શ્રાવણનો મહિમા અને મહત્વ …

શ્રાવણનો મહિમા  અને મહત્વ …

 

 

શ્રાવણ માસનો  પ્રારંભ ગઈકાલથી થઇ ગયો.   શ્રાવણ માસ દરમ્યાન શિવાલયમાં જઈ ભગવાન શીવ ની પૂજા -અર્ચના આપણે સર્વે કરીએ છીએ,  તો આ પૂજા – અર્ચના સાથે સાથે શ્રાવણ  માસનું  મહત્વ પણ જાણવું એટલું જ જરૂરી છે.   ‘શ્રાવણનો મહિમા અને મહત્વ’  દર્શાવતી પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો પૂર્વિબેન મોદી -મલકાણ (યુ.એસ.એ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 

 

ગઈકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો.   હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ માસનું સ્થાન પાંચમું છે અને દેવશયન ચતુર્માસનો આ પ્રથમ માસ છે.  આ માસમાં શિવપુરાણ અને શ્રી ભાગવતપુરાણનું વાંચન, શ્રવણ કરવાનું મહત્વ માનવામાં આવ્યું છે.   શ્રાવણ માસનાં સોમવારને શ્રાવણીયા સોમવારનાં નામથી ઓળખવામાં આવે છે.  શાસ્ત્રોમાં જેટલું મહત્વ શ્રાવણનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેટલું જ મહત્વ શ્રાવણીયા સોમવારનું પણ દર્શાવવામાં આવ્યું છે.  આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે. લગભગ એકાદ દસકા પછી આ અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે.  ૨૮ જુલાઇ, આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે.   જ્યારે છેલ્લો સોમવાર ૨૫ ઓગસ્ટે આવશે. ૨૫ ઓગસ્ટે સોમવારે સોમવતી અમાસની સાથે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહૂતિ થશે.  આમ પણ શિવ ભકતો માટે સોમવારનું સવિશેષ મહત્વ હોય છે….

 

(શ્રાવણ માસ નો ઉત્સવો … જેમાં ૧૩ ઓગસ્ટે બાળચોથ, ૧૪ ઓગસ્ટે નાગપાંચમ, ૧૫ મીએ રાંધણ છઠ્ઠ, ૧૬ ઓગસ્ટે શીતળા સાતમ, ૧૭ ઓગસ્ટે જન્માષ્ટમી ઉપરાંત ૨૫ ઓગસ્ટે સોમવારે સોમવતી અમાસની સાથે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહૂતિ થશે. -સાથે સાથે જાણીએ … કઇ તારીખે આવે છે પાંચ સોમવાર… ૨૮ જુલાઇ, ઓગષ્ટ,  ૧૧ ઓગષ્ટ,  ૧૮ ઓગષ્ટ અને ૨૫ ઓગષ્ટ)

 

જલાધારાપ્રિય શિવ …

શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં દરેક વ્યક્તિની કામના હોય છે કે તેમને ઈશ્વરની ભક્તિ પ્રાપ્ત થાય. ઈશ્વરભક્તિને જાણવાની લાલસા દરેક માણસને હોય છે, પરંતુ તે વ્યક્તિ ર્ધાિમક અનુષ્ઠાન, પૂજાપાઠ અને નિયમોથી અજાણ હોવાના કારણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકતી નથી. આવી સ્થિતિમાં નિયમ અને પૂજાપાઠની અજ્ઞાાનતાને કારણે ભક્તને અભીષ્ટ ફળની સિદ્ધિ મળતી નથી. શ્રાવણ માસમાં શિવજી પર જળ ચઢાવવા પાછળ ભારતીય પૌરાણિક કથા રહેલી છે. તે કથા આ મુજબ છે.

 

સમુદ્રમંથન દરમિયાન દાનવ અને દેવતાઓ દ્વારા અમૃત કળશ અને વિષ કળશ નીકળ્યા પછી જ્યારે વિષ પીવાનો વારો આવ્યો ત્યારે દેવતાઓ અને દાનવોએ તે પીવાનો ઇનકાર કર્યો, કારણ કે તે વિષને કોઈ પચાવી શકે તેમ ન હતું. સંસારનાં હિત સાધવા માટે થઈને ભગવાન ભોળાનાથે હળહળતું વિષ પોતાના કંઠમાં ધારણ કરી દીધું, પરંતુ આમ કરવાથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા લાગ્યાં. આથી ભગવાન ભોળાનાથે વિષની ગરમી ઓછી કરવા માટે ગંગા અને ચંદ્રમાને પોતાના શિર પર ધારણ કર્યાં. તેનાથી ભોળાનાથને ચક્કર આવવાં ઓછાં થયાં અને ગરમી પણ ઓછી થઈ. ભગવાન શિવની ગરમીને શાંત કરવા માટે શ્રાવણ માસમાં ભક્ત શિવજી પર જળાભિષેક કરે છે. જળધારાની જેમ જ શિવજીને બીલીપત્ર પણ ખૂબ જ પ્રિય છે.

 

શિવજી ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે. આ જ કારણસર તેમને અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે. શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતમાં ભગવાન શિવનાં બાર જ્યોતિર્લિંગ .. જેમ કે ..સોમનાથ, નાગેશ્વર, મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, રામેશ્વર જ્યોતિર્લીંગ, ધૃષ્ણેશ્વર,  અને બૈદ્યનાથ છે.  તે દેશના જુદા જુદા ભોગોમાં એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં સ્થિત છે, જે મહાદેવની વ્યાપકતાને પ્રગટ કરે છે. શિવને ઉદાર હૃદય અર્થાત્ ભોલે ભંડારી કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચન કરતાં પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણીમાત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ, સુખ પ્રદાન કરે છે અને ચિરકાળ સુધી કરતો રહેશે. માનવજાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે.

 

શ્રાવણમાસમાં શિવોર્ચન જેટલું જ શિવમંત્રોનું પણ મહત્વ માનવામાં આવ્યું છે, તેથી ભગવાન શિવની ઉપાસના અને આરાધના સમયે પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય” અને મહામૃત્યુંજય મંત્રનું અનેરું મૂલ્ય છે. આ મંત્રોનો પાઠ કરવાથી દુઃખ, ભય, રોગ વગેરેનો નાશ થતાં જીવોને શાંતિ અને દીર્ઘાયુ મળે છે. આ ઉપરાંત આ માસમાં શિવામૃત, શિવ ચાલીસા, શિવ કવચ, રામચરિત માનસ, શ્રીમદ ભાગવત આદીનો પાઠ શુભ મનાયો છે. ભગવન શિવનો શ્રાવણ માસ માસોત્તમ કહેવાયો છે. આ માસનો પ્રત્યેક દિન ધર્મ પૂજન, કર્મ દાન અને સ્મરણ આસ્થાને લઈને આવે છે તેથી શ્રાવણ માસ, શ્રવણ નક્ષત્ર અને શિવનું પૂજન એ ભક્તજનો માટે એકદમ વિશિષ્ટ બની રહે છે.

 

શ્રાવણ મહિનો એટલે  ઝરમર વરસતા વરસાદનો મહિનો, શ્રાવણ મહિનો એટલે  વરસતા વરસાદમાં મન અને હૃદયને પ્રેમથી ભીંજવવાનો સમય, શ્રાવણ મહિનો એટલે ભીની ધરતીમાંથી વહી રહેલી ભીની ભીની સોડમ લેવાનો મહિનો, શ્રાવણ મહિનો એટ્લે હરિયાળા વૃક્ષો સાથે ઝૂમી ઝૂમીને નાચવાનો મહિનો, શ્રાવણ મહિનો એટ્લે ભક્તિનાં રંગે રંગાવાનો મહિનો છે. શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તિનાં રંગે રંગાયેલા ભક્તજનોનાં .. હર.. હર.. કૈલાશા, જય ભોલેનાથ..હર….હર……મહાદેવનાં નારાઓ ગૂંજી ઉઠે છે. ભોળાનાથ ભગવાન શિવ જ્યાં પણ બિરાજતાં હોય તે દરેક જ્ગ્યાએ અને સ્થળોએ ભક્તજનો દૂધ અને જળ લઇને શિવજીને અભિષેક કરવા શિવમંદિરે પહોંચી જાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે તેમના પરમ મિત્ર ભગવાન શ્રી કૃષ્ણનું પણ અતિ મહત્વ રહેલુ હોઇ ભગવાન કૃષ્ણને માનનારો પ્રત્યેક વૈષ્ણવ પણ અનેક પ્રકારના મનોરથોનો મહિમા ગાતા ગાતા હવેલીમાં લ્હાવો લેવા તત્પર થઈ જાય છે. ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણની ગાથા ગાનારા આ શ્રાવણ માસનું આટલું મહત્વ શા માટે છે?

 

ભક્તવત્સલ અને સ્મરણમધુરા એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનામાં શા માટે થયો? આપણાં સંતો કહે છે કે શ્રાવણ મહિનાનો અર્થ સમજીએ તો શ્રાવણ મહિનાનું મૂલ્ય સમજાય. પ્રથમ શબ્દ શ્ર એટ્લે શ્રવણ કરવું,  વ એટ્લે કે વંદન કરવું અને ણ અથવા ન એટ્લે નમન કરવું. શ્રવણ કરવું, વંદન કરવું અને નમન કરવું. તદપરાંત પ્રથમ શબ્દ શ્રા માં પણ ત્રણ શબ્દો મળેલા છે. તે છે સ+આ+ર. સ અને આ જોડીને બન્યો સા અને સા એટ્લે સાંભળવું અને ર એટ્લે રમણ કરવું અને આ બંને શબ્દોનો એક નવો શબ્દ બન્યો, તે…. સાંભળીને રમણ કરવું તે અર્થાત સ્મરણ કરવું, આમ આ મહિનામાં પોતાના આરાધ્ય માટે, અને આરાધ્યનું સ્મરણ, વંદન અને નમન દ્વારા સેવા કરવી તે.

 

બીજી એક વાત એ પણ છે કે આ મહિનો વરસાદનો મહિનો છે વરસાદ ફક્ત પોતે વરસતો નથી પણ પોતાના સંગમાં આવનાર પ્રત્યેક જીવોને રંગે પણ છે. કારણ કે વરસાદ પોતે ભીનાશની અભિવ્યક્તિ લઈને ધરતી પર આવે છે ત્યારે તે પોતાની સાથે ધરતી અને ધરતીવાસીઓના હૃદયમાં પણ ભીનાશ ભરતો જાય છે. આપણને પ્રશ્ન થાય કે આ ભીનાશ કઈ છે? સંતો તેનો જવાબ આપતાં કહે છે કે આ ભીનાશ તે અંતરમાં ઉમડતા ભાવોની ભીનાશ છે, આ ભીનાશ તે અંતર તારને રણઝણાવતી ભીનાશ છે, આ ભીનાશ તે ભક્તિ ભાવમાં ડૂબવાની ભીનાશ છે. ધરતી પર ઝરમર વરસતો વરસાદ એ ભક્તિનું પ્રતિક છે જે પોતાની સાથે, પોતાની પાસે આવનાર પ્રત્યેક જીવોમાં ઉદાત્ત રીતે સમાઈને તેને પણ ભક્તિને રંગે રંગી દે છે.

ઉપનિષદમાં કથા છે કે એક દિવસ સનતકુમારો કૈલાશવાસી ભગવાન શિવ પાસે ગયાં અને પૂછવા લાગ્યાં કે પ્રભુ આમ તો બારે મહિનાનું કોઈ ને કોઈ મૂલ્ય છે પરંતુ આપને અધિક પ્રિય હોય તેવો માસ ક્યો છે? આ સાંભળી ભગવાન શિવ કહે હે સનત કુમાર બધાં જ માસમાં મને સૌથી વધુ પ્રિય એવો શ્રાવણ માસ છે. ત્યારે સનત કુમારો પૂછવા લાગ્યાં કે પ્રભુ આપને આ શ્રાવણ માસ પ્રિય શા માટે છે? અને શ્રાવણ માસ એ નામ કેવી રીતે પ્રસિધ્ધ થયું તે અમને કૃપા કરીને સમજાવો, ત્યારે ભગવાન શિવ કહે કે હે સનત કુમારો આ માસ મને પ્રિય છે તેનાં ઘણા બધાં કારણ છે. પ્રથમ કારણ એ છે કે બધાં જ નક્ષત્રોમાં મને શ્રવણ નક્ષત્ર અને પૂર્ણ ચંદ્રની રતિ એવી પૂર્ણિમા અતિ પ્રિય છે અને બારે માસમાંનો આ એક માસ એવો છે જેની પૂર્ણિમામાં શ્રવણ નક્ષત્ર આવે છે તેથી આ માસનું નામ શ્રાવણ પડ્યું છે.

 

બીજું કારણ એ છે કે બધાં જ માસમાંથી ફક્ત આ માસ એવો છે જેમાં માત્ર આપ શ્રવણ કરો અને આપને સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.

 

ત્રીજું કારણ એ છે કે આ માસમાં મારા આરાધ્ય અને પરમ બ્રહ્મ એવા ભગવાન વિષ્ણુએ પોતાની પૂર્ણ પુરુષોત્તમ રૂપ લીલાનો પ્રારંભ કર્યો હોઈ મને આ માસ અત્યંત પ્રિય છે.

 

ચોથું કારણ એ પણ છે કે આ માસ સંપૂર્ણ વ્રતરૂપ અને ધર્મરૂપ હોવાથી આ માસની તમામ તિથીઓનાં સ્વામીનું પદ ભગવાન વિષ્ણુએ અલગ અલગ દેવી દેવતાઓને સોંપ્યું છે જેના કારણે આ માસમાં ફક્ત મારું જ નહીં પરંતુ મારી સાથે સમસ્ત દેવી દેવતા અને મારા આરાધ્ય એવા ભગવાન શ્રી વિષ્ણુનાં પૂર્ણ અવતાર રૂપ એવા ભગવાન કૃષ્ણનું પણ પૂજન, સ્મરણ, વંદન અને નમન થાય છે તે મને બહુ ગમે છે.

 

શિવપુરાણમાં કહે છે કે સમુદ્રમંથન વખતે ભગવાન શિવે વિષપાન કરેલું હતું. આ વિષને કારણે ભગવાન શિવનો દેહ તપ્ત બની ગયો આથી આ તપનમાંથી ભગવાન શિવને મુક્ત કરાવવા માટે તેમના ભક્તોએ ભગવાન શિવને દૂધ અને જલ ચડાવ્યું જેથી ભગવાન શિવને શીતળતાની પ્રાપ્તિ થાય.

 

ભગવાન શિવનો મહિમા જેમ શ્રાવણમાં છે તેમ ભગવાન કૃષ્ણનો પણ મહિમા શ્રાવણ મહિનામાં અધિક છે તેનું મુખ્ય કારણ એ છે કે શ્રાવણ માસ એ ભગવાન કૃષ્ણનાં પૃથ્વી પરનાં પ્રાગટ્યનો સાક્ષી છે અર્થાત આ માસમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. શ્રી નારદ પુરાણમાં કહે છે કે ભગવાન કૃષ્ણએ પ્રગટ થવા માટે આ માસ પસંદ કર્યો છે તેનું કારણ એ છે કે ભગવાન કૃષ્ણને પ્રકૃતિ સાથે બહુ પ્રેમ છે અને શ્રાવણ માસ એ ઋતુચક્રનો એવો માસ છે જે સમયમાં સૂર્ય, મેઘ, વાયુ, વર્ષાએ માતા પૃથ્વી અને માતા પ્રકૃતિ પાસેથી લીધેલા જલરૂપી દાનને સહસ્ત્રગણા રસદાયક કરીને વર્ષારૂપી જલનું દાન પરત આપે છે. પ્રકૃતિ પર જલવર્ષા થતાં જ વન વનસ્પતિ અને જીવો પુલકિત થઈ રસતરબોળ અને આનંદિત થઈ જાય છે. પ્રકૃતિના આવા જ એક આનંદિત સમયે સંસારને અને સંસારની સમગ્ર સ્ત્રીઓ રૂપી માતાઓને પોતાના રસમાં આનંદપૂર્વક રસાલિત્ત કરવા માટે બાલકૃષ્ણ પણ પ્રગટ થયાં છે. પ્રભુના પ્રાગટ્યનો આ રસ ભક્તજનોને ભક્તિ રસમાં ડૂબવા માટે રસદાયક બનાવે છે કારણ કે ભક્તિ અને રસ બંને પ્રેમ તત્વ પર નિર્ભર રહેલા છે અને ભગવાન શ્રી કૃષ્ણ તો પોતે પણ પ્રેમના પર્યાય રૂપ છે. આથી જ સંતો કહે છે કે આ માસ દાન આપવા માટે અતિ પવિત્ર છે કારણ કે આ માસમાં જલ તત્વ રૂપે ફક્ત પ્રકૃતિ નથી વરસતી બલ્કે પ્રભુ કૃપા પણ વરસે છે જેના દ્વારા મનુષ્યોને સત્કર્મો સંચિત કરવાનો સમય પણ મળે છે.

 

શ્રાવણ માસમાં ગૌરી પૂજન, હરિયાળી એકાદશી, ગોપાષ્ટમી, નાગ પંચમી , શીતળા સાતમ, જન્માષ્ટમી, ગોપનવમી અર્થાત નંદોત્સવ વગેરે જેવા અનેક શુભ દિવસો અને શુભ ઘડીઓ આવે છે. આ તમામ શુભ દિવસોમાં આવતી વિભિન્ન તિથિઑ, અને આ તિથિઓથી આ માસની એકરૂપતામાં વધારો કરતાં જાય છે. જે વિશ્વકલ્યાણ અને મંગલદાયી જીવનને માટે પ્રાણ રૂપ બને છે, વળી આ સમયમાં પ્રકૃતિના કણ કણમાં આનંદ અને ઉત્સાહ છલકેલો હોઈ શ્રાવણ માસમાં થનારા પ્રત્યેક કાર્યમાં હરત્વ અને હરિત્વનાં દર્શન થાય છે જે જીવનને અને જીવનમાં ઉત્સાહ સંદેશ દેવાનું કાર્ય કરતો જાય છે.

 

 

સંકલિત …. (ઉપરોક્ત પોસ્ટ પૂર્વીબેન મલકાન ની પોસ્ટ તેમજ વેબ જગત દ્વારા સંકલિત કરી અહીં મૂકવા અમોએ નમ્ર કોશિશ કરેલ છે.  આશા છે કે આપ સર્વેને પસંદ આવશે.)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

 

 
નોંધ : મિત્રો, બ્લોગ પર મૂકેલ દરેક પોસ્ટ હવેથી બે દિવસ માટે બ્લોગ પર રહેશે.  દર બીજે દિવસે નવી પોસ્ટ મૂકવા અમો નમ્ર કોશિશ કરીશું જેની નોંધ લેવા વિનંતી.

આપ બ્લોગ પર મૂકાતી પોસ્ટની  નિયમિત મેઈલ દ્વારા જાણકારી ઇચ્છતા હોય તો, આપના મેઈલ આઈ ડી દ્વારા અમોને રિક્વેસ્ટ મોકલવા વિનંતી. બીજું ખાસ એ કે, જે મિત્રોને અમારા દ્વારા હાલમાં મોકલવામાં આવતી જાણકારી ના  મેઈલ મેળવવા પસંદ ન હોય તો, ખાસ વિનંતી કે અમોને મેઈલ લીસ્ટમાંથી આપનું નામ રદ કરવા વિના સંકોચ જાણ કરશો, આપને પડેલ તકલીફ બદલ ક્ષમા ચાહિએ છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli