(૧) પુરુષાર્થનો ચમત્કાર … અને (૨) દિલ જીતી જાય એવો નોકર ! … (પુરુષાર્થ કથાઓ) …

(૧)  પુરુષાર્થનો ચમત્કાર …

પુરુષાર્થ કથાઓ …

 

 

 

court

 

 

યુરોપમાં ઈટાલી નામે દેશ છે.

એના એક ગામમાં ક્રેસિનનામે એક ખેડૂત રહેતો હતો.

તે બહુ ગરીબ ખેડૂત હતો, પણ તે પુરુષાર્થી હતો.

ઘરનાં બધાં જ  તેને મદદ કરતાં.  ઘર એટલે ઉદ્યમનું ધામ.

તેને એક દીકરી હતી.  તે પણ બાપને ખેતરના કામમાં મદદ કરતી.

એ ખેડૂતે ભારે પુરુષાર્થ કરીને ધીમે ધીમે સારો વિકાસ કર્યો.

તેની પાસે મોટું ખેતર, સારું ઘર અને થોડુંઘણું ધન ભેગા થયાં.

ગામના કેટલાક ખેડૂતો આ જોઈને એની અદેખાઈ કરવા લાગ્યા.

એ લોકોને થયું : ‘એ ક્રેસિન આપણા કરતાં કેટલોય આગળ નીકળી ગયો !

આટલી બધી આબાદી શી રીતે થઇ હશે ?

‘તે જરૂર કંઈ જાદુ-બાદુ જાણતો હશે ?

‘મેલી વિદ્યાનો (બ્લેક મેજિકનો) જ આ ચમત્કાર હશે.’

એ બળ્યા ઝળ્યા ખેડૂતોએ ક્રેસિનને પજવવા તૈયારી કરી.  એ લોકોએ તેની સામે કચેરીમાં (કોર્ટ) દાવો કર્યો.

તેમણે ન્યાયાધીશને ફરિયાદમાં કહ્યું : કોઈ મેલી વિદ્યાનો ઉપયોગ કરીને પૈસો ભેગો કર્યો છે.’

તે આગળ જતાં અમારા પર પણ જાદુનો ઉપયોગ કરે !  માટે અમને અમારી સલામતીનો ભય લાગે છે.

‘ન્યાયાધીશ સાહેબ, એ મેલી વિદ્યા જાણનાર ખતરનાક માણસ સામે કડક પગલાં ભરવાં જોઈએ.’

ન્યાયાધીશે ક્રેસિનને કચેરીમાં હાજર થવાનો હુકમ કર્યો.

વળી તેની પાસે આટલી બધી મિલકત શી રીતે ભેગી તહી.  એનો ખ્લાસો કરવા જણાવ્યું.

જો તે જાદુ જેવું જાણતો હોય, તો તે અંગે પણ એકરાર કરવાનું ફરમાન કર્યું.

ક્રેસિન પોતાની તંદુરસ્ત દીકરી, ખેતીના ઓજારો અને ઘોડાની જોડ લીને કોરટ (કોર્ટ)માં હાજર થયો.

ન્યાયાધીશ આ બધું જોઈને અચંબો પામ્યા !  તેમણે ક્રેસિનને પૂછ્યું :

‘અલ્યા ક્રેસિન, તમે આ બધો રસાલો લઈને શાં માટે આવ્યા ?  આ બધાની અહીં શી જરૂર ?’

ક્રેસિન વિનયપૂર્વક બોલ્યો :

‘સેન, મારે આપની આગળ અમારા પુરુષાર્થની વાત કહેવી છે.’

‘સાંભળો, મારી પુરુષાર્થ કથા.’

 

‘હું જાતે સખત મહેનત કરીને ખેતરને ખેડું છું.’

‘ખાતર વગેરે નાખી જમીનને ખેતી માટે લાયક બનાવું છું.’

‘મારી આ દીકરી પણ મને કમમાં મદદ કે છે.’

‘તે બી રોપે છે, નિંદામણ કરે છે, કાપણી પણ કરે છે.’

‘મારાં ઓજારો પણ મારા કામમાં ઉપયોગી થાય એવાં છે.’

‘તેણે બરોબર ધારદાર અને કામમાં સરળ થાય એવા રાખું છું.’

‘વળી મારી આ સુંદર ઘોડાની જોડ કોઈનેય અદેખાઈ આવે એવી છે.’

‘ઘોડાઓને હું દીકરાની માફક જતનથી રાખું છું.’

‘તેમને બરોબર ખવડાવું-પીવડાવું છું.’

‘નવડાવી-ધોવડાવી ચોખ્ખા રાખું છું.’

‘આમ હું સખત ઉદ્યમ કરીને કમાણી કરું છું.  ભગવાનની મારા પર મહેર છે.’

‘ઈશ્વરને પણ પુરુષાર્થ પ્યારો છે.’

‘આ જ મારો જાદુ કહો તો જાદુ છે.’

‘મારા વિરોધીઓને જાદુનો ઉપયોગ કરવો હોય, તો ખુશીથી કરે.’

‘તેઓ આમ કરશે,  તો તેઓ સાચી વસ્તુ શી છે એ સહેલાઈથી સમજી શકશે.’

‘ઉદ્યમ અને ખંત આબાદી લાવે છે.’

‘આપને આ પ્રત્યક્ષ બતાવવા માટે જ બધો રસાલો લઈને આવ્યો છું.’

‘હવે આપને જે ન્યાય આપવો હોય, એ ખુશીથી આપો.’

‘મારે એ માન્ય છે.’

‘ક્રેસિનને વાત સાંભળીને ન્યાયાધીશ ખૂબ રાજી થયા.

તેમણે તેને ધન્યવાદ આપતાં કહ્યું :

‘આજ સુધીમાં મારી પાસે ઘણા અપરાધીઓ આવી ગયા.’

‘પરંતુ પોતાના અપરાધ સામે તમારી માફક કોઈએ પ્રબળ પુરાવો હિંમતપૂર્વક રજૂ કર્યો નથી.’

‘હું તમને નિર્દોષ જાહેર કરું છું.’

 

અનુકરણ કરવા લાયક તમારી આ ઉદ્યમશીલતાની કદર કરું છું.’

 

પેલા વિરોધી ખેડૂતોને પોતાની ભૂલ સમજાઈ.

તો બધા ક્રેસિનના પ્રશંસક બની ગયા.

 

 

 

(૨)  દિલ જીતી જાય એવો નોકર ! …

 

 

shri mota

 

 

શ્રી મોટા આ યુગના એક મહાન સંત થઇ ગયા.

શ્રી મોટા કોઈને જાણ ન થાય એ રીતે પોતાની સાધના કરતાં હતા.

તે આમ તો હરિજન સેવાનું કામ પણ કરતાં હતા.  એમાં જરાયે કચાશ આવવા દેતા ન હતા.  દર વરસે એક મહિનો શ્રી મોટા રજા લેતા.  શ્રી મોટા કોઈ એકાંત સ્થળે એકલા જતા.

 

ત્યાં ગુરુ મહારાજના આદેશ પ્રમાણે સાધના કરતાં.

મોટાનો પુરુષાર્થ ભારે.  અગવડભર્યા નિર્જન સ્થળે સાધના કરવાનું તેમણે ખૂબ ગમતું.

 

જબલપુર પાસે નર્મદા નદી પર ધૂંવાધાર નામની જગ્યા છે.  એક વાર મોટા ત્યાં સાધના કરવા જવા નીકળ્યા.  ગાડીમાં તેમનું ખીસું કપાયું !  સાથેની બધી રકમ જતી રહી !  હવે શું થાય ?  મોટાને મારગ સૂઝી આવ્યો.

 

તે જબલપુરના ગુજરાતી વેપારીને ત્યાં ગયા.  ખીસું કપાયાની વાત કરી.

પછી મોટાએ વિનયપૂર્વક વિનંતી કરી :  ‘શેઠજી, મારે આટલી રકમ મેળવવા થોડા દિવસ નોકરી કરવી પડશે. કંઈ કામકાજ હોય તો આપવા કૃપા કરો.  હું મહેનત-મજૂરીનું કામ પણ કરવા તૈયાર છું.’

 

વેપારીએ કહ્યું :  મારી પાસે એવું કામ હાલ તુરતમાં નથી.

‘પણ હા, તમે ઘરકામ કરવા તૈયાર છો ? વાસણ માંજવાં પડશે.  કપડાં ધોવા પડશે.

‘બોલો, આવું બધું ઘરકામ તમને ફાવશે ?  તીયારી હોય, તો કહો.’

મોટા તરત ઉત્સાહથી બોલ્યા : ‘આવું બધું કામ કરવું મને ગમે.  હું ખુશીથી કરીશ.’

 

શેઠે રાજી થઇ ઘેર ખબર આપી :  ‘આપણને નવો નોકર મળી ગયો છે.  હું એને ઘેર મોકલાવું છું.  એને કામ સોંપજો.  કેવું કામ કરે છે એ જોજો.  ઠીક લાગે તો રાખીશું.’

મોટાને શેઠે ઘેર મોકલ્યા.

શેઠાણીએ ઢગલો વાસણ માંજવાં આપી દીધાં.

નાનપણમાં મોટાએ આવું કામ કરેલું હતું.  એટલે વાસણ કેમ સારા માંજીને સાફ કરવાં, એ તેમણે આવડતું હતું.

મોટાએ ઝડપભેર વાસનો માંજી નાખ્યાં.  ધોઈને સૂરજના તાપમાં સૂકવવા મૂકી દીધાં.  ચોકડી બરોબર સાફ કરી નાખી.

વાસણ સરસ મંજાયાં હતાં.  તાપમાં ચમકી રહ્યાં હતાં.  શેઠાણીએ દૂરથી વાસણ જોયાં.  એ જોઈને તે રાજી રાજી થઇ ગયાં.

 

શેઠાણી બોલી ઊઠ્યાં :  ‘વાહ, સરસ નોકર મળી ગયો !’

પછી મોટાને ગાંસડો ભરીને કપડાં ધોવા શેઠાણીએ આપ્યાં.

મોટાને કપડાં ધોતા પણ સરસ આવડતું હતું.  મોટાએ કપડાંને ત્રણ વિભાગમાં  છૂટાં પાડ્યાં.

સૌથી ઓછા મેલાં, જરા વધારે મેલાં અને સૌથી વધારે મેલાં.

સાબુના પાણીમાં એ બધાં જુદાં જુદાં બાફ્યાં.

પચી સુથી ઓછા મેલાં કપડાં પહેલાં ધોયાં.  ત્યાર પછી જરા વધારે મેલાં કપડાં ધોયાં.

ચીવટ ખૂબ જ મેલાં કપડાં ઘસી –ચોળીને બરાબર ધોયાં.

બધા કપડાં સરસ ધોઈ-નિચોવીને તડકામાં સૂકવવા નાખ્યાં.

બગલાની પાંખ જેવાં ચોખ્ખાં કપડાં જોઈને શેઠાણી બહુ રાજી થયાં.

શેઠ બપોરે ઘેર જમવા આવ્યા.

શેઠાણીએ નોકરનાં ખૂબ વખાણ કરતાં કહ્યું : ‘આવો હાથનો ચોખ્ખો નોકર જિંદગીમાં પહેલી વાર જ જોયો !  શું એનું કામ છે !’

રાતે જમી-પરવારીને, વાસણ માંજીને, ચોકડી ધોઈને મોટા પરવાર્યા.

એટલે પથારી કરવાનો વખત થયો.

દરેક પથારી એવી સરસ રીતે પાથરી કે જોનાર રાજી રાજી થઇ જાય.

પથારી પરની ચાદર બરાબર ખેંચીને પાથરી.  ક્યાંય જરાય કરચલી ન દેખાય.

રાતે થોડો સમય મળે.  તે વખતે મોટા ઘરના બાળકોને ભેગાં કરે.  રામાયણ, મહાભારતની વાતો કહે.

બાળકો પણ આનંદ પામે.

રાતે બધા સૂઈ જતાં.

એટલે મોટા પથારીમાં નામ-સ્મરણ કરવા મંડી પડે.

હરિનું સ્મરણ કરતા કરતા મોટા ઊંઘી જતાં.

આખો દિવસ દિલ દઈને કામ કર્યું હતું.  એટલે એક જ ઊંઘમાં સવાર પડી જાય.

પાછા મોટા ઘરકામમાં જોડાઈ જાય.

થોડા દિવસમાં મોટાને જોઈતી રકમ થઇ ગઈ.

મોટા શેઠની રજા લેવા ગયા.

મોટાનું આવું સુઘડ અને ચોખ્ખું કામ જોઈને ત્યારનું થતું હતું:

‘આ માણસ સામાન્ય ગરીબ મજૂર લાગતો નથી.’

‘પૈસાની ભીડને લીધે જ આવું કામ ખુશીથી કરવા તૈયાર થયો હશે.’

‘એ પુરુષાર્થી જીવ લાગે છે.’

‘કોઈની આગળ લાચારીથી હાથ ધરવા તૈયાર નથી.’

એટલે શેઠે મોટાને કહ્યું :’ભાઈ, તમે નોકર માણસ લાગતા નથી.’

‘તમે આવ્યા ત્યારથી તમારું કામ અમે જોતાં આવ્યાં છીએ.’

‘નોકર માણસને આટલી બધી સૂઝ-સમજ સામાન્ય રીતે ન હોય.’

‘તમે મને પેટ છૂટી વાત કરો.’

‘જેથી મને સમજ પડે.’

મોટાએ નમ્ર ભાવે બધી વાત કરી.

એ સાંભળીને શેઠને થયું. :

‘અરેરે, આવા ભગત માણસ પાસે બધું ઘરકામ કરાવ્યું !

‘પ્રભુભજનના થોડા દિવસ બગાડ્યા !’

પછી શ્રી મોટા શેઠશેઠાણીની રજા લઇ ધૂંવાધાર જવા નીકળી પડ્યા.

 

 

 

સાભાર : મુકુલ કલાર્થી ..

 

સૌજન્ય : મૂલ્યઘડતર માટેનો અદ્દભુત કથાવારસો …

(પૃ.૯૧-૧૦૨- પુરુષાર્થ કથાઓ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli