતાના ભક્તોના ઉધ્ધાર અર્થે પ્રગટ થયા હતાં તે જ રીતે કલિયુગમાં પણ પોતાના જ ભક્તોના ઉધ્ધાર અર્થે શ્રી ઠાકુરજી ફરી શ્રી વલ્લભ રૂપે અવતરિત થયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીએ કરેલી લીલાઓનું પાન કરીને તેમાં રહેલા સારને ગ્રહણ કરવો જોઈએ. જ્યારે શ્રી ઠાકુરજીની કરેલી આ લીલાઓનું હાર્દ સમજીએ ત્યારે જીવોના મનમાં રહેલી ચંચળતા અને મલિનતા દૂર થઈ જાય છે અને મલિનતા દૂર થતાં જીવોમાં એકત્વની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે તેનાંથી પ્રભુ પ્રત્યે અનુરાગ થાય છે અને તે વખતે પ્રભુએ કરેલ અવતાર કાર્યની મહત્વતાં સમજાઈ જાય છે.

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
[email protected]

 

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણ અવતારનું રહસ્ય … (ભાગ..૧) …

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણ  અવતારનું રહસ્ય … (ભાગ..૧) …

 

 
krishna.1

 

 
શ્રાવણ માસ જેટલો ભગવાન શિવનો કહેવાય તેટલો જ ભગવાન કૃષ્ણનો પણ ગણાય છે.  આ માસમાં ભગવાન વિષ્ણુએ પોતાનું  આનંદમય સ્વરૂપ અને પરમાનંદ આપનારા એવા કૃષ્ણ સ્વરૂપને ધારણ કરી અવતાર લીધો હતો. આમ તો  ભગવાન વિષ્ણુએ પ્રત્યેક યુગે વિવિધ અવતાર ધારણ કરીને પોતાના ભક્તોની રક્ષા કરી જ છે, પરંતુ કૃષ્ણ સ્વરૂપ ભગવાન વિષ્ણુનો આ અવતાર સૌથી વિશિષ્ટ હતો.  તેનું કારણ એ હતું કે  ભગવાનના બધા જ અવતારો કોઈને કોઈ રીતે અપૂર્ણ અને મર્યાદિક હતાં. પરંતુ દ્વાપર યુગમાં ભગવાનનો શ્રી કૃષ્ણ તરીકેનો અવતાર તે અદ્ભૂત, અપૂર્વ અને અદ્વૈતપૂર્ણ છે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે ભગવાન શ્રી વિષ્ણુએ અવતાર શા માટે ધારણ કર્યો છે? અને અવતાર લઈ ભગવાન વિષ્ણુએ ક્યુ કાર્ય પૂર્ણ કર્યું છે ?  અને અવતાર એટ્લે શું ?

 
આ પ્રશ્નનો ઉત્તર આપતા શાસ્ત્રો કહે છે :  ભગવાન વિષ્ણુનું કાર્ય સંસારનું સંચાલન કરવાનું છે.  તેથી જ્યારે આસુરી વિચારવૃતિ ધરાવતા જીવોથી જ્યારે ધરા થાકી ગઈ ત્યારે સંસારના અન્ય જીવોને બચાવવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ વિવિધ અવતારો લીધા.  પરંતુ આ તમામ અવતારોમાં જે બહુમાન ભગવાન વિષ્ણુને નથી મળ્યું તે બહુમાન કેવળ અને કેવળ મનુષ્યવતાર શ્રી કૃષ્ણને જ મળ્યું છે.  આથી બીજો પ્રશ્ન એ થાય કે કૃષ્ણ રૂપને, સ્વરૂપને અને કૃષ્ણ અવતારને  જ આ બહુમાન શા માટે મળ્યું ?

 
આ પ્રશ્નનો ઉત્તર આપતાં વલ્લભનંદન વિઠ્ઠલનાથજી જણાવે છે કે શ્રી કૃષ્ણએ સમગ્ર સૃષ્ટિના વ્યાપને-એની ભવ્યતાને, એના માન અને મર્યાદાને, એનાં સુખો અને દુ:ખોને, સાંસારિક જીવનની મહત્તા, મહત્વતા અને એના સંપૂર્ણ રૂપને જેણે નિખાલસપણે સ્વીકારી લીધું છે તે કેવળ શ્રી કૃષ્ણ છે તેથી મનુષ્યોને પોતાની જેમ જ સહજતાથી જીવનની સામે સન્મુખ થયેલા શ્રી કૃષ્ણ પૂર્ણ લાગે છે;  તેથી જ સમગ્ર સંસારના ઉધ્ધારના ઉદેશ્યને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમ રૂપે વ્રજભૂમિ પર પ્રગટ થયા છે.  શ્રી વિઠ્ઠલેશચરણની જેમ પુરાણોએ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો પરિચય થયો છે.  જ્ઞાનીઑ અને યોગીઓ સદાયે કહે છે કે આ સૃષ્ટિના કર્તા હર્તા તે નિરાકાર છે અને નિરંજન પ્રેમ તત્વવાળા છે, પરંતુ તે પ્રેમ પણ પ્રભુની માયાનો જ એક ભાગ છે તો પછી એ માયા તત્વવાળા પ્રભુ સૃષ્ટિમાં અવતાર શા માટે લે છે ?

 
આચાર્યચરણ શ્રી ગોકુલનાથજી  કહે છે કે જેમ જ્ઞાની પંડિતો અને વિદ્વાનોની પરીક્ષા જેમ ભાગવતમાં થાય છે તે રીતે પ્રભુની નિરાકાર અને નિરંકુશ શક્તિની પરીક્ષા પણ મનુષ્યવતારરૂપે થાય છે, આથી સૃષ્ટિના પાલનકર્તા પણ મનુષ્યરૂપે અવતાર ધારણ કરીને ભૂમિ પર આવે છે અને મનુષ્યોની જેમ જ ક્રીડા કરી સંસારને ચલાવનાર ધર્મના આત્માને પ્રગટ કરે છે.   શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે સામાન્ય મનુષ્ય એ લૌકિક જનની દ્વારા કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન ધર્મને ધારણ કરીને અવતાર લે છે. ઉપનિષદમાં કહ્યું છે કે અવતાર એટલે કે ઊંચા ક્ષેત્રમાંથી નીચે આવતું તે.   ભગવાન પોતે પોતાના પૂર્ણત્વ પામેલી નિશ્ચલ સ્થિતિની અંદર નિરાકાર અને નિરંજન રૂપે ઉચ્ચસ્થાને બિરાજમાન રહી ફર્યા કરે છે, પરંતુ એજ નિરાકાર શક્તિ જ્યારે પોતાનું ઉચ્ચ આસન છોડીને જ્યારે પણ ભૂમિ પર અવૃત થાય છે ત્યારે સંસારના સમસ્ત ધર્મચક્ર, ઋતુઓ અને સમયના પરિબળનું ખંડન થાય છે અને આ ખંડિત થયેલ ચક્રની અંદર પ્રભુ અવતાર ધારણ કરીને પોતાની લીલાનો પ્રારંભ કરે છે.  વેદોમાં કહ્યું છે કે જ્યારે સંસારમાં રહેલ સચરાચર સૃષ્ટિ પર અનાચાર, અસત્યનો ભાર વધી જાય છે ત્યારે અસુરો અને અધર્મનું પ્રાધાન્ય વધી જાય છે આ સમય દરમ્યાન સચરાચર સૃષ્ટિ પર ભય છવાઈ જતાં સત્ય, સતજનો અને ધર્મના ઉત્કર્ષ માટે પ્રભુ ભૂમિ પર અવતાર ધારણ કરે છે.

 

ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે :

 

यदा यदा हि धर्मस्य ग्लानिभवति भारत ।
अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।

 

krishna bal lila

પહેલા સાત અવતારો જે કાર્ય ન કરી શક્યા તે તમામ કાર્યોને અષ્ટમ્ અવતારરૂપ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રએ પોતાના આ એક જીવનકાર્ય દરમ્યાન કર્યા છે, તેથી પ્રભુના આ અવતારને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવ્યો છે.   અમદાવાદ-કડીવાળા પ.પૂ. ૧૦૮ ગો.શ્રી યદુનાથજી મહોદયશ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જ્યારે જ્યારે ભક્તોના હૃદયમાંથી પોતાના પ્રભુને પુકારતો આર્તનાદ નીકળશે ત્યારે ત્યારે પ્રભુ પોતાના ભક્તો માટે પ્રગટ થઈ અવતાર ધારણ કરશે ઉદાહરણ સ્વરૂપે  સારસ્વત યુગમાં જેમ શ્રી કૃષ્ણ પોતાના ભક્તોના ઉધ્ધાર અર્થે પ્રગટ થયા હતાં, તે જ રીતે કલિયુગમાં પણ જ્યારે ભક્તો અને ભક્તિ ઉપર આપત્તિ આવવા લાગી ત્યારે પોતાના જ ભક્તો અને ભક્તિના ઉધ્ધાર અર્થે પ્રભુ શ્રીકૃષ્ણ ફરી આચાર્ય સ્વરૂપે (શ્રી વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ રૂપે) અવતરિત થયા.   શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ભક્તો માટે લીધેલા અવતાર કાર્યને જાણીએ અને સમજીએ ત્યારે જીવોના મનમાં રહેલી ચંચળતા અને મલિનતા દૂર થઈ જાય છે અને મલિનતા દૂર થતાં જીવોમાં એકત્વની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે, તેનાંથી પ્રભુ પ્રત્યે અનુરાગ થાય છે અને તે વખતે પ્રભુએ કરેલ અવતાર કાર્યની મહત્વતાં સમજાઈ જાય છે.

 
જન્માષ્ટમી :   વૈષ્ણવોના વ્હાલા પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ બંદીગૃહમાં રાત્રિના અંધકારને પોતાની ગોદમાં છુપાવેલી અષ્ટમીની મધ્યરાત્રિએ થયો.  અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજીએ બંદીગૃહ અને અંધકારને વિશેષ રીતે મૂલવતાં સમજાવતા છે કે જીવ જે સ્થળ, અને જે પળમાં જન્મે છે તે સમયનું બંધન તે બંદીગૃહ છે, અને અંધકાર તે જીવની કર્મભૂમિ છે.  કર્મભૂમિ એ જીવ અને પ્રભુ બંનેને માટે હોય છે, તેથી સંસારમાં કોઈપણ સ્થળેથી પ્રગટ થતો જીવ તે અંધકાર રૂપી ભૂમિમાં બીજ રૂપે રહે છે અને પોતાના યોગ્ય સમય અનુસાર તે અંધકારમાંથી જન્મ લઈ પ્રકાશ તરફ પોતાના પ્રથમ પગલાં ભરે છે.  અંધકાર અને પ્રકાશનો બીજો અર્થ મૂલવતાં શ્રી મહાપ્રભુજીએ કહે છે કે શ્રી ઠાકુરજી એ પ્રકાશ છે અને માયા એ અંધકાર છે, જ્યાં જ્યાં પ્રકાશ રૂપ શ્રી ઠાકુરજી હોય ત્યાં માયારૂપી અંધકાર રહી શકતો નથી, આથી જ વસુદેવજી શ્રી ઠાકુરજીને લઈને જ્યારે બંદીગૃહમાં પધાર્યા ત્યારે અંધકારભર્યા માયારૂપી દરેક વિઘ્નો દૂર થતાં ગયાં.   શ્રી ગોકુલેશ પ્રભુચરણ કહે છે કે દરેક જીવ પોતે પોતાના કરેલા કર્મબંધનના કારાગારમાં જન્મે છે અને તે કર્મબંધન રૂપી કારાગૃહમાંથી મુક્તિ કેમ મળે એનો સંદેશો આપવા માટે સ્વયં ભગવાને કારાગારમાં મનુષ્ય તરીકે જન્મ લઇ પોતાની દિવ્યતાનો અનુભવ કરાવ્યો છે.  વેદોમાં કહ્યું છે કે મનુષ્ય જો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને તેમની જીવનયાત્રાનું અનુસરણ કરે છે ત્યારે તે જીવ કર્મબંધનો છોડીને મુક્તિ તરફ પ્રયાણ કરે છે.

 
શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીનો જન્મ ભલે મથુરામાં થયો હોય પરંતુ તેમની લીલાનું રહસ્ય વ્રજભૂમિના કણેકણમાં પ્રસરાઈને રહ્યું છે; તેનું મુખ્ય કારણ એ છે કે શ્રી ઠાકુરજીની કર્મભૂમિ શ્રીમદ્ ગોકુલ અને વ્રજ વૃન્દાવનની અવર્ણનીય લીલાઓમાં સમસ્ત ઉપનિષદ, વેદવેદાન્ત, જ્ઞાનભક્તિનો સાર અને તત્વ સમાયેલ છે.   શ્રી ઠાકુરજીનું પ્રાગટ્ય અષ્ટમીની મધ્યરાત્રિએ થયો છે.   આ અષ્ટમીનું મહત્વ સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રકૃતિમાં આઠમું સ્થાન એ અપરા પ્રકૃતિનું છે.  અપરા પ્રકૃતિ એટ્લે કે પ્રકૃતિના આઠ તત્વ. જળ, અગ્નિ, વાયુ, આકાશ અને ભૂમિ એ પંચતત્વોની સાથે મન, બુધ્ધિ અને અહંકાર. આ સમગ્ર વિશ્વ અષ્ટધા અપરા પ્રકૃતિમાં સમાયેલું છે અને જ્યારે પ્રભુ અવતાર લે છે ત્યારે તે પોતાના જીવોને આ અપરા પ્રકૃતિમાંથી બહાર કાઢે છે.   આપણાં શ્રી વલ્લભ અને વલ્લભકુલ બાલકો સાથે સમસ્ત પુષ્ટિ વૈષ્ણવો આપણને પ્રત્યેક પળ શીખવે છે કે આપણને સંસારની અપરા પ્રકૃતિમાંથી બહાર કાઢનાર આપણાં શ્રી ઠાકુરજી છે તેથી શ્રી ઠાકુરજીનું નામ, સ્મરણ ,ચિંતન, વંદન, સેવા, પાદસેવન જ્યારે વૈષ્ણવો દ્વારા થાય છે; ત્યારે ત્યારે શ્રી ઠાકુરજીનું પ્રાગટ્ય આપણાં હૃદય રૂપી કારાગૃહમાં થાય છે. એ હૃદયમાં પ્રગટ થયેલા પ્રભુ પોતાના ભક્તોના મનમાં રહેલી અપરાકૃતિને દૂર રાખી વૈષ્ણવોના આત્મારૂપી વ્રજભૂમિમાં સ્થિર થઈ જઈ પોતાની રસમય બાલ્ય, માધુર્ય, દાસ્ય અને સખ્ય લીલાઓની અનુભૂતિ વૈષ્ણવોને કરાવે છે.

 
શ્રી મહાપ્રભુજી કહે છે કે માર માર કરતો વરસાદ વરસી રહ્યો હતો, લૌકિક સ્વરૂપા શ્રી યમુના નદીનાં બંને કાંઠા અવિરતપણે છલકાઈ રહ્યાં હતાં, પણ તેમ છતાં કંસના ભયથી પિતા વાસુદેવ શ્રી ઠાકુરજીને ગોકુલ તરફ યમુનાપાર કરાવીને લઈ જતા જોઈને આધ્યાત્મિક તીર્થ સ્વરૂપા દેવી શ્રી યમુનાજીનું હૃદય ભાવને કારણે છલકાઈ આવે છે;  જેને કારણે પિતા વાસુદેવના મુખ સુધી યમુનાજીના નીર આવી ગયેલા.   પિતા વાસુદેવના હૃદયમાં રહેલા ડરને શાંત કરવા અને શ્રી યમુનાજીના ભાવને શાંત કરવા પ્રભુએ પોતાના ચરણાર્વિન્દનો આશ્રય શ્રી યમુનાજીને કરાવ્યો ત્યારબાદ યમુનાજી શાંત થઈ ગયા.  શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દનો સ્પર્શ પામ્યા બાદ આધ્યાત્મિક શ્રી યમુનાજીમાં શ્રી ઠાકુરજીનું દૈવીતત્વ સમાઈ ગયું તેથી શ્રી યમુનાજીએ પણ આધિદૈવીક સ્વરૂપ ધારણ કર્યું અને એજ સ્વરૂપે શ્રી ઠાકુરજીની સાથે વ્રજભૂમિમાં પ્રવેશ કર્યો.   આ પ્રસંગના રહસ્યને વધુ વિશાળતાથી સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રકૃતિના જીવોમાં જ્યારે કામ, ક્રોધ, મદ રૂપી વરસાદનું જોર વધી જાય છે ત્યારે જીવસૃષ્ટિની રસ, સ્પર્શ, શ્રવણ, શબ્દ, રૂપ, ગંધ ધરાવતી ઇન્દ્રિયોનો પ્રવાહ પણ અવિરતપણે બેકાબૂ બનીને વહે છે, પરંતુ જ્યારે તે સંસારસાગરના પ્રવાહમાં તણાઇ ગયેલા જીવો સતજનોનો સત્સંગ, પ્રભુ શ્રી કૃષ્ણનું સ્મરણ, અને શરણાગતિ સ્વીકારે છે ત્યારે તેમને પ્રભુના કૃપારૂપી ચરણાર્વિન્દના સ્પર્શની અનુભૂતિ થાય છે;  ત્યારે જીવોની ઇન્દ્રિયો રૂપી પ્રવાહનો વેગ શાંત પડી જાય છે.

 
શ્રી સુબોધિનિજીમાં કહે છે કે શ્રી ઠાકુરજીએ પોતાના ધર્મ અને ધર્મી સ્વરૂપને પ્રગટ કરીને પોતાના ભક્તોને પોતાની લીલાનો અનુભવ કરાવવા માટે શ્રી ગોકુલમાં બાબા નંદ અને મૈયા યશોદાને ત્યાં પધાર્યા છે.   આ વાતનું રહસ્ય સમજાવતાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે બાબાનંદ આનંદના પ્રતિનિધિ હોવાથી તેમનું ગૃહ પણ આનંદમય છે.   મૈયા યશોદા યશ આપનારી અને માતૃત્વથી ભરેલી છે તેથી તેના આંગણામાં સદાયે માતૃત્વ રસ બનીને વહ્યા કરે છે. બાબાનંદના આનંદિત અને મૈયા યશોદાના વાત્સલ્ય પૂર્ણ હસ્ત નીચે શ્રી ઠાકુરજીએ ધર્મના ઉધ્ધાર અર્થે શ્રીમદ્ ગોકુલ અને વ્રજમાં કરેલી અનેક લીલાઓમાં અનેક કર્મ પ્રગટ કર્યા છે.

 
શકટાસૂર વધ :   શકટાસૂર વધ લીલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે શકટાસૂર તે બે શબ્દનો એક શબ્દ બનેલો છે.   શકટ+અસૂર=શકટાસૂર.   તેમાં શકટ શબ્દના બે અર્થ શ્રી મહાપ્રભુજીએ કહ્યાં છે.   પ્રથમ અર્થ તે શકટ એટ્લે કે ઘડો અને શકટનો બીજો અર્થ તે ગાડુ.   પ્રથમ અર્થ શકટનો જોઈએ તો ઘડો અને ઘડામાં જે ઇચ્છો તે પ્રવાહી મૂકી શકાય છે.   જેમ ઘડો લઈને નિર્મળ જળ પાસે જઈને નિર્મળ જળ ભરાય તેમ કાદવવાળી જગ્યામાં જઇ કાદવ યુક્ત ગંદુ જળ પણ ભરી શકાય છે.   તેમ આ મસ્તક રૂપી શકટમાં પણ સારા નસરા વિચારો રૂપી પ્રવાહી મૂકી શકાય છે.   શકટનો દ્વિતીય અર્થ તે ગાડુ, પરંતુ અહીં શકટનો અર્થ લૌકિકમાં ગાડુ ન લેતા શ્રી પ્રભુની આ લીલા અલૌકિક રીતે સમજવા પ્રયત્ન કરીએ તો કથાવસ્તુ સમજાય છે કે આપણું શરીર એ શકટ છે.   પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન એની નીચે જીવ દબાઈને દટાઇ જાય છે. આપણું ભગવદ સ્વરૂપ, આપણું ચૈતન્ય સ્વરૂપ, આપણું કૃષ્ણ સ્વરૂપ એ દબાઈ ગયેલા અને દટાઇ ગયેલા લૌકિક દેહભાવને દૂર કરી દે તો જ આપણાંમાં રહેલા શકટાસુરનો વધ થાય.   શકટાસૂરમાંનો છેલ્લો શબ્દ તે અસૂર અને અસૂર એટ્લે રાક્ષસ.   પરંતુ આ સમાજમાં અસુર કોણ છે ?   શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે  કહે છે કે જે લોકોના, જાતિના, સમાજના વિચારો નકારાત્મક ભોગવાદી છે જે પ્રભુની પરમ શક્તિમાં વિશ્વાસ ધરાવતો નથી જે માત્ર વિવિધ પ્રકારના ભોગો ભોગવવામાં આનંદ માણે છે, જે પોતે તો જીવે છે પરંતુ બીજાને શાંતિથી જીવવા દેવામાં માનતો નથી તે અસૂર છે.   તે જ રીતે મસ્તક રૂપી ઘડામાં (શકટમાં) નકારાત્મક-નરસા વિચાર રૂપી જળ તે રાક્ષસ અને સારા વિચાર રૂપી જળ તે દેવ રહે છે તે જોતાં જણાઈ આવે છે કે આપણાં વિચારો જ આપણને સુર કે અસુર બનાવે છે.

 
પૂતનાવધ :   ગોકુલમાં બિરાજેલા શ્રી ઠાકુરજીએ પૂતનાવધ કર્યો.   શ્રી મહાપ્રભુજી જણાવે છે કે પૂતના એ તૃષ્ણા અને અસૂયાનું પ્રતિક છે જ્યારે વૈષ્ણવોએ પોતાનો અને પોતાની આસપાસ રહેલા સમાજનો ઉત્કર્ષ કરવો હશે તો તેમણે પોતાના જીવનમાંથી તૃષ્ણા અને અસૂયા રૂપી પૂતનાનો નાશ કરવો જોઈશે.

 
 તૃણાવત વધ :   શ્રી ઠાકુરજીએ જેમ શકટાસુર વધ કર્યો છે તેમ તૃણાવત વધ પણ કર્યો છે.   શ્રી મહાપ્રભુજી કહે છે કે તૃણાવત વાયુનું રૂપ લઈને ગોકુલમાં આવ્યો છે અને વંટોળનું રૂપ ધારણ કરીને ગોકુલવાસીને પોતાના બલ પ્રવાહમાં ઉડાડીને લઈ જાય છે.   આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવનો દેહ તત્વ એ ગોકુલ છે અને એ દેહ તત્વમાં રહેલા મન અને હૃદયમાં લૌકિક અલૌકિક ચિંતાઑ અને વિવિધ કામનાઑ રૂપી વાયુનો વંટોળ તૃણાવત બનીને સદાયે ઘૂમ્યાં જ કરે છે.   આ લૌકિક-અલૌકિક ચિંતાઓ અને કામનાઑ રૂપી વંટોળનું નિરાકરણ ફક્ત શ્રી ઠાકુરજી દ્વારા જ થાય છે.

 

(ક્રમશ……)

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
[email protected]

 

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મોરલી વાળા …

મોરલી વાળા …

 

 

 
balkrishna.1
 

 

 

આવો હવે મોરલી વાળા, સંભવામી વચન વાળા..
ભૂમિ  ભારત ઉગારો,  આવો ગિરિધારી આવો…

 
રાવણ તેદિ’ એક જનમ્યો’તો, ગઢ લંકા મોજાર..
આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઈ ન તારણ હાર..
વિભીષણ એક ન ભાળું,  જામ્યું બધે પાપ નું જાળું…

 
પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષ્મણ ની વાત..
આજ ન જીજાબાઇ જણાતી, નથી શૂરો કોઈ તાત..
ભીડૂં જે ભોમ ની ભાંગે,   જાગે રણશિંગા વાગે…

 
આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ..
ધનવાનો ધન ઉપર બેઠાં, ભોરિંગ કાળા જેમ..
લૂંટે છે ગરીબ ની મૂડી,   રાખે નિતી કુડી કુડી…

 
હોટલ ક્લબ માં ચડે હિલોળે, ડિસ્કો દેતાં થાપ..
નાટક ચેટક નખરા જોતાં, આજના મા ને બાપ..
તમાકુ ની ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે…

 
આજ જુવાની ચડી હિલોળે, અવળો છે ઉત્પાત..
નારી દેખી નર સીટીઓ મારે, દુર્યોધન ના ભ્રાત..
સીતાની શોધ શું થાતી, લાજુ જ્યાં રોજ લુટાતી…

 
લીલા પીળા લૂગડાં પહેરે, નહી પુરુષ પહેચાન..
લટક મટક ચાલ ચાલે ને, નચાવે નેણ કમાન..
આંખે આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળું…

 
શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ..
ખેતર વચ્ચે ચાડિયો ચોંટ્યો, એવો લાગે છે મેળ..
ભૂમિ ભારત ની લાજે, ભાળી નિજ બાળ ને આજે…

 
ખુરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ..
પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ..
ભારત ની  ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે…

 
સંત દુભાતાં શામળો આવે, રાખે ભક્ત ની લાજ..
આજ મુનિજન એવા હશે ક્યાં, રિઝાવી લે મહારાજ..
ઊતારે રામ ને હેઠો,   જોવે છે ત્યાં બેઠો બેઠો…

 
જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર..
આજ ભૂમિ એ ભીડે પડી છે, આવે લાજ અપાર..
રહે શું માતમ તારું,  લાગે તને કલંક કાળું…

 
સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત..
વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપિદો સઘળે સંત..
ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો…

 
અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય..
આગ લાગી અમ હૈયે હરજી, એક જ છે ઉપાય..
કાંતો અવતાર ધરાવો, નહિતો ના પ્રભુ કહાવો…

 
દીન ” કેદાર “ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ..
પ્રલય પાળે જગ બેઠું છે, નહી ઊગરવા આશ..
પછી અવતાર જો થાશે, તો-તારાં કોણ ગુણલા ગાશે…

 

 

સાર :  એક સમય હતો જ્યારે ભારત માટે કહેવાતું કે તેના એક એક જાડ ની દરેક ડાળ પર સોનાના પક્ષી બેઠા રહેતા, પણ આજે એક એવો સમય પણ આવ્યો, જ્યારે ભારત માં રહેનાર ભારતીય કહેવરાવવાનું પણ શરમ જનક માનવા લાગ્યા. કારણ કે અમુક લોકો એવા ભ્રષ્ટ પાક્યા કે પુરા ભારતની છબી બગાડી નાંખી.  રાવણે સીતાજી નું હરણ કરેલું, પણ તેમને અશોક વટિકામાં રાખેલા, પોતાના મહેલમાં લઈ જવાની કોઈ કોસીશ પણ કરી ન હતી, વિભીષણ રાવણ નોજ ભાઈ હતો, પણ સદાય સાચીજ સલાહ આપતો. આજેતો એવા એવા દુષ્ટો પાક્યા છે કે તેની સરખામણી રાવણ સાથે કરીને રાવણ ને અપમાનિત ન કરી શકાય. 

જીજાબાઈ જેવી માતા હોય તેને પેટે શિવાજી મહારાજ જેવા પુત્રો જ પાકે ને ?   જેણે શિવાજી પેટમાં હતા ત્યારથી જ એવા હાલરડા ગાયા કે શિવાજીએ બચપણ થીજ પોતાનું ભવિષ્ય નું ઘડતર ઘડવાનું ચાલુ કરી દીધું, અને આમ, મા ના પેટમાં ગર્ભ હોય ત્યારથી જ બાળકને સમજણ આપી શકાય છે.   તે આજના વિજ્ઞાને પણ સાબિત કરી બતાવ્યું છે.   જ્યારે આજના એવા ઘણા મા બાપ છે જે બાળકને આયાના ભરોંસે સોંપીને હોટેલો અને ક્લબોમાં ડાંસ કરવા જતા હોય, નાટક ચેટક જોતા હોય, અને તમાકુની ફાકીઓ ફાકતા હોય તો તેમની પાસેથી શિવાજી જેવા પુત્રો પાકવાની આશા કેમ રાખવી ?  આવા વાતાવરણ માં ઊછરેલું બાળક લંપટ ન પાકે તોજ નવાઈ લાગે !   માટે જ ભારતમાં  સૌથી વધુ ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને કાળા નાણા જેવા મહા અનર્થો જ સરજાય ને ?  જોકે સાચા અમૂક સંતો – મહાત્માઓ ના આશીર્વાદના પ્રતાપે ફરીથી સુવર્ણ યુગ આવવાની આશા રાખી શકાય ખરી.   કેમકે રામ અને કૃષ્ણ જેવા અવતારો લેવા ભગવાને આ ભૂમિને પસંદ કરી છે, માટે આપણે બધા એવા કોઈ સંતન ની ભાળ મેળવીએ કે જે ઊપર બેઠાં બેઠાં આ તમાશો જોઈ રહેલા પ્રભુને પ્રાર્થના કરે કે હવે આ ભારતની દશા અમારા થી જોવાતી નથી, કાંતો હવે અવતાર ધારણ કરીને પધારો, મોડું કરશો તો આ નરાધમોનો પ્રભાવ એટલો વધી જશે કે આપને પણ તેનાપર વિજય મેળવવામાં મુશ્કેલી પડશે, અને પ્રભુ હવે તો આ ભારત આ શિંગડા વિનાના નર રાક્ષસોથી પ્રલયની અંતિમ ક્ષણો પર પહોંચી ગયું છે, કાંતો પછી કહીદો કે હવેથી મને ભગવાન ન કહેજો જેથી અમો આપના આગમન ની આશા ન રાખીએ, પણ જો પ્રલય થયો તો આપ હવે અવતાર ક્યાં ધરશો ?, અને અવતાર ધરશો તો આપના ગુણ ગાન ગાનારા ક્યાં ગોતવા જશો ?  માટે,  હે નાથ ફરીથી આ ભારતને એજ સુવર્ણ યુગ પ્રદાન કરો જેના માટે આપને જન્મ ધરવાની ઇચ્છા થતી રહેતી.

 

 
જય જગદીશ્વર…

 

 
kedarsinhjiરચયિતા:
કેદારસિંહજી એમ. જાડેજા
(ગાંધીધામ-કચ્છ)
મો. ૯૪૨૬૧ ૪૦૩૬૫
e mail. [email protected]
W.:   http://kedarsinhjim.blogspot.com

 

 

આજની પોસ્ટ   ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  શ્રી  કેદારસિંહજી મે. જાડેજા (ગાંધીધામ- કચ્છ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

જન્માષ્ટમીની સૌ મિત્રોને શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ….!

ૐ નમ: શિવાય ….! જય શ્રીકૃષ્ણ !

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

આઝાદી અમર રહો …

આઝાદી અમર રહો ….

 

 

 Flag India animated gif 240x180

૧૫મી ઓગષ્ટ …. ૬૮ મો સ્વાતંત્ર્ય  દિવસ …

 

આજે ૧૫ મી ઓગસ્ટ હજારો લાખો આઝાદીના દીવાનાઓની શહાદત દ્વારા મળેલ આઝાદીના અવસરને વધાવી સ્વચ્છ, દેશદાઝથી ભરપુર અને ભવ્ય ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ દુનિયાને કુરબાની, શાંતિ પ્રિયતા અને પર્યાવરણનો સંદેશ દઈ પ્રગતિના ચક્રને સદાય ફરતું રાખીએ. સ્વાતંત્ર્ય દિનની શુભ કામના   સાથે આપ સર્વે ને શુભેચ્છાઓ   !

 

શહાદતના ૮૦ વર્ષ બાદ પણ દેશ જેમને ઓળખે છે એવા વીર શહિદો ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના સાથી એવા ચંદ્રશેખર આઝાદની આજે પુણ્યતિથી. ચંદ્રશેખર સીતારામ તિવારીથી ચંદ્રશેખર આઝાદ સુધીની યાત્રા અત્યંત રસિક હતી. મહાત્મા ગાંધીની સવિનય કાનુન ભંગની લડતમાં જોડાયેલા ૧૫ વર્ષના કિશોર ચંદ્રશેખરને જયારે અંગ્રેજ જજે નામ પૂછ્યું તો કહ્યું આઝાદ. બાપનું નામ ? જવાબ : સ્વતંત્ર.. જજે પૂછ્યું સરનામું..તો જવાબ મળ્યો જેલખાના..કોર્ટરૂમમાં સૌ હસી પાડ્યા તો જજ ગુસે થયા અને કોર્ટમાં જ ૧૫ કોરડાની સજા ફરમાવી..એક એક કોરડે યુવા ચંદ્રશેખરે જયઘોષ કર્યો..ભારત માતા કી જય…

આ યુવાન બાદમાં સંપર્કમાં આવ્યો અનેક ક્રાંતિકારીઓના અને બની ગયો જહાલ નેતા. અંગ્રેજોને દેશમાંથી ખદેડવા ક્રાંતિની જરૂર છે નહિ કે શાંતિની એ વાતની મનમાં ગાંઠવાળી બાદમાં ચંદ્રશેખર અને ભગતસિંહ સહિતની ક્રાંતિકારીઓની ટોળીએ લાલા લાજપતરાયની હત્યા કરનાર જનરલ સોઉંન્ડર્સને લાહોર જઈ ભડાકે દીધો હતો. પોલિસે ભગતસિંહ સહિત અનેકને પકડી પાડ્યા હતા જયારે આઝાદ ‘આઝાદ’ જ રહ્યા હતા. 

ચંદ્રશેખર આઝાદ આખરે એક ગદ્દાર હિન્દુસ્તાનીને કારણે અલાહાબાદના આલ્ફ્રેડ પાર્કમાં પોલિસથી ઘેરાઈ ગયા ત્યારે અંતિમ ગોળી સુધી પ્રતિકાર કર્યો. જયારે માત્ર એક જ ગોળી બચી તો જીવનભર આઝાદ રહેવાનું પ્રણ લેનાર ચંદ્રશેખરે ખુદના લમણામાં જ ગોળી છોડી મોતને વહાલું કર્યું.

એવા નરબંકાઓને ‘દાદીમા ની પોટલી’ પરિવારની શ્રદ્ધાંજલિ…

……વંદે માતરમ …..ભારત માતા કી જય !

……..જય જવાન …..જય કિશાન !

 

 

સાભાર : સયાજી સમાચાર 

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]

  

 

You can contact /follow us on :

 

twitter

twitter a/c : @dadimanipotli

 

face book

facebook at : /dadimanipotli

મધ્યકાલીન યુગનું સાક્ષી બનેશ્વર. …(ઘર આંગણું …)

મધ્યકાલીન યુગનું સાક્ષી બનેશ્વર. … (ઘર આંગણું…)

 

 

 

 baneshwar

 

બનેશ્વર…….. મધ્યકાલીન યુગનું સાક્ષી એવું બનેશ્વર……………..નિસર્ગને ખોળે વસીને ભાવિકોની રાહ જોતું બનેશ્વર,મહારાષ્ટ્ર સરકારનું હેરિટેજ બનેશ્વર,અભયારણ્ય બનેશ્વર, બર્ડ સેન્ચુરી બનેશ્વર………..આ સિવાય પણ કેટલાયે નામોથી બનેશ્વરને ઓળખી શકાય છે. શહેરી ધામધૂમથી ભરેલા વાતાવરણમાં એક ખૂણો એવો પણ છે જે મધ્યકાલીન સમયમાં થઈ ગયેલા નાના સાહેબ પેશવાનાં સમયની દસ્તક મહોર મારી રહ્યો છે. મુંબઈથી ૨૦૦ કિલોમીટરની દૂરી પર અને પૂનાથી ફક્ત ૩૫ કિલોમીટરની દૂરી પર પુણે –સતારા હાઇવે ઉપર નસરાપુર ગામ આવે છે. આ ગામની ભીતરમાં મોઠા નદીને ખોળે બનેશ્વર લિંગ આવેલ છે. અત્યાર સુધી આ સ્થળ એક નાનકડા ગામનું એક નાનકડું મંદિર તરીકે ઓળખાતું હતું. પરંતુ થોડા સમય પૂર્વે આ સ્થળને મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રનું હેરિટેજ અને બર્ડ સેન્ચુરી તરીકે જાહેર કરેલ છે. આ મંદિર ગામની ભીતર છે તેથી આ મંદિર સુધી પહોંચવા માટે આખા ગામને પસાર કરવું પડે છે, અને ગામનો અંત આવે છે ત્યાં આ મંદિર આવે છે. સામાન્ય રીતે ગામ પૂર્ણ થાય પણ માર્ગનો અંત નથી થતો તે માર્ગ યાત્રિકોને આગળનાં જનજીવન તરફ લઈ જાય છે. પરંતુ અહીં ગામનાં અંત સાથે પૂર્ણ થતો માર્ગ ટુરિસ્ટોને અલભ્ય વનવનસ્પતિનાં વનમાં,રીંછ-વાઘનાં અભયારણ્યમાંઅને વિવિધ પક્ષીઓની રંગબેરંગી દુનિયામાં લઈ જાય છે.

 

બનેશ્વરનો ઇતિહાસ :- આ સ્થળનો ઇતિહાસ ઘણો જ રોચક છે.  કહેવાય છે કે એક સમયે આ સ્થળે સૂર્યનાં કિરણો પણ પ્રવેશી ન શકે તેવા વડનાં વૃક્ષોનું વન હતું. આજે ગામથી મંદિર તરફ જતાં ગાઢ તો નહીં પણ તેમ છતાં અનેક વટવૃક્ષ જોવા મળે છે.  મંદિરની સામે અને મંદિરની પાછળનો ભાગ પણ વટવૃક્ષોથી ઘેરાયેલો છે. મંદિરની ઉત્તર તરફથી અભયારણ્ય તરફ જતાં વન ગાઢું થતું જાય છે. આ મંદિરની સ્થાપના ૧૭૨૯ માં નાના સાહેબ અને તાત્યા ટોપે સાથે રહીને કરેલી હતી. પરંતુ આ મંદિરની નાનકડી સ્થાપના બાદ નાનસાહેબ અને તાત્યા ટોપે અંગ્રેજો સાથેની લડાઈમાં વ્યસ્ત બની ગયાં હતાં. જે સમયે નાના સાહેબ અંગ્રેજો સામે લડવામાં વ્યસ્ત હતાં તે સમયે આ સ્થળે પણ  અનેક યુધ્ધો જોયા, પરંતુ સૌથી મહત્તમ યુધ્ધ ૧૭૩૫ માં અને ૧૭૩૯ માં જોયું. આ યુધ્ધ બાદ થોડા સમય માટે આ સ્થળ વિરાન પડી રહ્યું પરંતુ થોડા સમયની વિરાનગી બાદ ફરીઆ સ્થળ સૂર્યનાં કિરણોમાં ઝળહળિત થવા લાગ્યું.૧૭૩૫ માં આ સ્થળને પોર્ટુગીઝો દ્વારા જીતી લેવાયું હતું. ત્યારબાદપોર્ટુગીઝો પાસેથી ૧૭૩૯ માં ફરી આ સ્થળને પેશવા સરકારનાં સાથી ચિમાજી અપ્પા દ્વારા જીતી લેવાયું ત્યારે પોર્ટુગીઝ ચર્ચ તરફથી ૧૬૮૩માં બનેલો વિશાળ ઘંટ વિજય ચિન્હનાં રૂપમાં ભેંટ સ્વરૂપે દેવામાં આવ્યો. આ ઘંટને ચિમાજીએ મંદિરને અર્પણ કર્યો તે આજે પણ મુખ્ય મંદિરમાં જોવા મળે છે.આ ઘંટ ઉપર ૧૬૮૩ ની સાલ અને ક્રોસનું ચિન્હ જોવા મળે છે. ૧૭૩૯ નાં આ યુધ્ધ પછી આ સ્થળ ઘણા વર્ષો સુધી પેશવાઑ પાસે રહ્યું, પરંતુ તે દરમ્યાન આ સ્થળની તો રક્ષા થઈ પણ મંદિરનું કાર્ય અધૂરું રહી ગયું હતું જે ૧૭૪૯માંનાનાસાહેબનાં પુત્ર બાજીરાવ પેશવાએ પૂર્ણ કરાવ્યું હતું.  તે સમયે બાજીરાવ પેશવાએ ૧૧, ૪૨૬ રૂપિયા, ૮ આના અને ૬ પૈસાનો ખર્ચ કર્યો હતો.

 

 
baneshwar.temple
 

 

મંદિર :- ૨૬૪ વર્ષ જૂના આ આખા મંદિરને કાળા પથ્થરોથી બનાવવામાં આવેલ છે. આ મંદિર ઉપર ભીમાશંકર મંદિરનો ઘણો જ પ્રભાવ છે. બાજીરાવ પેશવાનો એવો મત હતો કે દેવસ્થાનમાં જતી વખતે મસ્તકને દેવનાં ચરણમાં નમાવીને જવું જોઈએ આજ મતને આધારે તેમણે ભીમાશંકર જ્યોતિર્લીંગની જેમ આ મંદિરમાં પણ પ્રવેશ કરવા માટે થોડા પગથિયાં નીચેથી લીધેલા અને મંદિરનો મુખ્ય દરવાજો પણ નીચો રાખેલો તેથી આજે પણ મંદિરમાં પ્રવેશ કરતી વખતે સૌ પ્રથમ મસ્તક નીચું કરવું પડે છે અન્યથા માથા પર પથ્થરોની બનેલી છત લાગી જાય છે. ટૂંકમાં કહેવું હોય તો આ મંદિર જમીનની સમથળમાં નથી પણ જમીન લેવલથી નીચે છે.

 

આ મંદિરમાં ઉત્તરાભિમુખમાં ભગવાન શિવ બિરાજેલ છે અને મંદિરનાં દક્ષિણાભિમુખમાં ભગવાન વિષ્ણુ, ભગવતી લક્ષ્મીજી અને મારુતિનંદનની સ્થાપના થયેલી છે. મંદિરનાં આંગણમાં શિવકુંડ અને ગૌમુખ કુંડ નામના બે કુંડો આવેલા છે. મંદિરનાં ગર્ભગૃહ બિરાજેલ શિવલિંગની નીચેથી શિવગંગા કહેવાતી મોઠા નદીનો એક પ્રવાહ નીકળે છે. આ પ્રવાહ ગૌમુખ કુંડમાં થઈ શિવકુંડમાં આવે છે. પરંતુ કુંડમાં પણ આ પાણી સ્થિર નથી તેથી આ પાણી મંદિરની ભીતરથી વહેતું રહે છે. સતત વહેતા પાણીને કારણે આ બંને કુંડ ખૂબ સ્વચ્છ અને સુંદર છે.

 

 
baneshwar.1
 

 

મંદિરની આસપાસ :- મંદિરની પાછળ મોઠા નદી દ્વારા સુંદર વોટર ફોલ્સ રચાયેલ છે. આ ફોલ્સ સુંદર તો છે પરંતુ પથ્થર ઉપર લીલ ઘણી જ છે તેથી ફોલ્સમાં ઉતારવા માટે ઘણું જ ધ્યાન રાખવું પડે છે. આ ઉપરાંત નાના નાના સુંદર ઝરણાઑ પણ અહીં ઘણા છે તેથી ખાસ કરીને વર્ષાઋતુમાં ટુરિસ્ટો ખાસ કરીને આ ઝરણાઑમાં ન્હાવાની મજા લેવા માટે આવી જાય છે. મંદિરમાંથી બહાર નીકળતા જ અભયારણ્ય શરૂ થઈ જાય છે. આ આખા વનમાં જોવા માટે લગભગ ૨ દિવસ લાગે છે પરંતુ બે દિવસ ન કાઢવા હોય તો પિકનિક તરીકે પણ આ સ્થળ ઉત્તમ છે. હાલમાં જ આ વનપ્રદેશને શાંતિથી જોવા માટે અહીંથી ટ્રેકિંગનો રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે વોટર ફોલ્સ અને મંદિર સુધી જંગલી જાનવર આવી જાય છે તેથી શિયાળામાં સાંજે ૭.૦૦ વાગ્યા પછી અને ઉનાળામાં સાંજે ૮.૦૦ પછી રસ્તો અને મંદિરના દ્વાર બંધ કરી દેવાય છે. અહીંની બર્ડ સેન્ચુરીમાં Hornbills, Blackbird, Hummingbird, Peacock, Ashy Minivet, BlueSparrow વગેરે જેવા પક્ષીઓ જોવા મળે છે.

 

મંદિરની આસપાસનાં જોવા લાયક સ્થળો :-  બનેશ્વરશિવલિંગ નસરાપુરગામમાં છે,પરંતુનસરાપુર ગામમાં પ્રવેશતા પૂર્વે પુણે સતારા હાઇવે ઉપર તિરુપતિ બાલાજીનું વિશાળ મંદિર આવે છે. જે સાઉથનાં તિરુપતિ બાલાજીની પ્રતિકૃતિ છે. આ ઉપરાંત શિવાજી મહારાજનાં કુળદેવી તુળજા ભવાનીનુંપણ મંદિર આવેલ છે. આ મંદિરની આસપાસ જોવા લાયક સ્થળોમાં કેવળ મંદિરો જ છે પરંતુ ભગવાનમાં અપાર શ્રધ્ધા ધરાવતાં ભક્તોને માટે આ દિવસભરની એક યાત્રા સમાન થઈ જાય છે.

 

ક્યાં રહેશો ? :-  બનેશ્વર હેરિટેજને જોવા માટે અહીં ઘણા ટુરિસ્ટો આવતાં રહે છે. તેથી અહીં લોજ અને ધર્મશાળાની સુંદર વ્યવસ્થા છે. લોજમાં રહેવા માટે પ્રકાશ લોજ ઘણી જ ઉત્તમ છે. અહીં ACNonAC રૂમની સુંદર વ્યવસ્થા કરેલ છે. જમવા માટે પણ ઉત્તમ ભોજનાલયો પણ મળી જાય છે.

 

 
baneshwar.2
 

 

કેવી રીતે જશો – ક્યારે જશો :-  નસરાપુર અને તેની આસપાસનાં મંદિરો જોવા માટે પૂનાથી અનેક ટુરિસ્ટ બસો ઉપડે છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકારની MSRTC બસો પણ નિયમિત રીતે મળતી હોય છે. તે ઉપરાંત કેબ અથવા પ્રાઈવેટ વાહન દ્વારા પણ જઈ શકાય છે. મંદિર સુધી વાહન જઈ શકે છે પણ આ મંદિરની મુલાકાત લેવા માટે ઉત્તમ સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે. ઉનાળામાં અહીં માથું ફાડી નાખે તેવી ગરમી પડતી હોય છે તેથી ઉનાળાનો સમય ખાસ પસંદ ન કરવો. શ્રાવણ મહિનામાં અહીં પૂજા કરવાનું ઘણું જ મહત્વ છે તેથી આ સમયમાં ઘણા જ યાત્રિકો અહીં આવવાનું પસંદ કરે છે પણ તે સમયમાં અત્યંત ભીડ હોય છે. ઉપરાંત શાંતિથી દર્શન કે પૂજા થતી નથી. પરંતુ વર્ષાઋતુ દરમ્યાન અહીં પ્રકૃતિ નીખરી જાય છે તેથી આ સમયમાં આ સ્થળનું દર્શન મનને ખુશ કરી દે છે.

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
[email protected]

 

CopyRight:-ISBN-10:1500299901 

પાંચમી દિશા ડિસેમ્બર 2013 માં પ્રકાશિત

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

રુદ્રાક્ષનો મહિમા …

રુદ્રાક્ષનો મહિમા …

 

 

શ્રીમદ દેવીભાગવતમાં કહ્યું છે …

 
‘ના અતઃપરંસ્તોત્રં ના અતઃપરતરં વ્રતં
અક્ષયયેષુ ચ દાનેષુ રુદ્રાક્ષસ્તુ વિશિષ્યતે’

 
અર્થાત રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી. નથી કોઈ વ્રત. અક્ષયદાન કરતાં પણ રુદ્રાક્ષ વધુ વિશિષ્ટ છે.

 
રુદ્ર અને અક્ષ આ બે શબ્દને ભેગા કરવાથી રુદ્રાક્ષ શબ્દ બને છે. રુદ્ર એટલે ભગવાન શિવ- મહાદેવ – શંકર – ભોળાનાથ. અક્ષ એટલે આંખ – નયન – લોચન – નેત્ર – ચક્ષુ.

 
રુ એટલે અંધકાર, અજ્ઞાન, મલીનતા, પાપ, દોષ, ભય, પીડા
દ્ર એટલે દ્રવવું, પીગળવું, ઓગળવું, મુક્ત થવું, છૂટવું.

 

 
monk with rudraksh
 

 

જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે.   ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે.  તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું,

‘હે કાર્તિકેય !  પૂર્વે ત્રિપુર નામનો એક દૈત્ય હતો.  તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું.  તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં.  તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં.  તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર, પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’

રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે.  સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે.  રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે.  પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

ભગવાન શિવની આરાધનાનું પ્રતિક છે રુદ્રાક્ષ.  તે શિવજીનુ પ્રતિક હોવાને કારણે તેને વિવિધ સ્વરુપે ધારણ કરવામાં આવે છે.  પણ શું તમે કયારેય રુદ્રાક્ષના વૃક્ષ કે રુદ્રાક્ષની ઉત્પતી વિશે જાણ્યુ છે.  આ દુર્લભ વૃક્ષ અમદાવાદમાં માત્ર એક જ જગ્યાએ આવેલુ છે તો જાણો આ રુદ્રાક્ષના વૃક્ષ વિશેની રોચક અને રહસ્યમય વાતો.

રુદ્રાક્ષ ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે.  ત્રિપુર નામનો એક દૈત્ય હતો.  તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ શિવજીને પ્રાર્થના કરી. શિવજીએ અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન તેમણે નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે નેત્રો ખોલ્યાં ત્યારે આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર, પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’

 

 

rudraksh.

 

 

આગળ જાણો રુદ્રાક્ષના વૃક્ષની રોચક વાતો….

 

રુદ્રાક્ષના વૃક્ષ સામાન્ય રીતે શિતપ્રદેશોમાં થાય છે.  નેપાળ અને ભારતમાં હિમાચલ પ્રદેશમાં રુદ્રાક્ષના ઉંચા તાડ જેવા વૃક્ષ થાય છે.  મોટા શહેરોમાં પ્રદુષણ અને ગરમ વાતાવરણને કારણે રુદ્રાક્ષના વૃક્ષ નથી થતા.  રુદ્ગાક્ષના વૃક્ષના પાનને રુવાંટી હોય છે જે સમયની સાથે આપમેળે ખરી જાય છે.  આ વૃક્ષરુદ્રાક્ષમાં ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મુળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે.  તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે.  તેના ફળમાં પાંચ ખાનાં હોય છે, જેને પંચમુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે.  રુદ્રાક્ષની એક વિશેષતા એ છે કે તે સો વર્ષ સુધી સડતા નથી.

રુદ્રાક્ષ લગભગ ૧ એમએમથી ૩૫ એમએમ સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રુદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે. શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષનુ બીજ સો વર્ષ થાય તો પણ તે સડતું નથી.

રુદ્રાક્ષમાં ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મુળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ હોય છે.

શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.

રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ,શા માટે તે કહેવાય છે શિવનુ પ્રતિક અને તેને ધારણ કરવાથી શું થાય છે ફાયદા.

શિવ પુરાણ અનુસાર શિવજીએ આ સૃષ્ટિનુ નિર્માણ બ્રહ્માજી દ્વારા કરાવ્યુ હતુ.  આ જ કારણે દરેક યુગમાં દરેક મનોકામના પૂર્ણ કરવા માટે શિવજીનુ પૂજન શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય છે.  શિવજીનુ પ્રતિક રુદ્રાક્ષને માત્ર ધારણ કરવાથી જ ભક્તના દરેક દુઃખ દુર થઈ જાય છે અને મનોકામના પૂર્ણ થઈ જાય છે. રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે.  દરેકનુ અલગ-અલગ મહત્વ છે.  મોટાભાગના રુદ્રાક્ષ ધારણ કરે છે.  આ ધારણ કરવા માટે ઘણા પ્રકારના નિયમ છે.  નિયમોનુ પાલન કરી રુદ્રાક્ષ ધારણ કરવા અંગે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે.  રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા વિધિવત પૂજન કરવુ જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતા તે ધારણ કરી શકાય છે.  રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે.દરેકનુ અલગ-અલગ મહત્વ છે.  મોટાભાગના રુદ્રાક્ષ ધારણ કરે છે.આ ધારણ કરવા માટે ઘણા પ્રકારના નિયમછે.નિયમોનુ પાલન કરી રુદ્રાક્ષ ધારણ કરવા અંગે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે.રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા વિધિવત પૂજન કરવુ જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતા તે ધારણ કરી શકાય છે.

બજારમાં એક મુખી રુદ્રાક્ષ, બેમુખી રુદ્રાક્ષ, ત્રણ મુખી રુદ્રાક્ષ, ચાર મુખી રુદ્રાક્ષ, પાંચ મુખી રુદ્રાક્ષ સહિત અન્ય કોઈ પ્રકારે રુદ્રાક્ષ ઉપલબ્ધ છે.  આ સંબંધમાં ધ્યાન રાખવાની બાબત એ છે કે રુદ્રાક્ષ પણ બજારમાં મળે છે માટે આપણે નકલી રુદ્રાક્ષ ધારણ કરવા છે.  અસલી અને નકલી રુદ્રાક્ષની પરખ કોઈ જાણકાર વ્યકિતથી કરી શકાય છે.  જાણો કયો રુદ્રાક્ષ કયા મંત્ર સાથે ધારણ કરવો જોઈએ.  કોઈ પણ મહિનાના સુદ પક્ષની તેરસ, ચૌદશ અથવા પૂર્ણિમા. આ ત્રણ દિવસમાંથી ગમે તે એક દિવસે પાંચમુખી રુદ્રાક્ષને શિવલિંગની પાસે રાખી રુદ્રાક્ષ, આકાર અને રૂપ પ્રમાણે અલગ-અલગ પ્રભાવ અને ફળ આપે છે.

ધાર્મિક દ્રષ્ટિએ દરેક રુદ્રાક્ષ પાપનાશક અને શનિની સાથે શક્તિને પણ ખુશ કરનારું માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં રુદ્રાક્ષના શુભ ફળ અને પ્રભાવ માટે ખાન-પાન અને વ્યવહાર સાથે જોડાયેલી કેટલીક બાબતોનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવ્યું છે નહીંતર તે શુભ ફળ આપવાની બદલે અદ્રશ્ય દોષ આપવા લાગે છે… -રુદ્રાક્ષને અભિમંત્રિત અર્થાત્ શાસ્ત્રોમાં બતાવેલ દરેક રુદ્રાક્ષ માટે નક્કી કરેલ મંત્રોથી પૂજા કર્યા પછી જ ધારણ કરવા જોઈએ.

પ્રકૃતિક રૂપે પરસ્પર જોડાયેલા બે રુદ્રાક્ષોને ગૌરીશંકર રુદ્રાક્ષ કહેવામાં આવે છે. તેને શિવશક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. જેના થકી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ગૌરીશંકર રુદ્રાક્ષ દુર્લભ છે. કોઈ જો એકમુખી રુદ્રાક્ષ ન મેળવી શકે તો તેના સ્થાને ગૌરીશંકર રુદ્રાક્ષનો ઉપયોગ કરી શકાય છે. ઘરમાં,પૂજાસ્થાને કે તિજોરીમાં મંગલ કામનાની સિદ્ધિ માટે તેને રાખવું લાભદાયી ગણાય છે.

આ રુદ્રાક્ષને સોમવારના દિવસે શિવલિંગને સ્પર્શ કરાવીને ધારણ કરવું જોઈએ. ધારણ કરતી વખતે ‘ઓમ નમઃ શિવાય‘નો જાપ કરવો જરૂરી છે. શ્રદ્ધા અને વિશ્વાસથી તેને ધારણ કરવાથી ભગવાન શિવ અને શક્તિની કૃપા સદૈવ તેના પર વરસતી રહે છે.

એકથી ચૌદ મુખી રુદ્રાક્ષના ભિન્‍ન ભિન્‍ન દેવતાઓ છે. તેને ધારણ કરવાથી વિભિન્‍ન પ્રકારના લાભ થાય છે. આ તમામ રુદ્રાક્ષ ધારણ કરવા માટેના મંત્રોનો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. મોટે ભાગે લોકો રુદ્રાક્ષને મંત્રોના ઉચ્ચારણ વગર ધારણ કરી લેતા હોય છે, પરંતુ શાસ્ત્રીય વિધિથી રુદ્રાક્ષને અભિમંત્રિત કરીને ધારણ કરવામાં આવે તો તે ઉત્તમ ગણાય છે. મંત્ર દ્વારા અભિમંત્રિત કરવાથી વિલક્ષણ શક્તિ પ્રાપ્‍ત થાય છે.

 

રુદ્રાક્ષના દાણા, રુદ્રાક્ષની માળા અથવા રત્નોને અભિમંત્રિત કરવા માટે સર્વોત્તમ રીત એ છે કે કોઈ યોગ્ય પંડિત દ્વારા તેની વિધિ કરાવવામાં આવે. પરંતુ બધાને યોગ્ય પંડિત મળવા શક્ય નથી. તેઓ નીચે દર્શાવેલા મંત્રોનું ઉચ્ચારણ કરીને રુદ્રાક્ષ ધારણ કરી શકે છે.

 

 

 
rudraksh.
 

 

૧. એકમુખી ૐ એં હં ઔં એં ૐ

૨. દ્વિમુખી ૐ ક્ષીં હીં ક્ષૌ વ્રી ૐ

૩. ત્રિમુખી ૐ રં ઇં હીં હ ૐ

૪. ચારમુખી વાં ક્રાં તાં હાં ઈં

૫. પાંચમુખી ૐ હાં આં ક્ષ્‍મ્યૈં સ્વાહા

૬. છમુખી ૐ હીં શ્રીં ક્લીં સૌં એં

૭. સાતમુખી ૐ હં ક્રીં હીં સૌં

૮. આઠમુખી ૐ હાં ગ્રી લં આં શ્રીં

૯. નવમુખી ૐ હીં વં યં લં રં

૧૦. દસમુખી ૐ ક્લી વ્રી ૐ

૧૧. અગિયારમુખી ૐ રું ક્ષૂં મૂં યૂં ઔ

૧૨. બારમુખી ૐ હીં ક્ષૌં ધૃણિઃ શ્રી

૧૩. તેરમુખી ૐ ઈ યાં આપઃ ૐ

૧૪. ચૌદમુખી ૐ ઔં હસ્ફ્રેં ખબ્કે હસખ્કેં

ઋષિમુનિઓએ સુતપુરાણી મહારાજને પ્રશ્ન કર્યો કે, કેટલા રુદ્રાક્ષ શરીર પર ધારણ કરવા તે વિસ્તારથી સમજાવો. જવાબમાં સુતપુરાણી મહારાજે કહ્યું,

 

 
rudraksh - mala

 

 

* ગળા માટે ૩૨ મણકાની માળા ધારણ કરવી.

* કાન માટે ૬ રુદ્રાક્ષના મણકાનું કુંડળ બનાવી માળા ધારણ કરવી.

* મસ્તક માટે ૪૦ રુદ્રાક્ષના મણકાની માળા બનાવી ધારણ કરવી.

* બાજુમાં ૧૨ રુદ્રાક્ષના મણકાની માળા ધારણ કરવી.

 

ધારો કે આ બધી જગ્યાએ ધારણ ન કરી શકીએ તો ૧૦૮ મણકાની માળા બનાવી ગળામાં ધારણ કરવી.

મૃત્યુ સમયે કદાચ ગંગાજળ પ્રાપ્ત ન થાય તો રુદ્રાક્ષ મુખમાં મૂકવાથી પણ જીવાત્માની સદ્ગતિ થાય છે. જેટલું ગંગાજળનુ મહત્ત્વ છે તેટલું જ રુદ્રાક્ષનું મહત્ત્વ છે.

રુદ્રાક્ષ, આકાર અને રૂપ પ્રમાણે અલગ-અલગ પ્રભાવ અને ફળ આપે છે. ધાર્મિક દ્રષ્ટિએ દરેક રુદ્રાક્ષ પાપનાશક અને શનિની સાથે શક્તિને પણ ખુશ કરનારું માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં રુદ્રાક્ષના શુભ ફળ અને પ્રભાવ માટે ખાન-પાન અને વ્યવહાર સાથે જોડાયેલી કેટલીક બાબતોનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવ્યું છે નહીંતર તે શુભ ફળ આપવાની બદલે અદ્રશ્ય દોષ આપવા લાગે છે. રુદ્રાક્ષને અભિમંત્રિત અર્થાત્ શાસ્ત્રોમાં બતાવેલ દરેક રુદ્રાક્ષ માટે નક્કી કરેલ મંત્રોથી પૂજા કર્યા પછી જ ધારણ કરવા જોઈએ.

રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેની વિધિ-વિધાનથી પૂજા ખૂબ જ જરૂરી છે. એમ ન કરવાથી તેનું યોગ્ય ફળ પ્રાપ્ત નથી થતું.

 

 

rudraksh ekmukhi

 

 

રુદ્રાક્ષના પ્રકારો …

 

ગૌરી-શંકર રુદ્રાક્ષ = કુદરતી રીતે જોડાયેલા બે રુદ્રાક્ષ જે શિવ-શક્તિનું પ્રતિક છે.તે પ્રેમ, આકર્ષણ, શાંતિ, સંવાદ તથા પતિ પત્નિ અને પ્રેમીજનો વચ્ચે લાગણી વધારનાર છે.

એક મુખી (ચન્દ્રાકાર) રુદ્રાક્ષ= ગોળાકાર એકમુખી રુદ્રાક્ષ અતિદુર્લભ અને કિંમતી હોય છે. તે શિવ સમાન મનાય છે. તે તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરનાર, પાપોથી મૂક્તિ આપનાર અને સૌભાગ્યનું પ્રતિક મનાય છે. અત્યારે એકમુખી તરીકે ઓળખાતો ચન્દ્રાકાર રુદ્રાક્ષ ખરેખર તો ભદ્રાક્ષ પ્રકારનો હોય છે, જેમાં વચ્ચે કાણું હોતું નથી અને તે ફક્ત પૂજાવિધિમાં ઉપયોગી છે. આ રુદ્રાક્ષ સૂર્યનું પ્રતીક છે. ધ્યાન, યોગ કરનારા, પ્રગતિ પ્રાપ્ત કરનારા લોકો માટે ખૂબ જ ફળદાયી છે. સૂર્યના દુષ્પ્રભાવોને દૂર કરવા માટે તે પહેરી શકાય છે. આ રુદ્રાક્ષ યશ અને કિર્તી અપાવે છે.

બે મુખી રુદ્રાક્ષ = આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર(શિવ-શક્તિ) સ્વરૂપ મનાય છે. તે સમરૂધ્ધી વધારનાર અને પાપનાશક છે. એકતાનું પ્રતિક અને લગ્નસંબંધ ને દ્ર્ઢ બનાવનાર છે. તથા મગજને એ કાબુ કરનાર અને ચંદ્રસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વરનું પ્રતીક છે. સ્ત્રી-પુરુષના સંબંધોમાં આત્મીયતા લાવે છે. પારિવારિક સુખ અપાવે છે અને ચદ્રાના દુષ્પ્રભાવોને દૂર કરે છે.

ત્રણ મુખી રુદ્રાક્ષ = અગ્નિ સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમરૂધ્ધી વધારનાર તથા તાવ જેવી બિમારીઓથી મુક્ત કરનાર મનાય છે. મંગળસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. નિર્ભયતા અને સાહસનું તત્વ વ્યક્તિત્વમાં લાવે છે. તેને પહેરવાથી હીન ભાવનાઓથી મુક્તિ મળે છે, કોઈપણ મંગળદોષ હોય તો તેમાં પણ મદદરૂપ થાય છે. સારા સ્વાસ્થ માટે પણ સારું, જૂના પાપોનું પણ શમન કરે છે.

ચાર મુખી રુદ્રાક્ષ = બ્રહ્મા સ્વરૂપ અને ધારણ કરનારને ધર્મ,અર્થ,કામ અને મોક્ષ પ્રદાન કરનાર છે. પાપનાશક,યાદશક્તિ તથા ચાતુર્ય વધારનાર અને બુધસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. વિદ્યાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠ. બુદ્ધિમાં વિકાસ અને સ્મરણશક્તિ તંદુરસ્ત કરે છે. વૈજ્ઞાનિક કલાકારો અને લેખકોએ તેને ધારણ કરવાથી ખૂબ જ લાભ થાય છે. માનસિક રોગમાં સહાયક અને બુધના દોષોને દૂર કરે છે.

પંચમુખી રુદ્રાક્ષ = આ સર્વસુલભ રુદ્રાક્ષ કાલાગ્નિરુદ્ર (શિવ) સ્વરૂપ અને પાપનાશક છે. ગુરૂસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. માળા બનાવવામાં વપરાય છે. પંચમુખી રુદ્રાક્ષની માળા ધારણ કરનારને તન, મનની શાંતિ તથા આધ્યાત્મિક ઉંચાઇનો અનુભવ કરાવે છે. તે પ્રકૃતિમાં સૌથી વધુ જોવા મળે છે. તેના સ્વામી ગુરુ છે. માનસિક સ્વાસ્થ સારું રાખવાની સાથે જ અકાળ મૃત્યુથી બચાવે છે. જપ-તપમાં સૌથી વધુ તેનો પ્રયોગ આ રુદ્રાક્ષનો કરવામાં આવે છે.

છ મુખી રુદ્રાક્ષ = સન્મુખનાથ અથવા કાર્તિકેય(શિવપૂત્ર) સ્વરૂપ અને જમણા હાથમાં ધારણ કરનારને બ્રહ્મહત્યા જેવા પાપમાંથી પણ મૂક્તિ અપાવનાર મનાય છે. નીચા લોહીના દબાણમાં લાભકારી અને શૂક્રસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. છ મુખી રુદ્રાક્ષ, વિદ્યા તથા જ્ઞાનનું પ્રદાતા માનવામાં આવે છે. તે બાળકોમાં ધ્યાન અને હોશિયારી વધારે છે. તે માનસિક કાર્ય કરનારા લોકો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, જેમ કે શિક્ષક વર્ગ, વેપારી, પત્રકાર, લેખક, સંપાદક, આરુદ્રાક્ષનું સંચાલક ગ્રહ શુક્ર છે.

સાત મુખી રુદ્રાક્ષ = અનંગ સ્વરૂપ અથવા લક્ષ્મી સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમરૂધ્ધી વધારનાર મનાય છે. શનિસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. જો તમે પોતાના ધનને વધારવા માગતા હોવ તો તેને પહેરો. તે શનિદોષને શાંત કરે છે. જો તમને વાત વ્યાધિ, જોડોનું દર્દ સંબંધી પરેશાનીઓ હોય, તો પણ તે કારગર રહે છે. આ રુદ્રાક્ષને રોકડા રૂપિયાની પેટીમાં રાખવામાં આવે છે.

આઠ મુખી રુદ્રાક્ષ = ગણેશ સ્વરૂપ અને ધારણ કરનારને આઘાત તથા અકસ્માતથી રક્ષા કરનાર મનાય છે. રાહુ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. ગણેશજીની કૃપાવાળુ આ રુદ્રાક્ષ કોઈપણ પ્રકારના નવા કામ માટે સારું રહે છે. તે રાહુના દુષ્પ્રભાવો સામે રક્ષા કરે છે. ફેફસા સાથે સંબંધિત વિકાર, ત્વચા રોગ, કાળસર્પ દોષ અને ઈર્ષાના દુષ્પ્રભાવોથી મુક્ત કરે છે.

નવ મુખી રુદ્રાક્ષ = ભૈરવ સ્વરૂપ અને દેવી સ્વરૂપ મનાય છે. અતિ લાભકારી અને કેતુ તથા શૂક્ર સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. તેને પહેરવાથી આત્મબળ વધે છે. સહનશક્તિ, શૌર્ય અને સાહસ વધે છે. નામ અને યશ ચારેય તરફ ફેલાય છે. ભક્તિ ભાવ વધે છે. પેટસંબંધી રોગ અને શારીરિક પીડાને દૂર કરે છે. કાળસર્પના દોષને દૂર કરવામાં સહાયક છે.

દશ મુખી રુદ્રાક્ષ = જનાર્દન(વિષ્ણુ)સ્વરૂપ અને બૂધ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. તે ગ્રહ નવગ્રહ શાંતિ માટે સારું છે. વાસ્તુદોષ તથા વ્યક્તિની કુંડળીમાં સ્થિત બધા દોષોનું નિવારણ આ ગ્રહથી કરી શકાય છે. તે પહેરવાથી ખરાબ નજર, જાદુ ટોણાથી બચી શકાય છે. ઉચ્ચ પદાધિકારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે લાભદાયી છે.

અગીયાર મુખી રુદ્રાક્ષ = રુદ્ર સ્વરૂપ અને મંગળ તથા ગુરૂ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. હનુમાનજીની શક્તિનું પ્રતીક છે આ રુદ્રાક્ષ. વ્યક્તિમાં બળ અને સાહસ વધારે છે. વ્યક્તિમાં વાકકુશળતા તથા આત્મવિશ્વાસને વધારીને પ્રસિદ્ધિ અપાવે છે. બધા પ્રકારના ભયથી મુક્તિ અપાવે છે.

બાર મુખી રુદ્રાક્ષ = આદિત્ય(સૂર્ય)સ્વરૂપ અને સૂર્ય સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. ધારણ કરનારને શત્રુઓ થી રક્ષણ અને હિંમત પ્રદાન કરનાર તથા ઉચ્ચ રક્તદાબ, હ્રદય,લોહીસંબંધી તકલીફોમાં રાહત આપનાર મનાય છે. આ રુદ્રાક્ષ નેતૃત્વ અને શાસકીય ક્ષમતામાં વધારો કરે છે. મંત્રી, ઉદ્યોગપતિ કે એવા લોકો જે યશ ઈચ્છતા હોય તેમને આ રુદ્રાક્ષ જરૂર પહેરવું જોઈએ. નેત્ર અને હૃદયરોગ માટે તે લાભદાયી છે. તેને પહેરવાથી યશ અને કીર્તી વધે છે.

તેર મુખી = કાર્તિકેય(શિવપૂત્ર) સ્વરૂપ અને ધારણ કરનારને મંગળ સંબંધી તકલીફો થી રક્ષણ કરનાર મનાય છે. આ રુદ્રાક્ષના નિયંત્રક દેવતા ઈન્દ્ર, વિષ્ણુ અને કામદેવ માનવામાં આવે છે. તેને ધારણકરવાથી ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. તેને પહેરવાથી પ્રમોશન ઝડપથી મળે છે. તે મુકી રુદ્રાક્ષ વ્યક્તિની દરેક પ્રકારની કામનાને પૂરી કરે છે. આ રુદ્રાક્ષ યૌન શક્તિનું પ્રદાતા છે.

ચૌદ મુખી = શિવ સ્વરૂપ અને હનુમાન સ્વરૂપ પણ અને એકમુખી પછી અતિ મહત્વ ધરાવનાર છે. શનિ સંબંધી તકલીફો અને સાડાસાતીની અસરમાં ખુબ જ લાભદાયક છે. તેને દેવમણી કહે છે. અત્યંત દુર્લભતાથી મળે છે. તેને પહેરવાથી છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત થઈ જાય છે. તેનાથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું જ્ઞાન મળે છે. તેને પહેરવાથી સમસ્ત સંકટ, હાની, રોગ વગેરેનું શમન થઈ જાય છે. કોઈની કુંડળીમાં શનિદોષ હોયતો તેનાથી પણ તે દૂર થાય છે. શેરબજારના વેપારીઓ માટે તે લાભકારી છે.

પંદર મુખીથી એકવીશ મુખી રુદ્રાક્ષ અતિ કિંમતી અને અલભ્ય મનાય છે.

પંદર મુખી રુદ્રાક્ષ = તે આત્મજ્ઞાન, યોગસાધના, ધ્યાન તથા ધનસંપદા અપાવે છે, તેમાં 14 મુખી રુદ્રાત્રોના તમામ ગુણ સામેલ હોય છે. ધન, સંપત્તિ તથા યશનો અતિરક્ત લાભ છે.

સોળ મુખી રુદ્રાક્ષ = વિજય અને કીર્તી અપાવનાર આ રુદ્રાક્ષ દુશ્મનો, ચોરી તથા અપહરણકર્તાઓથી બચાવે છે. ભગવાન શ્રીરામની કૃપાથી ઓતપ્રોત આ રુદ્રાક્ષ અત્યંત શક્તિશાળી છે. દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે આ શ્રેષ્ઠ છે. પ્રિયજનો સાથે બિછડી જવાનો ભય અને લગ્ન પહેલાની ચિંતાઓને દૂર કરે છે.

સતર મુખી રુદ્રાક્ષ = તેને વિશ્વકર્મા રુદ્રાક્ષ કહે છે. તે દુર્લભતાથી મળે છે. તેને પહેરવાથી અચાનક ધન-સંપત્તિ મળવાના યોગ બને છે. આ રુદ્રાક્ષ માત્ર લકી લોકોને જ મળે છે. જે લોકો નવા ઉદ્યોગો કે નિર્માણમાં જવા માગે છે તેમની માટે તે અતિ ઉત્તમ છે.

અઢાર મુખી = તેને ભૂમિ રુદ્રાક્ષ પણ કહે છે. તેને પહેરવાથી કોઈ નવું કામ, નવો પ્રોજેક્ટ, નવું કાર્ય તથા મોટા પ્રોજેક્ટ મળે છે. તે સ્ત્રીઓને પ્રસવ પહેલા પ્રજનન દોષોથી બચાવે છે. બાળકોના અનેક પ્રકારના રોગોથી રક્ષણ કરે છે.

ઓગણીશ મુખી રુદ્રાક્ષ = આ નારાયણ રુદ્રાક્ષ કહેવાય છે. વેપાર, રાજનીતિ અને નેતૃત્વના ગુણો વધારે છે. બધા પ્રકારના ભય અને તણાવને દૂર કરે છે. કોઈપણ સારું કામ કરતી વખતે તેને પહેરવાથી લાભ મળે છે. દુશ્મનોની કુદ્રષ્ટિ અને ઈર્ષાથી પણ રક્ષણ કરે છે.

વીશ મુખી રુદ્રાક્ષ = તે બ્રહ્મા રુદ્રાક્ષ છે. તે માનસિક શાંતિ માટે જરૂરી છે. તર્ક શક્તિ, સંભાષણ, વાદ વિવાદ માટે તે પહેરવું જોઈએ. આ રુદ્રાક્ષ ખૂબ જ મુશ્કેલીઓ પછી પ્રાપ્ત થાય છે. જો કોઈને પણ તે મળી જાય તો ખૂબ જ સન્માનની સાથે પહેરવું જોઈએ.

એકવીશ મુખી રુદ્રાક્ષ = કુબેર(ધન સંપતિ ના દેવ)સ્વરૂપ અને ધારણ કરનારને અદભૂત આર્થીકલાભ કરાવનાર મનાય છે. તે કુબેર રુદ્રાક્ષના નામથી ઓળખાય છે. વિશ્વનું એવું કોઈ સુખ નથી જે આ રુદ્રાક્ષ પહેર્યા પછી ન મળે. તે પહેરનારને પૂર્ણ વિજેતા કહેવાય છે. આ રુદ્રાક્ષને પહેરવાથી બધી ઋણાત્મકતા દૂર થઈ જાય છે. તેને પહેરવાથી બધી ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે.

 

રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ …

 

રુદ્રાક્ષ ધારણ કરવાની શાસ્ત્રોમાં અનેક વિધિઓ બતાવવામાં આવી છે. એ તમામ વિધિઓમાં ઊંડા ન ઉતરતા રુદ્રાક્ષ ધારણ કરવાની સર્વસામાન્ય વિધિ વિશે જોઈએ.

 

૧. પ્રત્યેક રુદ્રાક્ષને સોમવારના દિવસે પ્રાતઃવિધિ પતાવીને શિવમંદિર અથવા ઘરના પવિત્ર સ્થળે બેસીને ગંગાજળ અને દૂધથી ધોઈ ઉપર્યુક્ત મંત્રોનો જાપ કરીને ધારણ કરવું.

૨. રુદ્રાક્ષને લાલ, કાળા અને સફેદ દોરા અથવા સોના કે ચાંદીની ચેઈનમાં પરોવીને ધારણ કરવું.

૩. જો કોઈ વ્યક્તિ ઉપર જણાવેલા મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ ન કરી શકે તો તે પંચાક્ષર મંત્ર (ૐ નમઃ શિવાય)નો જાપ કરીને રુદ્રાક્ષ પર બિલિપત્રથી ૧૦૮ વાર ગંગાજળ છાંટીને ધારણ કરી શકે છે.

૪. અભિમંત્રિત કરીને ધારણ કરેલા રુદ્રાક્ષને એક વર્ષ પછી ફરી અભિમંત્રિત કરવું.

-રુદ્રાક્ષ ધારણ કરનારાએ દારુ, નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.

-માંસાહાર છોડી દેવો જોઈએ.

-લસણ, ડુંગળી સહિત તમામ તામસી ખોરાક છોડી દેવો જોઈએ.

-માનસિક પવિત્રતા માટે ગંદા સાહિત્ય, વાતો કે વિચારોથી દૂર રહેવું જોઈએ.

 

 

સાભાર : ઉપરોક્ત માહિતી સ્તોત્ર અને સંકલન – વિકિપીડિયા, સંદેશ, દિવ્યભાસ્કર, વેબદુનિયા, ચિત્રો માટે વેબજગત તેમજ પૂરક માહિતી માટે શ્રીમતી પૂર્વીબેન મોદી મલકાણ – (યુએસએ) ના અમો અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]

 

 

આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે.  શ્રાવણ માસને અનુલક્ષી આજે રુદ્રાક્ષનો મહિમા દર્શાવતી પોસ્ટ અહીં મૂકવા નમ્ર પ્રયાસ કરેલ છે. આશા રાખીએ છીએ  કે આજની પોસ્ટ આપને પસંદ આવશે.,  આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.,   બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના દરેક પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can contact /follow us on :

 

twitter

twitter a/c : @dadimanipotli

 

face book

facebook at : /dadimanipotli

ઉકેલ વિનાની કોઈ સમસ્યા હોતી નથી ….

ઉકેલ વિનાની કોઈ સમસ્યા હોતી નથી ….

 

 

 

 

તથાકથિત આધ્યાત્મિકતા સાથે તથાકથિત વૈશ્વિકતાનો સુમેળ કરવો કે સમસંવાદિતા સાધવી એ કેવી રીતે સાંપડે? સમાજમાં રહીને? અને છતાંય એનાથી અલગ રહીને કામ કરવાનું ગોઠવવું? સમાજની વાસ્તવિકતામાં ગૂંચવાયા વિના પણ કેવી રીતે એને સ્વીકારી શકાય ? આ પ્રશ્નોનો ઉત્તર મેળવવાં આપણે એનાં કેટલાંક મૂળભૂત આધ્યાત્મિક સત્યો તરફ નજર નાંખવી જોઈએ. 

 

આધ્યાત્મિક સમાધાન …

 

ઉકેલ વિનાની કોઈ સમસ્યા હોતી નથી. સમસ્યાઓ અનેક પ્રકારની હોઈ છે અને એ પ્રમાણે એનાં ઉકેલ પણ હોય છે. મોટા ભાગના ઉકેલ ત્વરિત જેવાં હોય છે અને આ ત્વરિત ઉપાય વાસ્તવિક રીતે સમસ્યાઓનું સમાધાન કરતાં નથી. પણ એ માત્ર એને દબાવી દે છે કે થોડા સમય પૂરતા મુલતવી રાખે છે. કોઈ એવો ઉકેલ કે એવું સમાધાન છે કે જે સમસ્યાના મૂળમાં ઘા કરે અને તેને અફર-અટલ રહીને સમૂળગી દૂર કરે ?   હા, એ છે; અને તે છે આધ્યાત્મિક ઉકેલ કે સમાધાન.

 

દરેક સમસ્યાનો આધ્યાત્મિક ઉકેલ હોય છે; કારણ કે દરેક સમસ્યા મૂળભૂત રીતે આધ્યાત્મિક સમસ્યા હોય છે. વેદો જેને સત્ -ચિત્ -આનંદ કહે છે, તે બધું છે અને સર્વમાં તેનું અસ્તિત્વ રહેલું છે. એટલે જ કોઈ પણ જાતનો પ્રશ્ન નથી. કોઈ પણ એ જાણતું નથી કે આ તત્વ કેવી રેતે અદશ્ય થાય છે અને કેવી રીતે ઘણામાં પ્રતિબિંબિત થાય છે. આ અનંત – અદશ્ય તત્વમાંથી આ ભૌતિક અને દેખીતું બ્રહ્માંડ ઊભર્યું છે. એટલે જ બધા પ્રકારની અને અસ્તિત્વની બધી કક્ષાઓની સમસ્યાઓ ઊભી થઇ. એટલે કે પાયાની સમસ્યા એ તત્વને ભૌતિક માની લેવામાંથી જન્મે છે. જો આ સમસ્યાઓનું સમાધાન મળી શકે તો બીજી બધી સમસ્યાઓનું સમાધાન શોધવાની જરાય આવશ્યકતા રહેશે નહિ. એ તો કાયમને માટે ઓગળી-પીગળી જશે.

 

વેદાંત આ સમસ્યાના કારણને આપણા આધ્યાત્મિક સ્વરૂપની વિસ્મૃતિ કે એનાં અજ્ઞાનને નામે ઓળખાવે છે. માત્ર આત્મજ્ઞાનનો પ્રકાશ જ સ્વસ્વરૂપના અજ્ઞાનના અંધકારને દૂર કરી શકે.

 

ભૂખ્યા પેટે ધર્મના પિરસણાં ન ચાલે…

 

જો કે પોતાના અસલ સ્વરૂપનું જ્ઞાન એટલે કે આત્મજ્ઞાનની જ સૌથી વધારે આવશ્યકતા છે. અને સર્વપ્રથમ તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વભાવને અને પ્રકૃતિને હિતકર એવી કેટલીક આવશ્યકતાઓ પણ પૂરી થવી જોઈએ. આ આવશ્યકતાઓ કઈ છે? મૂળભૂત રીતે ત્રણ આવશ્યકતાઓ છે – અન્ન, વસ્ત્ર, આશ્રય. જ્યારે કોઈ પણ માણસ માટે પોતાના શરીરને ટકાવવા માટે આ પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ય બને ત્યારે તે માણસ આત્મજ્ઞાન મેળવવાની ઈચ્છા કેળવી શકે અને એ માટેનો સમાંય પણ કાઢી શકે.

 

પણ શરીરને ટકાવવાથી બધું પતિ જતું નથી. તંદુરસ્તીભર્યા વિકાસ માટે માતાપિતાનો પ્રેમ, કાળજીપૂર્વકનો ઉછેર, સારા મિત્રો-સાથીઓ અને આરોગ્યપ્રદ તેવોની કોઈ પણ વ્યક્તિને આવશ્યકતા રહે છે. આ બધું સાથે મળે તો એક આદર્શ ભૂમિ તૈયાર થાય છે કે જેમાં જ્ઞાનનાં બીજ અંકુરિત થઈ શકે.

 

કૂતરાની પૂંછડી …

 

વિશ્વ કંઈ એમ તત્કાલ રચાયું ન હતું. એને ઉત્ક્રાંત થતાં અબજો વર્ષ લાગ્યાં છે. જો કે આપણે બધાં પ્રગતિ, સભ્યતા અને એવી બધી વાતો તો કરીએ છીએ, પણ ઉપરછલ્લી સપાટી સિવાય આ વિશ્વ વાસ્તવિક રીતે જરાય બદલાયું નથી. આપણે જરાક ખોદીએ કે એ જ જૂની દુનિયા દેખાશે અને એ ભય, ધૃણા, અસલામતી, ગૂંચવણો, ગુન્હાખોરી, લોભથી છલોછલ ભરેલી છે. અલબત્ત, કેટલેક અંશે આ બધાં દૂષણોનું હિંમત, પ્રેમ, શ્રધા, શક્તિ, પવિત્રતા અને શાંતિના ઘટનાપ્રસંગો દ્વારા સમતુલન થયું છે ખરું.

 

સમસ્યાઓ તો મોટે ભાગે એવી ને એવી રહી છે. અલબત્ત સમયે સમયે મહોરાં બદલ્યાં છે, બસ આટલું જ. પણ મૂળભૂત સમસ્યાઓએ તો પોતાનો આ ચહેરો-મહોરોય બદલ્યો નથી. ઉદાહરણ તરીકે પ્રારબ્ધ અને મૃત્યુની સમસ્યા, ખાલીપાની અને નિરર્થકતાની સમસ્યા, ગુન્હાખોરી અને દોષારોપણની વાત લો.

 

આ વિશ્વના અપરિવર્તિત સ્વરૂપમાં એક અંતર દ્રષ્ટિ કરવાને લીધે સ્વામી વિવેકાનંદે એણે કૂતરાની પૂછડી સાથે સરખાવી છે. ભળે ને આપણે ગમે એટલીવાર એણે સીધી કરવાનો પ્રયત્ન કરીએ પણ એ તો વાંકી ને વાંકી જ રેહવાની. તો પછી આ દુનિયાને

 

સુધારવાના પ્રયત્નનો કોઈ ઉદ્દેશ્ય ખરો ?  આનો જવાબ ‘ ના ‘ અને ‘ હા ‘ બંને છે. ‘ ના ‘ નું કારણ એ છે કે આ દુનિયા પોતાને મૂળ પ્રકૃતિ બદલાવી શકે તેમ નથી. ‘ હા ‘ નું કારણ એ છે કે આ દુનિયાને સુધારવા જતાં આપણે પોતે જ ખરેખર સુધારી જઈએ છીએ. સ્વામી વિવેકાનંદે પણ કંઈક આવું જ કહ્યું છે. એમને કહ્યું છે કે આ દુનિયા સારા – નરસાનું મિશ્રણ થવાનું જ ચાલુ રાખશે. જો આપણે ગહન નિરક્ષણ કરીને જોઈએ તો આપણને જાણવા મળશે કે આ દુનિયા આપની સહાયની જરાય નથી. આપણા વિના પણ તે બહુ સારી રીતે ચાલી શકે તેમ છે. આમ છતાં પણ આપણે દુનિયાને સહાય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે સ્વામીજીએ કહ્યું હતું: ‘ આ દુનિયાને મદદ કરીને વાસ્તવિક રીતે તો આપણે આપણી જાતને સહાય કરીએ છીએ.’

 

જાણે આ દુનિયાને જરાય સુધારી ન શકાય, એવું નથી, એ થઇ શકે તેમ છે; પણ એક તો આવી સુધારણા હંમેશાં થોડા ચોક્કસ પ્રદેશો કે લોકો પૂરતી જ માર્યાદિત રહે છે. આપણે પેલી પૂંછડીને સીધી નહિ કરી શકીએ પણ સમયે સમયે એને માત્ર સુડોળ રાખી શકીએ. આવી રીતે પૂંછડીને વત્તાઓછા પ્રમાણમાં સુડોળ, તંદુરસ્ત રાખી શકે છે,એટલે એના વાંકાપણાને નજર અંદાજ કરવું જોઈએ.

 

જીવંત પ્રભુ …

 

જેમ કૂતરાની પૂંછડીને આપણે સીધી કરી શકતા નથી, કારણ કે તે કૂતરાની પૂંછડી છે ; તેવી જ રીતે આ દુનિયાને પણ એ જ કારણે નિર્દોષ બનાવી શકતા નથી. જો આપણે પૂંછડી તરફ જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે કૂતરાને જરાય ન ?જોઈ શકીએ; અને આ પૂંછડી તો એ કૂતરાનો નાનો એવો અવયવ છે; અને એ તે કંઈ એટલો બધો મહત્વનો ભાગ પણ નથી. આવી જ રીતે આપણે દુનિયાને એકલીને જ ધ્યાનમાં રાખીએ તો આપણે ઈશ્વરને જોવાનું ગુમાવીશું. વેદો આપણને કહે છે કે આ વિશ્વ તો ઈશ્વરનો એક અંશ, અરે ઘણો નાનો અંશમાત્ર છે.

 

આપણી વર્તમાન બુદ્ધિશક્તિ કે સમજણને માટે ઈશ્વર ઘણો વિરાટ અને સુક્ષ્મ પણ છે. આપણે પ્રતિસંકલ્પનાઓ અને પ્રતિમાઓ દ્વારા ઈશ્વર વિશેનો થોડોક ખ્યાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રાર્થના, પૂજા, ધ્યાન દ્વારા એમની સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન કરી શકીએ. આ બધું ઉપયોગી તો છે છતાં પણ જો આપણે એને પાર્થિવ દ્રષ્ટિએ જોઈ શકીએ, કંઈક વાસ્તવિક રૂપે જોઈ શકીએ તો એ બધું અમૂર્ત અને અવાસ્તવિક જેવું બની રહે છે.

 

સદભાગ્યે અહીં અને અત્યારે જ આપણા માટે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો શક્ય છે. આ બ્રહ્માંડને વિસ્તારીએ તો ઈશ્વર તો તેના અણુયે અણુમાં પ્રવેશેલો છે એમ કહી શકાય. તે આપણા બધામાં પણ છે અને આપણી આજુબાજુ આપણે જે કંઈ જોઈએ છીએ તેમાં પણ તે જ છે. આપણે બધાં દરેકેદરેક મૂર્તિ – છબિમાં નિર્જીવ પ્રભુને જોવા મથીએ છીએ કે પુસ્તકો દ્વારા એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. પણ વાસ્તવિક રીતે જોતાં માનવરૂપે દરેકેદરેક વ્યક્તિ ‘ જીવંત ઈશ્વર ‘ છે.

 

સૌની ભીતર અને બહાર આ જીવંત પ્રભુને જોવાથી આપણું ભીતરનું જીવન અને બાહ્ય જીવન અદભૂત પરિવર્તન પામે છે. સાથે ને સાથે આપણા પોતા પ્રત્યેના વલણ અને બીજાં પ્રત્યેના વલણમાં પણ સુચારુ પરિવર્તન આવે છે. આથી આપણું દૈનંદિન જીવન આધ્યાત્મિકતાવાળું બની રહે છે. પરિણામે દરેકેદરેક શ્વાસ પ્રાર્થનામાં અને દરેક કાર્ય પૂજામાં ફેરવાઈ જાય છે. દરેકને ઈશ્વરનું મૂર્તિમંત સ્વરૂપ ગણવું અને જોવું એ આદર્શને પુનર્જીવિત કરનાર અને એને મહત્વ આપનાર હતા શ્રીરામકૃષ્ણદેવ. આ આદર્શ આપણા સૌના આધ્યાત્મિક અને વૈશ્વિક જીવન વચ્ચેના, સાચી પ્રભુપૂજા અને કર્મ વચ્ચેના, આ દુનિયા અને પેલે પારના જગત વિશેના અનાવશ્યક ભેદભાવને દૂર કરે છે.

 

આપણે મહત્વના ચાર આધ્યાત્મિક સત્યો જોયા. એમાનું પેહલું છે – દરેકેદરેક સમસ્યાનો અંતે એક આધ્યાત્મિક ઉકેલ છે જ. બીજું – આ આધ્યાત્મિક શોધવા આપણે શક્તિમાન બંને શકીએ તે પેહલાં આપણું શારીરિક જીવન ટકાવવાની અને તંદુરસ્ત માનસિક વિકાસ માટેની કેટલીક મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવી જોઈએ. ત્રીજું – આ દુનિયાને સુધારણા અલ્પકાલીન છે, પરંતુ એ સુધારણા માટેના આપના નિ:સ્વાર્થ પ્રયાસો દીર્ઘકાલીન ભીતરી સુધારણા લાવે છે. ચોથું – ઈશ્વરને અહીં અને અત્યારે દરેક જીવમાં જોઈ શકાય છે અને નિ:સ્વાર્થ સેવા દ્વારા એમની પૂજા પણ કરી શકાય.

 

શ્રીરામકૃષ્ણએ કહ્યું છે કે ઈશ્વરનું જ અસ્તિત્વ છે. જો કે બીજાં બધા પદાર્થો અસ્તિત્વ ધરાવતા દેખાય છે પણ તેઓ આજે અહીં છે અને કાલે ક્યાંય ચાલ્યા જવાના. ઈશ્વર સદૈવ રહે છે. એટલે જ જીવનનું અંતિમ લક્ષ્ય ઈશ્વરની કે આપણા પવિત્ર, પૂર્ણ, અજન્મા અને અનંત મૂળ સ્વરૂપની જ અનૂભૂતિ હોઈ શકે. આ કાંઈ એટલો બધો નવો ઉપદેશ નથી, એ વાત સાચી; આ ઉપદેશને વધુ શક્તિશાળી અને પ્રભાવક બનાવે છે તે વાત એ છે કે શ્રીરામકૃષ્ણે પોતે જ આ ઉપદેશનું જીવનમાં આચરણ કરી બતાવ્યું છે અને આપણને એ પણ બતાવ્યું છે કે આપણે એ આદર્શ પર આપણું જીવન કેમ જીવી શકીએ.

 

 

 

બ્લોગ લીંક :  http://das.desais.net
email : [email protected]

 

 

આશા છે કે આજની પોસ્ટ આપને પસંદ આવી હશે,  આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.,   બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના દરેક પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can contact /follow us on :

 

twitter

twitter a/c : @dadimanipotli

 

face book

facebook at : /dadimanipotli