एकेन विज्ञायतेन..  એકને જાણવાથી..

एकेन विज्ञायतेन..  એકને જાણવાથી..

 

 

 ramkrishna

 

ઈશ્વરના સ્વરૂપ વિષે પ્રાચીન સાહિત્યમાં અનેક કથા કહેવાયી છે.  કોઈએ જોયો નથી તેથી નેતિ નેતિ … આવો નથી કહી વ્યાખ્યામાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.  જેમ કે નિરાકાર, અવિનાશી, અજર, અમર.. જેને આકાર નથી, જેનો વિનાશ નથી, જેને વૃધાવસ્થા નથી, જેને મૃત્યુ નથી..  વિગેરે.

 

પણ ઉપનિષદમાં તે વિષે એક સરસ અને સરળ કથા છે.

 

આરુણી ઉદ્દાલક મહર્ષિ હતા. તેમને શ્વેતકેતુ નામનો પુત્ર હતો.  બાળ સહજ રમતિયાળ, તોફાની પણ સહજ,સરળ અને નિખાલસ હતો.ઉપનયન સંસ્કાર..જનોઈ વિધિ થયા પછી પણ તે વિદ્યાભ્યાસ માટે ગુરુના આશ્રમે જવા રાજી ન હતો.  આથી એક દિવસ તેના પિતાએ તેને ઠપકો આપતા કહ્યું  “ પુત્ર શ્વેતકેતુ, આપણાં કુળમાં હજુ સુધી કોઈ વિદ્યા વિહીન માત્ર નામનો જ બ્રાહ્મણ રહ્યો નથી.  તું ગુરુના આશ્રમે નિવાસ કરી વિદ્યા પ્રાપ્ત કર.”

 

શ્વેતકેતુ જયારે ગયો ત્યારે આઠ વર્ષનો હતો. બાર વર્ષ સુધી વેદ, વ્યાક્રરણ, ગણિત વિગેરેનો અભ્યાસ કરી યુવાન વયે પિતા પાસે પાછો ફર્યો – ગયો ત્યારે બાળક હતો, નિખાલસ હતો.  હવે તે યુવાન હતો, વિદ્યાભ્યાસના અભિમાનથી અક્કડ બની ગયો હતો.  બીજા વિદ્વાનોથી પોતાને ચડિયાતો માનવા લાગ્યો હતો.  એટલે સુધી અભિમાની બની ગયો હતો કે પિતાની ઉપસ્થિતિમાં જ અન્ય ઋષિ મુનિઓનું અપમાન કરવા લાગ્યો.

 

તેના પિતાને આ અયોગ્ય લાગ્યું.  તેમને તેને એકાંતમાં લઇ જઈ ઠપકો આપ્યો.

 

હે શ્વેતકેતુ, વિદ્યાનું લક્ષણ વિનયતારામાં જરા પણ જણાતું નથી.  વિદ્યા તો વિનયથી જ શોભે.  “ પછી ઋષિ ઉદ્દાલકે તેને પૂછ્યું ” તું એવું કંઈ જાણે છે કે એકને જાણવાથી સર્વ કંઈ જાણવામાં આવી જાય ? ”

 

આ પ્રશ્નથી શ્વેતકેતુ નમ્ર બન્યો અને બોલ્યો   “પિતાજી, મારા ગુરુએ આવું કંઈ શીખવ્યું નથી.  આપ જ મને તે શીખવો.”

 

પિતા તેને ઉપદેશને બદલે સ્વાનુભવથી શીખવવા માંગતા હતા.  તેમણે શ્વેતકેતુને કહ્યું …

 

“ જા  એક પાણીથી ભરેલ પાત્ર લઇ આવ ” શ્વેતકેતુ તે લાવ્યો ત્યારે કહ્યું  “આ પાત્રમાં થોડા મીઠાના ગાંગડા  નાખ ”

 

શ્વેતકેતુએ તે પ્રમાણે કર્યું . “હવે આ પાત્ર એક બાજુ સાચવીને મૂકી દે ”

 

બીજે દિવસે સવારે પિતાએ પુત્રને તે પાત્ર લાવવા આદેશ આપ્યો.  શ્વેતકેતુએ પિતાની આજ્ઞાનું પાલન કર્યું.  પછી તે બોલ્યા ..

 

“પુત્ર,આ પાત્રમાંથી મને મીઠું આપ”

“પિતાજી, તે તો પાણીમાં ઓગળી અને ભળી ગયું છે ”

 

“સારું, આ પાણીને જરા ઉપરથી ચાખીને કહે કે કેવું લાગે છે”   શ્વેતકેતુએ તેમ  કરી કહ્યું  “ ખારું ”

 

“હવે પાણીને મધ્યમાંથી  અને તળમાંથી ચાખી કહે કે  પાણી કેવું છે સ્વાદમાં ? ”

 

“પિતાજી, ખારું”

 

“ હે શ્વેતકેતુ તું સમજ કે આમ જ તે તત્વ ( ઈશ્વર ) જગતના કણે કણમાં,  જડ – ચેતનમાં વ્યાપ્ત છે”

“પિતાજી, મને વિશેષ ઉપદેશ કરો ”

 

“સાંભળ પુત્ર,  જેમ માટીને જાણવાથી તેમાંથી બનેલા વિવિધ આકારના પત્રો..માટલા,  કુલડી, કોઠી  વિગેરે જાણવામાં આવી જાય, લોહને જાણવાથી તેમાંથી બનેલ કુહાડી, નખલી, વિગેરે જાણવામાં આવી જાય, જેમ સુવર્ણને જાણવાથી તેમાંથી બનેલા અલંકારો, હાર, કંગન, કુંડળ વિગેરે જાણવામાં આવી જાય તેમ તે તત્વને (ઇષ્ટ-તત્વને)… ઈશ્વરને જાણવાથી, સમજવાથી સર્વ કંઈ જાણી શકાય.”

 

પણ આ સર્વ દ્રષ્ટાંત અપૂર્ણ છે.  કારણ કે માટી,સુવર્ણ, લોહ નાશ પામી શકે,પણ આ તત્વ કદી … નાશ ન પામે.  જેમ બીજમાંથી વૃક્ષ જન્મી વિશાળતા ધારણ કરે છે તેમ આ જગત તેમાંથી જ સર્જન પામ્યું છે.  પણ પુત્ર, આ દ્રષ્ટાંત પણ અપૂર્ણ છે.

 

કારણ કે બીજ બળી જતાં તેમાં રહેલ વૃક્ષ બળી જાય છે.  આ પરમ તત્વ કદી બળતું નથી.

 

હે પુત્ર, તે જ સત  છે… સહુ પ્રથમ તે જ હતું,તે જ છે.. તે જ સર્વ વ્યાપી છે.   तत सत एव …इदं एव अग्र आसीत्.

 

શ્વેતકેતુનું જ્ઞાનનું અભિમાન નષ્ટ થયું, અને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઇ.

 

 

– નરસિહ મહેતાના પ્રસિદ્ધ ભજનમાં … “ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

જુજવે રૂપ અનંત ભાસે….ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા

અંતે તો હેમનું હેમ હોયે …..”  પણ આ સત્ય જ વર્ણવાયું છે.

 

 
– દર્શના ભટ્ટ.
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુશ્રી દર્શનાબેન ભટ્ટ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

 લેખિકાનો પરિચય : 

 
દર્શના ભટ્ટ … 
darshna bhatt

વતન ભાવનગર. અર્થશાસ્ત્ર સાથે એમ.એ તથા ઈંગ્લીશ,ગુજરાતી સાથે બી.એડ કર્યું.  ભાવનગરની અંગ્રેજી માધ્યમની “ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કુલ ” માં એકત્રીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી શીખવતા હું જ તેમની પાસેથી ઘણું શીખી.   નિવૃત્તિ પછી પ્રવૃત્ત રહેવા માટે પડોશી સંસ્થા સ્વામી નારાયણ ગુરુકુળમાં ઉચ્ચતર માધ્યમિકમાં સંચાલન કાર્ય સંભાળ્યું.

 

બંને પુત્રો નોર્થ અમેરિકામાં સ્થાયી થતાં, અગિયાર વર્ષની આવન જાવનથી ત્રાસ પામી, છેવટે એન.આર.આઈ બનવું પડ્યું. મને ઓળખાતા મારા વિદ્યાર્થી મિત્રો અને અન્ય મિત્રો મને જયારે પૂછે કે ત્યાં શું પ્રવૃત્તિ કરો છો ત્યારે “ઘરમાં શાંતિ થી રહેતા શીખું છું” એવા મારા જવાબને સાચો માનતા નથી. 

લેખન, વાચન, ગીત, સંગીત, આકાશ દર્શન, ઈતિહાસ અને રાજકારણ મારા રસના વિષયો છે. 

અત્યારે ફીલાડેલ્ફીયામાં પુત્ર, પુત્રવધુ અને તેમની બે પુત્રીઓ સાથે આનંદથી સમય વિતાવું છું.

 

 
બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.