કડવી કોફીની કહાણી …

કડવી કોફીની કહાણી …

 

 

 
coffee.1
 

 

કાફી….કાફી….કાફી…..કહેતો એક સ્વર વહેલી સવારે ગુંટકલ સ્ટેશન ઉપર ગુંજી ઉઠ્યો. પૂના છોડયા બાદ આ પ્રથમ એવું સ્ટેશન હતું જ્યાં મને ચા ને બદલે પહેલા કોફીનો સ્વર સંભળાયો હતો. પૂનાથી અત્યાર સુધી દરેક સ્ટેશને પ્રથમ ચા અને બીજો શબ્દ કોફીનો હતો જે ગુંટકલ સ્ટેશનથી બદલાઈ ગયો હતો. આ સ્વર આવતા જ હું સાઉથ ઈન્ડિયામાં પહોંચી ગઈ છુ તે વાતનો અહેસાસ થઈ ગયો. પણ મારી સફર હજુ લાંબી હતી તેથી મારી ચા ને મીસ કરતાં કરતાં એક ઘૂંટ ગરમ ગરમ કોફીનો લઈ જ લીધો. એ ગરમ ગરમ કોફીની ચૂસકી લેતાં જ મનમાં કાફી અને કોફીની શોધની અનેક કહાણીઓ આકાર લેવા લાગી.

 

 

coffee.3

 

 

એક્સ્પ્રેસો, મોકા, લાટે, ફેંચ વનેલા, હેઝલનટ, સિનેમોન, આલ્મંડ ક્રંચ, કોલમ્બિયા પ્લેઇન, કાર્ડામમ, મિન્ટ, વગેરે જેવા અનેક ફ્લેવર ધરાવતી કોફીનું મૂળસ્થાન યમન અને ઇથોપિયા માનવામાં આવ્યું છે. એક કિંવદતી અનુસાર કોફીની શોધ શેખ અબ્દુલ હસનના સેવક ઓમર દ્વારા થઈ હતી. એકવાર કોઈક કારણસર શેખ અબ્દુલે ઓમરને દેશવટો આપ્યો. પોતાની જન્મભૂમિથી નિષ્કસીત થઇ ફરતા ઓમરને અતિ ભૂખ લાગી ત્યારે તે ફરતા ફરતા એક રણદ્વીપ ઉપર આવ્યો. અહીં ઓમરને પીવા માટે પાણી મળી ગયું, પણ ઓમર ભૂખ્યો હતો તેથી તે દ્વીપ ઉપર કશુક ખાવાનું શોધવા માટે ફરવા લાગ્યો. આમતેમ દ્વીપ ઉપર ફરતા ઓમરને કશું ખાવાનું તો ન મળ્યું પણ તેણે જોયું કે રણના પક્ષીઑ કોઈક પ્રકારના ફળ ખાઈ ને ઉર્જાપૂર્વક ઊડી રહ્યા છે ત્યારે ઓમરે વિચાર્યું કે જો પક્ષીઓ આ ફળ ખાઈ શકે છે તો પોતે તે ફળ કેમ ખાઈ ન શકે? આમ વિચારી ઓમરે તે ફળ ખાવા માટે પ્રયત્ન કર્યો ત્યારે તે ફળ તેને કડવું લાગ્યું. એ કડવા રસને કારણે ઓમરની ભૂખ ન બુઝાઇ. તેથી તેણે વિચાર્યું કે કદાચ આ ફળ રંધાયું નથી તેથી કડવું લાગતું હશે આથી તેણે તે ફળને બીજ સમેત શેકીને ખાવાનો પ્રયત્ન કર્યો પરંતુ આમ કરતા તેણે મહેસુસ કર્યું કે તે ફળની છાલ બળી ગઈ છે અને અંદરના બીજ હાર્ડ થઈ ગયા છે તેથી તેણે બીજું એક ફળ લઈ તે ફળને પાણીમાં નાખી ગરમ કર્યું. પછી તે પીવા લાગ્યો. આ પાણી પણ તેને કડવું જ લાગ્યું પણ તેની ભૂખ કંઈક અંશે ઓછી થઈ હતી અને તેનું ખોવાયેલું જોમ પણ પાછું આવ્યું હતું. આ નવા પ્રકારના ફળના પાણીને તેણે કહવા નામ આપ્યું. સૂફીસંતોએ કાહવાનો અર્થ શરાબ તરીકે કર્યો છે. શરાબ જે આસપાસનું અસ્તિત્વ ભુલાવી કેવળ અને કેવળ પોતાના જ નશામાં રાખે છે તે પરંતુ સાથે સાથે આ સૂફીસંતો કહે છે કે જે ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં જે મગ્ન થઈ પોતાના અસ્તિત્વને ભૂલી જવામાં મદદ કરે છે તે પણ એક પ્રકારનો શરાબ છે. સૂફીસંતોને કારણે ઈસ્લામિક દેશોમાં કહવા પીણું અતિ પ્રખ્યાત થયું, પરંતુ ઈસ્લામિક દેશોમાંથી બહાર જતાં એ કહવા શબ્દ કાહવા, કાહફા, કાફી અને કોફીમાં રૂપાંતરિત થયો.

 

 
coffee.4

 

 

કોફીનો ઈતિહાસમાં કહે છે કે ૧૩ મી સદીથી ૧૭ મી સદી સુધી અરેબિક લોકો ભેગા થઈ શતરંજ રમતા, અને કોફી પીતા તે સ્થળને કાહફે તરીકે ઓળખતા જેને આજે આપણે કાફે તરીકે ઓળખીએ છીએ. પરંતુ ચાર્લ્સ દ્વિતીય એમ માનતો હતો કે કાહફેમાં ભેગા થઈ લોકો સત્તાની વિરુધ્ધ ચર્ચાઓ કરતાં હતાં આથી તેણે યુરોપમાં પબ્લિક કાહાફે ઉપર પ્રતિબંધ લગાવેલો હતો. ૧૪૧૪ની સાલ સુધીમાં કોફીનો ફેલાવો મક્કા સુધી થયો હતો. ૧૫ મી સદી સુધીમાં કોફી ઈરાન, મિસ્ત્ર અને ભારત સુધી પહોંચી ગઈ હતી. ૧૫ મી સદી પછી અરેબિયાથી ફેમસ થયેલી કોફીને અરેબિયામાંથી બહાર લઈ સખત મનાઈ હતી. જે વ્યક્તિ કોફી અરેબિયાની બહાર લઈ જતાં પકડાય તો તેઓની ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવતો. તેથી આ અરસામાં કોફીનું વાવેતર કેવળ અમુક ઘરો અને નગરો સુધી જ સીમિત હતું. ભારતમાં પ્રથમવાર કોફી લાવનાર ઈસ્લામિક સૂફી સંતો હતાં. ૧૬ મી સદી સુધીમાં કોફીનો ફેલાવો યુરોપીયન અને એશિયાઈ દેશો સુધી થયો હતો. ૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં કોફીએ સમસ્ત દક્ષિણ અમેરિકાને પણ કવર કરી લીધું હતું. યુરોપમાં કોફી પહોંચી ચૂકી હોવા છતાં પણ કોફીનું મૂલ્ય બ્રિટિશરો સુધી ઓછું પહોંચ્યું તેનું કારણ એ કહી શકાય કે ૧૬ મી સદી સુધીમાં બ્રિટિશરો ઈન્ડિયાની ચાના શોખીન બની ચૂક્યા હતાં. પરંતુ અમેરિકનોએ ચા પીવાનો ઇનકાર કરી કોફીને વધુ પ્રાધાન્ય આપ્યું તેનું મુખ્ય કારણ એ હતું કે અમેરિકન ૧૭૭૬ પહેલા અમેરિકા ઉપર બ્રિટિશરોની સત્તા હતી. આ સત્તા દરમ્યાન બ્રિટિશરો ચા ઈન્ડિયાથી લાવી તેને અમેરિકન માર્કેટમાં ઠેલવતાં હતાં. ઈંડિયાથી બ્રિટિશ થઈને આવતી આ ચા ઉપર કિંગ જ્યોર્જે ટેક્સ નાખેલો હતો. આ ટેક્સના વિરોધમાં અમેરિકનોએ ચા ને બદલે કોફી પીવાનું ચાલુ કરેલું. પરંતુ આજે સમય અલગ છે, આજે  Flogers, Moccono , Nescafe, Maxwell House, StarBucks વગેરે જેવી અનેક અમેરિકન બ્રાન્ડ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ૧૭ મી સદીની શરૂઆતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ડચ ઈન્ડિયા કંપનીએ યમનના મોચા પોર્ટ ઉપરથી ખરીદી હતી જે તેમને ખૂબ મોંઘી પડી હતી. આથી તેમણે કોફી માટે બીજા દેશોમાં નજર કરી ત્યારે તેમને ઈન્ડિયા નજર આવ્યું. આ ઉપરથી એમ કહી શકાય કે યુરોપમાં કોફીનો ફેલાવો થવા છતાં પણ તેઓને કોફી માટે ઇન્ડિયા ઉપર આધાર રાખવો પડ્યો. આ રીતે કહી શકાય કે ભારતીય ચા અને કોફી યુરોપીયન માર્કેટ માટે અત્યંત ફાયદાકારક હતાં એમાયે ભારત ઉપર બ્રિટિશરોનું રાજ્ય આવ્યા બાદ તેઓને માટે ઈન્ડિયા સોનાની મરઘી બની ગઈ ગઈ જે વિવિધ સ્વરૂપે તેને ઈંડા આપતી હતી. યમનથી જે કોફીની શરૂઆત થઈ હતી તે યમન કે કોઈપણ અરેબિયન દેશો આજે કોફીની બાબત વૈશ્વિક માર્કેટમાં મહત્તમ સ્થાન ધરાવતા નથી તેથી ગઇકાલે જે સ્થાન યમન, ઇથોપિયા અને અરેબિયાનું હતું તેજ સ્થાન આજે ઈન્ડિયા, બ્રાઝિલ, કોલમ્બિયા અને અમેરિકન કોફીએ મેળવેલ છે.

 

 
coffee.2
 

 

ફૂલછાબ ૨૦૧૪ માં પ્રકાશિત
 
Copy Right ISBN-10:150012608X

 

 

આ લેખ પૂર્વીબેન મોદી મલકાણ (યુએસએ) ના આગામી પ્રકાશન “વિવિધા” નો એક અંશ છે.

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

 

 

 
કંઈક વિશેષ :

 

 

 

ગ્રીન કોફી બીન્સ દરરોજ સેવન કરવાથી વજનમાં ૧૦ ટકાનો ઘટાડો

 

 

green coffee beans

 

 લંડન :

ગ્રીન કોફી બિન્સ ખાવાથી કે શેક્યા વિનાના કોફીના દાણાનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થતો હોવાનું સંશોધકોને જણાઈ આવ્યું છે, જો દરરોજ ગ્રીન કોફી બિન્સ ખાવામાં આવે તો તેનાથી વજનમાં ઘટાડો થાય છે અને શરીર પાતળું રહે છે. ટૂંકા સમય ગાળામાં વજનમાં ૧૦ ટકાનો ઘટાડો થાય છે.

 

જૉ વિન્સનની ટીમ દ્વારા આ અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વધુ વજન ધરાવતા અને શરીરમાં જાડા માણસો દ્વારા કેટલાક મિલિગ્રામ ગ્રીન કોફીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ૧૦ ટકાનો ઘટાડો થાય છે. ઓછા ફેટ ધરાવતો પોષણક્ષમ આહાર લેવાથી અને નિયમિત કસરત કરવાથી વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. વજન ઘટાડવાનો આ સલામત, અસરકારક અને સસ્તો પ્રયોગ છે તેમ સ્કેરેન્ટોન યુનિર્વિસટીના સંશોધક વિન્સને જણાવ્યું હતું.

 

આ અભ્યાસ કરવા માટે વધુ વજન ઘરાવતા અને જાડા એવાં ૧૬ લોકો પર પ્રયોગો કરવામાં આવ્યા હતા, તેમને ગ્રીન કોફીના એબ્સ્ટ્રેક્ટ ધરાવતી કેપ્સ્યુલ્સ ૨૨ અઠવાડિયા માટે આપવામાં આવતી હતી, તેમને ગ્રીન કોફીનો ઓછો અને વધુ ડોઝ સમયાંતરે અપાતો હતો. ઓછા ડોઝમાં કોફીનું એબ્સ્ટ્રેક્ટ ૭૦૦ મિ. ગ્રામ હતું જ્યારે વધારે ડોઝમાં કોફીનું એબ્સ્ટ્રેક્ટ ૧,૦૫૦ મિ. ગ્રામ હતું. છ અઠવાડિયા સુધી તેમના ડોઝમાં ફેરફાર કરાયો હતો. દરેકની ખાવાની અને કસરત કરવાની પદ્ધતિ પર દેખરેખ રાખવામાં આવી હતી. અભ્યાસ દરમિયાન તેમની કેલેરી, કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીમાં કે પ્રોટીનમાં કોઈ ફેરફાર થયો નહોતો.

 

જેમના પર પ્રયોગો કરાયા હતા તેવાં લોકોનાં વજનમાં ૨૨ અઠવાડિયામાં ૭ કિલો વજન ઘટયું હતું. શરીરનાં વજનમાં ૧૦.૫ ટકાનો અને શરીરની ચરબીમાં ૧૬ ટકાનો ઘટાડો થયો હતો, વજનમાં ધારણા કરતાં ઝડપથી ઘટાડો થતો હોવાનું જણાયું હતું.

 

 

 

દરરોજ કોફી પીવાથી બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઘટે છે …

 

 

લંડન, તા.૧૯

 

દરરોજ ત્રણથી ચાર કપ કોફી પીવાથી બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઘટે છે તેવું તાજેતરમાં હાથ ધરવામાં અભ્યાસનાં તારણો પરથી જાણવા મળે છે. જો કોફીનું નિયમિત સેવન કરવામાં આવે તો તેને કારણે શરીરમાં લોહી જામ થતું અટકે છે અને બ્રેઈન સ્ટ્રોકનાં જોખમમાં ૧૭ ટકાનો ઘટાડો થાય છે.

 

વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા આઠ અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના અભ્યાસનું તારણ એવું હતું કે, કોફીમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વોને કારણે મગજમાં લોહી જામ થતું અટકે છે અને કોલેસ્ટરોલનું પ્રમાણ પણ ઘટે છે.

૩થી ૪ કપ કોફી પીવાથી લોહી જામ થતું અટકે છે.

 

વૈજ્ઞાનિકોએ છેલ્લાં ૪૫ વર્ષમાં કરવામાં આવેલા આઠ અભ્યાસનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં એવું જણાઈ આવ્યું હતું કે, કોફીમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વો બ્રેઈન સ્ટ્રોક સામે રક્ષણ મેળવવા અસરકારક પુરવાર થાય છે.

 

સંશોધકોના જણાવ્યા મુજબ જે લોકો દરરોજ બે કપ કોફી પીવે છે તેમનાં મગજમાં લોહીના ગઠ્ઠા જામ થવાનાં જોખમમાં ૧૪ ટકાનો ઘટાડો થાય છે. કેફીનના બંધાણીઓ કે જેઓ દરરોજ છ કે તેથી વધારે કપ કોફી પીવે છે તેમનાં મગજનાં લોહી જામ થવાની શક્યતામાં ૭ ટકાનો ઘટાડો થાય છે. જોકે, સ્વિડિશ સંશોધકોનો મત થોડો જુદો છે. તેમના જણાવ્યા પ્રમાણે કોફી પીવાના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે.