શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી … (ભાગ -૧૯) …

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી  … (૯૧- ૯૫) …

-મહેશ શાહ, વડોદરા

 

 [ભાગ -૧૯]

 

 

saptanidhi

 

 

કેકી, શુક, પિક દ્રુમ ચઢેં, ગુંજત હૈ બહુ ભાય |
રાસ કેલિ કે આગમન, પ્રમુદિત મંગલ ગાય ||૯૧||

 

આની પહેલાંની (૯૦મી) સાખીમાં વ્રજની વનસ્પતિનું વર્ણન કર્યું.   હવે દેવી દેવતાઓ, ઋષિ મુનીઓ, લીલાના સાથીઓ  જેઓ પક્ષી રૂપે વ્રજમાં રહે છે  તેમના પ્રતિનિધિરૂપ ત્રણ પક્ષીઓની વાત કરે છે.

 

કોયલ (કેકી), પોપટ અને બપૈયો એ ત્રણે મીઠા કંઠના માલિક છે.  કોકિલ રંગે કાળો  છતાં તેનો ટહુકો અત્યંત મીઠો હોય છે.  વસંતના વધામણાં આ ટહુકાથી જ થાય છે.  પોપટના કંઠની મીઠાશને કારણે જ કદાચ તેને શ્રીમદ્ ભાગવતના પ્રથમ કથાકાર શુકદેવજીનું નામ મળ્યું હશે.  બપૈયો પણ કોયલ વર્ગનું જ પ્રાણી છે.  પેલી વેલીઓ જેમ પ્રભુની લીલાના દર્શનના મોહે વૃક્ષો ઉપર ઉંચે ચડે છે તેમ જ આ મધુરભાષી (અને અન્ય) પક્ષીઓ પણ લીલાના દર્શનની આશામાં વૃક્ષો ઉપર ચડી મધુર ગુંજારવ કરી રહ્યા છે. વ્રજમાં વાસ મળ્યો છે એટલે, પ્રભુના દર્શનથી આનંદીત છે એટલે અથવા તો પ્રભુની રાસ લીલાનો આનંદ ઉઠાવવાનો છે તેના અત્યંત ઉત્સાહથી બહુ જ ગુંજારવ કરી રહ્યા છે.  આ ‘બહુ’ શબ્દથી શ્રી હરિરાયજી આ મીઠા ટહુકામાં રહેલા ઉરના ઉમંગની અભિવ્યક્તિના ઉંડાણનો અંદાજ આપે છે.  શા માટે આનંદનો અતિરેક ન હોય ?   આ લીલાના દર્શન માટે તો આંખો જન્મો જન્મથી પ્યાસી છે.

 

આ દિવ્ય પક્ષીઓને આગમના એંધાણ મળી ગયા છે તેથી પ્રભુના રાસની આલબેલ સમાન મધુર મંગલ ગુંજન કરી રહ્યા છે. તેમને ખબર છે કે પ્રભુ ગોપીઓના મનોરથ પૂર્ણ કરવા માટે અને  તેમના કામ જવરને શાંત કરવા હેતુ શ્રુંગારમય ક્રીડાથી ભૂમિને ભાવવિભોર કરવા માટે રાસલીલા કરવાના છે.  આ લીલાથી કામદેવનો પરાભવ અને પ્રભુનો  વિજય થવાનો છે તેથી પણ આપના ભક્ત એવા આ દૈવી પક્ષીઓ ખુબ આનંદિત છે,  ખુશ છે. આ આનંદની અભિવ્યક્તિ રૂપે અત્યંત પ્રમોદમાં આવીને મંગલ ગીતો ગાઈ રહ્યા છે.

 

ગોપીઓપી જગતમેં, ચલીકે ઉલટી રીત |
તિનકે પદ વંદન કિયે, બઢત કૃષ્ણસોં પ્રીત||૯૨||

 

યુગો પહેલાં ગોપાલકોની વસાહતની અભણ, અબુધ, અનેરી અબળાઓની, પ્રેમ લક્ષણા ભક્તિની પ્રણાલીકાના પ્રણેતા એવા ગોપીજનોની ગરવી ગુણ ગાથા ગજબ છે.   આજના મુક્ત આચારના યુગમાં  પણ જે સ્વીકાર્ય ન ગણાય તેવી કરણી તે યુગમાં આચરી બતાવનાર તે માનુનીઓની મનના માનેલાને મેળવવાની ‘મર્દાનગી’ માન્યામાં આવે તેવી નથી.   આ પ્રેમ પરવશ ગોપીઓ અર્ધી રાત્રે ઘર છોડીને વસ્ત્રો આભૂષણો કે શૃંગારના ઠેકાણા વગર જંગલમાં દોડી આવી ત્યારે ખુદ પ્રભુએ  ‘આવી ભયંકર રાત્રીમાં કેમ આવ્યા છો ?   સારી સ્ત્રીઓએ પોતાના કુટુંબને છોડીને બહાર ન ફરવું જોઈએ’   કહી વાર્યા  છતાં પાછી વળી ન હતી.   આથી જ પ્રેરાઈને મીરાંએ  ‘પ્રેમ દીવાની’ નું  બિરૂદ આપ્યું હશે.

 

સામાજિક બંધનોને ગણકાર્યા વગર ગોપીઓએ ગોપાલ કૃષ્ણને ભરપૂર સ્નેહ કર્યો હતો.  સમાજે મર્યાદાના અને મલાજાના નિયમો ઘડ્યા છે, જેને સીધી કે સુયોગ્ય રીત ગણી છે તેનાથી વિપરીત વર્તન કર્યું, ઉલટી ચાલ ચાલી  આથી જ અહીં કહ્યું છે કે ગોપીઓ ઉલટી રીત અપનાવીને જ ઓપી ઉઠી હતી.   તે સમયે તો બ્રહ્માંડમાં તેમનો જય જયકાર થયો જ હતો આજે પણ ભક્તિ અને સમર્પણના આદર્શ તરીકે ગોપીજનોનું નામ પ્રેમ અને આદરથી લેવાય છે.  આજે પણ જગત તેમને પ્રેમની ધ્વજા કહી સન્માને  છે.

 

ભક્તિમાર્ગના દરેક પથિકનો મનોરથ હોય છે કે તે ગોપીજનોની જેમ  પૂર્ણ શરણાગતિ અને સમર્પણ સાથે આગળ વધે.  ભીના કપડાં સાથે કોરૂં કપડું રાખીએ તો તે પણ ભીંજાય છે પ્રેમ રસથી તરબતર આ ભગવદ ભક્ત વૃજાંગનાઓ પણ શુષ્ક હૃદયના ભક્તને પ્રેમરસથી તરબતર કરે છે.  ગોપીઓ અન્ય જીવો માટે પણ પ્રભુની પ્રાપ્તિના પથદર્શક બને છે.   તેમના પુનિત પાદયુગ્મમાં પ્રણામથી પ્રસન્ન થાય તો તેઓ પોતાના પ્રિયતમ પ્રતિ આપણને દોરી જાય અને આપણે પ્રભુ-પ્રીતિની પૂર્ણતા પામી શકીએ.

 

ઠકુરાની ઘાટ સુહાવાનો, છોંકર પરમ અનૂપ |
દામોદરદાસ સેવા કરે, જો લલીતા રસ રૂપ ||૯૩||

 

શ્રીહરિરાયજીને ભાવ સમાધિમાં જે દર્શન થાય છે તેનું આપણા લાભાર્થે વર્ણન કરી રહ્યા છે.   શ્રી યમુનાજીના જે ઘાટ ઉપર વલ્લભને શ્રી યમુનાજીનાં દર્શન થયા હતા અને જ્યાં શ્રી યમુનાષ્ટકની રચના થઇ હતી તે ગોવિંદ ઘાટ ઉપર શ્રી વલ્લભ  બિરાજ્યા છે.  આ પરમ પવિત્ર ઘાટ અત્યંત રમણીય છે. અલૌકિક શોભાથી સોહામણો છે.  અહીં જ પ્રભુની અનેક લીલાઓ આજે પણ થતી રહે છે.  લીલાના શ્રમથી શ્રમિત શ્રી ઠાકોરજી અને સખીઓ શ્રી યમુનાજીમાં સ્નાન કરી તાજગી પામે છે અને શ્રી યમુનાજીને શ્રમ-જલાણુથી લાભાન્વિત કરે છે.

 

૮૯મી સાખીમાં પણ ગોવિંદ ઘાટની વાત કરતાં આપણે જોયું હતું કે આ ઘાટ ઉપર શોભી રહેલું  છોંકર વૃક્ષ સાક્ષાત  બ્રહ્મ સ્વરૂપ છે.   શાસ્ત્રોમાંશમી (છોંકર) વૃક્ષનો મહિમા વર્ણવાયો છે.  આ વૃક્ષ સારસ્વત કલ્પમાં પણ પ્રભુની અનેક લીલાનું સાક્ષી અને સહાયક બન્યું હતું.  તે અનૂપ એટલે કે જેને કોઈ ઉપમા આપી ન શકાય તેવું અનુઠું, અનેરૂં, અલૌકિક અને અનુપમ છે.

 

આ ઘાટ ઉપર જ પુષ્ટિ માર્ગનો પ્રાદુર્ભાવ થયો છે,  અહીં જ પરમ ઉધ્ધારક ગદ્ય મંત્ર પ્રાપ્ત કરી શ્રી વલ્લભ ચિંતામુક્ત બન્યા હતા.  આ એજ પાવન સ્થાન છે  જ્યાં શ્રી યમુનાષ્ટક અને શ્રી મધુરાષ્ટકની રચના થઇ છે.  અહીં જ  દામોદરદાસ  હરસાનીજી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીને પ્રથમ વૈષ્ણવ બન્યા હતા.

 

આ ઘાટ ઉપર શ્રી વલ્લભ બિરાજી રહ્યા છે.  સમર્પિત સેવક, પ્રથમ વૈષ્ણવ, નિત્યલીલામાં રસિકલલીતા સખી સ્વરૂપ, મહાપ્રભુજીની ઊંઘમાં ખલેલ ન પડે તે માટે શ્રીજી બાવાને પણ  નજીક આવવાની ના પાડી દીધી  હતી એવા સમર્પિત  અંતરંગ ભક્ત દામોદરદાસ જેઓ શ્રી વલ્લભના સમગ્ર જીવન કાળમાં સતત સાથે રહ્યા હતા તેઓ સેવામાં છે.

 

આવો આપણે પણ માનસીમાં ત્યાં પહોંચી ધન્ય બનીએ.

 

કૃષ્ણદાસ નંદદાસ જૂ, સૂર સુ પરમાનંદ |
કુંભનચત્રભુજદાસ  જૂ, છીતસ્વામી ગોવિંદ ||૯૪||

 

શ્રીજીબાવા અને શ્રી વલ્લભના પ્રાગટ્ય સાથે લીલાનો સમગ્ર પરિકર પણ ભૂતલ પર પ્રગટ થયો છે. લીલાના અંતરંગ આઠ સખાઓ પણ પ્રભુના સુખાર્થે અહીં આવ્યા  છે.   આ અષ્ટ સખાઓનાં મંગલકારી નામ અહીં ગણાવાયા છે.  આ આઠ પૈકી શ્રી વલ્લભેચારને શરણે લીધા અને શ્રી વિઠ્ઠલેશે પણ ચારને શ્રીજીની  સેવામાં જોડ્યા.  આ સૌને લીલાના સાક્ષાત દર્શન થતા હતા.  શ્રીજી તે સૌને સ્વાનુભાવ જણાવતા.

 

સુરદાસજી જન્મથી જ ચર્મચક્ષુ રહિત હતા પણ પ્રભુ કૃપાથી તેમના અંતર ચક્ષુઓના પડળ ખુલેલા હતા તેથી  શ્રીનાથજીના જેવા શૃંગાર હોય તેવા જ પદ તે  ક્ષણે બનાવી કીર્તન સેવા કરતા હતા.  સવાલક્ષ પદની રચના કરવાનો તેમનો મનોરથ અપૂર્ણ હતો તો બાકીના પદ પ્રભુએ ‘સુર-શ્યામ’  છાપથી રચી તે પૂર્ણ કર્યો હતો.

 

શ્રી વલ્લભના સેવકો કૃષ્ણદાસ, પરમાનંદદાસ અને કુંભનદાસજી પણ પરમ ભગવદીય હતા. કૃષ્ણદાસ આપણા ગુજરાતના પટેલ હતા.   અધીકારીજી તરીકે પણ સુંદર વહીવટ કર્યો હતો.   કુંભનદાસજીને  ઘોડો બનાવી ઠાકોરજી ખેલતા હતા.  તેમણે અકબર બાદશાહને પણ સંભળાવી દીધું  હતું કે  ‘જાકો મુખ દેખત દુ:ખ ઉપજે તાકો કરનો પડ્યો પરનામ’.

 

ગુસાંઈજીના સેવકો શ્રી નંદદાસજી, ચત્રભુજદાસજી, ગોવિંદદાસજી અને છીતસ્વામી  પણ સમર્થ કવિત્વ સભર ભગવદીયો હતા.  છીતસ્વામી તો  ગુસાંઈજીની પરીક્ષા લેવા ખોટો રૂપિયો અને પાણી વગરનું નાળીયેર લઈને આવ્યા હતા ત્યાં જ ચમત્કારથી અભિભૂત થઇ સેવક બન્યા હતા.

 

આ સૌએ પ્રભુની લીલાના તેમને થયેલા અનુભવોના વર્ણનની રસ લહાણ પણ કરી છે એટલું જ નહીં ભક્તિભાવ ભર્યા સંગીતમય પદોની ભેટ આપી છે.  તેમના પદોથી  સમૃદ્ધ  હવેલી સંગીતે  અન્યમાર્ગી સંગીતમર્મજ્ઞ અને ભક્ત હૃદયોને પણ ધન્ય બનાવ્યા  છે.  આ પદોએ હિન્દી કાવ્ય સાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે.

 

આવો, આપણે પણ આ મહાનુભાવોને ભાવપૂર્વક સ્મરીને ધન્ય  થઈએ.

 

શ્રીરાધા માધો પરમ ધન, શુક અરુ વ્યાસ લિયો ઘૂંટ |
યહ ધન ખર્ચેઘટત નહીં, ચોર લેત ના લૂંટ||૯૫||

 

શ્રી રાધા સહચરી અને તેમના પ્રીતમ એવા માધવ એ યુગલ સ્વરૂપ પરમ ધન છે, અણમોલ નિધિ છે. લૂંટી લેવા જેવો ખજાનો છે. આ નિધિની સાચી સમજ આપણને શ્રીમદ્ભાગવતમાંથી મળે છે. વ્યાસજી હતાશ,  નિરાશ અને ઉદાસ  હતા ત્યારે નારદજીએ તેમને સંક્ષિપ્ત ભાગવત સંભળાવ્યું  હતું અને તેનાથી કૃતાર્થ થયેલા વેદ વ્યાસે પોતાના સુંદરત્તમ સર્જન એવું આ પુરાણ રચ્યું.   કલ્પતરૂ સમાન વેદ વૃક્ષના પાકેલા રસાળફળ સમાન આ પુરાણ છે.  વેદ અને પુરાણોનો આધ્યાત્મિક રસ તેમાં ઘૂંટી ઘૂંટીને,  ઠાંસી ઠાંસીને ભર્યો છે.   જિજ્ઞાસુને અહીં ભક્તિમાર્ગનું વિસ્તૃત વર્ણન અને માર્મિક માર્ગદર્શન મળી રહે છે.  જેમ દવાને ઘૂંટીએ તેમ તેમ તેની શક્તિ વધે છે તેવી રીતે  જ ભક્તિ રસને પણ ઘૂંટવાથી તે વધુ ઘટ્ટ બને છે. ભાગવતજીમાં શબ્દે શબ્દે આવો ઘટ્ટ રસપ્રાપ્ત થાય છે.  વ્યાસજીએ રચના કરી અને તેમના અલગારી પુત્ર શુકદેવજીએ આ અમૃતનું પ્રથમ પાન ઋષીપુત્રના શાપથી જેને વૈરાગ્ય આવ્યો હતો   તેવા પરીક્ષિતને  કરાવીને તેમનું મૃત્યુ મંગલમય બનાવી દીધું.

 

પ્રભુને પામ્યા પછી કશું જ પ્રાપ્ત કરવાનું બાકી નથી રહેતું.   ભૌતિક સંપતિની પ્રાપ્તિ પછી પણ તે વપરાઇ જવાનો, ચોર દ્વારા ચોરાઈ જવાનો, લૂંટારાઓ પાસે લૂંટાઈ જવાવાનો  કે રાજ્ય દ્વારા હરિ લેવાવાનો ડર સતત રહ્યા કરે છે.  અંતે તો અસંતોષ કે અધુરપની લાગણી જ શેષ રહે છે.   જ્યારે આ નિધિ પ્રાપ્ત થયા પછી પૂર્ણ સંતોષ અને પરમ શાંતિ અનુભવાય છે.  જગતના પદાર્થોથી વૈરાગ્ય અનુભવાય છે.  તે વાપરીએ તો પણ વધ્યા જ કરે છે.  હરિ ભક્તોમાં તેને વહેંચી દઈએ કે લૂંટાવી દઈએ તો પણ અનેકગણી વૃદ્ધિ થાય છે.  ઉપરજે  અષ્ટસખાઓની વાત કરી તેમણે પણ પોતાને પ્રાપ્ત સ્વાનુભવના ખજાનાને પોતાની રચનાઓ દ્વારા લૂંટાવ્યો જ છે.

 

આ નિધિ પ્રાપ્ત થયો છે તે સૌભાગ્યમદ સાથે આપણે આજના આ સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.

 

 

(ક્રમશ:) 

 

 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.