ગંગા દશહરા…

ગંગા દશહરા…

 

 

ganga

 

 

ભગીરથના તપ, બળ અને પ્રયાસથી ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાથી ગંગાને ભાગીરથી પણ કહેવામાં આવે છે.  જેઠ સુદ દસમને ગંગા દશેરા તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે જ ભગીરથના તપથી પ્રસન્ન થઈ ગંગાનું ધરતી પર અવતરણ થયું હતું.

 

 

અનેક સંતોનો સંગ, પવિત્ર પાવન તટ્ટ, ભક્તિની અવિરત રસધારાનો જ્યાં મહાસંગમ થઈ રહ્યો છે તે સ્થળ ગંગાજીનો તટ્ટપ્રદેશ છે. આધિદૈવીક તીર્થદેવી ગંગા, મોક્ષદાયિની ગંગા, માતા ગંગાએ આ દિવસે પૃથ્વી પર અવતરણ કર્યુ હોવાથી આ દિવસ ગંગાદશહરા તરીકે ઓળખાય છે. પૃથ્વી પર આવેલ આધિદૈવીક ગંગાજી આધિભૌતિક રીતે હિમાલયની ગંગોત્રીમાંથી પ્રગટ થયા, પછી તેઓ હિમાલયની ઘાટીઓમાંથી કલ કલ નિનાદ કરી નીચે ઉતરીને મેદાની પ્રદેશોમાંથી ભારતની ભૂમિ પર વહી ભારતવર્ષની ભૂમિને પાવન કરી છે. ગંગાદશહરાનો આ પવિત્ર દિવસ હિન્દુ શાસ્ત્રોમાં મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે.

 

શ્રીમદ્ ભાગવત્જીમાં કથા છે કે એક સમયે મહારાજ સગરે યજ્ઞ કર્યો. ત્યારે આ યજ્ઞનો ભાર તેમના પૌત્ર અંશુમાને ઉપાડયો. દેવરાજ ઇન્દ્રને લાગ્યું કે મહારાજ સગર આ યજ્ઞ પછી પોતાના ઇન્દ્રાસન ઉપર બેસી જશે. આથી ઇન્દ્રએ મહારાજ સગરનો યજ્ઞ પૂર્ણ ન થાય તે હેતુથી યજ્ઞના અશ્વનું અપહરણ કરી લીધો અને પાતાળ લોકમાં જઇ કપિલ મહર્ષિ જ્યાં તપ કરી રહ્યા હતા ત્યાં જઇને બાંધી દીધો. અશ્વનું અપહરણ થતાં મહારાજ સગરના સો પુત્ર આ અશ્વ શોધવા માટે નીકળ્યાં. તેઓ આખા ભૂમંડલમાં ફર્યા પણ અશ્વ ન મળ્યો. આખરે તેઓ શોધતા શોધતા પાતાળ લોકમાં કપિલ મુનીના આશ્રમે પહોંચ્યા ત્યાં આ અશ્વને બંધાયેલો અને કપિલ મુનિને ધ્યાનસ્થ બનેલા જોયા. સગરપુત્રોને લાગ્યું કે કપિલમુનિએ જ યજ્ઞના અશ્વને બાંધી દીધો છે આથી તેઓ કપિલ મુનિને ચોર સમજીને તેમની સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યાં. તપમાં પડતાં વિઘ્ન ને કારણે કપિલ મુનિની તપશ્ચર્યા તૂટી ગઈ આથી તેમણે ક્રોધિત ભર્યા નેત્રથી સગરપુત્રોની સામે જોયું. કપિલમુનિના અગ્નિ ઝરતાં નેત્રોમાંથી નીકળતી જ્વાળાને કારણે સગરપુત્રો ત્યાં જ બળીને ભસ્મ થયાં. જ્યારે સગર રાજાને ખબર પડી ત્યારે તેમણે પોતાના પૌત્ર અંશુમાનને ગાદી સોંપી પોતે પુત્રોની મુક્તિ માટે માતા ગંગાજીને વિનંતી કરવા તપશ્ચર્યા કરવા ગયાં. મહારાજ સગર પછી અંશુમાન ત્યાર પછી તેમના પુત્ર દિલીપ અને ત્યાર પછી મહારાજ ભગીરથે પોતાના પિતૃઓના ઉધ્ધાર માટે અથાગ પ્રયત્ન કર્યો. આખરે મહારાજ ભગીરથ માતા ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ કરવવામાં સફળ થયાં તેથી ગંગાજી “ભાગીરથી” ને નામે પ્રખ્યાત થયાં. પુરાણમાં કહે છે કે ભગીરથરાજાના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ કહ્યું હે રાજન આપ ગંગાનું અવતરણ પૃથ્વી પર ચાહો છો પરંતુ ગંગાનો વેગ અતિ વિશાળ છે તેથી ગંગાજીના વેગને ખાળવા માટે ભગવાન શિવને અનુગ્રહ કરવા વિનંતી કરો. બ્રહ્માજીની વાત સાંભળીને રાજા ભાગીરથે ભગવાન શિવની અનુકૃપા પ્રાપ્ત કરી. જ્યારે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી ગંગાજીને ધારાઓ રૂપે વહાવ્યા ત્યારે ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં સમાવી લઈ પોતે “ગંગાધરણ” બન્યાં. ગંગાજીને ભગવાન શિવની જટામાં સમાયેલા જોઈ રાજા ભગીરથે ફરી ભગવાન શિવની તપશ્ચર્યા કરી અને દેવી ગંગાને મુક્ત કરવા વિનંતી કરી. મહારાજ ભગીરથની વિનંતીથી પ્રસન્ન થયેલા ભગવાન શિવે કહ્યું ગંગાજીને હું મુક્ત કર્યા.  શાસ્ત્રો કહે છે કે ભગવાન શિવજીની જટામાંથી પડતાં ગંગાજી એ જ્ઞાનપ્રવાહનું સ્વરૂપ છે.

 

 

ganga avtaran.1
 

 

ગંગાજી વિષે બીજી માન્યતા એ રહેલી છે કે જ્યારે ભગવાન શિવે કહ્યું કે ગંગાજીનો પ્રવાહ હજુ પણ પ્રબળ છે માટે આપ ભગવાન વિષ્ણુને અનુગ્રહ કરવા વિનંતી કરો. રાજા ભગીરથે ભગવાન વિષ્ણુની તપશ્ચર્યા કરી ભગવાન વિષ્ણુએ ભગીરથ રાજાની વિનંતી સ્વીકારી ગંગાજીના પ્રબળ પ્રવાહને શાંત કરવા વચન આપ્યું. જ્યારે ભગવાન શિવે ગંગાજીને જટામાંથી મુક્ત કર્યા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને પોતાની જંઘામાં સમાવી લીધા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ ધીમે ધીમે ગંગાજીને મુક્ત કર્યા હોય ગંગાજીનું નામ “જાહ્નવી” પડ્યું. અમુક વિદ્વાનોનું માનવું છે કે ગંગાજી જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર વેગથી ઉતર્યા ત્યારે જાહુ નામના ઋષિનો આશ્રમ નષ્ટ થઈ ગયો જેને કારણે ઋષિ ખૂબ ક્રોધે ભરાઇ ગંગાજીના જળને પોતાના ઉદરમાં સમાવી લીધાં. ગંગાજીને આ રીતે જાહુ મુનિના ઉદરમાં સમાયેલ જોઇ રાજા ભગીરથે જાહુ મુનિને સંસારની શુભતા માટે પ્રાથના કરી. ભગીરથની પ્રાર્થનાથી મહર્ષિ જાહુ ઋષિએ કાનમાંથી ગંગાનો પ્રવાહ વહેતો કર્યો. આમ ગંગાજી જાહુની જાહ્નવી નામે પણ ઓળખાય છે. ગંગાજીએ પૃથ્વી પર અવતરિત થયા પછી મહારાજ ભગીરથની પાછળ પાછળ કપિલમુનિના આશ્રમે આવીને ભગીરથ રાજાના પિતૃઓનો ઉધ્ધાર કર્યો.આ રીતે અનેક વર્ષો સુધીના કર્મયોગ પછી ભગીરથ રાજાએ જેમ ભાગીરથીને સંસારને માટે મેળવી છે તેમ ભાગીરથી પણ સંસારને અવિરત કર્મનો ઉદ્દેશ આપીને સમુદ્રમાં નામશેષ બનીને મળી જાય છે. ગંગાજીનું આ રીતે સાગરમાં મળી જવું તે એ સમર્પણનું પ્રતિક માનવામાં આવ્યું છે.

 

નદીઓની આ જ સમર્પણની ભાવનાને જોઈને સંસારે માનવજીવનને કહ્યું કે હું,  તારું, મારું વગેરેને મટાડીને આપણું જ્યારે બનશે ત્યારે સંસારના સમાજમાં ઐક્યતા આવશે. શિવપુરાણમાં કહ્યું છે કે જે જીવ ગંગાના નીરમાં ભાવનાપૂર્વક સ્નાન-પાન કરે છે તે જીવના સમસ્ત પાપોનો નાશ થાય છે, અને તે જીવ ફરી માતૃગર્ભમાં જન્મ લેતો નથી. જે જીવો ફરી માતૃગર્ભમાં જન્મ ધારણ નથી કરતાં તે અવસ્થાને મોક્ષ કહેવામાં આવે છે. આથી જ જયાંથી ગંગાજી વહેતા તેવા તીર્થોને પાવન ગણવામાં આવે છે અને ગંગાજીને કિનારે જ્યાં શિવનું મંદિર હોય તેવા તીર્થોને મોક્ષસ્થાન માનવામાં આવ્યા છે. આવા મોક્ષસ્થળોમાં સૌથી વધુ કાશીનો ઉલ્લેખ શાસ્ત્રોમાં વધુ થયેલો જોવા મળે છે. આથી પુરાતનકાળમાં કાશીનું મરણ અતિ પ્રખ્યાત હતું. આપણે ત્યાં મૃત થયેલ દેહમાં કે મૃત્યુની સમીપ પહોંચેલા જીવોના મુખમાં ગંગાજળ મૂકવામાં આવે છે જેથી તે જીવનો મોક્ષ થાય અને તે જીવ જન્મમરણના ફેરાઓમાંથી મુક્ત થઈ જાય.

 

ગર્ગ સંહિતા અને સ્કંદપુરાણ અનુસાર ગંગાદશહરાનો દિવસ સવંત્સરમુખી કહેવાય છે. જ્યારે પુષ્ટિમાર્ગમાં આખા વર્ષ દરમ્યાન ત્રણ દશેરા મનાવવામાં આવે છે. ચૈત્ર સુદની દશેરા જે કુમારિકા ગોપીજનોના ભાવથી મનાવવામાં આવે છે,  જયેષ્ઠ સુદની દશેરા તે યમુનાજીના ભાવથી મનાવવામાં આવે છે અને અશ્વિન સુંદની દશેરાને ઋષિરૂપા ગોપીજનો દ્વારા મનાવવામાં આવે છે.  પુરાણો અનુસાર આ દિવસે શિવ મંદિરોમાં અભિષેક અને ગંગાજીનું પૂજન કરવામાં આવે છે અને ગંગાસ્નાન અને દાન-પુણ્યનો કરવામાં આવે છે.  આ દિવસે તલ અને જળનો અર્ધ્ય આપવાથી ત્રણ શારીરિક પાપો, ત્રણ મનના પાપો અને ચાર વાણીના એમ દશ પાપો હરાતા (દૂર) થતા હોવાથી આ દિવસ દશહરા તરીકે ઓળખાય છે. હરિદ્વારના વિદ્વાનો કહે છે કે તીર્થ ગંગા, માતા ગંગાના નિર્મળ જળમાં સ્નાન કરવાથી માનવોના મન, બુધ્ધિ અને તન એમ ત્રણેયની શુધ્ધિ થાય છે. કારણ કે ગંગા તટે જ્યારે માનવ આવે છે ત્યારે ગંગાજીના જળમાં સ્નાન કરવાથી તન શુધ્ધ થાય છે, અહી તેમને અનેક સંતોનો સંગ મળે છે જેને કારણે તેમને નિરંતર સ્વાધ્યાય મળે છે. આ સ્વાધ્યાય તે બુધ્ધિની શુધ્ધિ માટે અનિવાર્ય છે, સંતોના સંગે રહેવાથી અને રોજ નિરંતર સ્વાધ્યાય કરવાથી માનવોનું મન જેમ શુધ્ધ થતું જાય છે તેમ માનવોમાં ભક્તિ આવતી જાય છે, કારણ કે ભક્તિ એ મનની શુધ્ધતાનું પ્રતિક છે.

 

ગંગાજીનો મહિમા સ્કંદપુરાણ સિવાય શિવપુરાણ, લિંગપુરાણ, બ્રહ્મપુરાણ, ભવિષ્યપુરાણ, ઉપનિષદ, સંહિતા, વેદોમાં અને નાથ સંપ્રદાયમાં પણ ગાવામાં આવ્યો છે. નાથસંપ્રદાયમાં ભર્તુહરિ કહે છે કે વિવેકી જીવો જો ગંગાના કિનારે નિવાસ કરી, ગંગાજળનું પાન કરે, તેમજ ગંગાજળ-મૂળથી પોતાની વ્યાવૃતિ કરે છે તે જીવોના અંતરમનમાંથી અહંતા મમતા છૂટી જાય છે.  સંસ્કૃત વાંડ્મયમાં ગંગાજીની વ્યાખ્યા કરતાં કહે છે કે પવિત્ર અને પાવન એવી ગંગાનું સ્મરણ એ જીવોને ભગવદ્ પદની પ્રાપ્તિ કરાવે છે.

 

આધિ દૈવીક તીર્થરૂપા ગંગાજી ભલે શિવજીની જટાને પોતાનું મુખ્ય સ્થાન બનાવ્યું હોય પણ તેમના આધિભૌતિક સ્વરૂપે તેઓએ હસ્તિનાપુર નરેશ મહારાજ શાંતનું સાથે વિવાહ કર્યા અને તેજમૂર્તિ તત્વજ્ઞ એવા દેવવ્રત નામના પુત્રની ભેંટ સંસારને આપી. તે પુત્ર મહારાજ ભીષ્મને નામે ઈતિહાસમાં પ્રસિધ્ધ થયો. ગંગાજીનું ઉદ્ગમ સ્થાન હિમાલયના ગંગોત્રી નામના ગ્લેશિયરમાં આવેલ છે. દેવપ્રયાગ નજીક ભાગીરથી અલકનંદા અને મંદાકિની મળે છે. આ બંને નદીઑના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. ગૌમુખ પહેલાનો પ્રવાહ તે ગુપ્ત ગંગાને નામે ગંગોત્રી ઉપર રહેલો છે પણ આજ પ્રવાહ તે ગૌમુખ નામના સ્થાનથી પ્રગટ રૂપથી દેખાય છે. તેથી ગૌમુખ ઉપર ગંગાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જેની સ્થાપના ૧૯મી સદીની શરૂઆતમાં ગોરખા જનરલ અમરસિંહ થાપાએ કરેલી હતી. પરંતુ સમય અનુસાર આ મંદિરને જ્યારે જીર્ણોધ્ધારની જરૂર પડી ત્યારે (વર્તમાન સમયમાં)આ મંદિર જયપુરના રાજાઓ દ્વારા બનાવવામાં આવેલ હતું તેવી માન્યતા રહેલી છે. ગૌમુખ પર રહેલ આ મંદિરમાં માતા ગંગા અને આદ્યગુરુ શંકરાચાર્યની મૂર્તિ રહેલી છે. આ મંદિરની પાસે એક વિશાળ શિલા રહેલી છે.

 

લોકમાન્યતા છે કે આ શિલા ઉપર બેસીને મહારાજ ભગીરથે પોતાની તપશ્ચર્યા કરેલી હતી. જ્યારે બીજી માન્યતા અનુસાર આ સ્થળ ઉપર પાંડવોએ પોતાનો છેલ્લો દેવ યજ્ઞ કર્યો હતો. ગૌમુખ ખાતે રહેલું આ મંદિર અક્ષયતૃતીયાને દિવસે ખૂલે છે અને દિવાળીને દિવસે બંધ થઈ જાય છે. મંદિર બંધ થયા બાદ માતા ગંગાની પ્રતિમાને ગામમાં પરત લાવવામાં આવે છે અહીં આ પ્રતિમા આખો શિયાળો (લગભગ ૬ માસ )રહે છે. શિયાળો પૂરો થતાં પ્રતિમાને ફરી મંદિરમાં લાવી તેની પુનઃસ્થાપના કરાય છે.

 

ફૂલછાબમાં પ્રકાશિત (જૂન 2014 )

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીમતી પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli