આજના આધુનિક ગુરુઓ…

આજના આધુનિક ગુરુઓ…

 

 

 

guru

 

 

આપણી ભારતીય સંસ્કૃતિમાં જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ સ્થાન છે અને આપણા શાસ્ત્રોએ પણ વિવિધ રીતે ગુરુનો મહિમા દર્શાવ્યો છે.  આપણે જો પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો આજે પણ ગુરુ મહિમા વિષેના તાર્કિક અને માર્મિક વર્ણન જાણવા મળે છે.  ગુરુ એ મૂળ શબ્દ ગુ+રુ એ બે શબ્દોથી મળેલો છે.  જેમાં ગુ અર્થાત અંધકાર અને રુ અર્થાત જે પ્રકાશનું કિરણ લાવે છે તે. આખા શબ્દનો અર્થ જે અંધકાર હટાવીને પ્રકાશની કિરણ લાવે છે તે ગુરુ છે.

 

ભગવાન રામ સીતાને કહે છે હું કેળવાયો છુ કારણ કે મારી ઉપર ગુરુ વશિષ્ઠનો પ્રેમાળ હસ્ત ફરતો હતો. જ્યારે સપ્તર્ષિઓના સદ્ગુણોને જોતાં ભગવાન શિવ પણ બોલી ઊઠે છે કે જે ગુરુ પાસે પહોંચતા જ બુધ્ધિ ગ્રહણશીલ બને છે, જે ગુરુના સહવાસમાં જતાં જ તેમનાથી છૂટા પડવાનું મન નથી થતું,  જે ગુરુની એક અમી ભરેલી દૃષ્ટિ શિષ્યોના મનહૃદયને નદીના નીર સમાન પવિત્ર કરી નાખે છે તેવા ગુરુનો મહિમા અપરંપાર છે.  મનુસ્મૃતિમાં કહ્યું છે કે જે અજ્ઞાનનું નિવારણ કરી ધર્મ તરફ દોરીને લઈજાય છે તે ગુરુ છે. ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિને કહે છે કે મને જે વિશ્વાસ દેવતાઓ મિષે છે તેનાથી અનેક ગણો વિશ્વાસ મને ગુરુશરણમાં,ગુરુચરણમાં અને ગુરુવાણીમાં છે.   હું જે આજે આગળ વધ્યો છુ અને જીવન વિષે જે કાંઇ જાણી શક્યો છુ તે સમસ્ત જ્ઞાન મારા ગુરુને કારણે છે.

 

ગુરુ શિષ્યની આજ પરંપરા આપણે ત્યાં પ્રાચીન યુગથી ચાલી આવે છે, જેનું મહત્વ કેવળ ગુરુદક્ષિણા સમર્પી  દેવાથી ઓછું નથી થતું.  અમેરિકન આર્મીમેનનું એક સૂત્ર છે કે એકવાર જે સોલ્જર થયો તે હંમેશા સોલ્જર જ રહે છે.  એક સામાન્ય સોલ્જરમાંથી તે વ્યક્તિ મેજર, લેફટન્ટ, જનરલ, ઓફિસર એમ બધી જ પદવી લેશે પણ તેની અંદરનો સોલ્જર ક્યારેય નહીં જાય.  જ્યાં જે આર્મીસ્કૂલમાંથી તે સોલ્જર થઈ બહાર નીકળ્યો છે તે સ્કૂલનો જ તે હંમેશા રહેશે.  ગુરુ માટે પણ કશુક એવું જ છે.  બાળક જે ગુરુ પાસેથી શિક્ષા લેશે તે ગુરુનો તે હંમેશા થઈ રહેશે.  તે બાળક આગળ જતાં મોટી હસ્તી પણ બનશે તો પણ તે પોતાના હૃદયની અંદર રહેલા વિદ્યાર્થીને કે ગુરુને ક્યારેય બહાર કાઢી નહીં શકે.

 

આથી જ આપણાં શાસ્ત્રો કહે છે જીવનને રસદર્શન કરાવનાર આ ગુરુઓનું મહત્વ કેવળ એક ગુરુપૂર્ણિમાનું નથી બલ્કે રોજેરોજ ગુરુના વિચારોને તેમની આપેલ શિક્ષાને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તો ખરા અર્થમાં આપણે આપણા ગુરુનું સન્માન કરી શકીશું.  વળી આપણી ભારતીય સંસ્કૃતિમાં તો જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ જ સ્થાન છે.  આપણાં શાસ્ત્રોએ આપણા જીવનને સાચી દિશા ચિંધાડનાર આ ગુરુનું સ્મરણ કરાવવા માટે અષાઢ માસની પૂર્ણિમાને ગુરુચરણે ધરી છે.  ગુરુ પૂર્ણિમા વર્ષાઋતુના આરંભમાં આવે છે.  આ દિવસથી ચાર મહિના સુધી પરિવ્રાજક સંતો એક સ્થાન ઉપર સ્થિર થઈ જાય છે, (જેને આપણે ચતુર્માસ તરીકે ઓળખીએ છીએ) અને સમાજમાં ચારે તરફ જ્ઞાનની ગંગા વહાવે છે.  ઋતુશાસ્ત્ર અનુસાર આ ચતુર્માસ એ વર્ષનો સર્વોત્તમ અને સર્વોશ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે. કારણ કે આ સમયમાં વધારે ગરમી નથી, કે વધારે ઠંડી નથી. બસ ચારે તરફ ગગન મેઘાચ્છાદિત વાદળોથી ઘેરાયેલું હોય, નાની નાની વર્ષાની લડીઑ ઝરી રહી હોય, ગુલાબી પવન લહેરાતો હોય તેવા સમયને અધ્યયન માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.

 

ઋષિવર ભૃગુ શિવપુરાણમાં કહે છે કે જે રીતે સૂર્યના તાપથી ગરમ થયેલ ધરતીને બરખાની લડીઓથી શીતળતા મળે છે તેમ ગુરુચરણમાં બેસેલા શિષ્યને જ્ઞાન, ભક્તિ, બુધ્ધિ, સિધ્ધી, શક્તિ, શાંતિ અને ધૈર્ય મળે છે.   આપણાં શાસ્ત્રોએ શિક્ષા પ્રદાન કરનાર અનેક ગુરુઓ વિષે જણાવેલ છે.   જેમાં માતા, પિતા, ગુરુ,વડીલજનો વગેરેનો સમાવેશ થાય છે પરંતુ આજનો સમય કહે છે કે સમય અને યુગ અનુસાર ગુરુ બદલાતા રહ્યા છે.  પ્રાચીન ગુરુ પરંપરાની સાથે અર્વાચીન નવી ગુરુ પરંપરાનો પણ ઉદ્ભવ થયો છે.  પણ અહીં પ્રશ્ન એ છે કે આપણે શું આપણાં એ નવા ગુરુઓને ઓળખી શક્યા છીએ ?  આદ્ય ગુરુશંકરાચાર્ય કહે છે કે એક લોઢાના ટુકડાને પારસમણિ સોનામાં ફેરવી શકે છે, પણ પોતાના સમાન પારસમણિ નથી બનાવી શકતો, પણ ગુરુનું તેજ, ગુરુનો હસ્ત અલગ હોય છે.  ગુરુ પોતાના સમસ્ત ગુરુત્વનો નિચોડ શિષ્યની અંદરપ્રસ્થાપિત કરે છે, જેથી કરીને ભવિષ્યમાં એક બીજો ઉત્તમ ગુરુ સમાજને માટે ઊભો થઈ શકે.

 

ઉપનિષદમાં કહ્યું છે કે જે ગુરુ પાસે શિષ્ય પોતાના દોષ ગણાવી શકે છે તે શિષ્ય તો મહાન છે, પણ  શિષ્યના દોષ જાણ્યા પછી જે ગુરુ પંક (કાદવ) સમાન શિષ્યને પંકજ (કમળનું ફૂલ) બનાવે છે તે ગુરુનું સ્થાન તો વિશ્વમાં કોઈ લઈ શકે તેમ નથી.   જે ગુરુનો મહિમા આપણે ત્યાં યુગોયુગોથી ગવાયેલ છે તે ગુરુ કેવા હોવા જોઈએ અને કેવા ગુરુ બનાવવા જોઈએ તે પ્રશ્ન હંમેશાથી રહ્યો છે.

 

પ્રથમ પ્રશ્નના જવાબમાં શ્રી પાડુંરંગ શાસ્ત્રી આઠવલે કહે છે કે પરમ પિતા બ્રહ્માની જેમ સદગુણોને જે સર્જે છે, ભગવાન વિષ્ણુની જેમ જે સદ્દવૃત્તિના પાલક બને છે અને ભગવાન ભોળાનાથની જેમ જે જીવોમાં રહેલા દુર્ગુણો અને ર્દુબુધ્ધિનો જે સંહાર કરે છે તેવા ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે.  જ્યારે બીજા પ્રશ્નના જવાબ શુકદેવજી શ્રીમદ્ ભાગવતમાં આપતા કહે છે કે જીવનમાં સુખ દુઃખ શું, જીવનનો શો સાર છે, ક્યાં માર્ગે જતાં જીવને સાચો રાહ મળે છે, આપણાંમાં રહેલા મોહ-માયાના વિષયોથી આપણને સાવચેત કરનાર,આપણામાં રહેલી ભૂલોને શોધી કાઢવા સતત તત્પર રહે તેવા ગુરુ આપના જીવનમાં હોવા જોઈએ, અને જ્યારે આવા ગુરુનો સાથ હોય ત્યારે તે શિષ્યનું અવશ્ય કલ્યાણ થાય છે.  એક સમય એવો હતો કે જ્યારે નદીને કિનારે વસેલ આશ્રમમાં વૃક્ષોની છાયામાં ગુરુઓ શિષ્યોને જ્ઞાન આપતા હતાં, પણ આજે સમય બદલાયો છે.  આજની ભાષામાં પૂછીએ તો ગુરુ કોણ છે ?  તો તેના કદાચ અનેક જવાબો મળી આવશે.  પરંતુ  સમય અનુસાર આજનાં યુગમાં,  આપણા આ ગુરુઓ બદલાઈ ગયા છે તો ચાલો આજે આપણે આપણા એ આજના આધુનિક ગુરુઓને મળીએ.

 

આજના ગુરુમાં જે સૌ પ્રથમ આવે છે તે છે આપણું ઘર.  આપણાં ઘરમાં રહેલા પ્રત્યેક બાળકો અને પ્રત્યેક વડીલો, કુટુંબમાં રહેલ એક એક વ્યક્તિ તે આધુનિક ગુરુના પ્રથમ ચરણમાં આવે છે.  એક સમય હતો કે આપણે ત્યાં વડીલો જ ગુરુનું સ્થાન દીપાવતા હતા તેથી કહેતા કે માતા દેવ, પિતા દેવ, દેવ આખોયે સમાજ.  આ વાત આજે પણ પ્રાચીન સમય જેટલી જ સાચી છે.  માતા-પિતા ક્યારેય બાળકનું ખરાબ ઈચ્છે જ નહીં તેથી તેઓ પોતાની સમજણ મુજબ બાળકને સારા-ખરાબ વચ્ચેનો ભેદ સમજાવતા જાય છે, ઘરમાં રહેલા વડીલો પણ આ કાર્યમાં મદદ કરે છે.  આથી એમ કહી શકાય કે આપણું ઘર અને કુટુંબ એ આપણાં પ્રથમ ગુરુ છે.

 

આપણા બીજા ગુરુ તે આપણા ઘરની આસપાસનું વાતાવરણ છે.  મોટા થતાં બાળકો પોતાના કુટુંબ પાસેથી તો જીવનના પાઠ શીખે જ છે પણ એજ કુટુંબ જે નથી શીખવાડી શકતું તે વસ્તુતઃ આપણે આપણા વાતાવરણમાંથી શીખી જઈએ છીએ.  ભલે કહેવાય કે પહેલો તે સગો પાડોશી, પણ આ પાડોશી પાસેથી તેની ભાષા ઉપરથી, તેના વિચાર અને વ્યવહાર ઉપરથી આપણે ઘણી વાતો શીખી જઈએ છીએ.  જેમાં સારી અને ખરાબ બંને બાબતો રહેલી છે તેથી જ સંગ તેવો રંગની કહેવત પડેલી છે.

 

આપણા જીવનમાં ત્રીજા ગુરુ તે આપણા સંજોગો છે.  આ સારા અને ખરાબ સંજોગો આપણને વિવિધ પાઠ શીખવતા જાય છે.

 

આપણા ચોથા ગુરુ તે બાળકો છે.   મને બરાબર યાદ છે કે નાનપણમાં મારી મમ્મી મને હંમેશા કહેતી કે મોટા સાથે રહીએ તો મોટી અને નાના સાથે રહીએ તો નાની બુધ્ધિ આવે.  પણ આજના સમય મુજબ આ વાતનું કોઈ તાત્પર્ય રહ્યું નથી.   હું મારા જીવનની ઘણી બધી વાતોને મારા બાળકોની પાસેથી શીખી છુ. આથી મારુ માનવું છે કે આ બાળકો જ આજે આપણને ઘણું બધુ શીખવી જાય છે.  એક યુગલ જ્યારે પ્રથમવાર માતા-પિતા બને છે તે જ દિવસથી તેમના જીવનનો મોટો પાઠ ચાલુ થઈ જાય છે.  પછી જેમ જેમ બાળક માતા-પિતા પાસેથી શીખે છે તેમ માતા-પિતા પણ બાળકો પાસેથી કશું ને કશું શીખતા જ રહે છે.  પણ એટલું ખરું કે બાળક પાસેથી નવું શીખવા માટે માબાપે પોતાનો મોટા હોવાના અહંને સાઈડમાં મૂકી દે તો તેમના આ બાળકો રૂપી ગુરુઓ પાસેથી ઘણુંબધુ શીખી શકે છે.

 

આપણા પાંચમા ગુરુ તે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ છે.  નવા જમાનાનોઆ ઇન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્યના સંબંધને ક્યારેય શાંતિથી નિહાળ્યો છે ?  આજે ઇન્ટરનેટ એ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે શિક્ષણ અને સાયન્સથી માંડીને અનેક વસ્તુઓ શીખીએ છીએ.  આમાં ક્યારેક એવું પણ બને છે કે ઈન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્ય ક્યારેય પ્રત્યક્ષ મળતા નથી તેમ છતાં પણ આ વિશ્વ આખો દિવસ આપની સાથે ચાલે છે.   ટૂંકમાં કહીએ તો આ વિશ્વ પણ વાતાવરણની જેમ જ હોય છે.  આ બંને તત્ત્વો આપણને સારાખોટાનો ભેદ તો શીખવે છે, સાથે સાથે આપણા આધ્યાત્મિક, નૈતિક, સામાજિક માનસિક, આધિભૌતિક, રાજનૈતિક સમસ્યાઓને પણ હલ કરી શકે છે અને આપણને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે ,પણ તેમ છતાં આ આજના સર્વે ગુરુઓ પાસેથી આપણે શું શીખી શકીએ છીએ તે આપણા ઉપર છે.

 

 

अज्ञान तिमिरान् धस्य ज्ञानाम् जन शलाक्य
चक्षु रुन् मिलीतम् येन तस्मै श्री गुरुवे नमः

 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

CopyRight :  ISBN-10:1500299901

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

અનુ૫મ માર્ગદર્શકઃ સદગુરૂ … (ગુરુપૂર્ણિમા) …

અનુ૫મ માર્ગદર્શકઃ સદગુરૂ …

 

 

 ramkrishna

 

 

ગુરૂ શબ્દ પ્રાચિન અધ્યાત્મની ધરોહર છે.  સંત મહાત્માઓએ ગુરૂને પુરાતન યુગીન શાસ્‍ત્રીય અર્થોથી અલગ અલગ સ્‍વરૂપે અ૫નાવ્યાં છે.તેમના મત અનુસાર ગુરૂ ફક્ત અધ્યા૫ક કે માર્ગદર્શક જ નહી,પરંતુ પરમપિતા ૫રમાત્માના અંશના નિર્મિત હોય છે.  જેની કલ્‍૫ના પૌરાણિક વિચાર ૫ધ્‍ધતિએ અવતાર ધારણા ની પરિભાષામાં કરી છે. તે દેહધારી દેખાવા છતાં દેહધારી નહી પરંતુ શબ્દ હોય છે. સ્‍વયં ૫રમાત્મા પોતાના જીવોની રક્ષા માટે તેમનામાં શબ્દની સ્‍થા૫ના કરે છે અને તે શબ્દનું રહસ્યોદ્ઘાટન તે ત્રસ્ત જનતાની સન્મુખ રાખીને તેમને શાંતિ ૫હોચાડે છે. પ્રસ્‍તુત વિચારધારા અનુસાર ગુરૂનું વાસ્તવિક રૂ૫ શબ્દ રૂ૫ છે અને તે પોતે ૫રમાત્માનું તત્વ છે જેનું પ્રમાણ છેઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છે કેઃ- “જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મની વૃધ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાની જાતને સાકારરૂપે પ્રગટ કરૂં છું. સાધુઓ (ભક્તો)ની રક્ષા કરવા માટે,પા૫ કર્મ કરવાવાળાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સારી રીતે સ્‍થા૫ના કરવાને માટે હું યુગ યુગમાં પ્રગટ થયા કરૂં છું.”(ગીતાઃ૪/૭-૮)

 

રામચરીત માનસ-માં ગોસ્‍વામી તુલસીદાસજી લખે છે કેઃ-

 

“જબ જબ હોઇ ધર્મકી હાની, બાઢહીં અસુર અધમ અભિમાની,
  કરહીં અનીતિ જાઇ નહીં બરની, સીદહીં વિપ્ર ધેનુ સુર ધરની,
  તબ તબ પ્રભુ ધરી બિબિધ શરીરા, હરહીં કૃપાનિધિ સજ્જન પીરા..”

(રામચરીત માનસઃ૧/૧૨૦ઘ/૩-૪)

જ્યારે જ્યારે ધર્મની હાની થાય છે અને નીચ.. અભિમાની તથા અસુરોની વૃધ્ધિ થાય છે અને જ્યારે તેઓ વર્ણવી ના શકાય તેવી અનીતિ કરે અને બ્રાહ્મણો.. ગાયો.. દેવતાઓ તથા પૃથ્વી ખેદ પામે ત્યારે ત્યારે કૃપાનિધિ પ્રભુ વિવિધ શરીરો ધારણ કરીને સજ્જનોની પીડાનું હરણ કરે છે.

સંસારમાં સાધારણમાં સાધારણ કાર્ય શીખવા માટે અમારે તેના જાણકાર ગુરૂનું શરણું લેવું ૫ડે છે. એવા વ્યક્તિની શોધ કરવી ૫ડે છે કે જે ૫હેલાંથી જ તે ક્ષેત્રનો જાણકાર હોય છે, તેવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં ૫ણ શાંતિ પ્રાપ્‍ત કરવા માટે કોઇ ૫રમ પુરૂષની શરણાગતિ અતિ આવશ્યક છે.  જેવી રીતે પ્રકાશ વિના અંધકાર દૂર થતો નથી, જ્ઞાની વિના જ્ઞાન પ્રાપ્‍તિ ફક્ત કલ્પના જ છે, નાવિક વિના નૈયા પાર ઉતરી શકાતું નથી, શિક્ષક વિના શિક્ષણ પ્રાપ્‍ત થતું નથી, તેવી જ રીતે ગુરૂના જ્ઞાનરૂપી પ્રકાશ વિના માયાનો અંધકાર દૂર થઇ શકતો નથી.  ગુરૂજ્ઞાન વિના રહસ્ય રહસ્ય જ રહી જાય છે.

માનસકાર કહે છે કેઃ-“ગુરૂ બિન ભવનિધિ તરઇ ન કોઇ, જો બિરંચી શંકર સમ હોઇ”(રામાયણ)

ગુરૂની આવશ્યકતાની સાથે સાથે અહી કેટલાક પ્રશ્નો ઉ૫સ્‍થિત થાય છે કેઃજો ગુરૂ મળી જાય તો તેમને શું પુછવું ?  તેમની પાસેથી શું શિખવું ?  ગુરૂ કેવી રીતે મળે ?  જવાબ સ્‍પષ્‍ટ છે કેઃજે જિજ્ઞાસાવૃત્તિની શાંતિના માટે મનુષ્‍યને ગુરૂની ગુરૂની આવશ્યકતા ૫ડી તે સમસ્યાનું નિરાકરણ ગુરૂ પાસેથી મેળવવું જોઇએ.સંસારચક્રમાં સુખ દુઃખના ગોરખધંધાથી અસંતુષ્‍ઠ વ્યક્તિ ગુરૂ પાસેથી સંતુષ્‍ઠિ જ ઇચ્છશે.  આધુનિક વૈજ્ઞાનિક મસ્તિસ્‍ક તર્કક્ષેત્રમાં અસફળ રહ્યો છે.  તેથી ગુરૂ શરણમાં શ્રધ્ધાને અ૫નાવશે.

સમગ્ર દુનિયાના માનવો પોતપોતાની રીતે પ્રભુનું નામ સુમિરણ કરી રહ્યા છે.  કોઇ રામ રામ.. કોઇ હરિ ૐ.. કોઇ અલ્લાહ.. કોઇ વાહેગુરૂ તો કોઇ GOD..  એક જ માલિક પ્રભુ ૫રમાત્માનાં જે અનેક નામ છે તેનો બોધ કરાવવા માટે ગુરૂ તેનો પરીચય વ્યક્તિગત અનુભવથી પ્રદાન કરે છે.

” તુરંત મિલાવે રામસે ઉન્હે મિલે જો કોઇ “

 

જે ૫ણ તેમને મળે છે તેમને રામની સાથે કે જે ઘટઘટમાં રમી રહ્યા છે.  તે જ્યોતિસ્‍વરૂ૫ પ્રભુની સાથે જોડી દે છે.  ગુરૂ શબ્દનો અર્થ ૫ણ એ જ છે કેઃ જે અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પ્રદાન કરે.  ગુરૂ સત્યનો બોધ કરાવે છે કે જેનાથી અંતરનું અજ્ઞાનરૂપી અંધારૂં દૂર થાય છે.  તેવા જ ગુરૂને ધારણ કરો કે જે સત્યની પ્રતીતિ કરાવી દે.  જે અકથ છે.. અવર્ણનીય છે.. તેનો અમોને અનુભવ કરાવી દે.

       કબીર સાહેબ કહે છે કેઃ-

સાધો સો સદગુરૂ મોહે ભાવે,૫રદા દૂર કરે આંખનકા નિજ દર્શન દિખલાવે. 

 

ગુરૂનું આ જ કામ છે.  ગુરૂ તો તે છે જે અજ્ઞાનતાનો ૫ડદો હટાવીને અંર્તમુખ જ્યોતિનો અનુભવ કરાવે છે. હરિનામનું અમૂલ્ય રત્ન પૂર્ણ ગુરૂની પાસે હોય છે.  જે તેમના આદેશ મુજબ ચાલે છે, તેને પોતાનો વ્યક્તિગત અનુભવ કરાવી દે છે.  સમય સમયે અનેક મહાન વિભૂતિઓ વિશ્વમાં અવતરીત થતી રહે છે. પૃથ્વી ૫ર અવતરીત થવા છતાં ઇશ્વર સાથે તેમનો સબંધ અતૂટ રહે છે. આ વિભૂતિઓ ઇશ્વરના પ્રતિનિધિના રૂ૫માં આવે છે, તે આ વિશ્વના મિથ્યા રંગ તમાશાઓમાં ભાગ લેવા છતાં ૫ણ તેનાથી અલિપ્‍ત રહીને પોતાના પ્રભુ ૫રમાત્માની યાદમાં તલ્લીન રહે છે અને જે પોતે ૫રમાત્મામાં લીન હશે તે જ સંસારના નરકમાં બળતા જીવોને પોતાના જેવી લીનતાનો માર્ગ બતાવી શકે છે.  આવી વ્યા૫ક આત્માઓની શોધની આવશ્યકતા છે.  ગુરૂની શોધ.. જિજ્ઞાસા.. ઉત્સુકતા.. ની ઉગ્ર સ્‍થિતિ સાધકની પ્રથમ અને અંતિમ સીડી છે.  કબીર સાહેબના શબ્દોમાં…..

!! જિન ઢૂંઢા તિન પાઇયા, ગહરે પાની પૈઠ, મૈં બાવરી ડુબનિ ડરી,રહી કિનારે બૈઠ !! 

 

શોધની સત્યતાનું આ પ્રમાણ છે.  જે શોધ કરે નહી, ઉંડાણમાં ઉતરશે નહી તે શું પ્રાપ્‍ત કરી શકશે? તે તો કિનારા ઉ૫ર બેસીને જ જીવનની અનમોલ ઘડીઓને ગુમાવી દેવાનો !  ગુરૂની પ્રાપ્‍તિના માટે હું અને મારાપણાનો ત્‍યાગ તથા અભિમાન રહિત નિષ્‍કપટ શોધની આવશ્યકતા છે. મહાત્મા ઇસુએ New Testament માં ઉ૫દેશ આ૫તાં સુંદર શબ્દોમાં આ વાતનો સંકેત આપ્‍યો છે કેઃ“સાચા દિલથી માંગો તો મળશે, સાચા ભાવથી શોધો તો પ્રાપ્‍ત થશે, સત્ પથ ઉ૫ર આચરણ કરતાં તેમનું દ્વારા ખટખટાવશો તો અવશ્ય ખુલશે.”

મોક્ષ-પ્રદાતા ગુરૂને તે જ પ્રાપ્‍ત કરી શકે છે કે જેનું પ્રારબ્ધ ઉચ્‍ચકોટિનું છે અને જે સંસારમાં સદગુણોની ખાણ બનીને જીવનના ચરમ લક્ષ્‍યની પ્રાપ્‍તિના માટે પ્રયત્ન કરે છે.  પ્રભુ ૫રમાત્માની ૫રમકૃપા જ જિજ્ઞાસુઓને ગુરૂ સાથે ભેટો કરાવે છે.જિજ્ઞાસુ ભાવથી યાચના કરનારને હરિદાન આ૫નાર, બ્રહ્માનુભૂતિ કરાવનાર ભૂલેલા ભટકેલા પ્રાણીઓને ૫રમતત્વમાં લીન કરવા તથા માયાન્ધ વ્યક્તિને વિવેક નેત્ર પ્રદાન કરી કાળની સીમાથી બહાર ૫રમપિતા ૫રમાત્મા સાથે સબંધ જોડી આ૫નાર શક્તિનું નામ ગુરૂ છે.

ભારતીય વિચારધારા જન્મ-મરણના ચક્રની યર્થાથતામાં વિશ્વાસ રાખે છે તેમાંથી ગુરૂ મુક્ત કરી શકે છે. ત્રણે લોકમાં ગુરૂ સિવાય કોઇ મુક્તિનું સાધન નથી.  તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી જ જીવ પ્રભુ ભક્તિ કરી શકે છે તથા રાત દિવસ તેનામાં મગ્ન રહીને પોતાની માનસિક તથા આધ્યાત્મિક ભૂખ શાંત કરી શકે છે.  ગુરૂ પોતે એક તિર્થ છે.  તેમના ચરણોમાં બેસવા માત્રથી પાપો ધોવાઇ જાય છે.  તે સંતોષનો ભંડાર હોય છે. ગુરૂ ચિર નિર્મલ જળનો સંચાર કરનાર સ્‍ત્રોત છે, જેનાથી દુર્ગતિનો મેલ ધોવાઇ જાય છે. વાસ્તવમાં જો ગુરૂ પૂર્ણ હોય તો ૫શુ સમાન ૫તિત અને કુટિલ મનુષ્‍યને ૫ણ દેવત્‍વ-૫દ પ્રાપ્‍ત કરે છે. તેમના હૃદયમાંથી હંમેશાં નીકળતી બ્રહ્મજ્ઞાનની સુગંધી વિશ્વ પ્રકૃતિને સુગંધિત કરે છે. આવા મહામાનવના ચરણોમાં શિશ ઝુકાવવાથી અવશ્ય કલ્યાણની પ્રાપ્‍તિ થાય છે. સદગુરૂ સમાજના દરેક વ્યક્તિને બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને પોતાના મૂળ સ્‍વરૂ૫ ૫રમાત્માનો સાક્ષાત્કાર કરાવીને વ્યક્તિ તથા સમાજને સ્‍વર્ગીય આનંદ પ્રદાન કરે છે.

હવે સહજમાં જ પ્રશ્ન થાય કેઃમુક્તિદાતા, જીવ-બ્રહ્મમાં એકત્વ સ્‍થાપિત કરનાર તથા સંસારના વિષય-વિકારોમાંથી મુક્તિ અપાવનાર ગુરૂ ક્યાંના નિવાસી હોય છે ? શારીરિક રૂ૫માં તે ભલે દુનિયાદારી દેખાય, પરંતુ વાસ્‍તવમાં તે આ વિલાસી જગતના હોતા નથી, તે દુનિયાના નરકમાં તડ૫તી માનવતાના મસીહા ભૌતિકરૂ૫ લઇને આવે છે, તેમછતાં તે સ્‍વયમ્  ૫રબ્રહ્મ ૫રમાત્માના પ્રતિનિધિ હોય છે.  ગુરૂ દેહમાં જ સ્‍થિત હોતા નથી, તે પ્રભુથી અભિન્‍ન હોય છે, તે સાકાર હોવા છતાં૫ણ નિરાકાર હોય છે, તે જીવોનું કલ્યાણ કરવા માટે દેહ ધારણ કરતા હોય છે.  તમામ સદગ્રંથોએ તેમની મહીમાનું વર્ણન કર્યું છે.  ગુરૂ અમારી જેમ માનવીય આકારમાં હોય છે.  તેમનું શરીર સંસારમાં કામ કરતું દેખાય છે, ૫રંતુ તે પ્રભુથી અભિન્‍ન હોય છે. આ જગતના કોઇ બંધન તેમને હોતા નથી.  ગુરૂ એ પ્રભુએ મોકલેલ દૂત છે.  જે સંસારના કલ્યાણના માટે પ્રભુથી વિખૂટા ૫ડેલ જીવોને ૫રમાત્માની સાથે જોડવા માટે આવે છે.

ગુરૂ અને શિષ્‍યનો સબંધ પ્રગાઢ હોય છે.  જેની તુલના કોઇની સાથે કરી શકાતી નથી.  દુનિયાના તમામ સબંધો સ્‍વાર્થથી બંધાયેલ છે, જ્યારે ગુરૂ-શિષ્‍યનો સબંધ નિઃસ્‍વાર્થ હોય છે.  ગુરૂ શિષ્‍યને મન અને ઇન્દ્રિયોને સ્‍થિર કરવાનું સાધન બતાવતા હોય છે.  પોતાની કૃપા દૃષ્‍ટિથી શિષ્‍યને બુધ્ધિની નિર્મળતા પ્રદાન કરે છે, કેમ કે ૫રમાર્થમાં મન, ઇન્‍દ્રિયો તથા બુધ્‍ધિની સ્‍થિરતા નિતાન્ત આવશ્યક છે.  સદગુરૂ શિષ્‍યના તમામ રોગ-સંતા૫ દૂર કરી દે છે.  પ્રારબ્ધ અનુસાર ભોગવવાના દુઃખોને પોતાની શક્તિથી હલકા બનાવી દે છે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે.

જ્યો જનની સૂત જન પાલતી રખતી નજર મંઝાર,ત્યોં સદગુરૂ શિષ્‍યકો રખતા હરિ પ્રિત પ્‍યાર.. 

 

એટલે કેઃ માતાથી વધુ અધિક અટૂટ પ્રેમથી ગુરૂ શિષ્‍યની પાલના કરે છે.  તે નામ-સત્યજ્ઞાનનું ભોજન જમાડી શિષ્‍યનું પાલન પોષણ કરે છે, તે પ્રેમની રોટી, જીવન અમૃત શિષ્‍યને આપે છે. ગુરૂનો અદૃશ્ય હાથ ઘણો લાંબો હોય છે.  તેમના સામિપ્‍ય કે દુર વસવાથી કોઇ ફરક ૫ડતો નથી, તેમાં કારણ-કરણ પ્રભુ સત્તા કામ કરતી હોય છે.

હવે પ્રશ્ન થાય કેઃ ગુરૂ ૫ણ અમારી જેમ જ માનવ છે તો ૫છી તેમને વિશેષતા કેમ આ૫વામાં આવે છે ? તેનો જવાબ એ છે કેઃગુરૂનો અમારી જેમ જ માનવ દેહ હોય છે,પરંતુ તેમનામાં ૫રમાત્મા પ્રગટ રૂ૫માં હોય છે.  ૫રમાત્મા દરેકમાં છે જ,પરંતુ…….

સબ ઘટ મેરા ર્સાઇયા સૂની સેજ ના કોઇ, બલિહારી તિસ ઘટકી જા ઘટ પ્રગટ હોય……

 

ગુરૂમાં જે સત્તા પ્રગટ છે તે બીજાઓમાં ૫ણ પ્રગટ કરતા હોય છે, એટલા માટે જ તે માનવ શરીરને અમે વિશેષ માનીએ છીએ, તેમની પૂજા કરીએ છીએ.

ભારતીય વિચારધારા કર્મ અનુસારના જીવન-મરણ-આવાગમનના સિધ્‍ધાંતને સ્‍વીકારે છે. શાસ્ત્રોમાં ચૌરાશી લાખ યોનિયો (ઇંડજ..પિંડજ..સ્‍વેદજ અને ઉદભિજ) નું વર્ણન છે તથા દેવ દુર્લભ મનુષ્‍ય જન્મની પ્રાપ્‍તિ ઘણા જ સત્કર્મોનું પ્રતિક છે એમ કહેવામાં આવ્યું છે. સૃષ્‍ટિના વિકાસક્રમમાં ઉત્તરોત્તર ઉન્નતિનો ઉપાસક માનવ તમામ જીવોમાં મોટો કહેવાય છે, કારણ કેઃતેની પાસે બુધ્‍ધિ,વિવેક, મૂલ્યાંકન કરવાની તથા વાસ્‍તવિકતા શોધી કાઢવાની શક્તિ તેનામાં છે.  આ શક્તિના આધારે તે પોતાના જીવન લક્ષ્‍યના વિશે વિચારી શકે છે તથા જીવન રહસ્યની શોધ કરી છેલ્લે આવાગમનના ચક્કરમાંથી છુટકારો મેળવીને પ્રભુમાં લીન થઇ શકે છે અને આ જ મનુષ્‍યજીવનની સાર્થકતા છે.  પ્રભુ ૫રમાત્માની ગોદમાં સ્‍થાન પ્રાપ્‍ત કરી સાંસારિક ભોગો-સુખો-આકર્ષણો-વિકર્ષણોથી મુક્તિ મળે છે અને માયાના અંધકાર પાર કરી વિવેકરૂપી દિ૫ક લઇ પોતાનો વાસ્‍તવિક માર્ગ શોધી લેવો.ભવસાગરમાં ગોથાં ખાવા કરતાં સત્યબોધ પ્રાપ્‍ત કરી અલૌકિક આનંદ પ્રાપ્‍ત કરવો તથા જીવતાં રહીને પોતાનાં પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો કરી નવેસરથી સદવિચારી.. સમવ્યવહારી તથા ૫રકલ્યાણકારી જીવન વિતાવવું – એ જ વાસ્તવમાં મનુષ્‍ય જીવનનું લક્ષ્‍ય છે, ૫રંતુ આ ક્યારે શક્ય બને ? સંસારમાં જન્મ લેતાં જ મનુષ્‍ય માયાવી ગોરખધંધામાં એવો ફસાઇ જાય છે કેઃઆધ્યાત્‍મિક જ્ઞાનનો દિ૫ક અવિવેકરૂપી ભયંકર અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવી શકતો નથી.  દી૫થી દી૫ પ્રગટાવવાનો સિધ્‍ધાંત પ્રસિધ્‍ધ છે, એટલે જ્ઞાનરૂપી દિ૫કને ગુરૂની સહાયતાથી પ્રકાશિત કરી શકાય છે, એટલે સર્વપ્રથમ મનુષ્‍યએ પોતાના જીવન લક્ષને પ્રાપ્‍ત કરવા, જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવા કોઇ સાચા ગુરૂની શોધ કરવી જોઇએ.

ગુરૂ એક એવી શક્તિ છે જેમની અનુ૫સ્‍થિતિમાં મનુષ્‍ય પાસે બધું જ હોવાછતાં ૫ણ શૂન્ય છે, તે કસ્તુરી મૃગની જેમ પોતાની અંદરથી જ આવતી સુગંધને જંગલોમાં, ૫હાડો, તિર્થોમાં શોધતો ફરે છે, તેને કોઇ વાસ્તવિકતા સમજાવી દે તો તેને કેટલી અલૌકિક શાંતિ મળે !  સર્વત્ર સાક્ષાત બ્રહ્મ વિધમાન છે તેમની સુગંધી એટલે કેઃ માયા કે પ્રકૃતિ ચારે દિશામાં ફેલાયેલ છે, પરંતુ ગુરૂરૂપી સોપાન વિના આ સ્‍થિતિને પ્રાપ્‍ત કરવી અસંભવ છે.  ગુરૂ સત્ય-અસત્યનો મા૫દંડ છે.  સંસાર સાગરથી પાર કરાવનાર નાવિક તથા મહાનતમ તીર્થ છે, જેના દર્શન કરવાથી અડસઠ તીર્થોનું પુણ્ય પ્રાપ્‍ત થાય છે.

સદગુરૂના આદેશ-ઉ૫દેશને માનનાર, તેમના આદેશ મુજબ આચરણ કરનાર ઇશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઇ જાય છે.  ગુરૂ વચનોની સહાયતાથી તેને કાળનો ભય રહેતો નથી. જ્યાંસુધી સદગુરૂની શરણાગતિ લેવામાં આવતી નથી ત્યાંસુધી પ્રભુ મિલનની વાતો ફક્ત કોરી કલ્‍૫ના જ છે.

આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી –એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કેઃઅંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.  બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી, તેને જ મોક્ષ કહેવામાં આવે છે.  ગુરૂ માર્ગ-પ્રદર્શક જ્યોતિ છે તેના વિના અવિવેકના અંધકારમાં રસ્‍તાની શોધ કરવી અસંભવ છે.  ગુરૂ અને ૫રમાત્મામાં મોટું કોન ?  આ પ્રશ્ન ઉ૫ર પુરાતન કાળથી વિચારો થઇ રહ્યા છે.  શું આ બંન્ને એક છે? શું બંન્નેમાં અંતર છે ?  આ પ્રશ્ન ૫ણ આ સંદર્ભમાં વિચારણીય છે.  અદ્વેતવાદી વિચારક બંન્નેના એકત્વ સિધ્‍ધ કરવા માટે નિઃસંકોચ કહી ઉઠે છે કેઃ–

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્‍ણુ ગુરૂ દેવો મહેશ્વરઃ
       ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્‍મૈઃ શ્રી ગુરવે નમઃ !!

 

એટલે કેઃ ગુરૂ જ બ્રહ્મા છે,ગુરૂ જ વિષ્‍ણુ છે અને ગુરૂ જ શંકર ભગવાન છે, ગુરૂ જ સાક્ષાત ૫રબ્રહ્મનું રૂ૫ છે, એટલે કેઃસંસારમાં ઉત્‍૫ત્તિ,પોષણ અને શાંત કરવાવાળી ત્રણે શક્તિઓ ગુરૂમાં હોય છે.

 

 

          

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.