મુક્તિનો માર્ગ … (વિવેકવાણી) …

મુક્તિનો માર્ગ … (વિવેકવાણી) …

 

 
mukti
 

 

.. એટલું સમજી લેજો કે આપણા પૂર્વજોએ શોધી કાઢેલું મહાનમાં મહાન સત્ય – વિશ્વ એક છે – એ છે.  પોતાને ઇજા પહોંચાડ્યા વિના કોઈ પણ માણસ બીજાને ઇજા પહોંચાડી શકે ખરો ?  બ્રાહ્મણો અને ક્ષત્રિયોની જોહુકમી તેમના પોતાના જ માથા ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પછડાઈ છે, અને કર્મનો નિયમ હજારો વરસ થયાં તેમના ઉપર ગુલામી અને અધ:પતન લડી રહ્યો છે.

 

આપણા એક પૂર્વજે જે કહ્યું હતું તે એ છે :  ‘ઈહૈવ તૈર્જિત: સર્ગો યેષાં સામ્યે સ્થિતં મન:’.

 

‘જેમનું મન સમસ્વરૂપ પરમાત્મામાં સ્થિર થયું છે, તેઓ આ જીવનમાં જ જગ જીતી ગયા છે.’  આ પૂર્વજને ઈશ્વરના અવતાર માનવામાં આવે છે.  આપણે સહુ એ માનીએ છીએ.  તો શું તેમના શબ્દો વ્યર્થ અને નિરર્થક છે ?  જો ન હોય અને આપણે જાણીએ છીએ કે એ નથી, તો જન્મ, જાતી, અરે અધિકારની સુદ્ધાં ગણતરી વિના, આ આખી સૃષ્ટિના સંપૂર્ણ ઐક્યની વિરુદ્ધનો કોઈ પણ પ્રયાસ, એક ભયંકર ભૂલ છે.  અને જ્યાં સુધી આ સામ્યની ભાવનાનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર થાય નહિ.

 

માટે ઉચ્ચ્વંશી રાજવી !  વેદાંતના ઉપદેશને અનુસરો.  આ કે પેલા ભાષ્યકારે સમજાવ્યા છે તે મુજબ નહિ, પરંતુ તમારી અંદર ઈશ્વર જેમ સમજે છે તે મુજબ અનુસરો.  સૌથી વધારે તો સર્વ ભૂતોમાં, સર્વ વસ્તુઓમાં, સર્વ કંઈમાં એક ઈશ્વરને જોઈને સમત્વના આ મહાન સિદ્ધાંતને અનુસરો.

 

આ છે મુક્તિનો માર્ગ; અસમાનતા એ બંધનનો માર્ગ છે.  કોઈ પણ માણસ અને કોઈ પણ પ્રજા, શારીરિક સમાનતા સિવાય શારીરિક મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરી ન શકે, અગર માનસિક સમાનતા સિવાય માનસિક મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરી ન શકે.

 

અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુઃખના કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે.  માણસે પોતાની જાતને બીજા માણસ કરતાં કે પશુ કરતાંય પણ ઊંચી શાં માટે માનવી ?  સર્વત્ર એ સમસ્વરૂપ પરમાત્મા જ છે: ‘ત્વં સ્ત્રી ત્વં પુમાનસિ ત્વં કુમાર ઉત વા કુમારી.’  તું જ પુરુષ છે, તું જ સ્ત્રી છે.  તું જ યુવાન છે, યુવતી પણ તું જ છે.’

 

કેટલાક કહેશે કે ‘એ બધું સંન્યાસીને માટે ઠીક છે પણ અમે તો ગૃહસ્થાશ્રમી માણસને બીજી અનેક ફરજો બજાવવાની હોવાથી આ સમત્વને તે એટલી સંપૂર્ણતાથી પહોંચી ન શકે છતાં આદર્શ તો આ જ હોવો જોઈએ, કારણ કે બધા સમાજોનો, સમગ્ર માનવ જાતનો, સર્વ પ્રાણીઓનો, સમસ્ત પ્રકૃતિનો, આદર્શ આ સમત્વને પ્રાપ્ત કરવાનો જ છે.  પરંતુ અફોસોસ !  એ લોકો એમ ધારે છે કે સમાનતા પ્રાપ્ત કરવાનો રસ્તો અસમાનતા છે.  કેમ જાણે કે ખોટું કરવાથી સત્યને પહોંચતું હોય !

 

આ અસમાનતા માનવ સ્વભાવનું હળાહળ વિષ છે, માનવજાત પરનો શાપ છે, સર્વ દુઃખોનું મૂળ છે.  શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, સર્વ બંધનોનું આ મૂળ છે.

 

સમં પશ્યન્ હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્ |  ન હિનસત્યાત્મનાત્મનં તતો યાતિ પરાં ગતિમ્ ||

 

‘સર્વત્ર ઈશ્વરને સમભાવે રહેલો જોવાથી તે આત્માને આત્માથી હણતો નથી, અને તેથી પરાં ગતિને પામે છે.’  આ એક જ વચનમાં, થોડા જ શબ્દોમાં, મુક્તિનો વિશ્વવ્યાપી માર્ગ સમાયેલો છે.

 

–     સ્વામી વિવેકાનંદ

(‘સ્વા.વિવે.ગ્રં.મા’ ભાગ-૫, પૃ.૨૫૮-૫૯)

 

રા.જ.૦૪-૦૬/૫.

 

 

કોઈ નિર્જન સ્થળે તમે સાધના કરો તો, તમને લાગશે કે તમારું મન દ્રઢ બન્યું છે ને પછી સમાજથી જરાય લેપાયા વિના તમે ગમે ત્યાં રહી શકશો.  છોડ નાજુક હોય ત્યારે એની આસપાસ વાડ કરિ લેવી જોઈએ એ મોટો થાય ત્યારે ગાય-બકરાં એને કશું કરિ શકે નહિ.  નિર્જન સ્થળે સાધના કરવી જરૂરી છે.

 

–     શ્રીમા શારદાદેવી

 

 

જેમ મનુષ્ય વધારે મહાન હોય તેમ તેમ તેને વધારે ને વધારે કપરી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હોય છે.  વ્યવહારિક જીવનની કસોટી દ્વારા તેમનું જીવન સાચા તરીકે સાબિત થયું હોય છે; પછી જ દુનિયાએ તેમને મહાન તરીકે સ્વીકાર્યા હોય છે.  જેઓ પોચા દિલના કે ડરપોક હોય છે તેમની જ જીવનનૌકા કિનારા પાસે સાગરનાં તોફાની મોંજાઓથી ડરીને ડૂબી જાય છે.  જે વીર હોય છે તેઓ આ તોફાનો તરફ નજર પણ નથી નાખતા.  ‘ગમે તે થાય મારે મારા આદર્શે પહોંચવું જે છે !’  આ છે પુરુષાર્થ, મર્દાઈભર્યો પ્રયાસ.  આવા વીર્યવાન પુરુષાર્થ વિના તમારી જડતા દૂર કરવામાં, ગમે તેટલી દીવી સહાય પણ કામ નહીં આવે.

 

–     સ્વામી વિવેકાનંદ

 

 

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli