નિસર્ગને ખોળે આવેલ કાસ પઠાર … (ઘર આગણું) …

નિસર્ગને ખોળે આવેલ કાસ પઠાર … (ઘર આગણું) …

 

 

KAAS PATHAR

 

 

ભારતમાં વર્ષાઋતુને સૌ કોઈ રંગેચંગે વધાવે છે. વાવણી કર્યા બાદ વરસતો વરસાદ ભરપૂર ધન ધાન્ય ઉગાડે છે. પૂરા વર્ષ દરમ્યાન આ એક માત્ર એવો સમય છે જેમાં કુદરત ચોખ્ખા જળથી નહાઈને સ્વચ્છ થઈ જાય છે.  કુદરતનાં આ સ્નાન બાદ સમગ્ર જીવસૃષ્ટિ આનંદનાં અતિરેકથી છલકાઈ જાય છે,  ત્યારે એક વિચાર હંમેશા આવે છે કે ચાલો પ્રકૃતિથી ન્હાતી કુદરતને નજીકથી નિહાળવા માટે ઘરનાં રૂટિન કાર્યોમાંથી થોડા દિવસ રજા લઈએ.  સામાન્ય રીતે આપણે કુદરત છલકાવતાં વિદેશોની ધરતી પર ફરતાં હોઈએ છીએ ત્યારે આપણને સહેજે પણ ખ્યાલ નથી હોતો કે જેને નજીકથી જોવા માટે આપણે આટલા દૂર આવ્યાં છીએ તેનાં બદલે જો ઘર આગણું બદલ્યું હોત તો આજ પ્રકૃતિનુ એક વિશિષ્ટ રૂપ જોવા મળ્યું હોત.  ચાલો તો આજે આપણે પણ એક એવું જ ઘર આંગણ બદલીએ અને વિશેષ દૂર ન જતાં નજીક જ જઈએ….

 kas pathar.3

વર્ષાઋતુ બાદ સુંદરતા શું છે ?   શું સુંદરતાની કોઈ વ્યાખ્યા છે ખરી કે?  કદાચ આ પ્રશ્નનો ઉત્તર ના જ હશે કારણ કે કહે છે કે જેવી દૃષ્ટિ હોય તેવી જ સૃષ્ટિ દેખાય છે.  પરંતુ તેમ છતાં યે સુંદરતાની કોઈ વ્યાખ્યા આપવી જ હોય તો ભારતની પશ્ચિમી ઘાટ ઉપર આવેલ શિવાજી મહારાજની અતિ પ્રિય એવી સહ્યાદ્રીની પર્વતમાળને આપણે સંપૂર્ણ સુંદરતાનું નામ આપી શકીએ.  વર્ષાઋતુમાં આ સ્થળ રહસ્યમયી વાદળો સાથે ગુફ્તગુ કરતું હોય છે, તે સમયે આ ઘાટની સુંદરતા ઓર નીખરી ઊઠે છે.  વર્ષાનાં આગમન બાદ સહ્યાદ્રી ચારેય બાજુથી રંગોની શોભા, શીતળતા, સુંદરતા અને નિખારતાથી દૃષ્ટિગોચર થાય છે ત્યારે એવું લાગે છે કે હમણાં જ કોઈ દેવકન્યાએ ભૂમિ પર પોતાનાં પ્રથમ પગલાં મૂક્યા છે. લીલીછમ લીલોતરી, જ્યાં જુઓ ત્યાંથી વહેતા સ્વયંભૂ ઝરણાઑ, ફૂલોની ચાદરથી છવાયેલ હરિયાળી ધરતી, વાદળો અને પર્વતની શિખાઓનું મધુરા મિલનનો સ્વાદ લેતી પ્રકૃતિ, અને પ્રકૃતિ સાથે વિવિધ પ્રકારનાં કિટકો, પતંગિયાઓની આંખ મિચોલીનો ખેલ જોઈ કોઈનું મન ન મોહાય તેવું બની જ ન શકે.

 kas pathar.1

નિસર્ગનાં સંપૂર્ણ સૌંદર્ય સાથે છલકાતી સહ્યાદ્રીની આ પર્વતમાળામાં સતારાથી ૨૨ કિલોમીટર અને પુણેથી ૧૩૩ કિલોમીટરની દૂરી પર કાસ પઠાર નામનું પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફી માટે આદર્શ અને ઉત્તમ ટુરિસ્ટ પોઈન્ટ આવેલ છે. કાસ એ માનવસર્જિત તળાવનું નામ છે. આ તળાવ લગભગ ૧૦૦ વર્ષ પહેલા બંધાયેલું તેવી માન્યતા છે અને પઠાર યાને પર્વતમાળાનો હિસ્સો. આમ સહ્યાદ્રીની પર્વતમાળાને નામ અપાયું છે કાસ પઠાર.  આમ તો આ સ્થળ ખૂબ જ સુંદર અને રમણીય છે.  વસંત (માર્ચ-એપ્રિલ) અને વર્ષાઋતુ (સપ્ટે –ઑક્ટો) દરમ્યાન અહીં ૧૬૦ પ્રકારનાં વિવિધ રંગ અને પ્રકૃતિ ધરાવતાં ફૂલ એકસાથે ખીલી ઊઠે છે ત્યારે આ સ્થળ એક અદ્ભુત વન્ડરલેન્ડમાં ફેરવાઇ જાય છે.  પરંતુ વસંત અને ચોમાસાની ઋતુ બંનેમાં ખિલતા આ વાઇલ્ડ ફ્લાવર્સનાં રંગ અને રૂપ જુદાજુદા હોય છે તેથી આ બંને સિઝનમાં ખિલતા ફૂલોને જોવાનો એક જ અલગ લ્હાવો છે.

 

ખાસ કરીને વર્ષાઋતુમાં તો આ ફૂલોનું રૂપ એકદમ અલગ હોય છે. દૂર-સુદૂર સુધી જ્યાં નજર પડે છે ત્યાં સુધી ગુલાબી, પીળા, કેસરી, જાંબલી, બ્લૂ વગેરે વિવિધ રંગોનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે ત્યારે ફૂલોની નગરી પર આવી ગયાં હોવાનો અહેસાસ થાય છે.  આ ફૂલો સિવાય આ પર્વતમાળામાં લગભગ ૧૦૦૦ એકરનાં વિશાળ વિસ્તારમાં જંગલો સહિત ૩૦૦ પ્રકારનાં વન-વનસ્પતિ અને ઓર્કિડ પણ જોવા મળે છે.  અહીં જોવા મળતા અમુક shrubs અને plants માંસભક્ષી અને કીટક ભક્ષી છે. અહીં કાસ લેક ઉપરાંત કોયના ડેમ પણ આવેલો છે.  જેમ જેમ કાસ ઘાટ ચડતાં જઈએ તેમ તેમ વેલીઑમાં રહેલો કોયના ડેમ ચોખ્ખો દેખાવા લાગે છે.  આ સ્થળ મુલાકાત માટે આદર્શ સમય માર્ચ, એપ્રિલ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરનાં પ્રથમ વીક વચ્ચે હોય છે.  અહીં આવેલ ચંડોલી નેશનલ પાર્ક અને કોયના વાઇલ્ડ લાઈફ સેંચુરીમાં વાઘનું સંવર્ધન થતું હોવાથી આ બંને સ્થળોને “Sahyadri Tiger reserve”તરીકે પ્રસિધ્ધ કરવામાં આવ્યાં છે. આ સ્થળ વનસ્પતિ અભ્યાસોમાં ભવિષ્યના સંશોધન માટે સંભવિત સાઇટ પૂરી પાડે છે, તેથી તાજેતરમાં આ સ્થળને યુનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન અર્થાત યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

 

કાસ પઠારની નજીક જોવાના અન્ય સ્થળો …

 

કાસ પઠારથી થોડે દૂર સજ્જનગઢ આવેલ છે. ૧૩૪૭ થી ૧૫૨૭ વચ્ચે આ સ્થળનું નામ અશ્વલયા રિશિ હતું જેનું કાળાતરે નામ સજ્જન ગઢ થયું. અહીં શિવાજી મહારાજનાં અનેક કિલ્લાઓમાંનો આ એક કિલ્લો છે. અહીં શિવાજી મહારાજનાં ગુરુ સ્વામી સમર્થ રામદાસજીની સમાધિ આવેલ છે. શિવાજી જયંતિને દિવસે આ કિલ્લાની પરિક્રમા કરવા માટે અનેક લોકો આવે છે. શિવાજી મહારાજ અને સહ્યાદ્રીનાં ઇતિહાસને જાણવાની ઈચ્છા રાખનારા લોકો માટે કાસ પઠાર, સતારા અને સજ્જન ગઢની ટૂર ખૂબ સારી પડે છે. આ ઉપરાંત કોયના ડેમ, ચંડોલી નેશનલ પાર્ક, ટાઇગર પાર્ક વગેરે જોવા જેવા સ્થળો છે. પરંતુ આ પાર્ક સહિત તમામ સ્થળો જોવા માટે ઓછામાં ઓછા ૨ થી ૩ દિવસ હોય તો સુંદર રીતે કુદરતમાં વસેલા આ સ્થળોને માણી શકાય છે.

 

કેવી રીતે પહોંચશો ? … 

 kas pathar.2

સતારા છોડ્યા બાદ કાસ પઠાર સુધી પહોંચવા માટે સુંદર વળાંકો વાળો ઘાટ છે. ઝીકઝાક વળતાં આ રસ્તાઓમાં સ્લો ડ્રાઇવિંગ કરતાં કરતાં રસ્તાની આજુબાજુ રહેલ સુંદરતાનો ઘૂંટ ધીરે ધીરે પીવાનો આનંદ અત્યાધિક આવે છે.  હિમાલયની ફૂલોની વેલી ન જઈ શકતાં લોકોએ આ સ્થળને પણ “ફૂલોની વેલી” નામ આપ્યું છે જે પૂર્ણ રીતે યથાર્થ છે. સ્થાનિક લોકો આ સ્થળને “પર્વતાચે ફૂલ”ને નામે ઓળખે છે. આ સ્થળે પહોંચવા પૂર્વે ઘાટ ઉપર ટોલનાકું છે જ્યાં ટોલભર્યા બાદ અને ટિકિટ લીધા બાદ આગળ વધી શકાય છે.

 

મુંબઈ-પૂનાથી સતારા અને ત્યાંથી કાસ પઠાર સુધી પહોંચવા માટે ટેક્સી, બસ વગેરેની સુવિધા મળી જાય છે. પરંતુ ઘાટ, હરિયાળી, અને ખીલી રહેલી પ્રકૃતિનાં વિવિધ એંગલથી ફોટાઓ લેવા માટે પોતાની કાર હોય વધુ સારું પડે છે.  સતારામાં ફૂડ હોલ્ટ લેવા માટે હાઇવે ઉપર આવેલ Kas Lake, Maharaja વગેરે બે-ત્રણ સારી હોટેલ મળી જાય છે, પરંતુ પ્રોપર સતારામાં સારી હોટેલની કમી છે.  ઉપરાંત અહીં બપોરે ૨.૦૦ વાગ્યા સુધી જ ફૂડ મળે છે બપોરે ૨:૦૦ વાગ્યાથી સાંજનાં ૫-૩૦ સુધી હોટેલ બંધ રહે છે. તદ્પરાંત સતારા છોડયા બાદ કાસ પઠાર સુધીનાં રસ્તાઓ પર ફૂડ કે પાણી મળતું નથી, માટે આ જરૂરિયાતોને સતારાથી જ પૂર્ણ કરી દેવી અથવા પૂર્ણ સ્ટોક લઈને નીકળવું જેથી તકલીફ ન પડે. આ ઉપરાંત ફૂલો ખીલવાની સિઝનનો સમય જાણીને જ નીકળવું જરૂરી છે, અન્યથા ફેરો ફોગટ ગયો હોવાની લાગણી થાય છે.  ઇંગ્લિશમાં Kas plateau અને મરાઠીમાં કાસ પઠાર તરીકે ઓળખાતા આ સ્થળની મુલાકાત લેવા માટે  http://www.kas.ind.in  મારફતે રજીસ્ટર કરાવવું સારું પડે છે.

 

ઇતિહાસ, ફોટોગ્રાફી, કુદરત અને વર્ષાઋતુને માણવાની ઈચ્છા રાખનારાઓ આવતી નવરાત્રિ અને દિવાળીએ સતારા અને કાસ પઠારની ટૂર માટે તૈયારી કરવાનું ન ભૂલશો. All the Best.

 

 

પાંચમી દિશા ડિસેમ્બર 2013 માં પ્રકાશિત

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

w.http://pareejat.wordpress.com

 

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 આજથી પ્રારંભ થતા શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli