સેકન્ડ જનરેશન ઇંડિયન અમેરિકન બાળકો …

સેકન્ડ જનરેશન ઇંડિયન અમેરિકન બાળકો …

 

 

 

 indian americn children

 

 

આજે અમને કોઈ પૂછે કે અમે કોણ છીએ તો અમે કહીશું કે અમે ફર્સ્ટ જનરેશન ઇન્ડિયન છીએ, અમારો બીજો જવાબ છે કે અમે ઇન્ડિયન અમેરિકન છીએ.  ઈન્ડિયાની સંસ્કૃતિને સાથે લઈને ચાલનારા અમારી સાથે અમેરિકન સંસ્કૃતિને પણ સાથે રાખીએ છીએ.  અમારા બાળકો માટે તેઓ પ્રથમ અમેરિકન છે અને ત્યારબાદ તેઓ અમેરિકન ઇંડિયન છે.  બસ શબ્દોની હેરફેર બાદ કરતાં લાગણી, ભાષા અને સંસ્કૃતિમાં શું ફર્ક પડ્યો છે કશોયે ?  ઈન્ડિયામાં રહેનાર વ્યક્તિને માટે કદાચ આ શબ્દોની હેરફેરમાં કોઈક ફર્ક દેખાતો હશે પરંતુ અમારી નજરે જોતાં અમને ક્યાંય ફર્ક દેખાતો નથી.  એનું મુખ્ય કારણ એ છે કે અમે ઈન્ડિયાથી જે સમયે અમેરિકાની ધરતી પર આવ્યાં તેજ દિવસથી અમારી સાથે આપણી સંસ્કૃતિને પણ સાથે લઈ આવ્યાં અને આ જ સંસ્કૃતિનું રોપણ અમે પૂરી નિષ્ઠાથી અમારા બાળકોમાં કર્યું છે.  હિન્દી સિરિયલો અને મૂવીઓમાં તથા ભારતીય સમાજમાં અમેરિકન બાળકો વિષેની ગેર સમજૂતી, ખોટી માન્યતાઓ, લાગણી વગરની વ્યક્તિઓ બનીને માત્ર ભૌતિક વસ્તુઓ અને સુખસગવડ પાછળ દોડતાં જોઉં છું ત્યારે ઘણું જ દુઃખ થાય છે.

 

ભારતમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અમેરિકન બાળકો ઘણાં જ બગડેલા હોય છે અને પોતાની જિંદગી સ્વછંદ રીતે જીવતાં હોય છે, પરંતુ હકીકતે એવું હોતું નથી.  નાનપણથી જ અમેરિકન બાળકોને સ્વતંત્ર  વિચાર, નીડર થઈ સ્પષ્ટવક્તા બનવાની આદત મળે છે જેને કારણે નાનપણથી તેઓ પોતાનું કામ સ્વતંત્ર્ય રીતે કરવા પ્રેરાય છે અને કામ કરવા માટે ખુદનાં જ પ્રેરણાસ્ત્રોત બને છે.   વિન્ટરમાં પડેલા સ્નોને સાફ કરવા માટે હાથમાં શોવેલ લઈને ૫ વર્ષથી ૧૫ વર્ષનાં બાળકો નીકળી પડે છે, સમરમાં કારવોશ કરે છે,  હોમ મેઈડ લેમોનેડ વેચે છે, સ્પ્રિંગમાં ગાર્ડનમાં મલ્સ અર્થાત ખાતર નાખે છે, અને ફોલમાં પાંદડાઓ ઉપાડીને ઘરેઘરના ગાર્ડન સાફ કરે છે ત્યારે માતાપિતાનું સ્ટેટસ પાછળ રહી જાય છે અને તે બાળક ફક્ત અમેરિકન બનીને પોતાની પિગી બેન્કમાં પોતાની બચતની શરૂઆત કરે છે, અને સમય આવે પોતાની રીતે તેનો ઉપયોગ કરે છે.  મોંઘી વસ્તુઓ લેવા પૂર્વે માતપિતા પાસેથી પણ લોન લે છે અને એ લોનની રકમ પણ ભરપાઈ કરે છે ત્યારે એવું નથી લાગતું કે માબાપની એ ફરજ હતી તેથી મોંઘું તો મોંઘું શું ફર્ક પડે છે ?

 
indian americn children.1

ઘરની અંદર બાળકો ભારતીય અને કુટુંબની પરંપરાને અનુસરણ કરીને રહે છે, અને જ્યારે આજ બાળકો ઘરની બહાર પગ મૂકે છે ત્યારે અમેરિકન સંસ્કૃતિ પ્રમાણે રહે છે તેનો અર્થ એ નથી કે અમેરિકન સંસ્કૃતિ ખરાબ છે.  સારું અને ખરાબની દૃષ્ટિએ જોઈએ તો ભારતીય સંસ્કૃતિ હોય કે અમેરિકન સંસ્કૃતિ બંનેમાં પ્લસ કે માઇનસ પોઇંટ્સ રહેલા જ છે પરંતુ બાળકો સાથેની સતત વાતચીત, બાળકોને સારા અને સાચા માર્ગ પર ચાલવા માટેનું માતાપિતાનું અને સમાજનું સૂચન, બાળકોના માનસને સમજવાની માતપિતાની રીત અને બાળકોની પોતાની સાચું શું છે ખોટું શું છે તે સમજવાની સૂઝને કારણે આ અમેરિકન ઇંડિયન બાળકો સમાજમાં પોતાની એક આગવી છાપ છોડી દે છે.  અમેરિકન સમાજ સાથે મોટો થયેલો ભારતીય બાળક પણ દરેક ભારતીય તહેવાર ધામધૂમથી ઉજવે છે.  ક્યારેક ઘરમાં તો ક્યારેક મંદિરમાં મળતા ભારતીય સમાજમાં ભારતના તહેવારોનાં સમયમાં પહોંચી જઈ ખભેથી ખભો મેળવે છે અને આનંદ પણ કરે છે, અને આ આનંદ મેળવતી વખતે ઈન્ડિયામાં વસેલા પોતાના ગ્રાન્ડ પેરેંટ્સ, વડીલ પરિવારજનો અને પિતરાઇઓને પ્રેમથી યાદ કરે છે.  પરંતુ ખાસ કરીને ગ્રાન્ડ પેરેંટ્સ કમી સદંતર દૂર થતી નથી તેથી તેઓ ક્યારેક તેઓ બોલી ઊઠે છે કે દાદા-દાદીની કે નાના-નાનીની બહુ યાદ આવે છે, ત્યારે બાળકો સાથે અમને પણ ભારતથી દૂર હોવાનું દુઃખ થાય છે પરંતુ એ પરેશાની લઈને ચાલી શકતા નથી તેથી દર બે-ત્રણ વર્ષે જોબમાંથી જેટલી રજા મળે તેટલી રજા લઈને પરિવાર સાથે દેશમાં આવવા નીકળી જઈએ છીએ અને રજાનો સમય અમારા વડીલો, મિત્રો અને સગાવહાલા સાથે કાઢીએ છીએ.

 

અમેરિકામાં રહેતા હોવા છતાં આજે મારા સહિત પ્રત્યેક ભારતીય પરિવારને જે વિષે સૌથી વધુ લાગણી હોય તો તે છે પોતાની પરંપરાગત ભાષાની.  મોટાભાગનાં પ્રત્યેક પરિવાર ઘરમાં પોતાની નેટિવ ભાષા બોલવાનો આગ્રહ રાખે છે જેથી કરીને બાળક પણ એ ભાષા ને સમજી શકે બોલી શકે.  જો કે આ વાત પાછળ એક ડર પણ છુપાયેલો છે તે એ કે જો બાળક પોતાની ભાષા નહીં બોલે તો તેઓ જ્યારે ઈન્ડિયા જશે તો પોતાના જ સગાવહાલાની અંદર બાળક અજાણ્યું થઈ જશે અને દેશમાં રહેલા પોતાના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથેના પ્રેમથી પણ વંચિત રહી જશે.  આ ડરને કારણે માતપિતા ઘરમાં પોતાની જ ભાષા બોલવાનો આગ્રહ રાખે છે અને બાળકોને શીખવે પણ છે.  આથી જ જ્યારે અમેરિકન બાળકો ભારત આવે છે ત્યારે સંપૂર્ણ ભારતીય બની જાય છે ત્યારે અમેરિકન હોવાનું સ્ટેટસ પાછળ રહી જાય છે.

 

મારી છેલ્લી ઇન્ડિયાની ટુરમાં અન્ય એક વાત સામે આવેલી કે અમેરિકન બાળકો માતપિતાની જવાબદારી લેતાં નથી.  ભારતમાં રહેલા ભારતીય બાળકોની આ વાત તદ્દન ખોટી છે તેમ હું નહીં કહું ક્યાંક કોઈ પ્રસંગ એવા પણ બનતા હશે પરંતુ હકીકત એ પણ છે કે આ સમાજ અલગ છે પણ તેઓની વિચાર શક્તિ તદન અલગ પડી જાય છે તેવું નથી.  તેઓ પણ પોતાના માતપિતાને ઘણો જ આદર આપે છે અને સામે તેઓને એજ આશા હોય છે કે માતા પિતા પણ તેઓની વાત સમજે તેઓને આદર આપે. આજ આદરની ભાવના ને કારણે તેઓ પોતાના માતપિતાની જવાબદારી ઉપાડે છે.  તેઓ માતાપિતાની સાથે રહે છે જેમ આપણે ત્યાં હોય તેમ, અથવા એક જ ઘરમાં માતપિતા અને પરિણીત બાળકો સાથે હોવા છતાં અલગ એ રીતે રહે છે જેમાં પરિણીત સંતાનને પોતાની સ્વતંત્રતા પણ મળે છે.  ઘણા પરિવાર એવા હોય છે કે જેઓ પોતાના માતા પિતાને ઓલ્ડ એઈજ હાઉસ એટ્લે કે ઘરડા ઘરમાં રાખે છે પરંતુ દર રવિવારે માતપિતાને મળવા જાય છે તેઓની સાથે પરિવાર સાથે સમય વિતાવે છે, અને વાર તહેવારે માતપિતા બાળકોને મળવા માટે પણ આવે છે.

 

ઘણીવાર એવું પણ બને છે કે અમેરિકન સંતાનો માતા પિતાનું ધ્યાન રાખવા અપરિણીત પણ રહે છે.  આ બધાંમાં એક અલગ રીત એ પણ છે જેમાં પરદેશમાં રહેલ ફર્સ્ટ જનરેશન માતાપિતા પાછળ ફરીને જોતાં જાય છે કે ભારતમાં રહેલ તેઓના માતાપિતા કેમ છે અને તેઓના આજ પ્રેમ અને ચિંતાને કારણે તેઓ વર્ષમાં ભલે એકવાર પણ આવે, પણ વીક–બે વીકની રજા લઈને ભારત આવશે અને પોતાનો સમય પોતાના પાછળ રહી ગયેલા પરિવાર સાથે કાઢશે.  અહીં અમેરિકામાં નાનામોટા દરેકને મહત્વ આપવામાં આવે છે તેથી અહીં એક વાત સમાજ સાથે વણાઈ ગઈ છે કે “નાના બાળકોને આદર અને માન સન્માન આપો કારણ કે તેઓએ જીવનમાં દૂર સુધી ચાલીને જવાનું છે, યુવાનો અને પ્રૌઢોને આદર આપો કારણ કે તેઓ દૂરથી આવ્યાં છે અને હજુ આગળ પણ તેમણે ચાલીને જવાનું છે, વૃધ્ધોને આદર આપો કારણ કે તેઓ બહુ દૂરથી ચાલીને આવ્યાં છે.”

 

બસ આ એક નાનકડી વાતને દરેક અમેરિકન મહત્વ આપે છે.  જોવા જઈએ તો આ એક અલગ વિશ્વ છે પરંતુ એ અલગ વિશ્વમાં માબાપ અને બાળકો વચ્ચેના દોરનો સેતુ એ રીતે બંધાયેલો હોય છે કે પ્રથમ નજરે દેખાય નહીં.  જેને કારણે ખોટી માન્યતાઑ ફેલાયા કરે છે જેનું કોઈ તથ્ય હોતું નથી.  અમેરિકન બાળકો પણ ભારતીય બાળકો જેટલા જ પ્રેમાળ અને સમજદાર હોય છે બસ માત્ર નવી દૃષ્ટિ અને નવી દિશા તરફ જોવાની વાત છે.

 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli