હાલરડાંઓનું ખોવાઈ ગયેલું અસ્તિત્વ. …

હાલરડાંઓનું ખોવાઈ ગયેલું અસ્તિત્વ.…

 

 

 
HALARDU.1
 

 

તુંજ લક્ષ્મી, તુંજ સરસ્વતી, તુંજ દુર્ગા અંબિકાનો અવતાર
ઘણી ખમ્મા તને લાડલી તુંજ માંજ સમાયો છે મારો પ્રકાશ.

 

હૃદય કેરા ટુકડામાં લાલ સંતાયો
કાળજા કેરા કટકામાં ક્યાંકછુપાયો.

 

 

એક સમય હતો કે પારણે પોઢેલા બાળકને સુવાડવા માટે ઘરની વડીલ સ્ત્રીઓ, માતા અને બહેનીનાં કંઠે હાલરડું ગાતી હતી અને બાળક પણ એ હાલરડું સાંભળતા સાંભળતા શાંતિથી સૂઈ જતું હતું. માતા, બહેની, દાદી, ફોઇ નાં કંઠે સંભળાતું હાલરડું પોતાનાં કંઠમાં અનેક કથાઓ લઈને આવતું અને બાળકને પોઢાળતું. કદાચ સમયાંતરે આજ હાલરડાંઑમાંથી નાઈટ ટાઈમ સ્ટોરીનો પ્રાદુર્ભાવ થયો હશે પરંતુ આજે આ હાલરડાંઓનું અસ્તિત્વ લોકજીવનમાંથી ખોવાઈને અદ્રશ્ય થયું છે.  જે હાલરડાં સાંભળતાં સાંભળતાં એક પેઢી તૈયાર થતી તે હાલરડાં શું છે ? બાળકને સુવડાવતી વખતે બાળકનાં હૃદય પર, મન પર ઊંચો સ્વર ન આવે તે રીતે ધીમા અને મધુર અવાજે ગવાતી સૂરાવલીથી બાળકને પોતે સલામત છે તેવો ભાવ ઉત્પન્ન થાય છે જે તેને ધીરે ધીરે ગવાતા લય સાથે સૂવડાવી દે છે.  સામાન્ય શબ્દોમાં કહીએ તો ભાષા કરતાં વાત્સલ્ય ભાવ, સ્વર, પ્રાસ, લય, અને સંમોહક ભાવનાને લઈને ગવાતા નાદને હાલરડાં તરીકે ઓળખવામાં આવે છે…

 

હાલરડાંઓની રચના તો અનેક કવિઓએ કરી પરંતુ જે હાલરડાંઓની ઉત્તમ રચનાથી આપણું સાહિત્ય છલકાયેલું તે હાલરડાંઓનું મૂળ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાનાં પદોમાં રહેલ છે જેની રચના પુષ્ટિમાર્ગીય અષ્ટછાપ કવિઓએ કરી હતી, જેમાં સૌથી વધુ બાલ્યલીલાનાં પદોની રચના શ્રી સૂરદાસજીનાં હસ્તે રચાયેલ છે.  પ્રાચીનથી અર્વાચીન યુગ વચ્ચે સૌથી વધુ હાલરડાંઓની ભેંટ મધ્યકાલીન યુગમાં અનેક કવિઓએ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને આપી. તદ્પરાંત માતા જીજાબાઈએ બાળારાજા શિવાજી માટે ગાયેલું હાલરડું, કવિ પ્રેમાનંદનાં કૃષ્ણલીલા આખ્યાનોમાં રહેલ હાલરડાંઑ, કવિ ભોજલ રચિત ચેલૈયા કુંવરનું હાલરડું, ભક્તો, જૈન મુનિઓ, તીર્થંકરો તેમજ અનેક નામી અનામી કવિઓ દ્વારા રચાયેલાં હાલરડાંઑ વડે આપણાં સાહિત્યનાં પાનાં છલકાયેલા છે.

 

બાળકનાં જન્મ પછી બાળકને સૌ પ્રથમ માતાનાં હસ્ત અને અવાજનો સ્પર્શ થાય છે, બાળક માટે માતાનો બીજો સ્પર્શ તેનાં ઉરે ચાંપવાનો છે, ત્રીજો સ્પર્શ માતાનું દૂધરૂપી પ્રેમ મેળવવાનો અને માથા પર માતાનો ફરતો હાથ છે આ તમામ સ્પર્શો બાળકને હુંફનો અનુભવ કરાવે છે જે બાળકને પોતે આ દુનિયામાં સલામત હોવાની અનુભૂતિ કરાવે છે.  તદ્પરાંત બાળકને આ સ્પર્શો સિવાય માતાની બીજી ઓળખ તેનાં હલકે સ્વરે ગવાયેલા હાલરડાઓથી મળે છે જે બાળકનાં જીવનમાં સૌ પ્રથમ સૂર છે જેની લહેરોમાં બાળક ખેલવાનું શરૂ કરે છે અને સમય જતાં આ જ ખેલ બાળકનાં વિકાસમાં મોટો ફાળો આપે છે.  હાલરડું જેમાં માતાનો વાત્સલ્યનો ભાવ ઘૂંટાયો હોય, બહેનીનો પ્રેમ સમાયો હોય, દાદી-નાનીનું હૃદય અટવાયું હોય તેવું હાલરડું એ સુગેય પદની રચના માનવામાં આવે છે.  જેમાં બાળકને સ્વ પર આત્મશ્રધ્ધા, સ્વાસ્થ્ય, જીવનની ચડતી પડતી રૂપી વિવિધ ભાવો, સારી અને શુભ વિચારશરણી વગેરે પર શીખ આપવામાં આવે છે, આથી એમ કહી શકાય કે હાલરડાંઑ એ શાંતીસ્વાસ્થ્ય, શ્રધ્ધાસારા વિચારોઆનંદ, ખુશીવીરતા, વૈરાગ્ય, સત્ય, દાન, શૌર્ય, તપ, નીતિ, સંસ્કારરસની આરાધના કરવા માટેનું સબળ સાધન અને માધ્યમ છે.

 

શ્રીમદ્દ ભાગવતજીમાં ઉલ્લેખ છે કે માતૃવાત્સલ્યથી ભરપૂર એવા હાલરડાંઑ માતા યશોદાનાં કંઠેથી નીતરતા જેને સાંભળીને ભગવાન કૃષ્ણ મધુરું મુસ્કાઈ પારણિયે પોઢતાં.  એ જ રીતે રામાયણમાં પણ ભગવાન રામ સહીત ભાઈઓને માતાઓ સુવડાવતી વખતે વિવિધ વાર્તા પ્રસંગો કહેતી તેવો ઉલ્લેખ થયેલો છે.  જેને માટે વાત્સલ્ય ભાવ સિવાય અન્ય કોઈ વિશિષ્ટ કલા કે સર્જનસૃષ્ટિની જરૂર નથી તેવાં હાલરડાંઓની કલ્પના સૃષ્ટિમાં ઘણી જ અજાયબીઑ ભરેલી હોય છે.  જેમાં કુંજ, પોપટકોકીલ, મયૂર, કપોત આદી પક્ષીઓ, ચૂડીઑચૂડલાઑ, ઝાંઝરીઓ, નવલખાહાર, મત્સ્યકુંડળ અને મકર કુંડલ પહેરતાં કર્ણ અને હીરા, ચાંદી, સોના અને મોતીએ મઢેલા આભૂષણો અને અલંકારો, કિનખાબથી રંગેલી બાંધણી અને સેલારીઑ, મલમલથી બનાવેલ પહેરણ,  હાથી, ઘોડા, ગાય, વાઘ, સિંહ જેવાં રાજસી પ્રતિક રૂપ પ્રાણીઓ, કેળ-કદલીનાં વૃક્ષો, આંબા અને નાળિયેરનાં વૃક્ષો, ઘરમાં શોભા વધારતાં પાલના-હિંચકો અને હિંડોળાઓ, બાજોઠ, દીપ-દીવડાં અને દીપમાલિકાઑ, ચોખા ચડાવેલ ઉંબરો, ઘોડે બેસેલ વરરાજા અને પાલખીએ બેસેલી કન્યા, લાલ, પીળા, લીલા વગેરે રંગોધર્મ, વેદ પુરાણોની કથાઑ અને પ્રસંગો, આખ્યાન, ઇતિહાસની અવનવી કથાઓ, વીરતાથી ભરેલ નાયકો અને નાયિકાઑ, સંતો અને કવિઓની વાણીસીતા-રામ, રાધા-કૃષ્ણલક્ષ્મીજી માતા અને ભગવાન વિષ્ણુ, માતા ગૌરી અને ભગવાન શિવરૂપી સૌભાગ્ય અને મંગલ ભાવના, ઉત્સાહ અને આનંદને વધારતાં શુભ પ્રસંગો, વૈવાહિક જીવનનું સાફલ્ય દર્શાવતી અને કુટુંબીજનોનાં સ્નેહરૂપી મધુર પળો અને પ્રસંગો, મીઠા મધુરા મિષ્ટાન્ન, ગ્રામ્ય સંસ્કૃતિ વગેરેનો સમાવેશ કરાય છે.

 

 
આજે આપણે કહીએ છીએ કે પુત્ર અને પુત્રીનું સ્થાન સમાજમાં એક જ છે તેમ છતાંયે આજની આપણી સંસ્કૃતિ પુત્રભાવનાને વિશેષ મહત્વ આપે છે તેથી જ ભાઈને હીંચોળતી બહેનનું સ્થાન હાલરડાંમાં છે, પણ બહેનીને હીંચોળતા ભાઈનો સમાવેશ હાલરડાંઓમાં  કરાયો નથી.  તે જ રીતે પુત્રને માટે અનેકાનેક હાલરડાંઑ આપણી સમાજસંસ્કૃતિમાં જોવા મળે છે પરંતુ પુત્રીને સંબોધિત કરાયેલા હાલરડાંઑની સંખ્યા લગભગ નહીવત્ છે.  જે ભારતીય સંસ્કૃતિમાં આજે પુત્રનું ચલણ છે તે જ ભારતીય સંસ્કૃતિમાં એક દિવસ પુત્રને જન્મ આપનારી કન્યાનું મહત્વ વિશેષ રહેતું હતું તેથી જ સીતા, રાધા, પાર્વતી વગેરેની સંબોધિત કરીને ઘણાં હાલરડાઓનો સમાવેશ શાસ્ત્રોમાં કરાયેલો છે.  આ જ હાલરડાઓને કારણે ભારતીય સંસ્કૃતિનાં પાયારૂપ આપણી આ દેવીઓની ભેંટ આપણને મળી છે.  જો સીતા, સતી, રાધિકા જેવી સન્નારીઓનું સ્થાન જ ન હોત તો કદાચ રિધ્ધિ-સિધ્ધી અને બુધ્ધિનાં સ્વામી ગણપતિની ભેંટ આપણને મળી ન હોતજો રાધિકાજી ન હોત તો સખ્ય પ્રેમનું અદ્ભુત સ્વરૂપ આપણને જોવા મળ્યું ન હોત અને જો સીતા ન હોત તો સાસુ-વહુ વચ્ચેનાં સંબધની, દેવર-ભાભીના અને પતિ-પત્ની વચ્ચેનાં સંબંધોની ગહેરાઈ વિષે આપણને કોણ બતાવત ? 

 

વ્રજ સાહિત્યમાં કહે છે કે કીર્તિદા રાણી રાધિકાજીને પારણે ઝૂલાવતી વખતે કહે છે કે હે પુત્રી તારું આગમન થયું છે તે મને સૂચિત કરે છે કે હું કેટલી સૌભાગ્યશાળી છું, હે પુત્રી તારા આવવાથી મારા આંગણે અસંખ્ય સુવાસિત પુષ્પો ખીલી ઉઠ્યા છે, પ્રિય પુત્રી તું જ મારી લક્ષ્મી છો અને તું જ સરસ્વતી કારણ કે હે પુત્રી તારા પધારવા માત્રથી મારા આંગણામાં રહેલી ગાયોએ પોતાના આંચળ વરસાવ્યા છે (અર્થાત્ ગાયોએ દૂધ વધુ આપ્યું છે) અને બ્રાહ્મણોએ મારા ગૃહ પર આશિષ વરસાવ્યાં છે.  મહર્ષિ વાલ્મિકીકૃત રામાયણમાં કહે છે કે જ્યારે જનક રાજાએ પ્રથમવાર સીતાજીને જોયાં ત્યારે તેમનું હૃદય આનંદથી ઉછળી પડ્યું અને તેમનાં હૃદયમાંથી સીતાજી માટે આશિષ રૂપી હાલરડું નીકળી ગયું, જેમાં જનક રાજા કહે છે કે આજ દિવસ સુધી હું ફક્ત નરેશ હતો પરંતુ હવે હું મહાનરેશ થયો કારણ કે મારું સૌભાગ્ય આજે મારે ત્યાં મારી પુત્રી બનીને આવ્યું છે.  આમ આપણાં પુરાતન શાસ્ત્રોએ પુત્રીઓનો મહિમા ગાયો છે ત્યાં આજની સંસ્કૃતિમાં પુત્રીનું અને પુત્રીઑ માટેનાં હાલરડાંઓનું મૂલ્ય ઓછું શા માટે અંકાય છે ?

 

 
શાસ્ત્રોએ કહ્યું છે કે गुरुणां माता गरीयसी માતા સૌથી મોટી ગુરુ છે.  માં, મમતા અને માતૃત્વ રૂપી આ ગુરુ જ્યારે પોતાના બાળકને ભાવપૂર્વક હાલરડાંઑ દ્વારા બાળકને જીવનનાં પાંચ વિષય….. શબ્દ, રૂપ, ગંધ, સ્વાદરસ અને સ્પર્શનું જ્ઞાન કરાવતી સુવડાવે છે ત્યારે એ બાળકનાં ભાગ્યની ઈર્ષા દેવો પણ કરે છે કારણ કે દેવોને પણ માતાનાં ભાવનુંમાતાની ગોદનું અને માતાનાં કંઠેથી હાલરડાંઑ સાંભળવાનું સૌભાગ્ય નથી મળ્યું.  વિજ્ઞાન સહિત સમસ્ત શાસ્ત્રોમાં કહ્યું છે વાત્સલ્ય, પ્રેમ, અને માતૃત્વથી છલોછલ ભરેલા જે હાલરડાંબાળકના સંસ્કારો અને જીવનઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવે છે.  પરંતુ જીવનઘડતરમાં સહાયક થતાં હાલરડાંઓનું અસ્તિત્વ આજે ખોવાયેલું છે.  એક સમયે ગ્રામ્યજીવન, લોકજીવન અને જીવનઘડતરમાં જેનો ફાળો અમૂલ્ય રહેતો હતો તેવા આ હાલરડાંઓનું ખોવાયેલું અસ્તિત્વ આપણને પાછું મળશે કે કેમ તે એક સવાલ છે.

 

 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

 

 

કાંઈક વિશેષ …

 

 

હાલરડાં ની આવી સુંદર જાણકારી હોય તો સાથે થોડાં હાલરડાં તો બને છે ને !….
ચાલો તો માણીએ હાલરડાં  … ગાવાનું માતાઓ – બહેનો તમારે રહેશે હો ને !!!!

 

 HALARDU.4

 

 (૧)   તમે મારા દેવના દીધેલ છો …

તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’

મહાદેવે જાઉં ઉતાવળીને જઈ ચઢાવું ફૂલ,
મહાદેવજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે,
દીધા તમે અણમૂલ,

તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’

હનુમાને જાઉં ઉતાવળીને જઈ ચઢાવું હાર,
હનુમાનજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે,
દીધા હૈયાના હાર,

તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’

તમે મારું નગદ નાણું છો,
તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’

તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈને રો’

 

 

(૨)   ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે…

 

 

HALARDU.3

 

 

હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

અગર ચંદનની ચોટી, ગિરધરથી રાધા મોટી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

સાવ સોનાની ઝારી, ગિરધરને રાધા પ્યારી
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

રાધાને હાથે ચૂડો, ગિરધરવર છે રૂડો
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

વ્રજની ગોપી આવે, એના ઝભલા ટોપી લાવે
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ગિરધરને માખણ વ્હાલું, એ તો બોલે કાલુ કાલુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

એના મુખમાં સાકર આપું, ગિરધરને ઉરથી ચાંપુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

હું રમકડાં બહુ માંડુ, ગિરધરને આંજણ આંજુ
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

ઘુઘરડો વગાડું, મારા ગિરધરને જગાડું
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે

કુમુદિનીના પ્યારા, લાડકડા મોહન પ્યારા
ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે