તગતગતા તા૫માં તન-મનને તરબતર રાખતા શરબત …

તગતગતા તા૫માં તન-મનને તરબતર રાખતા શરબત …
 

 

 
sharbat.1
 

 

ઉનાળાની બળબળતી ગરમીમાં પાણીની ખૂબ તરસ લાગી હોય, ગળામાં શોષ પડતો હોય એ વખતે કોઈ ફ્રીઝનું ઠંડું પાણી ભરેલો ગ્લાસ સામે ધરે તો કેવી હાશ થાય. તેમાંય પાણીને બદલે સરસ, મીઠું મધુર શરબત કે ઠંડાઈનો પ્યાલો આપે તો તો બસ, વાત જ પૂછવાની ન હોય, પ્યાલો હોઠે માંડીને શરબત ગટગટાવી જાવ તેની સાથે જ પાણી માટેની તૃષ્ણા તૃપ્ત થઈ જાય.

 

હવે તો જોકે તરસ છિપાવવા ઠંડા પાણીનો એક ગ્લાસ પીવો હોય તોય પૈસા ચૂકવવા પડે છે.  બજારમાં ઠંડું પાણી વેચાય છે તો પછી શરબત, ઠંડાઈ અને કોલ્ડડ્રિંક્સની માર્કેટ ખાસ્સી મોટી હોય તેમાં નવાઈ શી. ગોલ્ડ સ્પોટ, પેપ્સી થમ્સ અપ, લિમકા, કોકાકોલા, ફેન્ટા… ઉનાળો બેસતાં જ એક બાજું આવાં કોલ્ડ ડ્રિંક્સ-એરીએટેડ વોટરનું બજાર ગરમી પકડતું જાય છે.  તેમાં લગ્ન સરાની સીઝન હોય એટલે ઠંડા પીણાંની બાટલીઓનો ઉપાડ સારો રહેવાનો.

 

બીજી તરફ લારી-ગલ્લા કે ખૂમચાવાળાનો શરબત-ઠંડાઈ તથા આઇસક્રીમ-કુલ્ફીનો બિઝનેસ પણ રોજ બેવડાતો જાય છે.  તો ઘણા શેરડીનો રસ અથવા નાળિયેર પાણી પીને તરસ છિપાવ્યાનો સંતોષ માણે છે. હવે તો લીંબુ શરબત તથા પાઇનેપલ જ્યુસ વેચનારા ગલ્લા પણ રસ્તા પર પાંચ મિનિટ ચાલો એટલામાં માર્ગમાં એકાદ લારી-ગલ્લાવાળો મળશે. જે ક્યાંક તો શેરડીનો સંચો ચલાવતો હશે અથવા નાળિયેર, લીંબુ શરબત કે બીજાં ફ્રૂટ જ્યુસ વેચતો હશે.

 

આજે માત્ર લોકોની તરસ છિપાવવાનાં બહાને પૈસા કમાઈ લેવા પૂરતો શરબત-ઠંડાઈનો ધંધો  ફાલી રહ્યો છે.  પરંતુ તેનો ઇતિહાસ ઉખેળવાં બેસો તો એ એટલો ખટમધુરો અને રંગીન જણાશે જેવા કે બાટલીઓમાં ભરેલા કલરફુલ શરબત !   એકલા ભારતમાં જ નહીં, ગ્રીષ્મ ઋતુમાં તનબદનને તાજગી આપતાં ઠંડા પીણાં-શરબતનો મહિમા તમામ દેશોમાં એકસરખો જોવા મળે છે.  એવા શીતળ અને આરોગ્યપ્રદ ગુણોને લીધે ઠંડા પ્રદેશોમાં પણ તેની લોકપ્રિયતા જળવાઈ રહે છે.
 

 
sharbat
 

 
રાજામહારાજાઓના સમયમાં વિવિધ શરબત, ફળફૂલમાંથી તૈયાર કરેલા આસવ તેમ જ બીજાં શીતપેયો બનાવવાની કળા પૂરબહારમાં વિકસી હતી.  જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે.  સમ્રાટ અકબર તથા જહાંગીરના દરબારમાં કેવડા-ગુલાબના અર્કમાંથી મધુપેય બનાવનારા તથા વિવિધ ફળોના રસમાંથી શરબત બનાવનારા નિષ્ણાતોની એક ટીમ નિમવામાં આવતી હતી.  આ લોકો સમ્રાટને મનપસંદ ફળોના રસ, ફૂલોના અર્ક, બીજી કેટલીક વનસ્પતિ, ચંદનતેલ, ખસખસનો કાઢો તથા વરિયાળી વાપરીને શીતલ પેય બનાવી આપતા.

 
કહે છે કે સિકંદરે હિંદુસ્તાનમાં સહેલાઈથી દૂધ, મધ અને વિવિધ પ્રકારનાં ફળો મળી રહે છે તે જાણીને આ દેશ પર ચઢાઈ કરવાનો મનસૂબો ઘડયો હતો.  હિંદુસ્તાનમાં તો દૂધ અને મધની નદીઓ વહે છે.  આથી અહીં રહેનારા કેટલા સમૃદ્ધ હશે તેવું વિચારી તે હિન્દુસ્તાન આવવા પ્રેરાયેલો.  આમેય આપણા દેશમાં રામાયણકાળથી શીતમધુર પીણાંઓ એક રિવાજની માફક રહેણી-કરણી સાથે સંકળાઈ ગયાં છે.  ઘેર મહેમાન આવે અને ગરમ ચા કે કોફી પીવાની અવેજીમાં ઠંડા-શરબતનો ગ્લાસ સામો ધરી દઈએ છીએ. પ્રાચીન સમયમાં તો વૈદ-હકીમો જડબુટ્ટી વાપરીને એવાં શરબતો બનાવતા જે જીભનો સ્વાદ શોખ પૂરો કરવા ઉપરાંત પેટની તકલીફો પણ દૂર કરતાં.  સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પૂર્વે ભોગ વિલાસમાં અમન-ચમન કરતો હતો ત્યારે રોજ દ્રાક્ષાસવ અને મધ સાથે અફીણનો અર્ક ભેળવીને નશાકારક શરબત પીતો હતો.
 

 
sharbat.2
 

 
શરબત અરબી શબ્દ છે.  એનો અર્થ એક જાતનું લિજ્જદાર પાણી એવો થાય છે અને ખરેખર બળબળતા તાપમાં શરબત જેવી લિજ્જત કશામાં મળતી નથી.  શરબત બનાવવાનું ક્યારથી અને કઈ જગ્યાએથી શરૃ થયું એની કોઈ ચોક્કસ માહિતી જોવા મળતી નથી.  પણ બે હજાર વરસ પહેલાંય શરબત બનતા હતા અને પીવાતા હતા એ હકીકત છે.

 
શરબતમાં મૂળ ઠંડુ-મીઠું પાણી અને સુંગધ જ હોય છે.  અને ગરમીમાં વારેઘડીએ પીવા પડતા પાણીને લિજ્જતદાર બનાવવામાંથી જ શરબત શોધાયું છે.  પાણીને માટલામાં એકદમ ઠંડું કર્યા પછી એને વધારે લિજ્જતદાર બનાવવા માટે સુગંધ ઉમેરવાની શરૃઆત થઈ હશે.  સુંગધ ઉમેરવાનો વિચાર નવા માટલામાં ભળી જતી માટીની ભીની ભીની મહેક ઉપરથી આવ્યો હશે.  એમ કરતાં સુગંધિત બનેલા શરબતને હજી મજેદાર બનાવવા માટે એમાં મીઠાશ અને ફળ વગેરેનો રસ પણ નાખવાનો રિવાજ શરૃ થયો હશે.

 
પછીથી તો જેમ ચીનની ચામાં અંગ્રેજોએ ખાંડ અને દૂધ નાખીને સાવ નવી જાતની ચા બનાવી એમ શરબતમાં પણ ઠેકઠેકાણે જે તે દેશના રિવાજ અને પસંદ મુજબ જુદી-જુદી ચીજો મેળવીને હજારો શરબત બનાવવા માંડયા છે.  શરબતનું ચલણ આપણા દેશમાં પૂર્વના દેશોમાં અને આરબ દેશોમાં જ વધારે જોવા મળે છે.  યુરોપના દેશોમાં શરબતની જગ્યાએ કોફી અને જવનો આસવ એટલે કે બિયર તથા મદિરા એટલે કે વાઇન પીવાનો રિવાજ વધારે છે.  એનું કારણ કદાચ એ છે કે ત્યાં વરસના મોટા ભાગમાં ઠંડી જ પડતી રહેવાથી ગળા તર કરનાર શરબતની નહીં, પણ ગળામાં ગરમાટો કરનાર ચીજ પીવાની વધારે જરૃર પડતી હશે.  એમને ઉનાળામાં પીવા માટે શરબત  તો ગમ્યા પણ એમાં જીભે ચચરાટ થાય એ માટે ગેસ ભેળવી દીધો.  એ ચચરાટ વાળા કોલા, નારંગી અને લીંબુના ઠંડા પીણા આખી દુનિયામાં છૂટથી પીવાય છે.  જોકે, એને શરબત ન કહી શકાય પણ એમાં ભેળવેલો વાયુ કાઢી લો તો બાકી જે બચે એ અસલ શરબત જ હોય છે.

 
સહુથી પહેલા બદામનું શરબત બન્યું હશે એવી ધારણા છે, કારણ કે એકવીસસો વરસ, જૂનાં, ઇરાનના શિરાજ નામના પાક શાસ્ત્રમાં બદામનું શરબત બનાવવાની રીત બતાવવામાં આવી છે.  એમાં બદામને થોડા ગરમ પાણીમાં પલાળી રાખ્યા પછી એ જ પાણીમાં વાટી લેવાની અને પછી એ પાણીને બરાબર ગાળી લઈને માટીના વાટકા અથવા માટલામાં રાખીને ઠંડુ કરવાની રીત બનાવી છે.
ત્યાર પછી ઓરિસ નામની વનસ્પતિના બીજને આ રીતે પલાળીને એની સુગંધ વાપરવાની રીત પણ છે. ઓરિસના બીજની એ સુગંધને આપણે કેવડાની સુંગધ કહીએ છીએ.  કેવડો આપણે ત્યાં રાજસ્થાનમાં ભરપૂર થાય છે.

 
બીજી એક જાતની વનસ્પતિ ઉપર પોશના ડોડા જેવા ડોડા થાય છે.  એના બીજને પલાળીને બરાબર વાટીને એનો કસ કાઢવામાં આવે તો લીલા રંગનો મદમસ્ત સુગંધવાળો અર્ક નીકળે છે.  એને આપણે ખસની સુગંધ કહીએ  છીએ.  ખસ આપણે ત્યાં ઉત્તર ભારતમાં ભરપૂર ઊગે છે.  અસલમાં તરસ છિપાવવાના પાણીને સુગંધદાર બનાવવામાંથી અને પછી સ્વાદિલું બનાવવામાંથી શરબતની શરૃઆત થઈ ગઈ છે.  ઇરાનમાંથી શરબત થયા પછી તે તુર્કસ્તાનના લોકોનેય ગમી ગયું.  તુર્કસ્તાનના તુર્કી લોકો એને ‘શોરબત’ કહેતા હતા.  લુઇ ચોથાના રાજમાં તુર્કસ્તાનનું શોરબત ફ્રાન્સ દેશમાં પહોંચી ગયું અને ફ્રાન્સના શોખીન લોકો તો શરબતની લિજ્જત પર આફરીન થઈ ગયા.  ફ્રાન્સમાં રાતના ભોજનમાં તેર પકવાન પિરસવાનો રિવાજ હતો.  ત્યાં એ દરેક પકવાન ખાધા પછી શરબતના ઘૂંટ ભરવાનો રિવાજ શરૃ થયો હતો જેથી મોંના સ્વાદ સાફ થઈ જાય અને નવી વાનગી માટે જીભ તાજી થઈ જાય.

 
ફ્રાન્સમાં શરબતને વધારે રસીલું અને મજેદાર બનાવવા માટે કાચના ગ્લાસમાં અડધે સુધી બરફ ભરીને એમાં શરબત રેડવાનું શરૃ કર્યું.  એનાથી શરબત એવું ઠંડું થયું કે જીભ અને ગળાની સાથે કાળજેય ઠંડક પડી જાય.  ખાંડની મીઠાશવાળા સુગંધી પાણીના સીધાસાદા શરબતને બદલે એમણે નારંગી, દાડમ અને રાસ્પબરી નામના ત્યાંના ફળનો રસ શરબતમાં ભેળવવા માંડયો એનાથી શરબતની મઝા ઓર વધી ગઈ.

 
શરબતમાં આવા બધા ઉમેરા કરવાનો રિવાજ ફ્રાન્સથી પાછો તુર્કસ્તાન થઈને ઇરાન પણ પહોંચ્યો. ઇરાનના રજવાડી તથા પૈસાદાર ઘરના લોકો પિસ્તા, ઘઉંના લોટની અને મેંદાની શેકેલી સેવ અને દૂધ લઈને એમાં ગુલાબનું શરબત નાખીને તથા એના પર મલાઈ નાખીને ફાલુદા નામનું ખાસ શરબત પીતા હતા.  આજે આપણે ત્યાં ફાલુદામાં મલાઈને બદલે વેનિલા આઇસક્રીમ નાખવામાં આવે છે.

 
દક્ષિણમાં કેટલાક રાજવીઓ તેમનો શરબતશોખ અનોખી રીતે પૂરો કરતા હતા.  ભીંજાવેલી ભાંગનું દ્રાવણ બનાવી તેમાં કેસર, દૂધમલાઈ, મધ, કાજુ-બદામ વગેરે ભેળવીને તૈયાર કરેલી વિશિષ્ટ પ્રકારની ઠંડાઈ  ‘આયરિક’ના  નામે પ્રખ્યાત હતી.   રાજા પોતે પણ આયરિક પીતા અને દરબારીઓને પણ પિવડાવતા.  આયરિકનો અર્થ અમૃત થતો હશે પરંતુ આજે તો દક્ષિણ ભારતમાં શરાબ માટે ‘અરાક’ જેવો શબ્દ વપરાય છે.

 
પ્રખ્યાત ચીની ફિલસૂફ હ્યુ એન શાંગ તેમ જ કોન્ફ્યુશિયસે તેમની નોંધપોથીમાં હિન્દુસ્તાનમાં ઉષ્ણતાશામક, દાહનિવારક પીણાંઓ કેમ બનાવાતાં હતાં તેની નોંધ કરી છે.  દ્રાક્ષના તાજા રસમાં બદામની લીલી છાલને પલાળી તેમાં આથો આવ્યા બાદ બનતા અર્કમાં કેશર અને વાંસકપૂરની છાંટ આપી બનાવેલું શરબત તેમણે અનેક વાર પીધુ-વખાણ્યું હતું.  તે મહાયાત્રી માર્કોપોલોએ હિન્દુસ્તાની ઠંડા પીણાનો ઉલ્લેખ કરતાં ત્યાં સુધી લખ્યું છે કે આ દેશમાં બનતા મધુર ફળોનાં સમિશ્રિત પીણાં અન્ય કોઈ દેશોમાં બનતા હોય એવું મારી જાણમાં નથી.’

 
ભારતમાં શરબત-ઠંડા પીણાંનો સિલસિલો ભલે રામાયણકાળથી આરંભ થયો હોય પરંતુ મધુર, ખટમીઠા શરબત, શીતળ પેયની અનેક વિધ વેરાયટી તો મોગલ શહેનશાહના કાળમાં જ વિકસી હતી.  તરબૂચ, નારંગી, લીંબુ, સફરજન, અનાનસ ઇત્યાદિ ફળોને દૂધ, કેસર, માવો સૂકો મેવો, એલચી, ઇસબગુલ, મધ સાથે પ્રમાણસર મેળવીને જાત-જાતનાં શરબતો મોગલ બાદશાહો પીતા હતા. અકબરના દરબારમાં બીજા રાજવીઓનો આદરપૂર્વક સત્કાર કરતી વેળા મહેમાનોને ખાસ કેસર, એલચી અને કસ્તુરીમિશ્રિત શરબત પિવડાવવામાં આવતું.  હિંદુ રાજવીઓ કેરીના રસમાં દૂધ એલચી વગેરે ભેળવીને બનેલાં મધમધતાં પીણાં પીતા.

 
ભારતમાં અત્તરની શરૃઆત નૂરજહાંએ કરાવી હોવાનું કહેવાય છે તેમ શરબતની શરૃઆત પણ નૂરજહાંએ જ કરાવી છે.  ભારતની મહારાણી બનીને આવ્યા પછી મહારાણી નૂરજહાં પોતાના શાહી બગીચામાં રોજ ફરતી હતી.  ઉનાળાની એક સાંજે હવાની ખુશનુમા લહેરખીઓ સાથે ગુલાબની ક્યારીઓમાંથી ગુલાબની મીઠી-મીઠી સુગંધ પણ આવતી હતી.

 
ગુલાબની મીઠી સુગંધની મઝા લેતાં-લેતાં નૂરજહાંને ઇરાનના પેલા ગુલાબના ફાલુદા શરબતની યાદ આવી ગઈ.  એને એવું જ શરબત બનાવડાવીને પીવાનું મન થયું મહારાણીની ઇચ્છાનો તરત અમલ થયો અને ત્યારથી ગુલાબના શરબતનો સ્વાદ આપણા દેશમાં આવ્યો.  ગુલાબનું શરબત જોતજોતામાં આપણા દેશના રજવાડા અને નવાબો તથા ઠાકુરોના ઘરમાં મનગમતું બની ગયું હતું.

 
ગુલાબના શરબતથી શરૃઆત થયા પછી આપણાં દેશમાં ખસ, કેવડો, ચંદન, કેસર એમ કુદરતી સુંગધવાળા શરબતો બન્યા અને ત્યાર પછી ફ્રાન્સના લોકોની જેમ આપણે ત્યાં પણ નારંગી, મોસંબી જેવા ફળના રસ શરબતમાં મિલાવવા માંડયા.  પંજાબમાં લસ્સી જ પીવાતી હતી.  ત્યાંના લોકોએ શરબતને લસ્સીમાં મિલાવીને અપનાવી લીધું.  તો દૂધના શોખીન આપણા ગુજરાતીઓએ શરબતને દૂધમાં મિલાવીને પીવા માંડયું.  દૂધ, લસ્સી અને ફળની ભેળસેળ થવાથી શરબતમાં લિજ્જત સાથે ફાયદો પણ મળવા લાગ્યો.

 
કાળજે ઠંડક પણ થાય અને ભરપૂર ફાયદો પણ થાય એ માટે ખસ, કેરીના, લીંબુના જીરાના અને આદુના શરબત બનાવવામાં આવ્યા.  કાચી કેરીને બાફીને એનો ગર્ભ બરાબર પાણીમાં મસળીને ફણો અથવા ‘બાફલો’ નામનું શરબત બને છે.  લૂ લાગી હોય તો મટાડે છે.  તો લીંબુના રસમાં પાણી અને મીઠાશ ઉમેરીને લીંબુનું શરબત બને છે.  એ શરીર અને આંખમાં ઠંડક આપે છે. જીરાને વાટીને પાણીમાં પલાળી રાખ્યા પછી એમાં મીઠાશ ઉમેરવાથી જીરાનું શરબત જે પાચન સુધારી આપે છે અને આદુને વાટીને એનું નિતરેલું પાણી લઈ આદુંનું શરબત બને છે.  એનાથી કબજિયાત મટે છે.

 
ગુલાબનું શરબત બનાવવા માટે ગુલાબની પાંખડીઓને લગભગ બાર કલાક પાણીમાં પલાળી રાખીને પછી ઉકાળવામાં આવે છે. એને ગાળીને ઠંડુ કરી લો, તો ગુલાબનું પાણી-ગુલાબ જળ બને છે.  જેમાં મીઠાશ ઉમેરો તો ગુલાબનું શરબત બની જાય છે.  પંજાબ અને એની આસપાસના વિસ્તારમાં શિયાળામાં જે કાળા ગાજર થાય છે એના રસમાં મીઠાશ ઉમેરીએ તો ‘કાલાખટ્ટા’  શરબત બની જાય છે.

 
અંગ્રેજો અને યુરોપના લોકોએ વિજ્ઞાાનની જાતજાતની શોધો કરી એમાંથી દરેક જાતની સુગંધ બનાવવાની શોધ થયા પછી શરબતોની કાયાપલટ થઈ ગઈ છે.  પહેલાં ખસ અથવા કેવડાની સુગંધવાળા શરબત બધે છૂટથી નહોતા મળતા, કારણ કે ખસ અને કેવડો બધે નહોતા થતા.  પણ નકલી રસાયણવાળી સુગંધ બનાવવાનો કીમિયો જડી ગયો એટલે ગમે તે સુગંધ ગમે ત્યાં બનવા લાગી.

 
અંગ્રેજોના શાસન દરમિયાન મોગલોની શરબતી જાહોજલાલી લુપ્ત પામી.  પરંતુ રાજરજવાડામાં તો મધુર ઠંડા પીણાંની બોલબાલા એવીને એવી જ હતી.  જાહેરમાં ફળોના રસ વેચવાનો ધંધો તે વખતે વિકસ્યો નહોતો.  મોટા શહેરોમાં બરફ, ખસખસ, વાળો, વરિયાળી, એલાયચી તથા કેસર-મધ નાખેલાં શરબતો લગ્નપ્રસંગે પીરસાતા હતા.  શેરડીનો રસ પણ ગામડે જઈને ખેતરોમાં ચાલતા કોલુમાંથી મેળીને જ પીવા મળતો.  શહેરોમાં સિંચોડામાં શેરડીનો રસ કાઢીને વેચવાનો ધંધો બહુ મોડેથી શરૃ થયો.  લોકો બહારની ચા પીવાની સુદ્ધાં ટાળતા તો પછી રસ-શરબતની વાત જ ક્યાં કરવી ?   પરંતુ ઇરાની રેસ્ટોરાં વધતી ગઈ તેમ રસ, શરબત, ફાલુદાની ફેશન જોર પકડવા લાગી.  બીજી તરફ ઠેર-ઠેર ફ્રુટ જ્યુસ સેન્ટરો પણ ખીલ્યા.  શહેરજનો રાત્રે જમ્યા પછી ટહેલવા નીકળે અને તાજાં જ્યુસના પ્યાલા ગટગટાવે.  જોકે એવુંય બને છે કે મોસંબીના શરબતમાં મોસંબીનું ટીપુંય ન હોય અને ખસના શરબતમાં ખસનો દાણોય ના હોય !  ખાંડની ચાસણી અને પાણીમાં નકલી સુગંધ અને રંગ મિલાવીને હજારો જાતના શરબત બનવા લાગ્યા. ખાંડની ચાસણીની જગ્યાએય સેકરીન જેવી નકલી મીઠાશ વપરાવા લાગી.  એનાથી જોકે, મૂળ શરબતને કશું નુક્સાન નહોતું.  કારણ કે શરબતનું મૂળ કામ તો કાળજે ઠંડક પાડવાનું અને લિજ્જત આપવાનું જ છે જે નકલી સુંગધવાળા શરબતમાંય પાર તો પડે જ છે.

 
પણ હવે એ જ વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે નકલી મીઠાશ, નકલી સુગંધ અને રંગ શરીરને  નુકસાન કરે છે અને બીજી બાજુ આપણી આયું ઘટાડે છે આયુર્વેદની બોલબાલા થઈ છે એટલે હવે ફરીથી શરબતને ગુણકારી બનાવવાનું શરૃ થયું છે અને અસલી શરબતો મળવા લાગ્યા છે.  ગોળની મીઠાશ, અસલી સુગંધ અને પાણી વડે બનાવેલા શરબતથી તબિયતનો ફાયદો થાય કે ના થાય એનાથી રતીભર પણ નુકસાન નથી થતું અને ઠંડી-મીઠી લિજ્જત મળે છે એ હકીકત છે.

 
રસ્તાના કિનારે ઊભા રહેતા બરફના ગોળાવાળાનું શરબત હોય કે મોંઘેરી હોટલમાં મઝાના રૃપકડા ગ્લાસમાં ટ્રેમાં મૂકીને વેઇટર મારફત અદાથી પીરસાવામાં આવતું અસલી કેરી અથવા અસલી કેસરનું શરબત હોય.  એનું કામ તો ગળુંતર કરીને કાળજે ઠંડક પાડવાનું તથા લિજ્જત આપવાનું જ છે અને બળબળતી ગરમીમાં ગમે તે શરબતથી ઠંડક તો એકસરખી જ મળે છે.
 

 

 
સૌજન્ય : કેતન ત્રિવેદી -ગુજરાત સમાચાર -દૈનિક

 

 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....