સહ-અસ્તિત્વની ભાવના …

સહ-અસ્તિત્વની ભાવના …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 
sahastitva
 

 

હાલના સમયમાં શાંતિમય સહ-અસ્તિત્વની ભાવનાનો છેદ ઊડી ગયો છે એમ કહેવું ખોટું નહી ગણાય. બીજાને પોતાના કરતા નીચી કક્ષાના ગણવા એ સામાન્ય થઈ પડ્યું છે. આ માટે માનવી-માનવીમાં રહેલા ભેદભાવો જવાબદાર છે. આ બધું દૂર કરવું જરૂરી છે જેથી સહ-અસ્તિત્વની ભાવના પુન: સ્થાપિત થાય.

 
શું જન્મ સમયે શિશુને ખબર હોય છે કે તેનો ક્યો ધર્મ છે? જ્યારે તે સમજણો થાય છે ત્યારે તેને જાણ કરવામાં આવે છે કે તે ક્યા ધર્મનો છે. વળી દરેક ધર્મમાં પણ અનેક ફાંટા હોય છે જેમાંથી તેનો ફાંટો તેના ઉપર ઠોકી બેસાડવામાં આવે છે. આ માટે તેનું કુટુંબ, સમાજ અને ભણતર પણ જવાબદાર બની રહે છે. કુટુંબીજનો, મિત્રો અને પાડોશીઓની ચઢવણી તેનામાં અન્ય પ્રત્યે ધિક્કારની લાગણી ઉપસાવવામાં મદદરૂપ થાય છે.

 
આ ધિક્કારની લાગણી ફક્ત જાણીતી વ્યક્તિ માટે હોય છે તેમ નથી. અજાણી વ્યક્તિ કે કોમ માટે પણ હોઈ શકે છે. કઈક અંશે હાલના પ્રચાર માધ્યમો અને અન્ય ઉપકરણો આ માટે ભાગ ભજવે છે. સાચા માર્ગે દોરનાર ન હોવાથી આ લાગણી નકારાત્મક ભાગ ભજવે છે. આ નકારાત્મક વલણને કારણે આજે વિશ્વ ભડકે બળે છે તે સર્વવિદિત છે અને બધા રાષ્ટ્રો આજે આતંકવાદ, બળવા અને લૂંટફાટથી રંગાયેલા છે.

 
એક વાર અપાયેલી સમજ ઘર કરી જાય પછી તેને ઉખેડવી સહેલી નથી. પણ માતા-પિતા બાળકના બચપણમાં જ સર્વધર્મની ભાવનાનું આરોપણ કરશે તો ભવિષ્યમાં તેનું વલણ સકારાત્મક બની રહેશે.

 
એ તો જગજાહેર છે કે મનુષ્યનું લોહી એક જ રંગનું છે – લાલ, ભલે તે કોઈ પણ ધર્મ કે રાષ્ટ્ર્નો હોય. તો પછી એક રંગનું લોહી હોવા છતાં શા માટે તે ધર્મના નામે યુધ્ધો દ્વારા ધિક્કારની લાગણી અને વર્ગ-વિગ્રહ કરાવે છે ?

 
કોણ જવાબદાર છે આ બધા માટે? બેશક રાજકીય અને ધાર્મિક નેતાઓ. કોઈ પણ દેશમાં આ સત્ય રહેવાનું કારણ દરેકનું ધ્યેય હોય છે મતબેંક અને સમાજ પર પોતાની પકડ જમાવી રાખવાનું. તે માટે તેઓ ગમે તે હદ સુધી જઈ શકે છે અને તેના દ્વારા તેઓ ધાર્મિક ઝનૂન અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ધિક્કારની લાગણીને બરકરાર રાખવામાં સફળ રહે છે. સમજદાર લોકો આવા ભટકેલા લોકોને સાચા રાહે લાવવા પ્રયત્નશીલ હોય છે પણ વગદાર લોકો અને પ્રસાર માધ્યમોનાં ખોટા પ્રચારને કારણે તેમને જોઈતી સફળતા મળતી નથી. આને કારણે સામાજિક વાતાવરણ ડહોળાયેલું રહે છે, કારણ ‘દીવાઇડ એન્ડ રુલ‘નો સિધ્ધાંત કામ કરી જાય છે.

 
શાંતિમય સહ-અસ્તિત્વ એટલે ફક્ત લડાઈ ઝઘડા વગરનું જીવન નહી પણ અન્યના વિચારો અને રહેણી-કરણીને સમજવા અને સ્વીકારવા તે. આપણા ધર્મગ્રંથો અને વિદ્વાનોનાં પ્રવચનોનો આજ સૂર છે. જો તેને અનુસરીએ તો જીવન સુખમય બની રહે. આની શરૂઆત ઘરથી કરી પાડોશ, મહોલ્લો, નગર અને દેશભર સુધી પહોચાડવાની નેમ રાખવી જરૂરી છે. એકવાર આ થાય તો દુનિયાભરમાં તેનો ફેલાવો સહેલાઈથી થઈ શકે. શરૂ શરૂમાં બીજાના વિચારો અને લાગણીઓને સમજવા અને અપનાવતા થોડી મુશ્કેલી થશે પણ એક વાર પહેલ કર્યા પછી તે આસાન બની રહેશે. કદાચ તમે તેની રહેણીકરણીને અપનાવી ન શકો પણ તેને કારણે તેમના પ્રત્યે ધિક્કારની લાગણી શું યોગ્ય છે ?

 
અવારનવાર થતી કુદરતી આફતો વખતે આપણે અનુભવ્યું છે કે લોકો ભલે એક બીજાને ન ઓળખતા હોય, ન તો તેમના ધર્મ કે જાતી વિષે જાણકારી હોય છતાં તેઓ પણ મદદ માટે દોડી જાય છે. તો શું સુખમય સહ-અસ્તિત્વ માટે આપણે આવી કુદરતી આફતોની રાહ જોવી ?

 
આ સવાલ વિદ્વાનોને કરશો તો જવાબ નાં હશે કારણ શાંતિમય સહજીવન એ આજના સમયની એક પ્રાથમિક જરૂરીયાત છે અને તેથી તેને અપનાવવાની કોશિશ દરેકે કરવી જરૂરી છે. આ સામાન્ય માનવીની સમજ બહાર હોય દંગાફસાદ થતા જ રહે છે.

 
એમ નથી કે આનો અપવાદ નથી. આપણે અવારનવાર સમાચારપત્રો અને અન્ય માધ્યમો દ્વારા જાણીએ છીએ કે એક ધર્મના લોકો અન્ય ધર્મના તહેવારો અને ઉત્સવોમાં હોંશે હોંશે ભાગ લે છે. વળી એવા પણ કિસ્સા જાણમાં આવ્યા છે કે એક ધર્મના લોકો બીજા ધર્મના મદિર-મસ્જિદની સંભાળ લેતા હોય છે. પણ આવા કેટલા અને આવી વ્યવસ્થા સ્વીકારનાર કેટલા? કારણ આજનો સમાજ ધર્મ, જાતિ અને વર્ગના ભેદભાવ ઉપર મજબૂત પાયે ઉભો છે અને તેને કારણે અન્ય પ્રત્યેની અને તેના ધર્મ અને વિચારો પ્રત્યેની ધિક્કારની લાગણી પ્રબળ બની રહી છે.

 
આ બધું દૂર કરવા ક્યારેક તો કોઇકે પહેલ કરવી રહી જેથી માનવી-માનવી ખભેખભા મિલાવી ઉભો રહી શકે. આપણે સૌ પોતાનાથી શરૂ કરીએ તો ધ્યેય સુધી પહોંચતા વાર નથી. પહેલી જરૂરી છે સહિષ્ણુતાની જેની મર્યાદા હાલ બહુ નિમ્ન સ્તરે છે. એકબીજાના નાના વિખવાદો અને મતભેદો સહન કરવાની શરૂઆત કરીએ તો તે જરૂર મદદરૂપ થઈ પડશે. જેમ જેમ આ અપનાવશો તેમ તેમ સહિષ્ણુતાનો આંક ઉપર જશે. પરિણામે યોગ્ય વિચારનારાઓની સંખ્યામાં વધારો થવા માંડશે. આ લોકો અન્યને પોતાની વાત સમજાવવા સક્ષમ થશે અને તેને કારણે સહ-અસ્તિત્વની ભાવનાનો ફેલાવો વિસ્તરશે.

 
વિચાર પરિવર્તન સમય માંગી લે તેવું કાર્ય છે પણ તે અશક્ય નથી. જો કે શહેરી નાગરિક કરતાં ગ્રામ્યજનોમાં આ પરિવર્તન વધુ સમય માંગી લેશે કારણ તેમનું ઓછું ભણતર અને જૂની વિચારધારા. જે ગામના લોકો આ ફિલસૂફી પચાવી ગયા છે તે અન્યોથી આગળ નીકળી ગયા છે.  પણ આવા ગામોની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી છે. અન્ય ગામો તેમનો દાખલો લે તો તેઓ પણ સહ-અસ્તિત્વનો ધ્યેય સહેલાઈથી પ્રાપ્ત કરી શકે. કામ વિકટ છે પણ ક્યારેક તો શરૂઆત કરવી રહી.

 
ભલે ભારતદેશ ધર્મનિરપેક્ષ હોય પણ તે અનેક ધર્મો ધરાવે છે. બધા જ ધર્મો અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતા રાખવાની હિમાયત કરે છે તેમ છતાં નફરતની ભાવના ઓછી નથી થતી. આ લોકો ભૂલે છે કે આવી ભાવના ઉન્નતિની રાહે નહી પણ ભય અને વિધ્વંસ તરફ દોરી જાય છે., આપણો ઈતિહાસ સાક્ષી છે કે આવી લાગણીને કારણે સદીઓથી કઈ કેટલાયે યુધ્ધો ખેલાઈ ગયા છે અને વિનાશ સર્જી ગયા છે. આ જ કારણે કોમવાદ પણ હજી પ્રવર્તે છે. આ ભૂતકાળ પરથી જો એમ શીખીએ કે ‘જીવો અને જીવવા દો’ અને તેનો પ્રચાર કરીએ તો તે સર્વના હિતમાં છે.
 

 
– નિરંજન મહેતા (મુંબઈ)
 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  નિરંજનભાઈ મહેતા (મુંબઈ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી ના સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli