સમોસા …
સમોસા ઉત્તર ભારતનું વ્યંજન છે, પરંતુ હવે તે પુરા ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના દરેક દેશમાં સૌના માનીતા અને પ્રિય છે. અગાઉ આપણે મગની દાળના (મીની) સમોસા કેમ બને તે જોયું; આજે આપણે બટેટા-લીલા વટાણાના સમોસા બનાવીશું.
સમોસાના લોટ (પળ માટેની ) માટેની સામગ્રી:
સામગ્રી:
૩૦૦ ગ્રામ મેંદો
૭૫ ગ્રામ ઘી
૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર ( સમોસાના પળ ને બિસ્કીટ જેવું બનાવવા ૨૫૦ ગ્રામ લોટ માટેનું માપ )
મીઠું સ્વાદાનુસાર
સમોસામાં ભરવા માટેનું પૂરણ બનાવવાની સામગ્રી:
સામગ્રી:
૬૦૦ ગ્રામ બટેટા
૧/૨ કપ લીલા વટાણા ( જો તમને પસંદ હોય તો જ)
૧૨-૧૫ નંગ કાજુ
૨૫-૩૦ નંગ કિસમિસ ( જો તમને પસંદ હોય તો જ )
૨-૩ નંગ લીલા મરચા ( મરચાને જીણા સમારી લેવા)
૨”-ઈંચનો આદુનો ટૂકડો ( આદુને છીણી લેવું)
૧ ટે.સ્પૂન લીલી કોથમીર
૨ નાની ચમચી ધાણા નો પાઉડર
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
૧/૪ નાની ચમચી આમચૂર પાઉડર
મીઠું સ્વાદાનુસાર
તેલ-તળવા માટે જરૂરિયાત મુજબનું
રીત:
સૌ પ્રથમ બટેટાને બાફવા મૂકી દેવા. મેંદામાં તેલ/ઘી નું મોણ, અને મીઠું નાંખી અને સારી રીતે તેને મિક્સ કરી દેવું. અને તે લોટને નવસેકા (હુંફાળા) પાણીથી બાંધવો. લોટ (કણક) થોડો કઠણ રહે તેમ બાંધવો. અને ત્યારબાદ, ૩૦ મિનિટ સુધી તેને ઢાંકી અને એક સાઈડ પર રાખી દેવો. ( લોટમાં /(કણક માં ) -ઘી નાખવાથી સમોસાના પળ ઉપર બબલ્સ નહિ થાય.)
બાફેલા બટેટાની છાલ ઉતારી અને તેને મોટા કટકામાં સમારવા.
ત્યારબાદ, એક કડાઈમાં એક ચમચો તેલ મૂકવું અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખવી. તેલ ગરમ થાય એટલે તેમાં ઘાના પાઉડર, લીલા સમારેલા મરચાં અને છીણેલું આદુ નાંખી અને સાંતળવું અને ત્યારબાદ, સમારેલા બટેટા અને વટાણા પણ નાંખવા. ત્યારબાદ, ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, અને આમચૂર પાઉડર તેમાં નાંખવો. અને એક ચમચાથી હલાવી બધાંને મિક્સ કરવું. જ્યારે બરોબર મસાલો બટેટા ઉપર ચડી જાય (મિક્સ થઇ જાય) એટલે ગેસ બંધ કરી દેવો અને કડાઈ નીચે ઉતારી લેવી.
પૂરણ ઠંડું થઇ ગયાબાદ, કાજુ-કિસમિસ તેમાં મિક્સ કરી દેવા. આમ, સમોસાનું પૂરણ તૈયાર થઇ જશે.
હવે જે લોટ બાંધેલ છે તેના લગભગ ૧૦ સરખા લુઆ-ગોળા (ભાગ) કરવા. અને એક ગોળા ને લગભગ ૮”-ઈંચ જેવી પૂરી બને તેમ વેલણથી વણવો. વણેલો લોટ થોડો મોટો હોવો જરૂરી.
આ વણેલા લોટના એક સરખા બે ભાગ ચપ્પૂથી કરવા. અને એક ભાગને કોણ આકારમાં બનાવી તેના છેડા પાણીથી ચિપકાવવા. પાણી લગાડી અને થોડું પ્રેસ કરવાથી ચિપકી જશે.
જે ત્રિકોણ આકારમાં કોણ બનાવેલ છે તેમાં બટેટાનું પૂરણ (માવો) ભરવું. અને ત્યારબાદ, ઉપરના ખૂલ્લા ભાગને પણ કવરની જેમ બંધ કરી અને પાણી થી ચિપકાવવો.
આમ, ધીરે ધીરે બધાજ સમોસા ભરી અને તૈયાર કરવાં.
સમોસાને ત્યારબાદ, તળવા માટે એક કડાઈમાં જરૂરી તેલ લેવું અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવી. તળ ગરમ થાય એટલે એકી સાથે ૪-૫ સમોસા તળવા માટે કડાઈમાં મૂકવા. ( કડાઈના માપને ધ્યાનમાં રાખી અને સમોસા એકીસાથે તળવા મૂકવા )
સમોસા ખાસ ધ્યાન રહે કે મધ્યમ (ધીમા) તાપે/આંચે ગેસ પર તળવા અને જ્યાં સુધી બ્રાઉન કલર થાય નહિ ત્યાં સુધી તેને તળવા. બંને સાઈડ ને ફેરવતા રેહવી.
સમોસા તળાઈ ગયાબાદ, એક પ્લેટ પર પેપર નેપકીન રાખી અને તેની ઉપર સમોસા તળાઈ ગયેલા રાખવા.
આમ ધીરે ધીરે બધાજ સમોસા તળી લેવા.
સમોસા લીલી કોથમીરની ચટણી અથવા મીઠી ચટણી સાથે પીરસવા.
ટીપ્સ: બેકિંગ પાઉડર ખૂલ્લો રહી ગયેલ હોય કે જુનો હોય તો તેનો ઉપયોગ કરશો નહિ તે કદી કામમાં નહિ આવે. બકિંગ પાઉડર હંમેશાં ઉપયોગ કરી લીધાબાદ, એરટાઈટ સાધનમાં જ પેક કરીને રાખવો.
સમોસાના પળમાં બબ્લસ થતા હોય તો લોટમાં તેલને બદલે ઘી નું મોણ નાંખી અને લોટ બાંધવો. અને લોટ ને હંમેશ કઠણ બાંધવો.
અન્ય રીત :
કાંદાના સમોસા ની રીત :-
આજ રીતે કાંદાના સમોસા પણ બહુ જ સરસ બને છે.
જાડા પૌવામાં ૫ થી ૬ કાંદાને બારીક સમારીને મિક્સ કરવા તેમાં લીંબુંનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, બારીક સમારેલા લીલા મરચાં, થોડું લાલ મરચું, કોથમરી, આખું જીરૂ, નાખી મિક્સ કરી લગભગ ૨ થી ૩ કલાક ઢાંકીને રાખવું.(પૌવામાં પાણી બિલકુલ નાખવું નહિ )પડ બનાવવા માટે ૧ વાટકી ઘઉં ના લોટ માં ૧/૨ વાટકી મેંદો, ૧/૪ વાટકી ચોખાનો લોટ લેવો તેમાં ૧ ચમચી લીંબું નો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ચમચી જીરૂ નાખવું, ૨ ચમચી ગરમ તેલ નાખવું અને ગરમ પાણીથી લોટ બાંધી ગોળ વણી કાચા પડ બનાવી શકાય અથવા રોટલી બનાવી કાચીપાકી શેકી પાકા પડ પણ બનાવી શકાય.પાકા પડ બનાવવાનો ફાયદો એ છે કે સમોસા જલ્દીથી થઈ જાય છે.
(નોંધ: ઉપરોક્ત રીત અમોને અમારા બ્લોગના પાઠક શ્રીમતી પૂર્વીબેન મલકાણ -મોદી (યુ.એસ.એ.) તરફથી મળેલ છે જેનો સાભાર સ્વીકાર કરી અત્રે આપ સવે પાઠક મિત્રો માટે પ્રસ્તુત કરેલ છે. જે માટે અમો પૂર્વીબેન ના આભારી છીએ.)






સમોસા મૂળ મુસ્લીમ (ગલ્ફ) દેશોની વાનગી છે જે તેમના ભારત આગમન સાથે આવી અને અહીં ‘વેજ’ વાનગી બની ગઈ અને વિશ્વ પ્રસિદ્ધ થઈ ગઈ. વધુ માહિતી માટે http://en.wikipedia.org/wiki/Samosa
so….nice….desais
so nice….desais.
શ્રી વિનયભાઈ,
બ્લોગ પોસ્ટ પર આવી પ્રતિભાવ સાથે પૂરક માહિતી આપવા બદલ આભાર !
પાયલબેન,
બ્લોગ પોસ્ટ પર આવી પ્રતિભાવ આપવા બદલ આભાર !
આવી શિયાળાની ઠંડીમાં મસ્ત ગરમ ગરમ સમોસા ખાવાની મઝા આવી ગઈ.