હનુમત્પ્રસંગ …

હનુમત્પ્રસંગ …

–     યોગેન્દ્ર સ્વામી …

 

 

 
hanumanji.3
 

 

 
સ્વામી વિવેકાનંદે હનુમાનજીના જીવનનું રહસ્ય બતાવતા કહ્યું છે : ‘તેમના જીવનનું એક માત્ર વ્રત છે – રામાજ્ઞાનું પાલન !’  પોતાનું સમગ્ર અસ્તિવ એમણે શ્રીરામમાં વિલીન કરી દીધું છે.  એમનું પોતાનું કોઈ કર્તૃત્વ નથી.  જ્યારે લંકાદહન જેવું પ્રચંડ પરાક્રમ કરીને હનુમાનજી પરત આવે છે ત્યારે જાંબુવાનજી ભગવાન રામચંદ્ર પાસે હનુમાનજીના પરાક્રમોના વખાણ કરે છે.  પરંતુ હનુમાનજી એટલું જ કહે છે :

 

સો સબ ત્વ પ્રતાપ રઘુરાઈ,
નાથ ન કછુ મોરી પ્રભુતાઈ.

 

આમ હનુમાનજી પોતાના કર્તુત્વનું અભિમાન વિલીન કરી ચૂક્યા છે.  એ મહાબળવાન છે, પણ પ્રભુના બળ સિવાય એમનું કોઈ બળ નથી.  એ સકલગુણનિધાનમ્ છે છતાં એમનો કોઈ ગુણ નથી.  આ એક જ કારણે શ્રી રામ હનુમાનજીને પોતાના સંદેશવાહક દૂત તરીકે પસંદ કરે છે.

 
પ્રભુ પોતાનો સંદેશ દેવા માટે કોણે પસંદ કરે છે ?  પ્રભુ એને જ પસંદ કરે છે કે જેની પાસે પોતાનો કોઈ સંદેશો ન હોય.  એટલે જ શ્રીરામકૃષ્ણ (ઠાકુર) પરમહંસ કહેતા કે મારા મુખેથી મા કાલી બોલે છે.  અને સ્વામી વિવેકાનંદએ પણ કહ્યું છે : ‘હું અશરીરી વાણી બોલું છું.’  નળ, નીલ, અંગદ, જાંબુવાન જેવાં સમર્થ પુરુષોમાંથી કેવળ હનુમાનજીને જ પ્રભુ નિકટ બોલાવી કહે છે :

 

બહુ પ્રકાર સીતહિ સમુઝાએહું,
કબિ બલ વિરહ બેગિ તુમ્હ અએહું.

 

પ્રભુ કહે છે કે હનુમાન તું સીતાને મારા બળ અને વિરહનો સંદેશ આપજે.  પ્રભુના બળનો સંદેશ એ જ આપી શકે જેને પોતાના બળનું અભિમાન ન હોય.  બાકી બધા વાનરોને પોતાના બળનું અભિમાન છે.  કારણ કે સમુદ્રતટ પર ઊભેલા બધા જ પોતપોતાના બળનું વર્ણન કરે છે.

 
જાંબુવાન કહે છે કે ભગવાન વામન જ્યારે વિરાટ રૂપે પ્રગટ્યા ત્યારે મેં, એમણે સાત પ્રદક્ષિણા કરી હતી.  પણ હવે હું વૃદ્ધ થયો છું એટલે સમુદ્રને કુદી નહિ શકું.  અંગદ કહે છે કે હું કુદીને સામે પાર તો જાઉં પણ પાછા ફરવામાં શંશય છે.  આમ બધા જ પોતપોતાના બળનું વર્ણન કરે છે.  પણ હનુમાનજી જે વિક્રાંત કાર્યો કરવા માટે વિખ્યાત છે એ નેત્રો મુંદીને સ્થિર શાંત બેઠા છે.

 
ત્યારે જાંબુવાન એમને ઉદ્દેશીને કહે છે :

 

કહઈ રીંછપતિ સુનુ હનુમાના,
કા ચૂપ સાધિ રહે હુ બલવાના,
પવનતનય બલ પવનસમાના,
બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના.

 

હે હનુમાન !  તમે કેમ ચૂપ બેઠા છો !  હે પવનપુત્ર !  તમારું તો પવન જેવું પ્રચંડ બળ છે.  તમે તો બુદ્ધિ, વિવેક અને જ્ઞાનનો ભંડાર છો.

 

કવન સો કાજ કઠિન જગ માંહી,
જો નહિ હોઈ તાત તુમ્હ પાંહી.

 

આ જગતમાં એવું કયું કાર્ય છે, જે તમારાથી ન થાય.

 

રામ કાજ લગી ત્વ અવતારા

જ્યારે જાંબુવાન કહે છે કે રામનું કાર્ય કરવા માટે જ તો તમારો અવતાર થયો છે; ત્યારે સમુદ્રને જાણે હથેળીમાં અંજલિ ભરીને પી જવાના હોય એમ હનુમાનજી ઉઠે છે અને સિંહનાદ કરે છે કે લીલામાત્રમાં આ સાગરને ઓળંગી જઈશ.

 

સમુદ્રનું ઉલ્લંઘન કરતાં હનુમાનજીનું વર્ણન કરતાં ગોસ્વામીજી લખે છે :

 

જિમિ અમોઘ રઘુપતિ કર બાના,
એહિ ભાંતિ ચલેઉ હનુમાના.

 

હનુમાનજીને તુલસીદાસજી ભગવાન રામચંદ્રના અમોઘ બાણ સાથે સરખાવે છે.  બાણ પાછળ બળ કોનું ?  ભગવાનનું.  સંધાન કોનું ?  લક્ષ્ય કોનું ?  ભગવાનનું.  આ જ અવસ્થા હનુમાનજીની છે.  સમુદ્રને ક્ષણમાત્રમાં ઓળંગી હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે.  પછી વિભીષણનો પ્રસંગ આવે છે.  આધ્યાત્મિક દ્રષ્ટિ જોઈએ તો વિભીષણ – જીવ છે.  રાવણ મોહ છે.  કુંભકર્ણ – અભિમાન છે ને મેઘનાદ – કામ છે.   હનુમાનજી આ વિભીષણ રૂપી જીવને પ્રભુ સુધી લઇ જવાનું કાર્ય કરે છે.  એનું વર્ણન કરતાં ગોસ્વામીજી લખે છે :

 

લંકા નિસિચર નિકર નિવાસા,
ઇહાં કહાં સજ્જન કરબાસા.

મન મહું તરક કરે કપિ લાગા,
તેહીં સમય વિભીષણ જાગા.

 

હનુમાનજી વિચાર કરે છે કે લંકા તો રાક્ષસોની નગરી છે.  અહીં સજ્જનનો વાસ ક્યાંથી ?  આ જ સમયે વિભીષણજી જાગે છે.  આ વાત પ્રતિકાત્મક છે.  હનુમાનજીનું આગમન થાય છે અને વિભીષણ જાગી જાય છે.  આમ વિભીષણને જગાવનાર હનુમાનજી છે.  એટલે જ મહાપુરુષોએ હનુમાનજીને પરમ સંત કહ્યા છે.  હનુમાનજીનું કાર્ય જ આ છે.  એ જીવમાં ભક્તિ ઉત્પન્ન કરે છે અને પ્રભુમાં જીવ પ્રત્યે કરુણાનો ઉદય કરે છે.  આ રીતે એ આપણાં જીવનમાં પ્રભુકૃપાની પ્રતિષ્ઠા કરાવે છે.

 
એમણે ભવરોગથી ગ્રસ્ત સુગ્રીવને પ્રભુની મૈત્રી કરાવી નિર્ભય કરાવ્યો.  એમણે રાક્ષસોથી ઘેરાયેલા વિભિષણને પ્રભુનો ચરણાશ્રીત બનાવ્યો.  વિભીષણ પોતાની દશા વર્ણવતા હનુમાનજીને કહે છે :

 

સુનહુ પવનસુત રહનિ હમારી,
જિમિ દસનંહિ મહુંજીભ બિચારી.

 

વિભીષણ કહે છે કે જેમ દાંતની વચ્ચે બિચારી જીભ રહે છે એમ હું આ નગરમાં રહું છું.

 

તાત કબહું મોહિ જાનિ અનાથા,
કરિ હહી કૃપા ભાનુકુલ નાથા.

 

હે તાત !  મુજ અનાથ પર ભાનુકૂળના નાથ ક્યારે કૃપા કરશે !

 

એને હનુમાનજી ભરોસો બંધાવતા કહે છે :

 

સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ,
કર હી સદા સેવક પર પ્રીતિ.

 

હે વિભીષણ, સેવક પર પ્રીતિ રાખવી એ તો પ્રભુનો સ્વભાવ છે.  આમ એ વિભીષણના હૃદયમાં ભગવાન પ્રત્યેની ભક્તિને દ્રઢ કરે છે.  જ્યારે વિભીષણજી રાવણનો સંગાથ છોડીને પ્રભુના શરણમાં આવે છે ત્યારે હનુમાનજી પ્રભુના અંત:કરણમાં કરુણા પ્રગટાવી અને વિભીષણને આશ્રય અપાવે છે.

 
હનુમાનજી ક્ર્યારેક જીવને પ્રભુ પાસે લઇ જાય છે ઓ ક્યારેક પ્રભુને જીવ પાસે લાવે છે.  કારણ સુગ્રીવની મિત્રતા કરાવવા માટે એ ભગવાનને સુગ્રીવ સુધી લઇ જાય છે.  ઘણા રોગી એવા પણ હોય કે વૈધને સામે ચાલીને આવવું પડે.  સુગ્રીવ એવો જ ભવરોગી છે, માટે પ્રભુને એ ત્યાં લઇ જાય છે.

 
આમ, હનુમાનજી સુગ્રીવ પર ઉપકારી છે.  વિભીષણ પર પણ ઉપકારી છે.  એટલું જ નહિ પણ સમગ્ર સંસાર પર ઉપકારી છે.

 

સુનુ કપિ તોહિ સમાન ઉપકારી,
નહિ કોઉ સુરનર મુનિ તનુધારી.

પ્રતિ ઉપકાર કરું ક્યાં તોરા,
સન્મુખ હોઈ શકત ન મનમોરા.

 

હે હનુમાન !  સાંભળ;  તારી સમાન દેવતા, મનુષ્ય, મુની અથવા કોઈ દેહધારી મારા ઉપકારી નથી.  હું પ્રત્યુપકાર (બદલામાં)  તો શું કરું, મારું મન પણ તારી સન્મુખ નથી થઇ શકતું.  હે હનુમાન !  તારા મારી પર એટલા ઉપકાર છે કે હું તારી સામું પણ જોઈ શકતો નથી.

 
સ્વયં સમર્થ પ્રભુ શ્રીરામ જાણે કે અસમર્થતા પ્રગટ કરે છે.  સ્વયં પરમાત્મા પણ જેના ઋણમાંથી મુક્ત થઇ શકતા નથી, જેના ઉપકાર સામે પ્રતિ ઉપકાર કરવા ભગવાન લાચાર છે, જેણે ત્રણ લોકના નાથને પોતાની સેવા-ભક્તિથી જીતી લીધા છે – એવા પરમ ઉપકારી સંત હનુમાનજી સાધારણ જીવને પણ ભગવાન પ્રત્યે ગતી અપાવે છે.  તેઓ ભક્તિને દ્રઢ કરે છે અને ઈશ્વરના હૃદયમાં જીવ પ્રત્યે કરુણાનો ઉદય કરાવીને એને શ્રી પ્રભુનાં ચરણારવિંદમાં સ્થાન અપાવે છે.

 

 

રા.જ.૦૪-૦૬/૪૩-૪૪

 

 

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli