મોબાઈલની મોંકાણ ! …

મોબાઈલની મોંકાણ ! …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 
mobile .1
 

 

ઘણા બધાને એમ લાગતું હશે કે જયારે મોબાઈલ સેવા ન હતી ત્યારે આપણે કેટલા સુખી હતા!

 

જયારે મોબાઈલ યુગ શરૂ થયો ત્યારે તે એક નવાઈનું સાધન હતું, જેમ દરેક નવી શોધો અને સાધનો માટે હોય છે તેમ. શરૂઆતમાં તો તે એક સાહયબી અને મોભાની નિશાની હતી. તે વખતે કોલ ચાર્જીસ પણ એટલા કે જાણે સફેદ હાથી પાળ્યો હોય! દસ વખત વિચાર કરવો પડે કે તે આપણને પોસાશે કે કેમ, જેમ ગરીબ માણસ મીઠાઈ ખરીદતા પહેલા કરે છે તેમ!સમય જતાં તો મોબાઈલનો એવો જુવાળ આવ્યો કે નાના મોટા, સાધારણ અને ઉચ્ચ લોકો તે વાપરતા થઈ ગયા અને ત્યારથી મંડાયા પનોતીના પગરણ જે આજે તેનો અતિરેક જોતાં સાચું લાગે છે.

 

આમ તો મોબાઈલ એક સુગમ સાધન છે જો તેનો યોગ્ય ઉપયોગ થાય તો, પણ તેના અવગુણ પ્રત્યે આપણે નજર નથી નાખતા. હવે પછી તેનું વર્ણન વાંચશો તો તમે પણ આ વાત કબૂલ કરશો.

 

જાહેર સ્થળોમાં એટલે કે ટ્રેનમાં, બસમાં, ચાલતા ચાલતા કે અન્ય કોઈ જાહેર સ્થળમાં ઠેર ઠેર લોકો કાને મોબાઈલ લગાડી વાતો કરતાં દેખાશે. અરે ત્યાં સુધી કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવો ગુનો છે તો પણ કાયદાની ઐસી તૈસી ! તેને કારણે થતાં અકસ્માત માટે જવાબદાર તો છે મોબાઈલ પણ તેને થોડો જેલ ભેગો કરાય છે?

 

વળી અન્યોની તકલીફને ધ્યાનમાં ન લેતા મોટે મોટેથી વાતો કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવવામાં તેમનો ફાળો નાનો નથી. તેમાય જયારે વાતોને બદલે ગાળાગાળી થતી હોય ત્યારે તો તોબા તોબા! કદાચ આપણું  લોહી ઉકળી આવશે પણ નિરૂપાય થઈ બેસી રહેવું પડે છે.

  mobile phone  

 

મોબાઈલ યુગની શરૂઆતમાં વ્યાપ ઓછો હોઈ તેનો દુરૂપયોગ પણ ઓછો. પરંતુ હવે તો ઢગલાબંધ મોબાઈલ કંપનીઓ, જાત જાતના મોડેલો, સ્પર્ધાત્મક ભાવો, વધતી જતી તકનિક, આ બધાને લઈને મોબાઈલનો ઉપયોગ ભાજીમૂળાની જેમ થઈ રહયો છે. મધ્યમ વર્ગનો માનવી હજી મોબાઈલ લેવાનો વિચાર કરે ત્યાં તો તેની નજર સામે તેના દૂધવાળા, શાકવાળા, નોકર જેવા નિમ્ન સ્તરના લોકો તેનો ઉપયોગ કરતાં જણાય છે. આ જોઈ હવે તો મોબાઈલ લેવો જ રહયો એમ તેને લાગે છે અને પછી તેની પળોજણમાં વળોટાઈ જાય છે.

 

ટ્રેનમાં અને બસમાં બેઠેલામાંના મોટેભાગે ઘણા બધાના મોબાઈલ પર એક જ પ્રકારનો રીંગટોન હોય છે જેથી કોનો વાગ્યો તેની ઝટ ખબર પડતી નથી જેને કારણે બધા પોતપોતાના ગજવા કે બેગ ફંફોસવા માંડે છે. પણ જેનો મોબાઈલ ખરેખર વાગતો હોય છે તેને તેની ખબર નથી હોતી અને નચિંત બેસી રહે છે.

 

મુસાફરી દરમિયાન તમારી આજુબાજુ થતી મોબાઈલ પરની વાતો એક રીતે તમારી મુસાફરીમાં આનંદ પમાડતી હોય છે. ધ્યાનથી સાંભળશો તો જાણશો કે લોકો કેવી કેવી વાતો કરતાં હોય છે અને કેવા કેવા બહાના આપતાં હોય છે. મળવા માટે નિયત સમય અને સ્થળે ન પહોંચાયું હોય તો બસ હમણાં પાંચ મિનિટમાં પહોંચ્યો કહી વાત બંધ કરી દેશે ભલે પછી બીજા અડધા કલાક સુધી તે પહોંચી શકવાનો ન હોય. આ સાંભળી તમને એકવાર વિચાર પણ આવશે કે જોરથી બોલી સામાવાળાને કહીએ કે આ ભાઈ ગપ્પુ મારે છે, પણ પછી હાથ પગની સલામતીનો ખયાલ આવતાં તેને જોખમમાં નાખવાની ઈચ્છા ન હોય, ચૂપ રહેવું પડે છે. વળી સભ્યતા જેવી પણ કોઈ ચીજ આપણામાં હોય છે ને!

 

એક વાત તમે નોંધી છે? મેં નોંધી છે. જો સામેવાળો ધીરે ધીરે અને લાંબા સમય સુધી વાત કરતો જણાય તો માનજો કે તે જરૂર બહેનપણી સાથે ગુફતગુ કરી રહયો છે અને જો એક મિનિટમાં ફોન બંધ કરી દે તો તે ચોક્કસ તેની પત્ની સાથે વાત કરતો હશે.

 

શરૂઆતમાં એક ફોનનો વિચાર કરાતો તેને સ્થાને હવે બે બે ફોન સામાન્ય થઈ પડયા છે અને તેને કારણે મોંકાણમાં ઓર વધારો!

 

તમે કરેલા ફોનને ન ઉપાડયા બાદ તે કેમ ન ઉપાડયો તેના કારણો ઈનામને પાત્ર બની શકે.

કંપનીઓ તરફથી પોતાની ચીજો માટે ફોન કરી કરી તમારો સમય તો બગાડે છે પણ તમે તેનો યોગ્ય જવાબ ન આપી શકો તો તમારા માટે માથાનો દુખાવો પણ બની રહે છે. જો કે હવે તે માટે સરકારે નિયમો બનાવી આપણું દુઃખ ઓછું કરી નાખ્યું છે. પણ મોબાઈલ વડે ખરાબ મેસેજ અને ચિત્રો મોકલી સમાજમાં જે દૂષણ ફેલાય છે તે માટે કોઈ અક્સીર પગલાં લેવાય તે જરૂરી છે.

 

આમ મોબાઈલનો ઉપયોગ સારા કામ માટે ન થાય તો તેની મોંકાણ રહેવાની!

 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 

 

niranjan mehtaNiranjan Mehta

A/602, Ashoknagar(Old), Vaziranaka, L.T. Road, Borivali(West), Mumbai-400091. Tel. 28339258/9819018295

 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

facebook at : dadimanipotli

 

કાંઈક વિશેષ … (નેટજગતના સૌજન્યથી) …

mobile phone useages

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....