મૃત્યુનોંધ …

મૃત્યુનોંધ …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

DEATH NOTE
 

ઘણા બધાને રોજ અખબારોમાં મૃત્યુનોંધ વાંચવાની ટેવ હોય છે, કારણ આ દ્વારા તેમને જાણવા મળે છે કે કોઈ સ્વજન કે મિત્ર આ યાદીમાં તો નથીને ?  એક રીતે તે ઈચ્છે છે કે આજે કોઈ નિકટ કે જાણીતાનું નામ આમાં ન હોય. તેમ છતાં કોઈનું નામ સામેલ હોય તો વિવિધ પ્રકારના પ્રત્યાઘાતો નીકળવાના, જેમ કે કોઈને જાણતા હોઈએ પણ એટલા નહી કે તેની શોકસભા કે પ્રાર્થનાસભામાં જવું આવશ્યક લાગે. તો વળી એવા પણ સંબંધોવાળા હોય કે બધું કામ પડતું મૂકી જવું જ રહયું.  આ ઉપરાંત લોકો કેવા કેવા પ્રત્યાઘાતો અનુભવે છે તે જરા જોઈએ.

 

સામાન્ય રીતે મરનારના નામ સાથે તેની ઉમ્મર પણ લખાતી હોય છે.  જો મરનાર પાકટ વયનો એટલે ૮૦–૮પની વયનો હોય તો વિચાર આવે કે ચાલો તે છૂટયા.  તેમાય તે તમારી જાણના હોય અને તમને ખબર હોય કે તે લાંબા સમયથી માંદગીને બિછાને હતાં અથવા તેમના કુટુંબના સભ્યો માટે તે ત્રાસદાયી કે ભારરૂપ હતાં તો થશે કે તેઓ પણ છૂટયા.

 

પણ કુમળી વયનું નામ વાંચીએ ત્યારે વિચાર આવી જાય કે તેના સંબંધીઓ અને ખાસ કરીને માતા–પિતા ઉપર શું વીતી હશે ?   કેમ કરીને તેઓ આ સહન કરશે ?

 

નામ વાંચતાં વાંચતાં નામ આગળ કોઈ કુમારીનું સંબોધન લખાયું હોય અને ઉમ્મર ૪૦–૪પની હોય તો તમે વિચારશો કે તેના લગ્ન કેમ નહી થયા હોય ?   જો કે તેના ઘણા બધા કારણો હોઈ શકે, કોઈ રોગ, કોઈ શારીરિક ખોડ, કૌટુંબિક મજબૂરી કે વિચારભેદ.  તે જ રીતે કોઈ મોટી ઉમ્મરના માણસના નામ પાછળ પત્ની કે સંતાનોના નામ ન હોય અન્ય સગાંના નામ વાંચીએ ત્યારે આવા જ વિચારો આવી જશે. પણ સત્ય હકીકતથી અજાણ વાચકને આટલેથી અટક્યા સિવાય છૂટકો નથી !

 

કોઈકવાર એવું પણ બને છે કે એક સાથે એક જ કુટુંબના બે સભ્યોની નોંધ નજરે પડે છે.  તમે તે ધ્યાનથી વાંચશો તો જોશો કે તે બે માતા–પુત્ર, ભાઈ–ભાઈ, દેરાણી–જેઠાણી, કાકા–ભત્રીજા કે આવા જ કોઈ અન્ય સંબંધ ધરાવનારના નામ હશે. આપણે તરત સમજી જશું કે એકના મરણના આઘાતથી અન્ય પણ પ્રભુશરણ પામ્યા છે અને તેથી કદાચ તમે પણ થોડીક ક્ષણો આઘાત અનુભવશો.

 

ઘણા સમાચારપત્રો વિના મૂલ્યે આવી નોંધો છાપે છે.  તો ઘણા જાહેરખબરરૂપે લઈ કિંમત વસૂલે છે. જેઓ વિના મૂલ્યે છાપે છે તે એક રીતે સમાજસેવાનું કામ કરે છે એમ કહીએ તો તે ખોટું નથી. પણ તે કારણે તેનો ગેરલાભ લેવાય અને નોંધ માટે લાંબી લચક યાદી અપાય તો તે અયોગ્ય છે.

 

પણ નિયમિત વાંચનાર આને કદાચ જુદી નજરથી જોશે તો જણાશે કે આવી નોંધોમાં વિવિધ પ્રકારના નામો દેખાશે. આવા નામોની યાદી તે બનાવે તો કોઈના સંતાનના નામકરણમાં સહાયરૂપ થઈ પડશે !

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

facebook at : dadimanipotli