(૧) મા બનનારી દીકરીને પત્ર … અને (૨) માતૃત્વને આરે … (રચના) …

(૧) મા બનનારી દીકરીને પત્ર …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

kids and mother
 

 

ચિ. સુ.

 

 

તારા લગ્નને બે વરસ પૂરા થઈ ગયા. સમય ક્યા પસાર થઇ ગયો તેની ખબર જ ન રહી. જાણે હજી ગઈકાલે તો તારા લગ્ન લેવાયા હોય તેમ લાગતું કારણ લગભગ રોજ આપણે ફોન ઉપર વાત કરતા અને પરસ્પર સંપર્કમાં રહેતા. પરંતુ આજે જે સમાચાર આપ્યા તે એવા સુખદ છે કે સાંભળીને મારી જાતને આ પત્ર લખતાં રોકી શકી નહી કારણ અમુક વાતો એવી હોય છે જે ફોન ઉપર ના પણ થઈ શકે.

 
દીકરી માં બનવાની છે તે જાણી કઈ માને આનંદ ન થાય ?  પરંતુ તે સાથે દીકરીની જવાબદારી પણ વધી જાય છે તેનો તને કદાચ પૂરો ખયાલ નહી હોય.  હવે તું પત્નીની સાથે સાથે મા બનવાની છે અને આમ બમણી જવાબદારી આવવાની.,  દરેક સ્ત્રી માટે આ બેવડી જવાબદારી કસોટીરૂપ હોય છે અને સમજદારીપૂર્વક તે ન નિભાવાય તો લગ્નજીવન મુશ્કેલીભર્યું બને છે.

 
બાળકના જન્મ પહેલાના નવ મહિના દરમિયાન સ્ત્રી જુદા જુદા સ્તરેથી પસાર થાય છે.  આ તારો પહેલો પ્રસંગ છે એટલે થોડા રોમાંચ સાથે તું થોડો ભય પણ અનુભવતી હશે. આ સ્વાભાવિક છે કારણ માતા બનનારી દરેક મહિલા આ અનુભવમાંથી પસાર થાય છે.  તું જાતજાતના વિચારો કરતી થઈ જશે.  પણ એટલું ધ્યાન રાખજે કે સારા વિચારો જ આવનારમાં સારા સંસ્કાર પૂરે છે.  સારૂ વાચન તેમાં મદદરૂપ થાય છે.

 
વળી તબિયતમાં પણ ચઢાવ ઉતાર આવશે પણ તેનાથી ગભરાયા વગર ખાવા પીવાની બાબતમાં અપાયેલા સલાહસૂચનનું યોગ્ય પાલન કરવાથી તેમ જ નિયમિત ફરવા અને આરામ કરવાની બાબતમાં તું જેટલું ધ્યાન આપશે તેટલી તને ઓછી તકલીફ થશે અને આવનાર પણ તંદુરસ્ત હશે.  આ માટે ડોક્ટરની નિયમિત મુલાકાત અને તેમના સલાહસૂચનનું ચુસ્ત પાલન અત્યંત જરૂરી છે.

 
આવનાર નાના જીવને સાચવવાની પ્રાથમિકતા હોવા સાથે પતિને પણ સાચવવો જરૂરી છે.  અત્યાર સુધી તારૂ ધ્યાન એક પર કેન્દ્રિત હતું અને તું પૂરો સમય તારા પતિને ફાળવતી હતી.  હવે તેવો અને તેટલો સમય તું તેમને ન પણ આપી શકે.  આ સંજોગોમાં નિરવકુમાર કેટલી સમજદારી દાખવે છે તે મહત્વનું છે. જ્યાં સુધી હું તેમને ઓળખું છું તે મુજબ મને ખાતરી છે કે તેઓ આ બાબતમાં સાનુકુળ બની રહેશે અને તને અંતરાયરૂપ ન થતાં સહાયરૂપ થશે.

 
જ્યારે પણ આ નવા અવતારમાં મૂંઝવણ થાય ત્યારે અડધી રાતે પણ તું તારી આ સખી જેવી માને ફોન કરી શકે છે તે કહેવાની જરૂર છે?

 
બસ હાલમાં આટલું પૂરતું છે કારણ ફોન તો કરતા રહેશું ત્યારે સમયાનુસાર વાતો અને સલાહ અપાતી જ રહેશે.

 

 

તારી હિતેચ્છુ મા

 

 

 

 

(૨) માતૃત્વને આરે …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

pregnaent.lady
 

 

હર નારીની છે ઝંખના જે પામવા પદ
પણ નથી સરળ પામવું સર્વને આ પદ

 

આવ્યો એ અવસર આજ તુજ સન્મુખે
પ્રભુ દે શક્તિ, પામે તું તે હસતે મુખે

 

ભલે લાગે માર્ગ પ્રાપ્તિનો પીડાદાયક
પણ પછી છે અનેરો અને આનંદદાયક

 

છે આ નવજીવન અણજાણ પણ રોમાંચક
જે બદલશે તારી જીવનયાત્રા અચાનક

 

રહેશે વડીલો અને સાથીઓનો હંમેશા સાથ
રહે નચિંત, સદાય ઝાલશે સૌ  તારો હાથ

 

 
– નિરંજન મહેતા (મુંબઈ)

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’  પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  નિરંજનભાઈ મહેતા (મુંબઈ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી ના સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli