(૧)આત્મા … અને (૨ ) આત્માનો પ્રકાશ … (પ્રેરકકથા) …

(૧)આત્મા …

જે આત્માની આપણે આટલી બધી વાતો કરીએ છીએ તેને જરા ઓળખીએ તો ખરા ….

આપણે ત્યાં આત્મા-પરમાત્માની ઘણી વાતો થાય છે. મોટા માણસથી માંડીને સામાન્ય માણસ સુધી સૌ કોઇ તેનો ઉલ્લેખ કરીને સંતોષ લે છે. પણ આત્માની ઓળખ શું તે વિશે આપણે ક્યારેય ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે ખરો! જ્યાં આત્મા વિશે જ અજ્ઞાન હોય ત્યાં પરમાત્મા વિશેની તો વાત જ ક્યાં રહી?
આમ જોઇએ તો તાત્ત્વિક રીતે આત્મા એજ પરમાત્મા એમ કહેવાય છે. પરંતુ વ્યવહારની રીતે આ બંને વચ્ચે ભેદ છે. જોકે આ ભેદરેખા ઘણી પાતળી છે. આત્મજ્ઞાન થતાની સાથે જ આ રેખાનો લય થઇ જાય છે અને પછી રહે છે પરમાત્મા. જો આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ જ ન હોત તો પછી કોઇએ કંઇ કરવાની જરૂર જ રહેતી નથી. વાસ્તવિકતામાં કષાયોથી કલુષિત થયેલો જીવ આત્મા છે અને કષાયોથી મુક્ત થયેલ જીવ પરમાત્મા છે- એમ માનીશું તો જ આત્માને સમજી શકીશું. 

આત્માનું પ્રથમ લક્ષણ છે તેની અમરતા- નિત્યતા. એક કે બે અપવાદ વિના સર્વ ધર્મોએ આત્માની અમરતાનો સ્વીકાર કર્યો છે અને તેને કારણે તો પાપ-પુણ્યની આખી ઈમારત ચણાઇ છે. જો આત્મા અમર જ ન હોત તો કરે કોણ અને ભોગવે કોણ? સારૂ કે ખોટુ કરેલું ભોગવવા માટે આત્માની અમરતાની આવશ્યકતા રહે છે ભગવદ્ ગીતાએ તો આત્માની અમરતાની બુલંદ અવાજે ઘોષણા કરતાં કહ્યું : આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્ની બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું  નથી કે વાયુ સુકવી શકતો નથી.

આત્માની અમરતાને આધાર બનાવીને તો જૈનધર્મે કર્મવાદની આખી ઈમારત ઊભી કરી છે. ભગવાને પોતાના મનોરંજન માટે સંસાર બનાવ્યો છે એ વાત આજના વિજ્ઞાનયુગમાં બહુ ટકી શકે તેવી નથી. જો ભગવાનને કર્તા બનાવીએ તો પછી તેમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. તે મનોરંજન કરે- લીલા કરે અને આપણે સહન કરવાનું? જો તે જ સરકારનો કર્તા-હરતા અને ભરતા હોય તો સૌને સરખાકેમ ન બનાવ્યા? વળી પરમાત્મા કોઇને સુખી કરે અને કોઇને દુઃખમાં નાખે- તે સંભવી જ કેમ શકે? ભગવાન તો દયાળુ હોય. આવા બધા અનેક પ્રશ્નોના ઉત્તર માગીએ તો આપણને મળતા નથી- અને જે કંઇ સમાધાન મળે છે તે કેવળ શ્રઘ્ધાના પાયા ઉપર ટકેલાં હોય છે. અને શ્રઘ્ધાની જ વાત હોય તો ત્યાં તર્કને કે પ્રશ્નને કંઇ સ્થાન રહેતું નથી.

આત્માની અમરતાનો સ્વીકાર કરતાની સાથે બીજો એ પ્રશ્ન આવીને ઊભો રહે છે? આત્મા એક છે કે અનેક છે? જો આત્માને એક જ ગણીએ તો તો પછી કોઇપણ આત્મા કંઇ પણ કરે તે બધાએ કર્યા જેવું જ ગણાયને! જ્યાં આત્મા એક જ હોય તો પછી વ્યક્તિગત ઘ્યાન- ઉપાસના- પાપ- પુણ્ય બધા માટે કોઇ અવકાશ જ રહેતો નથી. આ બાબતે મોટા મોટા તત્ત્વજ્ઞો પણ સ્પષ્ટ ઉત્તર આપી શકતા નથી. આ પરિસ્થિતિમાં એમ કહી શકાય કે આત્મા એક નથી પણ અનેક છે. 

પ્રત્યેક આત્મામાં ચેતનગુમ છે- તેને કારણે તેમની વચ્ચે એક પ્રકારનું સામ્ય છે. જૈનધર્મે એક આત્માનો સિઘ્ધાંત નથી સ્વીકાર્યો. તેમના મત પ્રમાણે આત્મા અનંત છે. વળી તેણે એ વાત પણ કરી કે આત્મા પરમાત્મા નથી પણ પ્રત્યેક આત્માએ પરમાત્મા બનવાનું છે. જૈન ધર્મે બુલંદ અવાજે ઘોષણા કરી કે પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાની સંભાવના છે અને તે કેવી રીતે બની શકાય તે બતાવ્યું.

આત્માની ઓળખ માટે આપણે અહીં એટલું કહીશું કે મોટાભાગના ધર્મોએ આત્માની નિત્યતાનો- તેના અમરત્વનો સ્વીકાર કરીને પોત પોતાની રીતે માનવીનાં સુખ-શાંતિનો વિચાર કર્યો છે પરંતુ જેને આત્મા વિશે વધારે જાણવું છે તેણે તેનાં અન્ય લક્ષણો વિશે પણ જાણવું પડે અને તે વિના આપણે ધર્મના ચરમ શિખર સુધી ન પહોંચી શકીએ કારણ કે ધર્મના પાયામાં આત્મા રહેલો છે.

આપણે ત્યાં ધર્મ વિશે એક વાક્ય બહુ છૂટથી બોલાય છે. બધા ધર્મો સરખા. આ વાક્ય સાંભળવા માટે સારૂં છે. બોલનારને લાગે કે તે ઉદારમતવાદી છે કે ધર્મનો તે જાણકાર છે. પરંતુ આ વાત તાત્ત્વિક રીતે બરોબર નથી અને વ્યવહારમાં તેનો ક્યાંય મેળ મળતો જ નથી. જો બધા ધર્મો સરખા જ હોત તો આ દુનિયામાં ધર્મને નામે આટલા બધા ઝગડાઓ અને લડાઇઓ જ ન હોત. ધર્મને નામે વિવાદ ચાલે છે- વિગ્રહો થાય છે એના મૂળમાં એક વાત એ છે કે બધા ધર્મો સરખા નથી અને તેઓ એક વાત કરતા નથી. તેમના ચિંતનમાં- ધારણાઓમાં અને ક્રિયાઓમાં ઘણી ભિન્નતા છે. બહુ બહુ તો આપણે એટલું કહી શકીએ કે બધા ધર્મોએ જીવોના સંપૂર્ણ સુખ વિશે વિચાર કર્યો છે. બસ એટલું જ. આ પૃથ્વીના પટ ઉપર ધર્મોના નામે જેટલા ઝગડા થયા છે એટલા બીજા કોઇ કારણે થયા નથી. દુનિયા ધર્મને નામે ઝગડતી આવી છે અને ઝગડતી રહેવાની છે તે એક કટુ સત્ય છે. 

 

આ સંજોગોમાં માનવજાત એટલું જ કરી શકે કે એક બીજાના ધર્મ પ્રતિ સૌ સહિષ્ણુતા રાખે અને દરેક ધર્મનું સન્માન સાચવે. આટલું થાય તો પણ ઘણું. સત્ય એટલું વિરાટ છે અને તેને બહુ આયામો છે- તે સર્વને જાણવાનું બિચારા માનવીનું ગજું નથી. સૌ પોત પોતાની મર્યાદા સમજે તો સારૂં. આજે દુનિયામાં આટલો તનાવ છે- આટલી બધી અશાંતિ છે- તેના મૂળમાં એ વાત પડેલી છે કે આપણે ધર્મને તેના સાચા અર્થમાં સમજ્યા નથી. જ્યાં ધર્મને  જ ન સમજ્યા હોઇએ  ત્યાં આચરણ જ ક્યાંથી આવવાનું?

બાકી મઝાની વાત એ છે કે આ સંસારમાં પ્રત્યેક ધર્મના અનુયાયીઓ એમ માને છે કે અમને જ સાચો ધર્મ મળી ગયો છે અને અમે જે રીતે ધર્મનું આચરણ કરીએ છીએ તે જ એકમેવ માર્ગ છે. ભલે આપણે એમ માનીએ પણ આપણી માન્યતાને બીજા ઉપર લાદવાનો પ્રયાસ ન કરીએ- કે તે માટે બળજબરી ન કરીએ. આજના વિજ્ઞાન યુગમાં જે જરૂર છે તે ધર્મ વિશે સાચી સમજણ કેળવવાની. દુનિયાએ જો સુખ- શાંતિમાં રહેવું હોય તો સહિષ્ણુતા કેળવવી પડશે.બાકી ધર્મ એ જીવવા માટે છે- સારી રીતે જીવવા માટે છે, અને સૌને સારી રીતે જીવાડવા માટે છે અને ધર્મને જાણવા માટે આત્માને જાણવો જરૂરી છે કારણ કે સર્વ ધર્મોના પાયામાં આત્મા અને તેના ઉત્થાનની વાત રહેલી છે.

સૌજન્ય સાભાર : ગુજરાત સમાચાર
(૧) આત્મા …
માણસ પોતે જ પોતાના આત્મા વડે ઉદ્ધાર કરે છે. આત્મા-આત્માનો બંઘુ પણ છે અને શત્રુ પણ છે. શરીર કે મનથી કંઈ દોષ થાય તો તે આત્માને સહન કરવું પડે છે. ગુનો કરે જીભ અને લાફો ખાય ગાલ. ખાવા પીવામાં સંયમ ન રહે એટલે જીભ ખાય. પછી પેટમાં ગડબડ ઊભી થાય. આત્માને જ સહન કરવું પડ્યું ને? આપણે મહાન પુરુષો પાસે રહીએ અને પાપ કરીએ તો કોણ બચાવે? ખરાબ કામ કરીએ તો લોકો નિંદા  કરે અને પવિત્ર કામ કરીએ તો લોકો પગે લાગે. છીએ ને આપણે જ આપણા શત્રુ અને મિત્ર? આપણે જાતે જ આપણો ઉદ્ધાર કરીએ છીએ અને જાતે જ ડૂબીએ છીએ. દરેક મનુષ્યે બહુ સમજીને કર્મ કરવા જોઈએ. જીભ ગાળ બોલે – તમાચો ગાલ ઉપર પડે. માર કોણે ખાધો?
જેણે પોતાના આત્માને જીત્યો છે એ જ એનો પરમ મિત્ર છે એમ માનવું. …

શ્રીરામકૃષ્ણ પરમહંસ પૈસાને કદી પણ અડકતા નહીં. એક દિવસ  રામકૃષ્ણદેવ ની  પથારી નીચે પૈસા મુક્યા. ઠાકુર  પોતાની પથારી પર સુવા ગયા તો તેમને કંઈક ખુંચવા માંડ્યું. તપાસ કરી તો પૈસા જોયા શ્રીરામકૃષ્ણ પરમહંસે તે પૈસા બહાર ફેંકી દીધા અને પછી શાંતિથી ઊંઘી શકયા.
એક પતિ-પત્ની બંને ભગવાનના ભક્ત હતા. લાકડા કાપીને બંને પોતાનું ગુજરાન ચલાવતા. એક વાર બંને લાકડાના ભારા લઈને આવતા હતા. રસ્તામાં પતિએ સોનું પડેલું જોયું. એમણે તો એના ઉપર માટી ઢાંકી દીધી. પાછળ આવતી એની પત્નીનું કદાચ મન બગડે તો? પત્નીએ જોયું કે મારો પતિ કંઈ ઢાંકી રહ્યો છે. પત્ની નજીક આવી તો તેને પણ થોડું સોનું દેખાયું એટલે એમણે પણ સોના ઉપર માટી નાખી. પતિ કહે તેં માટી ઉપર માટી કેમ નાખી? બંનેને સોનું માટી સમાન લાગ્યું.
– મોહનભાઈ બોઘરા
(૨ ) આત્માનો પ્રકાશ …
 

મર્હિષ યાજ્ઞાવલ્ક્ય અને રાજા જનક હંમેશાં જીવનના ગૂઢ પ્રશ્નો પર વિચાર કરતા રહેતા.  જનક તેમની સમક્ષ પોતાના મનની જિજ્ઞાસા જણાવતા અને મર્હિષ તેમના પ્રશ્નોનું સમાધાન કરતા. એક દિવસ જ્યારે બંને બેઠા હતા ત્યારે રાજા જનકે સવાલ કર્યો કે, ‘મર્હિષ, મારા મનમાં એક શંકા છે, આપણે જે જોઈએ છીએ તે કઈ જ્યોતિથી જોઈએ છીએ?’ મર્હિષએ કહ્યું, ‘રાજન, તમે તો બાળકો જેવી વાત કરી રહ્યાં છે. દરેક વ્યક્તિ જાણે છે કે આપણે સૂર્યના પ્રકાશને કારણે જોઈ શકીએ છીએ.’ જનક રાજાએ ફરીથી પૂછયું, ‘જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે ત્યારે આપણે કયા પ્રકાશથી જોઈએ છીએ?’

મર્હિષ બોલ્યા, ‘ચંદ્રમાના પ્રકાશમાં’ પછી જનકે ફરીથી સવાલ કર્યો, ‘જ્યારે ચંદ્રમા પણ ન હોય, નક્ષત્ર પણ ન હોય, અમાસનાં કાળાં વાદળોથી ભરેલી કાળી રાત હોય ત્યારે?’  મર્હિષએ જવાબ આપ્યો, ‘ત્યારે આપણે શબ્દની જ્યોતિથી જોઈ શકીએ. વિશાળ વન છે. ચારે બાજુ અંધારું છે. પથિક માર્ગ ભૂલી ગયો છે. તે બૂમ પાડે છે, મને માર્ગ બતાવો. ત્યારે બીજી વ્યક્તિ કહે છે કે, અહીં આવો. હું માર્ગ પર ઊભો છું અને તે વ્યક્તિ શબ્દોના પ્રકાશથી એ માર્ગ પર પહોંચી જાય છે.’ રાજા જનકે ફરીથી પૂછયું કે, ‘પરંતુ મર્હિષ, જ્યારે શબ્દ પણ ન હોય ત્યારે આપણે કઈ જ્યોતિથી જોઈ શકીએ છીએ?’
આ સાંભળી મર્હિષએ જવાબ આપ્યો કે, ‘ત્યારે આપણે આત્માની જ્યોતિથી જોઈ શકીએ છીએ. આત્માના પ્રકાશમાં જ બધાં કામ થાય છે.’ મર્હિષનો આ ઉત્તર સાંભળીને રાજા જનક સંતુષ્ટ થઈ ગયા. તેમણે કહ્યું, ‘હા, ગુરુદેવ, તમે બહુ સાચું કહ્યું. આત્માનો પ્રકાશ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે. મનુષ્ય તેની મદદથી જ જીવનના માર્ગ પર આગળ વધે છે.’
Blog Link: http://das.desais.net

ફેશબુક દ્વારા બ્લોગ પોસ્ટ પર આપની કોમેન્ટ્સ અહીં મૂકવા વિનંતી છે.....

 • PUSHPA

  sadhna jo jivanma utre to har pal aachran dvara eni yad jode har kriya krie to savad jode ekrupta to apnej aapnu mirror chie je antar atmamathi lin thyine pramtma jode ekrup thyine vishvnu kalyan sadhe che, je khudni pase hoy ej sher kri skhkay. potanama vishvash ej vishvama vishvash, aapne malikna sevak chie. malik j apnane gunatit banve che.

 • purvi

  yah to bahu j sundar hai. sukriya ashokji.

 • વિકાસ કૈલા

  ખુબ સરસ કાકા…
  આત્મા એક છે કે અનેક તે તો હજુ પણ નક્કી નથી એમને ..
  સૌ લોકો પોતાની માન્યતા મુજબ રાખે છે ..
  અને તમે લખેલા પ્રસંગો ખુબજ સરસ છે
  આભાર……