નારિયેળથી કરો અસાધ્ય રોગોની દવા …

નારિયેળથી કરો અસાધ્ય રોગોની દવા  …

 

 

 

coconut.1

 

 

દરેક વ્યકિતને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું ગમે છે અને તેના માટે તે દરેક પ્રકારનાં ઉપાયો પણ અજમાવવા તૈયાર હોય છે. ધગધગતા ઉનાળામાં તરસ છીપાય અને સાથે સાથે પ્રોટીન અને વિટામીન મળે તેવું એક ફળ છે જેનું નામ લીલું નાળિયેર છે. ઉનાળાની ઋતુમાં નારીયેળનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. આ પાણીમાં વિટામીન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આયુર્વેદમાં પણ જણાવાયું છે કે 100 પ્રકારની બિમારીઓ સામે નારીયેળ પાણીથી લાભ થાય છે. ઉપરાંત શરીરને તંદુરસ્તં રાખવામાં પણ તેની મહત્વ પૂર્ણ ભૂમિકા હોય છે.

 

ઉલ્લેખનીય છે કે નારીયેળને શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

નારિયેળના ઉપયોગથી સ્વાસ્થ્યની કેટલીક બીમારીઓ કરો દૂર …

 

આપણે ત્યાં સારા-માઠા પ્રસંગે ‘નાળિયેર’ અચૂક પ્રયોજાય છે.  દીકરા-દીકરીની સગાઈમાં રૂપિયો અને નાળિયેર અપાય છે.  મકાનમાં વાસ્તુપૂજનમાં કે કોઈ પવિત્ર યજ્ઞામાં હવનના અંતે શ્રીફળ હોમાય છે.  અરે, અરથી ઉપાડતી વખતે તેના ચારે ખૂણે ચાર શ્રીફળ બંધાય છે અને અંતિમ સંસ્કારમાં તે સાથે નંખાય છે.  ટૂંકમાં,આપણા કોઈ પણ ધાર્મિક પ્રસંગ શ્રીફળ વગર શક્ય નથી. આ વખતે આપણાં આ પવિત્ર ફળ અને આયુર્વેદના અનુપમ ઔષધનો વાચકોને સંક્ષિપ્તમાં પરિચય કરાવવા આ કલમ ઊંચકું છું.

 

ગુણકર્મો … 

 

સમુદ્રકિનારે ખૂબ જ થતાં આ વૃક્ષના બગીચાઓની શોભા અનન્ય હોય છે. નાળિયેરનાં વૃક્ષો દક્ષિણ ભારત, કચ્છ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, કોંકણ, બર્મા, મલાયા, શ્રીલંકા, આફ્રિકા, અમેરિકા વગેરે દેશ-પ્રદેશોના સમુદ્રકિનારાનાં સ્થળોએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

 

નાળિયેર (કોપરું) સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે, વાયુ અને પિત્તશામક, મળ અને વાયુને નીચે તરફ સરકાવનાર, હૃદય માટે હિતકારી, મૂત્રાશયને શુદ્ધ કરનાર, બળપ્રદ, પૌષ્ટિક તથા તૃષા, દાહ-બળતરા, રક્તદોષ અને તાવનો નાશ કરનાર છે.

 
નાળિયેરનું પાણી શીતળ, શરીરનો રંગ-વર્ણ સુધારનાર, મૂત્ર સાફ લાવનાર, દાહશામક તથા પિત્તની બળતરા શાંત કરનાર છે.

 

લીલું નાળિયેર ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન અને ખનિજ ક્ષારો પુષ્કળ પ્રમાણમાં રહેલાં છે.  બધાં જ આરોગ્યદાયક તત્ત્વો અને વિટામિનો નાળિયેરમાં સમાયેલાં છે.
 

 

 green coconut

 

 

ઉપયોગો …

 

 
અમ્લપિત્ત-એસિડિટી માટે નાળિયેરના પાણીનો એક સરસ ફળદાયી ઉપચાર-પ્રયોગ આ પ્રમાણે છે. પાંચ લિટર નાળિયેરના પાણીને ધીમા તાપે પકવવું. પાણી થોડું ઘટ્ટ બને ત્યારે તેમાં જાયફળ, જાવંતરી અને ત્રિકટુનું એક-એક ચમચી ચૂર્ણ નાંખી બાટલી ભરી લેવી. આ દ્રવઔષધ એક-એક ચમચી સવાર-સાંજ લેવાથી અમ્લપિત્ત મટી જાય છે. ૧૦થી ૧૫ દિવસ આ ઉપચાર કરવો.

 
નાળિયેરનાં ફૂલ કે જે ખરી જતાં હોય છે એ સૂકાં ફૂલ લાવી, તેનું ચૂર્ણ કરી, બાટલી ભરી લેવી. આમાંથી એક ચમચી જેટલાં ચૂર્ણને ચપટી જવખાર સાથે પાણીમાં ખૂબ વાટી ચટણી બનાવવી. રોજ સવારે આ રીતે ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં મેળવીને નરણાં કોઠે પીવામાં આવે તો કિડનીની, મૂત્રનળીની કે મૂત્રાશયની પથરી ધીમે ધીમે નીકળી જાય છે.  આ ઉપચારથી પથરીનો દુખાવો, ઊબકા, ઊલટી પણ મટી જાય છે.

 
નાળિયેરનું પરિપક્વ તાજું ફળ લઈ તેનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો પિત્તજન્ય તાવ, પિત્તના અન્ય વિકારો, રક્તના વિકારો, તૃષા, ઊલટી, બળતરા, રક્તસ્રાવ વગેરેમાં લાભ થાય છે.  પાચનતંત્રના પિત્ત વિકારો, અમ્લાધિક્ય વગેરેમાં પણ તે લાભપ્રદ છે.  તે મળને નીચે તરફ સરકાવનાર હોવાથી પેટનો ગેસ, આફરો, મળની દુર્ગંધ વગેરે મટાડે છે.  જેમને મળ સૂકો અને કઠણ આવતો હોય તેમને મળોત્સર્ગમાં સહાયક બને છે.

 
શિયાળાના ત્રણથી ચાર મહિના સવારે કોપરું અને ગોળ ખૂબ ચાવીને ખાવામાં આવે તો હાડ ન લેતાં પાતળાં બાળકો પુષ્ટ થાય છે.  યુવક-યુવતીઓનાં શરીર સુદૃઢ બને છે.  છાતી પહોળી થાય છે.  ઊંચાઈ વધે છે.  સવારનાં નાસ્તામાં થોડું કોપરું અને ખજૂર ખાવામાં આવે તો વીર્યની વૃદ્ધિ થાય છે.  શુક્રજંતુઓની સંખ્યા વધે છે.

 
નાળિયેરનાં તાજા ફૂલો લાવી, તેનો વિધિવત્ ગુલકંદ બનાવી, તેમાં સફેદ ચંદન અને વિરણવાળાનું થોડું ચૂર્ણ ઉમેરી પાણી સાથે પીવામાં આવે તો ઊબકા, ઊલટી, અતિસાર-ઝાડા, મોઢાનાં ચાંદાં, તૃષા વગેરે મટે છે.

 
નારિયેળ અનેક જાતના ઔષધીય ગુણોથી ભરપૂર છે સાથે સૌંદર્ય નિખારવામાં પણ નારિયળ અત્યંત ઉપયોગી છે. આ ઊર્જાનો એક સારો સ્ત્રોત છે. જેથી તમે ભોજનમાં પણ નારિયેળનો ઉપયોગ કરી શકો છો.  નારિયેળમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન જેવા પોષક તત્વો સારી માત્રામાં હોય છે. નારિયેળમાં ફાઈબરની માત્રા વધુ પ્રમાણમાં હોય છે.  જેથી જે લોકોને કબજિયાતની પરેશાની રહેતી હોય છે એ લોકો માટે નારિયેળ વરદાન સમાન છે.

 

coconut

આજે આપણે નારિયેળના ગુણો અને ફાયદા વિશે અહીં જણાવીશું. …

 

– સવારે નિયમિતપણે 50 ગ્રામ નારિયેળનું ગર ચાવીને ખાવાથી ગર્ભવતી સ્ત્રીઓને સ્વાસ્થ્યમાં બહુ લાભ થાય છે. સાથે ગર્ભસ્થ બાળક પણ ચુસ્ત અને તંદુરસ્ત રહે છે.

 

– નારિયેળ તેલમાં ઝીણો વાટેલો બદામનો ભૂકો માથા પર લગાવવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.

 

– જો પેટમાં કૃમિ થવાની સમસ્યા હોય તો રોજ નાશ્તામાં એક ચમચી પીસેલું નારિયેળ ખાવાથી પેટના કૃમિ નાશ પામે છે.

 

-નારિયેળનું દૂધ પીવાથી ગળાની ખરાશમાં રાહત મળે છે. નારિયેળનું દૂધ પેટના અલ્સરને સાજું કરવામાં પણ મદદ કરે છે.

 

-નારિયેળ કિડની, થાઈરોઈડ, ડાયાબિટિસ અને મૂત્રાશય સંબંધી બીમારીઓથી ગ્રસ્ત રોગીઓ માટે અત્યંત લાભકારક રહે છે.

 

-નારિયેળમાં અનેક એન્જાઈમ હોય છે. જે પાચન ક્રિયામાં મદદ કરે છે.  જેથી જો પેટમાં દુખાવો રહેતો હોય કે ગેસની સમસ્યા થતી હોય તો નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી ઊલટીમાં પણ રાહત થાય છે.

 

-જો નારિયેળના ગરમાં બદામ, અખરોટ અને સાકર મિક્ષ કરીને ખાવામાં આવે તો યાદશક્તિ તેજ થાય છે.

 

-ઉધરસમાં નારિયેળ રામબાણ દવાનું કામ કરે છે.  નારિયેળના દૂધમાં એક ચમચી ખસખસ  અને એક ચમતી મધ નાખીને દરરોજ આ મિશ્રણનું સેવન રાત્રે સૂતા પહેલા કરવાથી તરત ફાયદો થાય છે.

 

-નારિયેળની તાસીર ઠંડી હોવાથી નારિયેળનું સેવન કરવાથી નસકોરીમાં પણ બહુ ફાયદો થાય છે.

 

-મોઢામાં ચાંદા રહેતા હોય તો કાચું નારિયેળ ખાવું જોઈએ અને વધુને વધુ નારિયેળ પાણી પીવું જોઈએ. તરત લાભ થશે.

 

-નારિયેળ તેલને સ્કિન પર લગાવવાથી પ્ણ અનેક ફાયદા થાય છે.  નારિયેળના તેલના કેટલાક ટીપાં સ્કિન માટે લાભકારક રહે છે.

 

-ખાટા દહીંમાં મુલ્તાની માટી મિક્ષ કરીને આ ઉબટનમાં નારિયેળ તેલના ટીપાં નાખીને વાળમાં લગાવવાથી વાળમાં નવી ચમક અને જાન આવી જાય છે.  વાળ સ્વસ્થ બને છે.

 

-દરરોજ 2-3 નારિયેળ પાણી પીવાથી ચહેરાનો ગ્લો વધે છે અને સ્કિન નિખરે છે. નારિયેળ પાણી ત્વચા માટે અત્યંત ફાયદાકારક રહે છે.

 

-ઠંડીમાં દરરોજ સૂકું નારિયેળ ખાવું જોઈએ.  જો ચહેરા કે અન્ય ભાગ પર કરચલીઓ થઈ હોય તો રાત્રે સૂતી વખતે તે ભાગ પર નારિયેળ તેલ લગાવવું જોઈએ.  હાથથી ઉપર તરફ લઈ જતાં હળવા હાથે માલિશ કરવાથી કરચલીઓ દૂર થવા લાગે છે.  ત્યારબાદ સવારે ઉઠીને ચહેરો પાણીથી ધોઈ નાખવો.

 

-નારિયેળનું ગર સૈંદર્યવર્ધક હોય છે.  નારિયેળના ગરને ચહેરા પર જ્યાં ડાઘા કે ધબ્બા પડ્યા હોય તે ભાગ પર ઘસવાથી ધીરે-ધીરે ડાઘા દૂર થવા લાગે છે અને ચહેરો ગ્લો કરવા લાગે છે.

 

-મોટાભાગની સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતાની સમસ્યા રહેતી હોય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો દરરોજ લગભગ દસ ગ્રામ તાજુ નારિયેળ ખાવું સાથે ગાયનું ઘી નાખેલું દૂધ પીવું.  આવું નિયમિત કરવાથી માસિક સંબંધી સમસ્યાઓ દૂર થશે.

-જો પુરૂષોને શીઘ્રસ્લખનની સમસ્યા રહેતી હોય તો દરરોજ સવારે દસ ગ્રામ નારિયેળના સૂકા ગરને ખાવું સાથે એક ગ્લાસ ગાયનું દૂધ પીવું.  આવું કરવાથી પુરૂષોની આ સમસ્યા દૂર થશે.

 

 

દર્યની દ્રષ્ટિએ જોવા જઇએ તો નારિયેળની સરખામણી અન્ય કોઇ ફળ સાથે ન કરી શકાય. આવો જાણીએ કે ચહેરો નિખારવા અને ડાઘા, ધબ્બા દૂર કરવા નારિયેળનો પ્રયોગ કઇ રીતે કરી શકાય…

 

ડેડ સ્કિન દૂર કરશે –

 
1 ચમચી નારિયેળ તેલ કે નારિયેલનો પલ્પ લઇ તેમાં બેકિંગ સોડા મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરો. આને 2-3 મિનિટ માટે ચહેરા પર ઘસો અને પછી ગરમ પાણીથી મોઢું ધોઇ લો.

 
1 ચમચી નારિયેળ પાણી અને પીસેલી દાળ લઇ મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર બે મિનિટ રહેવા દઇ સ્ક્રબ કરો. તમારી સ્કિન હાઇડ્રેટ થઇ જશે અને તેમાં કસાવ આવશે.

 
મોઇશ્ચ્યુરાઇઝર –
 

 
રોજ રાતે ઊંઘતા પહેલા થોડું નારિયેળ પાણી તમારા ચહેરા પર ઘસો. આવું થોડા દિવસો સુધી કરવાથી ચહેરા પરથી બધા ડાઘા ગાયબ થઇ જશે અને ચહેરો હાઇડ્રેટ થશે તેમજ તેમાં નમી પણ આવશે.

 
લીંબુના રસના થોડા ટીપાં સાથે નારિયેળનું થોડું પાણી મિક્સ કરી ચહેરા અને શરીર પર લગાવો. આનાથી ત્વચામાં નમી આવશે તથા કસાવ પણ આવશે.  જેનાથી તમારી ઉંમર ઓછી દેખાશે.  સ્નાન કર્યા બાદ તમારા શરીર પર નારિયેળનું દૂધ લગાવો અને 15 મિનિટ પછી ધોઇ લો.  આનાથી શરીરમાં પ્રભાવી રૂપે નમી આવશે અને રંગ પણ નીખરશે.

 
ખીલ …
 

 
શું તમારા ચહેરા પર પુષ્કળ માત્રામાં ખલ છે ?   ખીલથી પડેલા ડાઘાને સાફ કરવા માટે રોજ રાતે ઊંઘતા પહેલા થોડું નારિયેળ પાણી લગાવો. આવું અનેક દિવસો સુધી કરવાથી ચહેરા પરના ડાઘા ગાયબ થઇ જશે અને ચહેરો બિલકુલ સાફ થઇને ચમકવા માંડશે.
 

જો નારિયેળનો અને તેના પાણીનો યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવતો ઘણા પ્રકારની નાની નાની તકલેફો પર કાબુ મેળવી શકાય છે. જેમકે …

 

એટકી : કાચા નારિયેળનું પાણી પીવાથી એટકી આવતી બંધ થઈ જશે.  સાથે સાથે ઉલ્ટી અને પેટના ગેસદર્દમાં અને પેટમાં દુખાવો પણ ઓછો થઈ જશે.

 

દમ : નારિયેળની ચોટીને સળગાવીને અને તેની રાખને મધમાં ભેળવીને ત્રણ-ચાર વખત ચાટવાથી સારો ફાયદો થાય છે.

 

યાદશક્તિ : નારીયેળના મિશ્રણમાં બદામ, અખરોટ તેમજ સાકરને મિક્સ કરીને સેવન કરવાથી યાદ શક્તિમા વધારો થાય છે.

 

નસકોરી : જેને નસકોરી ફુટતી હોય તેને નારિયેળનું પાણી નિયમીત રૂપે પીવું જોઈએ.  સાથે સાથે ખાલી પેટે નારિયેળનું સેવન કરવાથી પણ લોહી વહેતું બંધ થઈ જશે.

 

ખીલ : નારિયેળના પાણીની અંદર કાકડીનો રસ ભેળવી સવાર-સાંજ નિયમીત રૂપે લગાવવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દુર થાય છે તેમજ ચહેરો સુંદર અને ચમકરદાર થાય છે.  નારિયેળના તેલમાં લીંબુનો રસ અથવા ગ્લિસરીન ભેલવીને ચહેરા પર લગાવવાથી ખીલ મટી જશે.

 

અનિંદ્રા : રાતનું ભોજન લીધા બાદ નિયમીત રૂપે નારિયેળનું પાણી પીવાથી ઉંઘ સારી આવે છે.

 

માથાનો દુ:ખાવો : નારિયેળના તેલમાં બદામને ભેળવીને તેમજ ખુબ જ ઝીણી પીસીને માથા પર લેપ લગાવવાથી માથાના દુ:ખાવામાં રાહત થાય છે.

 

ખોડો : નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને વાળમાં લગાવવાથી ખોડો તેમજ માથામાં આવતી ખુજલીથી રાહત મળે છે.

 

ગર્ભાવસ્થા : સવારે રોજ નિયમીત રૂપે 50 ગ્રામ નારિયેળને ચાવવાથી ગર્ભવતી મહિલાને તો લાભ થાય જ છે સાથે સાથે આવનાર બાળક પણ હુષ્ટ પુષ્ટ તેમજ ઉજળા વર્ણનું થાય છે.

 

પેટના કૃમી : પેટમાં કૃમિ થવા પર સવારે નાસ્તાની સાથે એક ચમચી પીસેલ નારિયેળનું સેવન કરવાથી પેટના કૃમિ તુરંત જ મૃત્યું પામે છે.

 

 

સાભાર: સંદેશ – દિવ્યભાસ્કર – ગુજરાત સમાચાર અને વેબ દુનિયા …

બ્લોગ લીંક : http://das.desais.net 

email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli