સુપાચ્ય અને ગુણકારી ફળ પપૈયું … (ભાગ-૧) … (દાદીમાનુ વૈદુ) …

સુપાચ્ય અને ગુણકારી ફળ પપૈયું … (ભાગ-૧) … (દાદીમાનુ વૈદુ) …

 

 

કાચં-પાકું પપૈયું ઉત્તમ ઔષધ છે (આરોગ્ય અને ઔષધ) …

વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની …

 

 

 
papaiyu.3
 

 

 
પપૈયું (બહુવચન: પપૈયાં) કે પોપૈયું/પોપૈયાં એક ફળાઉ વૃક્ષ અને ફળ છે. તેનું વૈજ્ઞાનિક નામ ‘કેરિકા પપાયા’ છે. આ વૃક્ષ કેરિકા પ્રજાતિનું છે જે વનસ્પતિના કેરિકેસી કુળમાં આવે છે. આ વૃક્ષ અમેરિકાના ઉષ્ણ કટિબંધ ક્ષેત્રનું વતની છે. આની ખેતી સૌ પ્રથમ વખત મેક્સિકોમાં મેસોઅમેરિકી સંસ્કૃતી સ્થપાયાં પહેલાં કરાઈ હતી.
 
આમ તો પપૈયું મૂળ દક્ષિણ અમેરિકાનું વતની છે, પરંતુ ભારતનું હવામાન તેને એવું તો માફક આવ્યું છે કે, લગભગ ચારસો વર્ષ થયે ભારતમાં આવ્યું હોવા છતાં આપણે ત્યાં તે બધા જ પ્રદેશોમાં જોવા મળે છે. આરોગ્યની દૃષ્ટિએ આ પપૈયું એક ઉત્તમ ખાદ્યફળ છે. ગુણોની દૃષ્ટિએ તે ઉત્તમ ઔષધ પણ છે. એટલે આ વખતે અમારા વૈદ્યોના આ પ્રિય ફળ-ઔષધ ‘પપૈયા’ના ગુણકર્મો અને ઉપયોગો વિષે થોડું નિરૂપણ કરું છું.
 

 

 
raw papayiyu

 

 
 
પપૈયુ એક ટેસ્ટી અને હેલ્ધી ફ્રુટ છે. પપૈયાનું ફળ જ માત્ર કામનું નથી હોતું પણ તેના ઝાડમાં પણ અનેક ઔષધીય ગુણો રહેલા હોય છે. કાચા પપૈયામાં વિટામીન-એ અને સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આયુર્વેદમાં પપૈયાથી અનેક લા-ઈલાજ બીમારીઓને પણ દૂર કરી શકાય છે. પપૈયુ પાચન સંબંધી પરેશાનીઓ, પીળીયો, હર્નિયા, પ્રજનન ક્ષમતા વધારનાર, દિલ માટે ઉપયોગી, કોલેસ્ટ્રોલના રોગીઓ માટે પણ અમૃત સમાન છે.
 
પપૈયાં હૃદયરોગ અને ઉદરરોગ માટેનું ઉત્તમ ઔષધ છે. કબજિયાત, આંતરડાંની નબળાઈ અને હૃદય માટે તો પપૈયાથી ચઢિયાતી કોઈ ઔષધિ નથી. પાકા અથવા કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી ઉદરરોગ અને હૃદયરોગના દર્દીઓને ઘણો ફાયદો થાય છે. હૃદયરોગની દવાઓ કરતાં તો પપૈયાનું દૂધ જ વધારે ઉત્તમ ઔષધિ છે.
 
ગુણકર્મો :  પપૈયાનાં ૫થી ૨૫ ફૂટ ઊંચાં ઝાડ અને તેનાં પાન એરંડાને મળતાં આવે છે. સફેદ રંગનાં ફૂલોયુક્ત પપૈયાનું ઝાડ સીધું જ વધે છે. તેમજ તેની નર અને માદા એવી બે જાત થાય છે. જેમાંથી માદા જાતિનાં પપૈયાને જ ફળ (પપૈયાં) આવે છે. છતાં ખેતરોમાં નર-માદા બન્ને છોડ હોવા જરૂરી છે.
 
આયુર્વેદ પ્રમાણે વિચારીએ તો પાકું પપૈયું સ્વાદમાં મધુર અને કંઈક કડવું, ગરમ, રુચિકર, પચવામાં ભારે, કફવર્ધક, આંતરડાંને સંકોચનાર, હૃદય માટે હિતકારી તથા વીર્યવર્ધક છે. તે મેદસ્વિતા, મેદોરોગ, યકૃત અને બરોળની વૃદ્ધિ, કબજિયાત, અગ્નિમાંદ્ય અને મૂત્રના અવરોધને દૂર કરનાર છે. કાચું પપૈયું ગ્રાહી (સંકોચક) અને મળાવરોધક છે. તે કફ અને વાયુને કોપાવનાર અને રુચિકર છે.
 
પપૈયામાં ‘પાપેઈન’ નામનું પાચક તત્ત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનતંત્રના રોગમાં ઉત્તમ ગણાય છે.
 
ઉપયોગો :  ઉપર જણાવ્યું તેમ કાચા પપૈયામાં ‘પાપેઈન’ નામનું પાચક તત્ત્વ હોય છે. એટલે પાચનતંત્રની બીમારીઓમાં કાચા પપૈયાં ખૂબ જ ઉપયોગી છે. જેમને અજીર્ણ રહેતું હોય અને પેટ બરાબર કામ ન કરતું હોય તેમને માટે કાચા પપૈયાં આશીર્વાદ સમાન છે. આવા રોગીઓએ અડધી ચમચી જેટલું કાચા પપૈયાનું દૂધ એક ચમચી સાકર સાથે લેવું જોઈએ. અથવા કાચા પપૈયાનું શાક કે ખમણીને બનાવેલું કચુંબર ખાવું જોઈએ.
 
પપૈયાં હૃદયરોગ અને ઉદરરોગ માટેનું ઉત્તમ ઔષધ છે. કબજિયાત, આંતરડાંની નબળાઈ અને હૃદય માટે તો પપૈયાથી ચઢિયાતી કોઈ ઔષધિ નથી. પાકા અથવા કાચા પપૈયાનું શાક બનાવીને ખાવાથી ઉદરરોગ અને હૃદયરોગના દર્દીઓને ઘણો ફાયદો થાય છે. હૃદયરોગની પેટન્ટ દવાઓ કરતાં તો પપૈયાનું દૂધ જ વધારે ઉત્તમ ઔષધિ છે. રોજ સવારે શૌચાદિ ક્રિયા પતાવ્યા બાદ એક ચમચી સાકરમાં કાચા પપૈયાના દૂધનાં પાંચથી છ ટીપાં મિશ્ર કરીને થોડા દિવસોમાં હૃદયરોગમાં ફાયદો થાય છે.
 
બીજાં ફળોની સરખામણીમાં પપૈયામાં વિટામિન ‘એ’ વધારે પ્રમાણમાં છે. એટલે ત્વચા માટે પપૈયું ખૂબ જ હિતકારી છે. તેમજ ચહેરાનું સૌંદર્ય વધારવામાં પણ તે શ્રેષ્ઠ છે. પાકાં, ખૂબ ગળી ગયેલા પપૈયાની છાલ ઉતારી, છૂંદીને ચહેરા પર થોડો સમય સુધી માલિશ કરવી. પછી પંદર-વીસ મિનિટ રહેવા દઈ, સુકાવા લાગે ત્યારે ધોઈ લેવું. મોઢું બરાબર સાફ કરી તલનું તેલ થોડું થોડું લગાવવું. એક સપ્તાહ સુધી આ ઉપચાર નિયમિત કરવાથી ચહેરા પરના ડાઘ, ખીલ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર બને છે. તેનું તેજ પણ વધે છે.
 
પપૈયું ગરમ હોવાથી સગર્ભા સ્ત્રીઓએ કાચું કે પાકું પપૈયું ખાવું નહીં. જે સ્ત્રીઓને માસિક વધારે આવતું હોય તેમણે પણ પપૈયું ખાવું નહીં. પિત્ત પ્રકૃત્તિવાળા અને હરસ,મસાના દર્દીઓને કાચું પપૈયું ખૂબ જ ગરમ પડે છે. તેમણે પણ તેનો ઉપયોગ ન કરવો.
 

 

 
papaiyu.1
 

 

સુપાચ્ય અને ગુણકારી ફળ પપૈયું (હેલ્થ ન્યુટ્રિશન) …

હેલ્થ ન્યૂટ્રિશન – શ્રુતિ

 

 
પપૈયું પચવામાં હલકું અને સ્વાસ્થ્યવર્ધક ફળ છે. તેમાં ઔષધીય ગુણો પણ છે. ડાયાબિટીસના દર્દીઓ પણ પપૈયુ ખાઇ શકે છે. સંશોધનો પરથી એ પણ જાણવા મળ્યું છે કે પપૈયુ વજન-નિયંત્રણમાં ઉપયોગી છે. વજન ઉતારવા માટે હજારો રૂપિયા ખર્ચતા લોકોએ એ જાણવું જરૂરી છે કે રોજ સવારે સો ગ્રામ પપૈયાનું સેવન કરવાથી વજન ઉતારવામાં મદદ મળે છે.

 
એક નિષ્ણાતના મંતવ્ય મુજબ સ્થૂળ લોકોનો ચયાપચય દર નીચો હોય છે. પપૈયામાં રહેલું ‘પેપૈન’ નામનું એન્ઝાઇમ પાચનક્રિયાને સુધારે છે તેમજ ચયાપચયના દરને સુધારે છે. જેથી વજન ઘટાડવાની પ્રક્રિયા પણ સુધરે છે. આ એન્ઝાઇમ પપૈયાની છાલમાં એકત્રિત થતું હોય છે. કેટલીક આયુર્વેદિક ડાઇજેસ્ટિવ-ટેબ્લેટ્સ પપૈયાના એન્ઝાઇમના અર્કમાંથી તૈયાર કરવામાં આવે છે. અન્ય એક નિષ્ણાતના કહેવા મુજબ પપૈયુ વિટામિન્સ, ખનિજ તત્વો અને સુપાચ્ય રેસાનો ભંડાર છે. તેમાં ફક્ત ત્રણ કિ.કેલરી, ૦.૧ ગ્રામ ચરબી અને ૧૬ મિ.ગ્રા. ફોસ્ફરસ હોય છે. આ બધાં જ ગૂણો વજન ઉતારવામાં ઉપયોગી છે. તેથી જ સ્થૂળકાય લોકો દિવસ દરમ્યાન પપૈયાની ત્રણથી ચાર માત્રા (એક વાડકી જેટલી) ખાઇ શકે છે. સવારે ખાલી પેટે સો ગ્રામ પપૈયુ ખાવું જોઇએ. તેઓએ કેળા, ચીકુ, કેરી, દ્રાક્ષ જેવા વધુ કેલરીવાળા ફળોના સેવનથી દૂર રહેવું જોઇએ.

 
પપૈયામાં રહેલા કેરોટેનોઇડ અને બાયોફલેનોઇડ નામના એન્ટી-ઓક્સિડન્ટસ હાનિકારક કોલસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે. ત્વચાને સુધારે છે, ર્કાિડયોવાસ્કયુલર ઇમ્યુન તેમજ ડાઇજેસ્ટિવ-સીસ્ટમને સુધારે છે. કબજિયાત, મોટાં આંતરડાની તકલીફોમાં ઉપયોગી છે. ખેલકૂદમાં થતી ઇજાઓને મટાડવામાં પણ પપૈયુ ઉપયોગી છે.

 
ઉષ્ણ કટિબંધના પ્રદેશોમાં પપૈયાના ઘણાં ઝાડ થાય છે. ભારતમાં તે બેલગામ, બિજાપુર, કર્ણાટકના ધારવાડમાં ઘણાં થાય છે. હૈદરાબાદ-સિકંદરાબાદમાં પણ તે વિપુલ માત્રામાં ઉગે છે. સામાન્ય રીતે પપૈયા ગોળાકાર કે નળાકાર હોય છે. તેની અંદરનો માવો ઘેરો પીળો કે પીચ રંગનો હોય છે. ગરની જાડાઇ એકાદ ઇંચ જેટલી હોય છે. તેની અંદરના પોલાણમાં મરી જેવા કદના બીજ હોય છે. તેની સુગંધ મીઠી હોય છે. ઘણી જગ્યાએ સવારના નાસ્તામાં પપૈયાનો ઉપયોગ થાય છે. પપૈયાના ફળમાં તેમજ વૃક્ષના કેટલાંક ભાગોમાં સફેદ દૂધ જેવો ચીકણો, ગાઢો પદાર્થ જોવા મળે છે. તેમાં ‘પેપૈન’ વિપુલ પ્રમાણમાં હોય છે. તેને ડીહાઇડ્રેટ કરીને પાવડર બનાવવામાં આવે છે. પેટ અને આંતરડાની દવાઓમાં આ પાવડર વપરાય છે. ચ્યુંઇગ-ગમ, માંસને પ્રોસેસ કરવામાં તેમજ અન્ય ઉત્પાદનોમાં તે વપરાય છે. ભારતમાં પેપૈનનું ઉત્પાદન અને વેચાણ સારું છે. પરદેશમાં નિકાસ કરવાના વ્યવસાયમાં તે સારી તક ધરાવે છે.

 
પપૈયાનું દૂધ કાઢવા માટે તેના ફળોને વહેલી સવારે ચીરા પાડીને તેમાંનો રસ ખેંચવામાં આવે છે. આ દૂધ જેવા ચીકણા રસને એલ્યુમિનિયમની તાસકોમાં ભેગો કરવામાં આવે છે. હલાવીને એકરસ કરેલો આ પદાર્થ દસેક મિનિટમાં ઘટ્ટ બની જાય છે. થોડાં કલાકો સુધી તે આ જ સ્થિતિમાં રહે છે. તે વધારે સખત ના બને તે માટે તેમાં પોટેશ્યમ મેટા-બાયસલ્ફેરનું મિશ્રણ ૦.૫%ની માત્રામાં નાખીને હલાવવામાં આવે છે. ત્યારબાદ મોટી તાસકોમાં તેને પાથરીને ૫૫ અંસ તાપમાનમાં ગરમ હવાથી સૂકવવામાં આવે છે. સૂકાયેલા પદાર્થને કંટેનર્સમાં ભરીને ઠંડી, સૂકી જગ્યામાં રાખવામાં આવે છે. આ પદાર્થને સાચવવા માટે તેને ફલેક-ફોર્મમાં રાખવો જરૂરી છે. પછી જરૂર પડે ત્યારે તેનો પાવડર બનાવવામાં આવે છે. પૂર્ણ વિકસિત પણ કાચા પપૈયામાંથી પપૈયા-કેન્ડી બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં ફળના ટુકડાઓને ખાંડની ચાસણીમાં રાખવામાં આવે છે. આ મીઠાઇ રેસ્ટોરાં વગેરેમાં પીરસાય છે.

 
પપૈયાના પ્રીઝર્વેશન (જાળવણી-સંગ્રહ) માટે મધ્યમ કદના કાચા પપૈયાનો ઉપયોગ થાય છે. થોડું પણ પકવ ફળ હોય તો તે પ્રોસેસ દરમ્યાન છૂંદાઇ જાય છે. જેનાથી તૈયાર બનાવટની ગુણવત્તા ઘટી જાય છે. આવા પપૈયાને સારી રીતે ધોઇને સ્ટેનલેસ-સ્ટીલના ચપ્પાથી છોલવામાં આવે છે. એકસરખી લંબાઇ રાખીને છોલેલા પપૈયાના ટુકડા કરવામાં આવે છે. બીજને કાઢી નાંખવામાં આવે છે. ત્યારબાદ આ ટુકડાઓને ઉકળતા પાણીમાં અંશતઃ બાફવામાં આવે છે. પાંચથી દસ મિનિટમાં તે બ્લાન્ચ થઇ જાય છે. અંશતઃ બાફેલા પપૈયાના ટુકડાઓને ફરીવાર ધોઇને તેમાં સ્ટેનલેસ-સ્ટીલની સોય કે કાંટાથી છિદ્રો પાડવામાં આવે છે જેથી તેમાં ચાસણી સારી રીતે શોષાય.

 
ચાસણી બનાવવા માટે ત્રીસ ટકા ખાંડ ધરાવતું દ્રાવણ વપરાય છે. તેમાં ૦.૩% સાઇટ્રિક-એસિડ ઉમેરવામાં આવે છે. ગરમ પાણીમાં આ બંને પદાર્થો નાંખીને ચાસણી તૈયાર કરવામાં આવે છે. તૈયાર ચાસણીને ગાળીને ફરી ગરમ કરવામાં આવે છે. ચાસણી ઊકળે પછી તેમાં પપૈયાના ટુકડા ઉમેરવામાં આવે છે. પાંચથી દસ મિનિટ સુધી ઉકાળીને તેને ગરમી પરથી ઉતારી લેવામાં આવે છે. ખાંડની ટકાવારી પચાસ સુધી પહોંચે ત્યાં સુધી આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવામાં આવે છે. ત્યારબાદ ટુકડાઓને કાપીને તેના માપ પ્રમાણે જુદા તારવવામાં આવે છે. દરેક સમૂહને વિભિન્ન રંગમાં રંગવામાં આવે છે. દરરોજ આ ટુકડાઓમાં ખાંડનું પ્રમાણ પાંચ ટકાના દરે વધારવામાં આવે છે. ખાંડની ટકાવારી એંસી ટકા સુધી પહોંચે ત્યાં સુધી આ પ્રક્રિયા દોહરાવવામાં આવે છે. અંતે તેમાં સુગંધ ઉમેરીને થોડાં દિવસ રાખવામાં આવે છે.

 
વધારાની ચાસણી નીતારીને ટુકડાઓને લૂછીને, કોરા કરીને ૬૦ અંસ તાપમાને સૂકા કરવામાં આવે છે. અંતે તેમને ઝીણી ખાંડમાં રગદોળીને કંટેનરમાં ભરવામાં આવે છે.

 

 
પપૈયું પપૈયાના દુધને સુકવીને બનાવેલું પેપન આહાર પચાવવમાં ખુબ જ ઉપયોગી છે. પપૈયાનું દુધ ઉત્તમ પાચક, કૃમીઘ્ન અને વેદનાશામક છે. પપૈયું વૃદ્ધો માટે ઉત્તમ ફળ છે. એમાં વીટામીન એ, બી, સી અને ડી છે. વળી એમાં રહેલું પેપ્ટોન પ્રોટીનને પચાવવામાં ખુબ જ સહાયક થાય છે. ઘડપણમાં પાચનશક્તી નબળી હોય છે, આંખોનું તેજ તથા હૃદયનું બળ ઘટે છે, તથા નાડીતંત્રનું નીયમન ખોરવાય છે. આ બધી સમસ્યામાં પપૈયું આશીષરુપ છે. પપૈયું ખાવાથી વૃદ્ધોને પુરતી શક્તી મળી રહે છે. પપૈયું પૌષ્ટીક છે. પપૈયામાં વીટામીન સી મોટા પ્રમાણમાં છે. શરીરમાં વીટામીન સી વધુ પ્રમાણમાં હોય તો ત્વચા યુવાન દેખાય, તેના પર કરચલીઓ પડવાના પ્રમાણમાં તથા ત્વચાની રુક્ષતામાં ઘટાડો થાય છે. વીટામીન સી ત્વચા માટે ખુબ જરુરી છે.

 

 
પપૈયાથી નિસ્તેજ ત્વચાને નિખારો …
 

 
beauty n papaiyu
 

 

શું આ ઋતુમાં તમારી ત્વચા સતત ભેજ ગુમાવી રહી છે? નિસ્તેજ બની રહી છે? તો કુદરતી ઉપચાર તરીકે તમે પપૈયાનો ઉપયોગ કરી શકો છો.
 
પપૈયામાં વિટામિન, મિરલ્સ અને પ્રોટીનનું પ્રમાણે ભરપુર હોય છે જે આપણા શરીર અને ત્વચા માટે ‘મેજિક’નું કામ કરે છે. પાકેલું અને કાચું એમ બંને પ્રકારના પપૈયાનો ઉપયોગ કરી ત્વચાને યુવાન બનાવી શકાય છે. ચહેરા પરની ડેડ સ્કિન માટે પૈકેલું પપૈયું બહુ ઉત્તમ છે. આના ઉપયોગથી ત્વચાને એક નવો જ નિખાર મળશે. અને પાકેલું પપૈયુ દરેક પ્રકારની ત્વચાને સુટ થાય છે. પપૈયાની મદદથી તમે ત્વચાને યુવાન પણ બનાવી શકો છો અને ચમકીલી પણ. જાણીએ ત્વચાને નિખારવા માટે કઇ રીતે કરી શકાય પપૈયાનો ઉપયોગ…
 

 
પપૈયાની મદદથી ત્વચાને યુવાન બનાવવાની રીત…
 

 
1/2 કપ પાકેલા પપૈયાને પલ્પ, 1/4 કપ નારિયેળનું દૂધ, 1/4 કપ ખાંડેલા જવ. આ મિશ્રણને તમારા ચહેરા અને ગળા પર હળવા હાથે 5 મિનિટ મસાજ કરો. બાદમાં ચહેરાને દૂધ અને પાણીથી ધોઇ લો. પછી જુઓ તમારો ચહેરો કેવો નિખરી ઉઠે છે.

 
ચહેરા પર ચમક લાવવા માટે પપૈયાનો ઉપયોગ…

 
1/2 કપ પાકેલા પપૈયાનો પલ્પ, 4 ચમચી નારંગીનો રસ, 4 ચમચી ગાજરનો રસ, 1 ચમચી મધ કે ગ્લિસરિન. આ તમામ વસ્તુઓને મિક્સ કરી દો. આ મિશ્રણને ચહેરા પર ફેસપેકની જેમ લગાવી શકો છો અને તેનો મસાજ પણ કરી શકો છો.

 
ઉપરની બંને ટ્રીટમેન્ટ જો તમે નિયમિત કરશો તો તમારો ચહેરો ખીલી ઉઠશે.
 

 

 
papaiyu.2
 

 
પપૈયુ સૌંદર્યની ગેરંટી …
 

 
આપણે આપણા ચહેરાને સુંદર બનાવવા માટે કેટલાયે પ્રકારની કાળજી લઈએ છીએ. જેમાં પાર્લરનો પણ સમાવેશ થાય છે. પરંતુ ઘરે બેસીને પોતાની ત્વચમાં નિખાર લાવવા માટે પપૈયું સર્વશ્રેષ્ઠ છે. પપૈયુ પાચનક્રિયાને સારી રાખવાની સાથે સાથે ચહેરાને પણ ડાઘ રહિત બનાવે છે.

 
જો તમારા ચહેરા પર કાળા ડાઘ હોય તો કાકડી, પપૈયું અને ટામેટાના રસને બરાબર માત્રામાં લઈને ચહેરા પર લેપ કરો. આ લેપ સુકાઈ જાય ત્યારે ચહેરા પર બીજી વખત લેપ કરો. આ રીતે સુકાઈ જવા પર ત્રણથી ચાર વખત ચહેરા પર લેપ કરતાં રહો. ચહેરા પર લેપ કર્યા બાદ વીસ મિનિટ રહેવા દઈને ઠંડા પાણી વડે ચહેરાને ધોઈ લો. સાત થી આઠ દિવસ સુધી સતત આ પ્રક્રિયા કરો તમારા ચહેરા પરથી ડાઘ દૂર થઈ જશે અને ત્વચા એકદમ નીખરી ઉઠશે.
 

 
ત્વચાને તાજગી અને યુવાની આપવા માટે પરફેક્ટ છે પપૈયુ …
 

 
ત્વચામાંથી મોઈશ્ચર સતત ઓછું થતું રહેતું હોય તેવી સિઝનમાં ત્વચાને દમકતી રાખવા માટે એક નવો ઉપાય.

 
પપૈયાને એક સંપૂર્ણ ફળ તરીકે જોવામાં આવે છે કારણ કે તેમાં મોટાભાગના મહત્વના વિટામીન, ખનીજ અને પ્રોટિન હોય છે. પાકું કે કાચું પપૈયું, બન્ને તમારી ત્વચાને તાજગી અને યુવાની આપવામાં મદદ કરી શકે છે. પાકુ પપૈયું તમારી ત્વચાના ડેડ સેલને ઉખાડીને નવી ત્વચાને બહાર લાવવામાં મદદ કરે છે અને સામાન્ય રીતે બધા જ પ્રકારની ત્વચા પર અસરકારક રહે છે.

 
ત્વચાના સંચાર માટે રેસિપી: 

 
1/2 કપ પાકા પપૈયાનો પલ્પ
1/4 કપ કોકોનટ મિલ્ક (નાળિયેરનું દૂધ)
1/4 કપ ઓટ ફ્લેક્સ

આ મિશ્રણને તમારા ચહેરાથી લઈને ગળા સુધીના હિસ્સા પર 5 મિનીટ સુધી લગાડોને હળવા હાથે ઘસો. ચહેરાને પાણી અને દૂધ સાથે ધોઈ નાંખો. તમે જાતે જ ચહેરા પરની ચમક જોઈ શકશો.
 

 
ત્વચાની ચમક માટેની રેસિપી:
 

 
1/2 કપ પાકા પપૈયાનો પલ્પ
4 ટીસ્પૂન ઓરેન્જ જ્યૂસ
4 ટીસ્પૂન ગાજરનો જ્યૂસ
1 ટીસ્પૂન મધ અથવા ગ્લિસરિન
 

 
ઉપરની સામગ્રીને મિક્સ કરીને તમારા ચહેરા અને ગળાના હિસ્સા પર મસાજ કરો અથવા લગાડીને 5 મિનીટ પછી ધોઈ નાંખો.
 

 
આ બન્ને પ્રક્રિયાનું નિયમિત રીતે પુનરાવર્તન તમારા ચહેરા માટે ફાયદાકારક છે.
 

 

મેક્સિકન પપૈયુ ખાવાથી 99 અમેરિકનો બીમાર …

મૈક્સિકોથી આયાતીત પપૈયુ ખાવાથી અમેરિકામાં 99 વ્યક્તિ બીમાર પડી ગયા.
 
સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એંડ પ્રીવેંશન(સીડીસી)એ જણાવ્યુ કે મૈક્સિકોના સાલમોનેલાથી સંક્રમિત પપૈયુ ખાવાથી કોઈના મોત થવાના સમાચાર નથી. પરંતુ 23 રાજ્યોમાં લોકો બીમાર પડ્યા છે.
 
સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને પપૈયુ ન ખાવાની સલાહ આપી છે. આ પપૈયુ એગ્રોમેડ પ્રોડ્યુસ ઓફ મૈકએલેન ટૈક્સાસએ મેક્સિકોથી આયાત કર્યુ છે.
 
કંપનીએ સંક્રમણની શંકાને કારણે બ્લોંડી, યાયા, મૈનાનિતા અને ટેસ્ટીલીશિયસ બ્રાંડના પપૈયા પાછા મંગાવી લીધા છે.
 
 
ક્રમશ : (ભાગ-૨)

હવે પછી ભાગ-૨ દ્વારા આપણે પપૈયાના ગુણો અને લાભો વિશે વધુ અગત્યની જાણકારી આવતીકાલની પોસ્ટમાં મેળવીશું. જો જો રખે આવતીકાલ ની પોસ્ટ માણવાની ચૂકી ન જવાય!!!! કે વાંચવાની રહી ન જાય ? …. જો ભૂલાઈ ગયું તો માનશો ઘણું ચૂકી ગયા નો અફસોસ રહેશે!!! …. આવતી કાલે ફરી અહીં  વધુ જાણકારી સાથે ફરી મળીશું, ત્યાં સુધી આજની પોસ્ટ માણી, આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો … આભાર.
 

 
લેખ સંકલિત :  સાભાર સંદર્ભ : સંદેશ, દિવ્યભાસ્કર, વેબ દુનિયા, વિકિપીડિયા …
 

 

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli