સુખી ઘર …

સુખી ઘર …

-ચંદુભાઈ ઠકરાલ

 

 

 

દરેક માણસ સુખની શોધમાં હોય છે. માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા ઠેકાણે, જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં સુખની શોધ કરતો રહે છે.

 

પરંતુ લાઈનસ ફરેરા નામના ચિંતક સુખની શોધ ઘરમાં કરવાની સલાહ આપે છે અને તે મેળવવાની ચાવીઓ પણ બતાવે છે.

 

 (૧)  Never try to discipline your child when angry.

 

-જ્યારે ગુસ્સમાં હો ત્યારે બાળકને શિસ્તના પાઠ ભણાવવાનો કદાપિ પ્રયાસ ન કરો.  ગુસ્સો નાના મોટા સૌને ભાન ભુલાવી દેતો હોય છે.  મોટાં પોતાના ગુસ્સમાં બાળકને ગમે તેમ સંભળાવી દેતાં હોય છે; પરંતુ આ ચિંતકો માને છે ઉભયપક્ષે જ્યારે ગુસ્સાનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય

ત્યારે બાળકને શિસ્તનો પાઠ ભણાવી દેવાનું સાહસ કરવું નહીં.  બાળક નાનું છે.  પરતંત્ર છે, એ વાત સાચી છે; પરંતુ તેથી કાંઈ તેના વ્યક્તિત્વને નકારી શકાય એમ નથી.  આથી કદાચ દરથી બાળક તાબે થઇ જાય પણ તે શિસ્તબદ્ધ થઇ ગયું છે એમ નહીં કહી શકાય

 

(૨)  Make your self approachable.

 

તમારી પાસે ઘરના સભ્યો સહેલાઈથી આવી શકે એવું વ્યક્તિત્વ બનાવો.

કેટલાક વડીલો એવા દુર્વાસા જેવા હોય છે, કે તેમની પાસે ઘરના માણસો પણ  જતાં ડરતા હોય છે.  ખાસ કરીને બાળકોની બાબતમાં આ વાત  સો ટકા સાચી છે.  કેમ કે બાળકો મોટેરાંના હાવભાવ પરથી એમનાં હૃદયને પારખી જતાં હોય છે.  જો બાળકોને માટે આપણે સહેલાઈથી મળી શકાય એવા ન બની શકતા હોઈએ તો ઘરમાં બાળકો કે અન્ય સભ્યો હોય કે ન હોય, કંઈ બહુ ફરક પડતો નથી.  આથી ચિંતકની સલાહ છે કે તમે તમારું વ્યક્તિત્વ એવી રીતે ઘડો કે જેથી ઘરનું કોઈ પણ માણસ તમારી પાસે આવતાં સંકોચ ન અનુભવે.

વધારે પડતો કડપ માણસને વાત છુપાવવા પ્રેરે છે.  કુટુંબનો સભ્ય છૂટથી વાત કરી શકતો નથી.  અને આ રીતે છુપાવી રાખેલી વાત અનેકાનેક વિકૃતિઓ રૂપે પ્રકટ થાય છે.  આથી આપણે એવું વ્યક્તિત્વ કેળવીએ કે આપણા ઘરના સભ્યોને એમ લાગે કે આ માણસ આપણો સ્વજન છે, મિત્ર છે, રક્ષક છે.  આવા માણસને માટે અન્યત્ર સુખ શોધવાની જરૂર રહેતી નથી.

 

(૩)  Don’t keep repeating the wrong your child has done.

 

તમારા બાળકે જે કાંઈ ખોટું કામ કર્યું હોય તે ફરી ફરીને તેને કહી ન બતાવો.

આપણે જાણીએ છીએ કે ભૂલ કરવી એ માનવનો સ્વભાવ છે.  નાનાં મોટાં સૌથી ભૂલો થયા જ કરતી હોય છે.  આથી ભૂલ એ આપણી દુઃખતી રાગ બની જાય છે.   આપણને પોતાને એ ભૂલ ખટક્યા જ કરતી હોય છે; પરંતુ આપણે રીઢા બની ગયાં હોઈએ છીએ, તેથી કોઈ વારંવાર એની યાદ આપણને આપ્યા કરે તો આપણે ન ગમતું હિઓવા છતાં એને સહન કરી લઈએ છીએ અથવા એક યા બીજી રીતે એનો પ્રતિકાર કરી લેતાં હોઈએ છીએ.

 

બાળકની વાત  જરા જુદી છે.  એનું હૃદય કોમળ હોય છે, એ રીઢું બનેલું હોતું નથી.  તેથી તેને જો તેની ભૂલની વારંવાર યાદ અપાવ્યા કરીએ તો એના મનમાં એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે હું આવો જ છું.  હું આવા વ્યક્તિત્વને લીધે કદાપિ સુધારી શકીશ જ નહીં.  એને કોઈ પણ બાળકને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય હોય છે જ.  આથી બાળકની પાસેથી આપણે સુખની અપેક્ષા રાખતા હોઈએ તો એને એની ભૂલ બતાવી બતાવીને આપણે એને બુઠ્ઠો ન બનાવી દઈએ.

 

(૪)  Do not think that money can be a substitute for your love.

 

એમ ન માની લો કે પૈસા એ તમારા પ્રેમનો –વાત્સલ્યનો વિક્લ્પ છે.  તમે પૈસા ખર્ચી નાખ્યા એટલે પત્યું.  તમારે તમે જેને માટે પૈસા ખર્ચો છો, તેને તમે પ્રેમ નહીં આપો કે વાત્સલ્ય નહીં આપો તો ચાલશે એમ માનવું ભૂલ ભરેલું છે.

 

આજે ગમે તેમ પણ ખૂબ વ્યસ્ત રહેતાં માબાપ કે દંપતી એમ માનીને ચાલે છે કે આપણે પૈસા દ્વારા  ઘરના સભ્યની જરૂરીયાત પૂરી પાડી દઈએ એટલે આપણા કર્તવ્યની ઇતિશ્રી આવી જાય છે.

 

પરંતુ આ ચિંતક માને છે કે માત્ર સ્થૂળ જરૂરીયાતોની પૂર્તિ જ પૈસા દ્વારા થતી હોય છે.  બાળક કે અન્ય સભ્યોની ઝંખના જુદા જ પ્રકારની હોય છે.  એમની કામના હોય છે પ્રેમભર્યા સ્પર્શની, વાત્સલ્યભર્યા બે શબ્દોની.

 

ભગવાન પાસે ભક્તિની ચાહના હોય છે. હે ભગવાન મારે સ્થૂળ જરૂરીયાતો સંતોષે તેવા વરદાનની કોઈ જરૂર નથી.  મારે તો જોઈએ છે માત્ર તમે મારા હૃદયમાં આવીને વસો એ જ અથવા એક અત્યંત વ્યસ્ત પિતાનો બાળક એને પૂછે છે;  પિતાજી આપને કલાકનું વેતન કેટલું મળે છે ?  પિતા પોતાનું વેતન કહે છે, ત્યારે બાળક કહે છે કે પિતાજી મારી પાસે એથી અડધી રકમ ખિસ્સાખર્ચીમાંથી બચાવેલી છે અને અડધી તમે મને આપો તો હું તમને એ વેતન આપી દઉં પણ તમે મને એક કલાક પ્રેમથી વાતો કરવા માટે આપો.  મારી સાથે એકાદ કલાક પસાર કરો.

 

આ દિશામાં પણ સુખની શોધ કરવા જેવી ખરી.

(૫)  Never compare your child with others.

 

તમારા બાળકની સરખામણી અન્ય સાથે ન કરો.  મોટા ભાગનાં માબાપની એ આદત હોય છે કે તેઓ પોતાનાં બાળકોની તુલના અન્યનાં બાળકો સાથે કરતાં રહે છે.  તુલનાનો આ એક પ્રકાર છે.  બીજો પ્રકાર છે પોતાનાં જ અન્ય બાળકો સાથે એકાદ બાળકની તુલના કરવી.

 

આ બંને પ્રકારો નિંદાપાત્ર છે.  આમ કરવાથી બાળકને એમ લાગે છે કે મારાં માબાપને મન બીજાં બાળકો અથવા બીજાનાં બાળકો જ સારાં છે.  તેમને મન મારી તો કોઈ ગણતરી જ હોતી નથી.

 

બાળકોની તુલના કરીને માબાપ જે મેળવી શકતાં હોય, તે તો તેઓ જ જાણે.  પણ તેઓ બાલમાનસમાં એક વિષવેલ વાવી દે છે, એ વાતમાં કોઈ શંકા નથી.  કેમ કે આ પ્રવૃત્તિમાં તેઓ બાળકને મન તો આકરાં થઇ જ્યા છે.  તદુપરાંત તે બાળક અન્ય બાળક વિષે પણ અદેખાઈ કરતુ થઇ જાય છે.

 

બાળકને આ પ્રવૃત્તિથી ગ્રંથિ બંધાઈ જાય છે કે મારા માબાપ બીજા માટે પક્ષપાત દાખવે છે.  આ વૃત્તિ જ ભવિષ્યની અનેક સમસ્યાઓનું ખાતમૂહૂર્ત કરી દે છે.  પરિણામે ઘરનું સુખ, ઘરની શાંતિ જોખમમાં મુકાઈ જાય છે.

 

અહીં ચિંતકે  FAMILY  શબ્દને ઘરના પર્યાય તરીકે યોજીને એ શબ્દને શાબ્દિક રમતની રીતે ઘટાવવાનો પ્રયત્ન કર્યો છે.  એ રમત છે  Father and Mother I Love you.

 

બા અને બાપુજી, મમ્મી અને પપ્પા હું તમને ચાહું છું.  આપણે આ દિશામાં કંઈક કરીશું ખરાં ?

 

 

 સંકલિત :
(રા.જ. ૫-૧૧/૩૯-૪૦/૮૫-૮૬)

 

આપને ઉપરોક્ત પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અમોને જણાવશો. આપના કોઈપણ પ્રતિભાવ સદા અમોને આવકાર્ય રહેશે….

 

Blog Link: http://das.desais.net

email: dadimanipotli@gmail.com

Posted in 'દાદીમાનું ચિંતન જગત', આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી |

આજ મારો સંકલ્પ છે ….

આજ મારો સંકલ્પ છે …  (રચના)

‘દાદીમા ની પોટલી’ માંથી સદા વૈવિધ્યતા ભર્યું આપ સર્વેને મળી રહે તેવી નમ્ર કોશિશ અમો કરતાં રહ્યા છે અને સદા કરતાં રહીશું..  આજે  એક નવા સાથી  આપણા બ્લોગ સાથે જોડાવા સહમત થયા છે.. જેમનો ટૂંકમાં  જ પરિચય આપવા કોશિશ કરીશ.  હકીકતમાં તેમનો પરિચય કઈ રીતે આપવો તે મીઠી મુંઝવણ થોડા દિવસથી રહી છે.આજ રોજ એક  આધ્યત્મ -કાવ્ય (રચના) તેમના તરફથી મોકલવામાં આવી છે, જે આજે આપની સમક્ષ મૂકવા  નમ્ર  કોશીસ  કરેલ છે.

ડૉ. ઝરણા દોશી, (મુંબઈ)  તરફથી  આજની રચના ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવી છે, જે માટે અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ.  આપને સવાલ થશે કે  ડૉ. છે તો  તે કઈ ફેકલ્ટીમાં કાર્યરત છે અને કઈ બાબતના  ડૉ. છે ?  આવા અનેક પ્રશ્નો આપણને જરૂર થાય, પરંતુ હાલ એટલું જ કહીશ કે તેઓ ની ઓળખાણ માટે એક  જ રજૂઆત  કરી શકાય  કે   ઈશ્વર કૃપાથી આ નામ રૂપી  ’ઝરણામાં સાગર ‘ સમાયેલો  છે.

‘ન એલોપેથી – ન આયુર્વૈદિક – ન હોમીઓપેથી  - ન સિદ્ધા …’ આ તેમનું સુત્ર અને ધ્યેય છે.

હવે જો કોઈ જ દવા જ લેવાની નહિ અને રોગ ને જડમૂળથી દૂર કરવાની કોશિશ કરવી અને તેમાં સારા પરિણામ મેળવી આપવા કે સિદ્ધિ હાંસલ કરવી તે આજના સમયમાં કેટલું શક્ય છે ?? પરંતુ તેઓ આવા બધા કાર્ય કરવા તત્પર છે. … આજે આટલું જ …

આધ્યાત્મ : જીવ, જગત અને સ્વયં ને જાણવાની ઉત્કંઠાનું નિરાકરણ ધ્યાન, ભક્તિ અને સેવા … દ્વારા સમસ્યાઓને તેમજ સાથ સાથે રોગને દૂર કરવા … તેવા કાર્ય કરવા તેમના જીવનનું સુત્ર  છે. હવે પછી  નિયમિત રીતે ‘દાદીમા ની પોટલી’ પર તેમના લેખ દ્વારા  માર્ગદર્શન  મેળવવા આપણે કોશિશ કરીશું… હા, પણ એટલું જરૂર યાદ રાખજો કે  જો તમે તમારા જીવન માટે જાગૃત હશો અને તમારા મનમાં ઉદભવતા સવાલો દ્વારા તેમના જ્ઞાન અને કૌશલ નો લાભ લેવા સતત પ્રશ્નો  તેમને પૂછતા રહેશો કે કોમેન્ટ્સ દ્વારા તમારા પ્રતિભાવ આપતા રહેશો તો તેમની પાસેથી ઘણું જ આપણે જાણી શકીશું અને મેળવી શકીશું… બાકી તો સામન્ય માહિતી જ મેળવીશું….  તેમનો વધુ પરિચય પણ હવે પછીના તેમના લેખ દ્વારા મેળવીશું…  આજે આટલું બસ,ચાલો તો  હવે તેમની એક રચના પણ માણીએ….

 

કાવ્યો ની રચના મારી નાનપણ ની પસંદગી છે 
નીચેની રચના મેં આજે જ કરી છે. મિત્રો,તમારો નિષ્પક્ષ મત / પ્રતિભાવ દર્શાવજો આજ ની રચના  તમને પસંદ આવી કે નહિ ? આપના તરફથી મળેલ કોઈપણ પ્રતિભાવ સદા મારા માટે અમૂલ્ય  છે અને જે મને પ્રેરણાદાયી બની રહેશે….

આ કાવ્ય માં મેં પ્રભુ સાથે ખુલ્લી વાતો કરી છે કે હું હમણાં સુધી તમારા ઉપર જ નિર્ભર હતી,
નાની નાની વાતો અને    નાની નાની સમસ્યાઓ માટે મેં તમને જ હમેશા હેરાન કર્યા છે,
હવે હું પ્રભુ તારા કર્યો ની વિલક્ષણ પદ્ધતિઓ થી પ્રભાવિત થઇ છુ અને મારે પણ તમને સહાયરૂપ થવું છે, તો મેં સંકલ્પ શક્તિ ની યાચના કરી  છે….

 

આજ મારો આ સંકલ્પ છે ….

પ્રભુ તમે મને ઉગારો એવું સપનું આજ સુધી મેં ચલાવ્યે રાખ્યું
મારી માટે તમારા સિવાય કોણ છે આ વિશ્વમાં એવું કીધે રાખ્યું ..

હવે મારા મન અને હ્રદય માં એક નવો અંકુર ફણગી રહ્યો છે.
તમારી કૃપાથી હું મારા જીવનમાં નવી ચેતના ને આવકારું છુ.
તમે જ કૃષ્ણ હતા, તમે જ રામ હતા તમે જ મારી અંદર સમાયા છો.
કર્મ મારી શક્તિ, સેવા મારી પુંજી બને તે શક્યતા તમારા થકી ..

મારી અંધશ્રદ્ધા અને અવધારણાઓને ભૂસવા વાળા તમે જ છો.
વાસ્તવિકત જગત ના દર્શન અને અનુભૂતિ કરવાવાળા તમે જ છો.
મારી આત્મશક્તિ ને જીવનમાં આચરણમાં ઉતારનાર પણ તમે જ છો.
હે કૃપાળુ કરુણા ના સાગર સંકલ્પ ની દીક્ષા આપનાર પણ તમે જ છો…

આજે મારો સંકલ્પ રહે કે હું જગત આખા ને કિલ્લોલ કરતા જોતી રહું.
હસતા રમતા સર્વેને ધ્યાન ના માર્ગે આગળ વધેલા માણતી રહું.
અજબ, ગજબ ના લોકો ને જોઉં છુ, કેવી તમારી સૃષ્ટી ની રચના હે નાથ ..
ક્ષમા, ધીરજ ને આભારવશ ની લાગણીઓથી બધાને છલકેલા અનુભવું….

બસ પ્રભુ આજે મારો આ સંકલ્પ છે ………….

 

ડૉ.ઝરણા દોશી …

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: dadimanipotli@gamil.com

Posted in આજ કાલ ..., ડૉ. ઝરણા દોશી ની કલમે ..., વીણેલા મોતી, સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના |

પાર્કિન્સન અને હોમીઓપેથી …

પાર્કિન્સન અને હોમીઓપેથી …

-ડૉ. પાર્થ માંકડ …

(ડૉ.પાર્થ માંકડ.. દ્વારા ‘દાદીમા ની પોટલી’ – બ્લોગપર નિયમિત રીતે પાઠવવામાં આવતા સ્વાસ્થયના લેખ બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ. આપના મંતવ્યો – પ્રતિભાવ / આપની કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ ઉપર અથવા ફેશબુક ઉપર મૂકી આભારી કરશો,આપની કોમેન્ટ્સ અમોને સદા માર્ગદર્શક અને પ્રેરક બની રેહશે. એટલું જ નહી આપની સ્વાસ્થય અંગેની કોઈપણ સમસ્યા હોય તો જરૂર અમોને જાણ કરી તે અંગે યોગ્ય માર્ગદર્શન પણ મેળવી શકો છો.)

 

હમણાં જ કેટલાક સમય પહેલા કોઈ ટીવી પર ના સ્વાસ્થ્ય સંબંધી ટોક શો માં જવા નું થયું, એમાં એક દર્શકે ફોન પર પાર્કિન્સન ની હોમીઓપેથીક સારવાર વિષે પૂછ્યું અને એના પર થી મને ધ્યાન માં આવ્યું કે દાદી માં ની પોટલી ના વાચકવર્ગ ને પણ કદાચ આ રોગ વિષે જાણવા માં અને તેની હોમીઓપેથી સારવાર વિષે જાણવા માં રસ જરૂર પડશે.

 

પાર્કિન્સન ડીસીઝ છે શું ? …

 

પાર્કિન્સન એ એક ચેતાતંત્ર સાથે સંકળાયેલો રોગ છે મૂળ તો. જેમાં વ્યક્તિ ના શરીર ની તમામ મુવમેન્ટસ માં જે ખુબ અગત્ય નો રોલ પ્લે કરે છે તે ડોપામીન ને તૈયાર કરતા કોષ નાશ પામવા લાગે છે. પરિણામ સ્વરૂપ વ્યક્તિ ની તમામ પ્રકાર ની મુવમેન્ટસ પર અસર પડે છે અને ઘટવા માંડે છે.

પાર્કિન્સન મોટેભાગે ૫૦ થી વધુ વર્ષ ની વ્યક્તિ ને થતો રોગ છે.આમ છતાં કેટલાક કિસ્સા માં યુવાની માં કે બાળપણ માં જોવા મળે છે પણ  મોટેભાગે તો એ માત્ર ૫૦ પછી જ થાય છે અને પુરુષ અને સ્ત્રી બને માં જોવા મળે છે.

 

પાર્કિન્સન ના કારણો: …

 

પાર્કિન્સનનું  કારણ આમ તો બહુ સ્પષ્ટ હજી શોધી શકાયું નથી છતાં જો ફેમીલી માં થયેલ હોય તો થવા ની શક્યતાઓ થોડી વધુ રહે છે.

આ ઉપરાંત અન્ય કેટલાક રોગ જેમ કે એઇડ્સ, મેનીન્જાઈટીસ, વધુ પડતો નશાકારક દ્રવ્યો નો ઉપયોગ, કેટલીક દવા ઓ નો વધુ પડતો ઉપયોગ અને ચેતાતંત્ર ના જ અન્ય કેટલાક રોગ ના ભાગ રૂપે પણ પર્કીન્સોનીસમ થાય છે.

 

પાર્કિન્સન ના ચિન્હો :

 

 

  • ચહેરા પર હાવભાવ નો અભાવ,
  • ધ્રુજારી,અતિ ધીમી ચાલ,
  • રીજીડ મુવમેન્ટસ,
  • ઘટતી જતી યાદશક્તિ,
  • ડીપ્રેશન,
  • ચાલવા માં બેલેન્સ નો અભાવ,
  • લો બ્લડ પ્રેશર વી. જેવા ચિન્હો મુખ્યત્વે જોવા મળે છે.

 

ઉપાય :

 

એલોપેથી માં પાર્કિન્સન ની કોઈ જ સ્પષ્ટ સારવાર હજી શોધાઈ જ  નથી.  હા., એને બને એટલો કંટ્રોલ કરવા માટે કેટલીક દવા ઓ વપરાય છે. આ ઉપરાંત નિયમિત વાંચન, મન ફ્રેશ રાખવું , યોગ્ય ખોરાક વગેરે જેવી જનરલ લાઈફ સ્ટાઈલ ને યોગ્ય રાખવા ની સલાહ ખાસ અપાય છે.  હોમીઓપેથી માં પાર્કિન્સન ની કેટલીક અકસીર દવાઓ છે જેમ કે, ….

 

Causticum,

Zincum Met. ,

Agaricus,

Plumbum Met. ,

Lac – Can,

Alumina,

Gelsemium .. વિગેરે …

જેવી દવા અસરકારક રીતે કામ કરે છે, પણ હા દવા ખુબ જ લાંબો સમય, નિયમિત કરવા થી જ યોગ્ય પરિણામ મેળવી શકાય છે.

પ્લેસીબો : 

“It’s a disease that makes you uncomfortable, so, all things considered, that’s not too bad. It’s still a gift in that it makes one alive. To see what I’ve lost makes me see what I’ve gained and what I have.”                                                  

-Michel Fox

ડૉ.પાર્થ માંકડ

 

“ સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપને સતાવતા કે સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પર આવી જરૂર પૂછી શકો છો. ડૉ.પાર્થ માંકડ… આપને શક્ય એટલો ઝડપી એનો જવાબ બ્લોગ પર જરૂર આપવા પ્રયત્ન કરશે. જો કોઈને એમના ઉદભવતા કે તેમને મુંજવણ આપતા પ્રશ્ન કે રોગ બાબતે Privacy / અંગતતા – જાળવવી હોય તો તેઓ તેમની સમસ્યા ડાયરેક્ટ dadimanipotli@gmail.com ઉપર અથવા તો drparthhomoeopath@gmail.com ના ઈમેઈલ દ્વારા પૂરી વિગત સ્વાસ્થ્યની સમસ્યા – સમય, ઉંમર સાથે મોકલી શકે છે. તેમને તેમના email ID પર યોગ્ય માર્ગદર્શન ડાયરેક્ટ મોકલી આપીશું. ”

 

બ્લોગ ની નિયમિત મુલાકાત લેવા માટે અહીં લીંક પર ક્લિક કરશો : http://das.desais.net

Posted in આજ કાલ ..., ડૉ.પાર્થ માંકડની કલમે ..., દાદીમાનુ વૈદુ, સ્વાસ્થ્ય નો મીઠો સ્વાદ ..., હોમીઓપેથી |

આગે સમજ પડે જી.. ભાઈ …

આગે સમજ પડે જી.. ભાઈ …
સ્વર: નારાયણ સ્વામી …

ગઈકાલે આપણે પોસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા બ્લોગ પર કરેલ, તો ભોજન બાદ આજે ભજન થાય જ ને? હા જી , ખૂબજ સુંદર રચના અને સુંદર સ્વર. નારાયણ સ્વામીની વાણીમાં માણીએ આજની રચના… રચના ના  શબ્દોને અને તેના ભાવને સમજવા ખૂબજ જરૂરી છે… આશા છે કે આપને આ ભજન જરૂર પસંદ આવશે. ભજન માણ્યા બાદ, આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પર ના કોમેન્ટ્સ બોક્ષમાં અથવા ફેશબુક ના વપરાશ કરતાં ફેશબુકના કોમેન્ટ્સ બોક્ષમાં જરૂર મૂકશો .. આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય રહેશે….

 

આગે સમજ પડે જી તુમકો ..

સ્વર: નારાયણ સ્વામી …

 

.

.

 

આગે સમજ પડે જી તુમકો ..
આગે સમજ પડે હે… જી..

દયા તો માંગી, લેકિન સોચો
કિસ પર કી હૈ ભલાઈ ..
આગે સમજ પડે જી તુમકો ..

આગે સમજ પડે હે ..જી ..
આગે સમજ પડે જી .. હે …

યાતો ઉદર ભરી ભરી ખાયો
બહુ બહુ માન બડાઈ …(૨)

તુમ પર દયા કૈસે હોગી
તું પર દયા કહાઁ સે હોગી ..
તું હૈ દયા ન આઈ ..

આગે સમજ પડે જી .. ભાઈ
આગે સમજ પડે હે .. જી…

દયા તો માંગી, લેકિન સોચો
લેકિન સોચો .. લેકિન સોચો …

દયા તો માંગી, લેકિન સોચો
કિસ પર કી હૈ ભલાઈ ..
આગે સમજ પડે જી … ભાઈ .. (૨)

યાતો માલ-સંપતિ જમાઈ
ધન બહુ વિધ કમાઈ .. (૨)

વહાઁ કી કમાઈ,કછુ નહી કિવી .
વૃથા જનમ નસાઈ ..

આગે સમજ પડે જી .. ભાઈ ..
આગે સમજ પડે હે .. જી…

દયા તો માંગી, હે … લેકિન …
દયા તો માંગી, લેકિન સોચો ..
લેકિન સોચો .. લેકિન સોચો ..

કિસ પર કી હૈ ભલાઈ ..
આગે સમજ પડે જી … ભાઈ … (૨)

હરિ સુમરન ના સંત કી સેવા ..
પર નિંદા કી કલાઈ ..
પૈરપૈર કા કાંટા લાદ હો ..
યેહ ફલ આખિર પાઈ ..

પૈર પૈર કા કાંટા લાદી હો
યેહ ફલ આખિર પાઈ ..

આગે સમજ પડે જી તુમકો
આગે સમજ પડે હૈ જી …

કહે કબીર સુનો ભાઈ સાધુ
કિસસે કહયો ન જાઈ .. (૨)

કહે કબીર સુનો ભાઈ સાધુ
કિસસે કહયો ન જાઈ ..

સચ બોલે સો મારા જાવે
જુઠ્ઠ પ્રીતિ કી આઈ ..

આગે સમજ પડે જી ભાઈ
આગે સમજ પડે હૈ જી … (૨)

 

બ્લોગ લીંક: http:das.desais.net
email: dadimanipotli@gmail.com

Posted in આજ કાલ ..., નારાયણ સ્વામી, ભક્તિરસથાળ - લોકગીત - ગરબા, ભજન |

સુખડી કે ગોળ પાપડી …

સુખડી કે ગોળ પાપડી …

 

બ્લોગ પરના એક પાઠક મિત્ર ગીતાબેન શાહ -પરીખ … દ્વારા તેમની કોમેન્ટ્સ દ્વારા અનુરોધ કરવામાં આવેલ કે ગોળ પાપડી ની રેસિપી  જણાવશો… તેમની વિનંતીને ધ્યાનમાં લઇ ગોળ પાપડી  કે સુખડીની  રેસિપી અમોએ આજે પોસ્ટ રૂપે મૂકવા  નમ્ર કોશિશ કરેલ છે.

 

સુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. 

સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે, આ એક પૌષ્ટીક વાનગી છે આથી પ્રાચીન સમયમાં લોકો જ્યારે કમાવવા માટે લાંબા પ્રવાસે જતાં ત્યારે તેઓ ભાથામાં સુખડી લઈ જતાં. તેઓ સુખડી અને પાણી પીને લાંબો પ્રવાસ કરતાં.

 

આપ પણ બનાવો, દાદીમાની ડિશ ગણાતી ‘સુખડી’  …

 

 

સામગ્રી:

૩/૪ –  કપ ઘઉં નો લોટ (૨૫૦ ગ્રામ )

૩/૪ –  કપ ઘી  (૨૫૦ ગ્રામ )

૩/૪ –  કપ છીણેલો ગોળ  (૨૫૦ ગ્રામ )

ગાર્નિશીંગ માટે

કાચી વરીયાળી

રીત:

-સૌ પ્રથમ એક કડાઈમાં  ઘી  અને ઘઉંનો લોટ  લો અને તેને સેકી લો.

-લોટ લાલ ન થવા દેવો તે વાતનું ધ્યાન રાખવું.  લોટને મધ્યમ તાપ રાખીને શેકવાનો છે.

-આ ઘઉંનો લોટને  તાવેથા ની મદદથી સતત ખૂબ  હલાવતા રહો. (લગભગ ૮-૧૦ મિનિટ  સમય)

-લોટ સેકાઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરો તેનો ખૂબ જ હલાવો.

-બાદમાં એક ઘી ચોપડેલી પ્લેટમાં આ સુખડી પાથરો.  અને તેને એક વાટકી ની મદદથી એકસરખી સપાટી કરવી.  ત્યારબાદ, ચપ્પુની મદદથી તેમાં આંકા પાડવા. ( નાના ચકતા બને તમે)

ગાર્નીશીંગ  : -સુખડી ઉપર કાચી વળીયાળી ભભરાવો.

-તેના વ્યવસ્થિત ચકતા કરી એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

*જો ઈચ્છા હોય તો ૨ ટેબ.સ્પૂન સુંઠ પાવડર ગોળ નાખતી વખતે નાખી શકાય.

સુખડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તલ, સુકામેવા, ખજૂર  ઉમેરી શકાય છે અને કોઇક વાર તેના ઉપર વરિયાળી ભભવરાવાય છે.

 

સુખડી માઈક્રોવેવમાં બનાવવાની રીત :

 

સુખડી બનાવવા માટેની  સામગ્રી:

૩/૪ કપ ઘઉં નો લોટ
૧/૪ કપ ઘઉં નો કકરો લોટ
૩/૪ કપ ઘી
૩/૪ કપ છીણેલો ગોળ

 

ગાર્નીશિંગ માટે:

ઈલાયચી પાવડર
બદામ  ની કતરણ
પીસ્તા ની કતરણ

 

સુખડી બનાવવા માટેની રીત:

 

સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલ માં બંને ઘઉં ના લોટ અને
ઘી ભેગા કરી ૨ મિનીટ માટે માઈક્રો મીડીયમ પર મુકો,વચ્ચે એક
વાર હલાવી લેવું.ચેક કરી લેવું જો લોટ ને વધુ શેકવો હોય તો ૩૦-
૩૦ સેકન્ડ ના ટાઈમ માટે મૂકી હલાવતા રહેવું અને ચેક કરતા રહેવું.
લોટ શેકાઈ ગયેલો લાગે તો બહાર કાઢી ગરમ લોટ માં જ છીણેલો ગોળ
નાખી દેવો.અને બરોબર હલાવી ગ્રીસ કરેલી થાળી માં ઠરી દેવું.(ફરી વાર
માઇક્રોવેવ માં મુકવા ની જરૂર નથી)
ત્યાર બાદ તેની પર ઈલાયચી નો ભૂકો,અને બદામ-પીસ્તા ની કતરણ ભભરાવી
હળવે હાથે દબાવી દેવું.અને કાપા કરી ગરમ ગરમ સર્વ કરવી.

 

*ઘઉં નો ઝીણો લોટ અને કકરો લોટ નું પ્રમાણ મરજી મુજબ બદલી શકાય.
*લોટ ને ઈચ્છા પ્રમાણે વધારે ઓછો શેકી શકાય.
*જો ઈચ્છા હોય તો ૨ ટેબ.સ્પૂન સુંઠ પાવડર ગોળ નાખતી વખતે નાખી શકાય.

 

સાભાર : સંકલિત :  દિવ્યભાસ્કર અને નૈયાસ  રેસીપી ….

આપને સુખડીની પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો…

બ્લોગ લીંક: http://das.desais.net 

email: dadimanipotli@gmail.com

Posted in અન્ય રેસિપી, આજ કાલ ..., દાદીમાની રસોઇ, પ્રાદેશિક રેસીપી, મીઠાઈ |

(૧) રાજા –રાણી … અને (૨) બુદ્ધિ કોના બાપની ??? … (પ્રેરક પ્રસંગો …)

(૧)  રાજા –રાણી …

 

ઘણા દિવસથી બાળ-વિભાગ  વીસરી જવાયો છે, તો આજે નાના -મોટા સૌને પસંદ પડે તેવી  હળવી  પોસ્ટ, બે  વાર્તા ના સ્વરૂપમાં મૂકેલ છે, આશા છે કે આપ સર્વેને આ પોસ્ટ જરૂર પસંદ આવશે … આપના પ્રતિભાવ મૂકવાનું ભુલશો નહિ…

 

એક હતો રાજા. એને ત્રણ રાણીઓ. રાજના નશીબ એવાં કે ત્રણેય તોતડી. રાજાએ ચોથી રાણી પરણવાનો વિચાર કર્યો. સારું ઘર જોઇને રાજાએ વેવિશાળ કર્યું. કોઇએ રાજાની પાસે કન્યાંના વખાણ કરેલાં કે કન્યા તો રૂડીરૂપાળી અને  બહુ મીઠાબોલી છે. રાજાના મનમાં પરણવાનો હરખ માતો ન હતો.

 

રાજા પરણવા ચાલ્યો.  કન્યા તોતડી હતી, પણ કન્યાનાં માબાપ લુચ્ચાં હતાં. તેમણે પહેલેથી જ કન્યાને શીખવી રાખ્યું હતું કે રાજા ગમેતેમ કરે, પણ એકેય શબ્દ બોલવો નહિ.

 

રાજાજી પરણી કરી ઘેર આવ્યા.પછી નવી રાણીને મહેલે ગયા. રાજા તો મનમાં મલકાતા હતા કે નવી રાણી મીઠું મીઠું બોલશે અને મનને રાજી કરશે. પણ રાજા હતો નસીબનો બળિયો !  નવી રાણી તો મૂંગા જ ઊભા રહ્યાં.  રાજાએ ઘણુંય કર્યું, પણ બોલે જ શાનાં?  જાણે હોઠ જ સીવી લીધા ! રાજા મનમાં કહે: “ આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા.  તોતડીને મૂકીને બોલકીને લેવા નીકળ્યા, ત્યાં વળી આ મૂંગું-બોતડું વળગ્યું!”  રાજા ઘણો નિરાશ થઇ ગયો.

 

એકવાર ચોથી રાણી વાડામાં છાણાં લેવા ગઇ, ત્યાં એને મંકોડો કરડ્યો. મંકોડો એવો તો કરડ્યો કે રાણીથી એકદમ બૂમ પડાઇ ગઇ:  “મા !  મને મંતોલે તલ્લી રે તલ્લી !”  રાજા ગોખે બેઠા હતા. તે આ સાંભળી ગયા. તે સમજી ગયા કે ચોથી રાણી પણ તોતડી છે.

 

ચારે રાણીઓ તોતડી છે, તે વાત રાજાએ છાની રાખેલી. કોઇને પોતે જણાવે નહિ.  પરંતુ લવા વજીરને આ બાબતમાં કંઇક વહેમ પડ્યો.  તેણે વાત જાણવા ખાનગીમાં પૂછ્યું:  ”રાજાજી ! આપની રાણીઓ તોતડી છે એમ ગામ કહે છે, એ સાચું છે ?”

 

રાજા કહે : ” લવા ! તારું કહેવું સાવ જૂઠું છે. ”

 

લવો કહે : “મને તમે જમવા તેડો તો સાબિત કરી આપું.”

 

પછી રાજાએ તો લવાને પોતાને ત્યાં જમવા બોલવ્યો.  બધી રાણીઓને કહી રાખ્યું કે કોઇએ જરાપણ બોલવું નહિ.  રાજા અને લવો સામસામા જમવા બેઠા. ભાતભાતની રસોઇ બનાવી હતી; એમાં વડીઓ પણ હતી.  લવાએ રાણીઓને બોલાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એકેય રાણી બોલી જ નહિ. છેવટે લવો થાક્યો.  પણ એટલામાં તેને એક યુક્તિ સૂઝી. વડીઓ બહુ જ સુંદર થઇ હતી. વડી ખાતો ખાતો લવો વડીઓનાં ખૂબ વખાણ કરવા લાગ્યો.  જ્યારે બહુ વખાણ થયાં, ત્યારે રાણીઓ મનમાં ને મનમાં ખૂબ ફુલાઇ, આ લાગ જોઇ લવાએ પૂછ્યું :  ” આ વડીઓ કોણે તળી? ”

 

ત્યાં એક રાણી બોલી : ” એ વઇઓ તો મેં તઇયો.(એ વડીઓ તો મેં તળી.) ”

 

રાજાએ ના કહી હતી તેમ છતાં એક રાણીથી બોલી જવાયું, એટલે બીજીએ ડાહી થઇને તેને કહ્યું: “વાયાં’તાં ને બોયાં કેમ? ” (વાર્યા’તાં ને બોલ્યાં કેમ?)

 

ત્રીજીના મનમાં થયું કે આ તો બહુ ખોટું થયું.  રાજાજીએ તો ચોખ્ખી બોલવાની ના પાડી હતી, ને આ બે જણીઓએ તો બોળી માર્યુ  !  તેના મનમાં સહેજ રોષ પણ ભરાયો.  પોતે ઠપકો આપતી ને જરા વધારે ડાહી થતી બોલી :  ” એ તો બોયાં તો બોયાં, પય તમે કેમ બોયાં? ” (એ તો બોલ્યાં તો બોલ્યાં, પણ તમે કેમ બોલ્યાં?) ”

 

ચોથી રાણીના મનમાં થયું કે આ ત્રણે રાણીઓ મૂરખ છે.  રાજાએ ના પાડી હતી છતાં બોલી, અને પ્રધાનજી બધું જાણી ગયા !  પોતાના મનમાં થોડુંએક અભિમાન પણ આવ્યું.  પોતાનો ભેદ વજીરજી જાણી ગયા નથી, એમ સમજી તે હરખાઇ ગઇ અને હરખમાં ને હરખમાં તેનાથી બોલી જવાયું: ” હું તો માયે બોલી બોયીયે નથી ને ચાયીયે નથી ! (હું તો મારે બોલીયે નથી ને ચાલીયે નથી.) ”

 

રાજા અને વજીર બન્ને જણા ખડખડાટ હસી પડ્યા. …

સંકલિત …

 

 

(૨)  બુદ્ધિ કોના બાપની ??? …

 

મુલ્લા નસરુદ્દિનની પડોશમાં એક વાણિયો રહેવા આવ્યો.  બન્નેના ઘરના ચોક વચ્ચે પાંચ ફુટ ઉંચી દિવાલ અને વાણિયાભાઈએ ત્યાં જ ગણેશની મુર્તિ સ્થાપી રોજ મોટે મોટેથી પ્રાર્થના કરે, ” હે! પ્રભુ, તું મને ૧૦૦૦ રુપિયા આપ.  તું ૯૯૯ આપશે તો ય નહી લઊં અને ૧૦૦૧ આપશે તોય નહી લઊં.”

 
મુલ્લાને થયું આ નવો પડોશી જરા સનકી લાગે છે, બે ચાર દિ’ મા ઠેકાણે આવી જશે. પરંતુ વાણિયાએ તો રોજ આની આજ પ્રાર્થના ચાલુ રાખી એટલે મુલ્લાને થયું કે આ વાણિયાની પરિક્ષા કરવી જોઈએ. ઍટલે બીજા દિવસે જ્યારે સવારે વાણિયાએ પ્રાર્થનાનુ પુનરાવર્તન કર્યું કે મુલ્લાએ એક રુમાલમાં રુપિયા ૯૯૯ ગણીને બરોબર વાણિયાના ખોળામાં પડે તે રીતે નાંખ્યા.

 
અચાનક ખોળામાં કાંઈક આવીને પડ્યું તેથી વાણિયાએ આંખો ખોલી અને જોયું તો એક પોટલી હતી. જલ્દી જલ્દી વાણિયાએ પોટલી ખોલી અને અંદરના રુપિયા ગણવા માંડ્યા અને તે ૯૯૯ થયા એટલે વાણિયો બોલ્યો,” વાહ રે પ્રભુ, તું પણ ગજબનો હિસાબવાળો છું. રોકડા તો ૯૯૯ આપ્યા અને એક રુપિયો રુમાલનો ગણી પુરા ૧૦૦૦ આપ્યા.”

 

સંકલિત …

 

આપને  ઉપરોક્ત બંને પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પરના કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા ફેશબુકના યુઝર ફેશબુક ના કોમેન્ટ્સ બોક્ષ પર મૂકશો… જે સદા અમોને આવાકાર્ય રહેશે …

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: dadimanipotli@gmail.com

Posted in આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, બાળ વિભાગ -કલરવ, વીણેલા મોતી |

કાનુડાના કાળજાની વાત …

કાનુડાના કાળજાની વાત …

કોઈ ગોકુળ વનરાવન કહેજો,
આ કાનુડાના કાળજાની વાત …
વિસરી દઉં એમ ગોકુળ વનરાવન,
એટલો નથી હું કજાત….
કોઈ કેહજો આ વેદનાની વાત …
કંચનના કોટ લાખ કંચનના કાંગરા,
કંચનના મેડીયું ને માઢ,
હેમ મઢ્યા હીંચકા ને હિંડોળા હેમના,
પોઢણીમાં હેમ મઢયે ખાટ,
આવા સોનાના પિંજરામાં પાળેલા પોપટનો,
જાણ્યો છે કોઈએ આઘાત ?
કોઈ કેહજો આ વેદનાની વાત …
જોઉં છું ગોમતી તો આવે છે યાદ મને,
જમનામાં નખરાળા નીર,
કાલિંદી કણસે છે ગોમતીના ઘાટમાં,
ને કાળજામાં વાગે છે તીર,
લોકોના મન રોજ ઉગે પ્રભાત અહીં,
મારે તો અંધારી રાત….
કોઈ કેહજો આ વેદનાની વાત …
રાજા થઇ ગ્યો છું હશે પરભવનું પાપ,
અને રાજપાટ પરભવનો શ્રાપ, …
હું ભાવિનો ભાખનાર અગમ આલેખનાર
જીવતરમાં ખાઈ ગ્યો છું થાપ. …
આ દોમ-દોમ સાહ્યબી ડંખે છે રોમ-રોમ
મારી વાંસળીને વાગી છે ઘાત…
કોઈ કેહજો આ વેદનાની વાત …
વાગે છે આઠ પહોર સંગીતની છાલકો
ને ત્રાંસા-નગારાના શોર
નોબતોની દાંડી ઊઠવું ને જાગવું
ને નોબતો એ રજનીને ભોર
ઓળઘોળ આખું આ રજવાડું કરું
કોઈ આપે જો ગોકુલની રાત …
કોઈ કેહજો આ વેદનાની વાત …
- ઈશુદાન ગઢવી

 

કાનુડાના કાળજાની વાત …

એક સંવેદનશીલ કવિનું આ કાવ્ય વાંચ્યું અને આસ્વાદક્ના દિલ-દિમાગ પર છવાઈ ગયું. ભીતર ભાવની હેલી ચડી અને કલમમાંથી સરવાણી વહેતી ચાલી.

કાવ્યસંગ્રહનું નામ ‘ટહુકો’. કવિનો પ્રત્યક્ષ પરિચય તો જરા પણ નહિ પરંતુ કોયલનો ટહુકો નજીકથી સાંભળીએ ને જેટલો મીઠો લાગે એના કરતાં દૂરથી એ જ ટહુકો વિશેષ મધુર અને કર્ણપ્રિય લાગે. કવિતાપ્રેમી જીવ કવિને દ્રષ્ટિથી નહિ પણ શ્રુતિથી ઝીલે અને દિલમાં એમની અક્ષરમૂર્તિને આકૃત કરે. કવિની ‘કમાલ’ ધન્ય બને, વાચકની ગ્રહણશીલતા પૃષ્ટિ પામે.

મૂળ નામ તો એમનું ઈશ્વરદાન ગળવી પરંતુ મિત્ર વર્તુળમાં ઇસુભાઈ ગઢવીના નામે ઓળખાય. વ્યવસાયમાં નોકરી. પરંતુ નોકરી પણ એસ.ટી. ડેપો મેનેજર, વાંકાનેર (૧૯૯૬). કવિતા અને એસ.ટી.! ગઝલ અને બસનાં કાં ફાડી નાખતાં તીક્ષ્ણ હોર્ન !! ડાયરો અને ડેપો પરની ધમાલ !!! ક્યાંય મેળ બેસે નહિ. છતાં ઇસુભાઈના અંતરમાંથી કવિતાનું ઝરણું પ્રકટ્યું. શ્રી રાજ્યગુરુ આ કવિને બિરદાવતાં લખે છે: “ગીત, ગઝલ આ કવિનું ઘરેણું છે. લોકકથા અને લઘુકથા આ લેખકની હથોટી છે, અભિવ્યક્તિની વેધકતા અને વ્યક્ત્વ્યની બુલંદી આ વક્તાની ગરિમા છે.”

ગઢવી કુળમાં જન્મ એટલે મા સરસ્વતીની કૃપાપ્રસાદી વારસામાં મળી. પોતની પાત્રતાએ કૃપાપ્રસાદીને વધુ મીઠી કરી જાણી. ઇસુભાઈની કવિતાના કેન્દ્રમાં રાધા અને કૃષ્ણ મુખ્ય છે. કોઈ વાર મિલનોત્સ્વનો અસીમ આનંદ તો કોઈ વાર વિરહના વેતરી નાખતા નિ:શ્વાસો. પણ વિયોગમાં આ કવિ વધુ ખીલે. વિરહરસમાં ઘૂંટાતી કવિતા સાદ્યંત સુરેખ સ્વરૂપે લોકો પાસે પહોંચે. કોઈ વાર કૃષ્ણની વેદના તો કોઈ વાર રાધાની વેદનાને ઝીલતો કવિ આપણી સંવેદનાઓ મારફત એમના કરુણ ગાનને ભીની આંખે, ભર્યા હૃદયે માણીએ.

‘કાનુડાના કાળજાની વાત’ કરુણરસથી છલકાતું, કાનુડાની ભીતરની વેદના રજૂ કરતું, અંતરની આડશો દૂર કરતું સુંદર, હૃદયસ્પર્શી કાવ્ય છે.

કાનુડાની સામે કેટકેટલા આક્ષેપો છે ! ગોકુળ છોડીને ગયો તે ગયો જ. ક્યારેય જશોદા, નંદબાબા, રાધિકાજી, ગોપ-ગોપીઓ, સ્નેહીઓ અને સ્વજનો, શું કોઈને સંભારવાના પણ નહિ ? રાધિકાજીની વેદના આ કાવ્યમાં વ્યક્ત થાય છે.

 

“ હવે તો આવતા અવતારે તું રાધા ને
કાન હું સમજી લઈશું લેણ દેણ ”

ગોપબાળો અને બાલિકાઓ, સ્વજનો અને સ્નેહીઓ પોતાની ગુસ્સાભરી લાગણી ઠાલવતાં બોલી ઊઠે છે, “ હે દ્વારકેશ ! તારું ઐશ્વર્ય અમને મોહ્તું નથી, તું રાજરાજેશ્વર હો તો ભલે હો ! અમારી આંખો તો કુંજવનમાં, ગોપવેશમાં ધેનુ ચરાવતા ગોપાલ માટે તરસે છે ! “રાજરાજેશ્વર, રાજાધિરાજ, દ્વારકેશ માટે નહિ”.

 

આક્ષેપોની ઝડી વરસે છે, કાનુડો શાંત છે. આઘાતો ઉપર આઘાતો આવ્યા જ કરે છે, કાનુડાના મુખ પરથી એક પણ રેખા બદલાતી નથી. પરન્તુ રાધાએ તો આવતા ભવે હિસાબ સમજી લેવાનું કહેણ મોકલ્યું અને વરસોથી મૌન લઇ બેઠેલા કાનુડાની વાણીના બંધ લાગણીના ધસમસતાં પૂર સાથે ફટાક દઈને ખૂલી ગયા. કાનૂડાએ પ્રથમવાર જ ગોકુળ-વનરાવનવાસીઓ સમક્ષ પોતાના અંતરની વેદના વ્યક્ત કરી,

 

કોઈ ગોકુળ વનરાવન કહેજો,
આ કાનુડાના કાળજાની વાત …
વિસરી દઉં એમ ગોકુળ વનરાવન,
એટલો નથી હું કજાત….

તમને ભૂલી જાઉં, એટલો હું કજાત છું ? તમારી લાગણીને ને સમજી શકું એટલો પામર મને સમજી લીધો? તમે કહો છો એ સાવ સાચું છે. અહીં સોનાનો રાજમહેલ છે, સોનાનું રાચરચીલું છે, અઢળક ઐશ્વર્ય પણ છે. પરંતુ એ બધાંની વચ્ચે મારી સ્થિતિ કેવી છે, એ જાણવું છે ?

હેમ મઢ્યા હીંચકા ને હિંડોળા હેમના,
પોઢણીમાં હેમ મઢયે ખાટ,
આવા સોનાના પિંજરામાં પાળેલા પોપટનો,
જાણ્યો છે કોઈએ આઘાત ?
કોઈ કેહજો આ વેદનાની વાત …

સોના મઢ્યા પિંજરામાં પક્ષીને રાખીએ તેથી શું ? ગોકુળ, વનરાવનની મુક્તિ ક્યાંથી કાઢવી ? એ તોફાન મસ્તી, એ ગોરસ લૂંટવા, ઢોળવાં – ફોડવાં, એ કાંકરીચાળો ! અહીં દ્વારકામાં બધું જ ભારેખમ છે. મને તમારી સૌની અદેખાઈ આવે છે. અહીં તો મારી સ્થિતિ પેલા પક્ષી જેવી જ છે, “દિલ ગ્મ્કો ખા રહા હૈ, ગમ દિલકો ખા રહા હૈ”

 

રાત દિવસ એ જ ગોકુળ, વૃંદાવન અને મથુરા નજરથી દૂર ખસતાં નથી. અહીં અમારે ગોમતી સ્નાન પવિત્ર સ્નાન છે. ચારે વર્ણ ગોમતી સ્નાન માટે તત્પર હોય છે. અહીં તો લોકો ગાતા હોય છે:

 

“ કનક કોટ ચમકારા કરે,
મણિમય રત્ન જડ્યાં કાંગરે;
ત્યાં તો ગોમતી સંગમ થાય
ચારે વર્ણ ત્યાં આવી નહાય”,

પણ એ ગોમતીના જળમાં મને જમનાજીનાં નખરાળાં જળ યાદ આવે છે. મારા કાળજામાં તીર ભોંકાયાનું દર્દ થાય છે. ઉષાના આગમન સાથે, સૂર્યનું પ્રથમ કિરણ ફૂટે અને દિવસની શરૂઆત થાય પણ મારે તો એ અંધારી રાત જ છે.

 

અને મોટું પદ તો મહામારી સમાન, રાજ્ય સિંહાસન ઉપર તો આગલા જન્મમાં પાપ કર્યા હોય એ જ બેસે. કાંટાળો તાજ એક મિનિટ પણ શાંતિ લેવા ન દે.

 

રાજા થઇ ગ્યો છું હશે પરભવનું પાપ,
અને રાજપાટ પરભવનો શ્રાપ, …

પરભવનાં કોઈ ફૂડ કર્મોથી રાજા બનીને શિક્ષા ભોગવી રહ્યો છું. અને મારી દયનીય સ્થિતિ તો જુઓ !

 

હું ભાવિનો ભાખનાર અગમ આલેખનાર
જીવતરમાં ખાઈ ગ્યો છું થાપ. …

ઈશ્વરની મુખ્ય વિશિષ્ટતાઓ ત્રણ:  ઈશ્વર સર્વજ્ઞ છે.  ઈશ્વર સર્વત્ર છે.  ઈશ્વર સર્વશક્તિમાન છે. જીવ અને શિવમાં આટલો તફાવત છે. જીવમાત્રના વિધિના લેખ લખનાર, પોતાની કુંડલી માંડવામાં જ થાપ ખાઈ ગયો આનાથી વધુ હાંસી બીજી કૈ હોઈ શકે ? આજે તો હવે વાંસળી, વાંસળી નથી રહી.

 

દ્વારકેશના રાજ-દરબારમાં આઠે પહોર સંગીતના સૂરો વાગી રહ્યા છે એ પણ સાચું, ત્રાંસા – નગારાંના શોરથી રાજમહેલ ગાજી ઊઠે છે એમાં પણ ના નહિ. નોબ્તની દાંડી સાથે જ ઊઠવાનું ને જાગવાનું એ પણ ખરું, પરંતુ આ સોનાના મહેલો, સમગ્ર ઐશ્વર્ય, દોમ-દોમ સાહ્યબી, બધું હું જતું કરવા તૈયાર છું, જો કોઈ મને ગોકુળની મુક્ત રાત્રિ આપે તો. ગોકુળ છોડી મથુરા જવાની તૈયારી ચાલતી હતી એની આગલી રાતે રાધા સાથે જે પથ્થર ઉપર પ્રેમાલાપ કરેલો એ પથ્થર અને રાધિકાજીને ભૂલું એવી કજાત હું નથી. આટલું જરૂર સમજશો :

 

નોબતોની દાંડી ઊઠવું ને જાગવું
ને નોબતો એ રજનીને ભોર
ઓળઘોળ આખું આ રજવાડું કરું
કોઈ આપે જો ગોકુલની રાત …
કોઈ કેહજો આ વેદનાની વાત…

- ક્રાન્તિકુમાર જોશી  …
સંદર્ભ : અમૃતમ્ – ગોંડલ. પ્રાર્થના -૧૭.
(શ્રી પી.ડી.માલવિયા બી.એડ.. કોલેજના નિવૃત આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોશી અહીં તેઓ કાનુડાની વૃંદાવન પ્રત્યેની મમતાને પ્રગટ કાવ્યનો રસાસ્વાદ કરાવે છે. જે માટે તેઓના અમો અત્રે અંતરપૂર્વક્થી આભારી છીએ.)
(રા.જ.૧૧-૯૬/૩૬૭-૩૬૮)
Blog link : http://das.desais.net
email : dadimanipotli@gmail.com
Posted in આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી, સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના |

સુવિચારોનું વૃંદાવન … (૪) …

સુવિચારોનું વૃંદાવન  … (૪) …

-વાડીલાલ ડગલી…

 

 

આજે આપણે શ્રીયુત વાડીલાલ ડગલી … દ્વારા અભિવ્યક્ત કરેલ વિચારોનું ચિંતન કરીશું … આપને જો આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષમાં મૂકી આભારી કરશો … આપ સર્વે મિત્રોનો આપનું ચિંતન અભિવ્યક્ત કરવા આપના જ બ્લોગ પર સ્વાગત છે …

 

 

કામ એ જીવન છે; કામ ટાળવાની બધી પ્રક્રિયા જીવનને કરમાવી નાખે છે.
જ્યાં જીવન કરમાય ત્યાં અંતરાત્મા કેવી રીતે ખીલી  ઉઠે ?

*

બધું કામ પોતે કરે એવો આગ્રહ રાખનાર અવ્યવસ્થા અને માનસિક યાતનાને નોતરે છે.
આવી વ્યક્તિ ચોવીસ કલાકના સવા ચોવીસ કલાક કરી શક્તી નથી અને બીજાને સોંપી શક્તી નથી.

*

આપણા વિશે થોડો ઓછો ઊંચો અભિપ્રાય રાખવો.
આપણા સિવાય દુનિયા આગળ ચાલી શકે છે એ વિશે જરાયે ભ્રમ ન રાખવો.

*

સરમુખત્યારશાહી કરતાં લોકશાહીમાં આગેવાનોને ભૂલનો ડર વધુ રહેતો હોય છે.
પણ જો ભૂલના ડરથી હાથ ભાંગી જાય તો લોકશાહી અળખામણી થઈ જાય.

*

જે ભૂલો કરે છે એ જ કામ કરે છે. મડદાં કદી કશી ભૂલ કરતાં નથી.
કામ નહીં કરવાથી જેટલું નુકશાન થાય છે એટલું ભૂલથી કદી થતું નથી.

*

એક નિયમ એવો જોઈએ કે જે કામ કરવા માટે આપણને વેતન મળે છે, એને સૌથી પહેલું કરવું જોઈએ.
ફાજલ સમયમાં બિનધંધાદારી કામ કરીએ ત્યારે એવો નિયમ કરી શકાય કે
જે ન કરવાથી બીજાને નુકશાન થાય એ કામ સૌથી પહેલું કરવું જોઈએ.

*

કામ વિશે એક વિચારવા જેવી વાત એ છે કે
જ્યારે આપણે બધા લોકો માટે ભલા થવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે કોઈનું ભલું કરી શક્તા નથી.

*

આપણે આપણી બધી જ શક્તિ એક ચોક્કસ મર્યાદિત કામમાં જ કેન્દ્રિત કરવી જોઈએ.
કામ માત્ર સમયસર થાય એટલું જ પૂરતું નથી, કામ સારું ન થાય તોપણ કામ ટાળ્યા જેટલો જ થાક ચડે છે.

*

સમય અને શરીરની મર્યાદા સમજ્યા વિના આપણે જ્યારે અનેક કામ હાથમાં લઈએ છીએ
ત્યારે જિંદગી વંટોળિયાના પાંદડાં જેવી થઈ જાય છે.

જ્યાં કામ ફેંકે ત્યાં આપણે પડીએ છીએ.
જે કામને નથી નાથી શક્તો તે નથી કોઈ કામ કરી શક્તો કે નથી સારી રીતે જીવી શક્તો.

*

– વાડીલાલ ડગલી
સાભાર : સંકલન સૌજન્ય : વિજયભાઈ ધારીઆ (શિકાગો -યુ એસ એ)
બ્લોગલીંક:http://das.desais.net
e mail: dadimanipotli@gmail.com
Posted in 'દાદીમાનું ચિંતન જગત', આજ કાલ ..., વિજય ધારીઆ - (શિકાગો - યુએસએ) દ્વારા સંકલિત ..., વીણેલા મોતી |

માતૃશક્તિ…

માતૃશક્તિ…  (મધર્સ ડે – માતૃત્વ દિવસ..)

-     વિમલા ઠકાર …

મધર્સ ડે નો ઈતિહાસ

ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનું હતુ. એ સમયે અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર અપાવી. આ નૂતન કાર્ય તેમણે દેશ કે સીમાડા ધ્યાનમાં લીધા વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણી ને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી..! શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યંત જાળવી રાખ્યો. આન્ના મારીયાનું 12 મે 1907ના અવસાન થયુ એ પછી તેની જ પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત રાખતા વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવા રુપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યુ. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલ આ ઉજવણી થોડા સમયમાં રાસ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસ ના બીજા રવિવારને ‘મધર્સ ડે ‘ તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય અવકાશ(રજા)નું એલાન કરતા રાષ્ટ્રીય તહેવાર સમાન બની ગયુ.

 

ભારતમાં મહારાષ્ટ્ર માં પાઠારે પ્રભુ સમાજ દ્વારા માતાનું મહિમા ગાન કરતો એક માતૃત્વ દિવસ ચોક્કસ ઉજવાય છે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય મોર્ડન મધર્સ ડે થી થોડો જૂદો છે. આથી ભારતના લોકો પણ આજના ડીજીટલ યુગ માં અમેરીકાને અનુસરી મધર્સ ડે દર વર્ષે મે માસના બીજા રવિવાર ના રોજ ઉજવે છે. …
સાભાર : ગુજ મોમ .કોમ gujmom.com

 

 

 

માતૃશક્તિ એટલે શું ? …

 

આપણે ‘માતૃશક્તિ’ શબ્દનો અર્થ જોઈએ. ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ બે શબ્દોથી તમે પરિચિત છો.  ‘નર-નારી- શબ્દ તમે જાણો છો.  ‘માતા-પિતા’ શબ્દોને ઓળખો છો.  પરંતુ ક્યાંક એક બિંદુ ઉપર ઊભા રહીએ છીએ તો ‘નરત્વ –નારી’,  સ્ત્રીત્વ –પુરુષત્વ આ બંનેમાં સમાયેલી શક્તિઓનો એક શબ્દમાં નિર્દેશ પણ થઇ શકે છે અને કરવામાં આવે છે.  ‘जगत: पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ  |’  ‘पितर’ -  શબ્દ કહ્યો એમાં માતા-પિતા, જનક-જનની બધાં સમાઈ ગયાં.  તો માત્ર સ્ત્રી-શક્તિ નહીં, કેવળ પુરુષ-શક્તિ નહીં, એ પુરુષોના વિરોધમાં ઊભી રહેલી સ્ત્રી-શક્તિ પણ નહિ.  એ કોઈના વિરોધમાં ઊભી નથી.  સ્વયંસિદ્ધ, સ્વયંભૂ એવી એક શક્તિ છે જેનો નિર્દેશ ‘મા’  શબ્દથી થાય છે.  આપે સર્વે રામકૃષ્ણ પરમહંસદેવનું નામ સાંભળ્યું હશે, બંગાળમાં ગંગાકિનારે દક્ષિણેશ્વરમાં જે રહેતા હતા.  નિરક્ષર હોવા છતાં સાક્ષરોના શિરોમણિ, જ્ઞાનીઓના ચક્રવર્તી, ભક્ત – વરિષ્ઠ ગણાય.

 

‘स्थापकाय च धर्मस्य, सर्वधर्मस्वरूपिणे |
अवतारवरिष्ठाय रामकृष्णाय ते नम:  ||’

 

રામકૃષ્ણ પરમહંસની, પોતાના ગુરુની વિવેકાનંદે આવી રીતે સ્તુતિ કરી છે.  રામકૃષ્ણદેવ કહે છે કે જગતની સત્તા જેને તમે પરમાત્મા કહો છો, બ્રહ્મ કહો છો, ચૈતન્ય કહો છો તેને હું મા કહું છું.  ‘મા, આમી જોન્ત્રો તુમિ જોન્ત્રી, હો મા !’  (બંગાળીભાષા) આપ આ દુનિયાના સર્વ યન્ત્ર – તન્ત્ર ચલાવનાર છો,  ‘અમે’  એટલે કેવળ ગદાધર (રામકૃષ્ણ) નો ઉલ્લેખ નોહ્તો, શરીરવાચક શબ્દ નોહ્તો.  નામ અને રૂપનું રામકૃષ્ણદેવને શું કરવું હતું ?  પરંતુ મનુષ્યજાતિ તથા આ આખાય અભિવ્યક્ત જીવનને ચલાવનારી જે શક્તિ છે, તેને તેઓએ ‘મા’  કહી  – ‘માતૃશક્તિ’ કહી.  તેમના પછી આવ્યા વિદ્વદશિરોમણિ શ્રી અરવિંદ.  તેમને પણ  ‘World Mother’  માતૃશક્તિનો ઉલ્લેખ કરવો પડ્યો.   તેઓ તેના ઉપાસક બન્યા.  આવા બીજા એક આવ્યા રોનાલ્ડ નિક્સન જે અલ્મોડાની પાસે મિરતોલામાં કૃષ્ણપ્રેમ – યોગી કૃષ્ણપ્રેમ તરીકે બેઠા હતા.  દિલીપકુમાર રોયે  ‘યોગી કૃષ્ણપ્રેમ’  પુસ્તક લખ્યું છે,  હિન્દીમાં પણ અનુવાદિત છે.  તેમણે પણ એ શક્તિને ‘માતૃશક્તિ’ કહી છે.  આ ‘માતૃશક્તિ’  જે શબ્દ છે તેનો આધ્યાત્મિક સંદર્ભ જોવો જોઈએ.  તેને ફક્ત શરીર સાથે નહીં જોડતા.  દેહવૃત્તિઓ છે તેની સાથે જોડીને તેને માર્યાદિત નહીં કરતા.  સ્ત્રીઓમાં કંઈક વિશેષગુણ છે, તેનો અર્થ વ્યાપક છે, ગહન છે.  આજે મને માફ કરજો.  ‘માતૃશક્તિ’ નો જે આધ્યાત્મિક આશય છે તેને શબ્દબદ્ધ કરવાની મને સંમતિ આપજો.  ઉપરછલ્લી છીછરી વાતો નહીં કરું.  માતૃશક્તિનો આધ્યાત્મિક અર્થ એ છે કે જેમાં સૃજ્ણશક્તિ છે, ભરણપોષણ કરવાની શક્તિ છે.  અને જેમાં સૃજ્ણ, ભરણ, પોષણ કરવાની શક્તિ છે તે કરુણા છે રે કરુણા !’  ‘માતૃશક્તિ’  એટલે કરુણાની શક્તિ !  હિંસાનો પ્રતિકાર દ્વેષથી નહીં થાય,  હિંસાનું નિરાકરણ કરુણાઅવતાર માતૃશક્તિથી થશે.  માતૃશક્તિ જીવનમાં બધાં ક્ષેત્રોમાંથી હિંસાનાં બીજ હટાવશે, હિંસાને કારણે આવનારા આંતરવિરોધો બતાવશે, તેને હટાવવાનો, પરિહાર કરવાનો પથ પણ પ્રશસ્ત કરશે તે માતૃશક્તિ !  विरोधस्य परिहार: यतनम् विशिषट्स्य |’  સૃજન કોનાથી થાય છે ?  પરમાત્માની શક્તિ કરે છે.  ઠંડીમાં સૂર્યનારાયણનાં કિરણો કેવાં મીઠાં લાગે છે !  તેનાથી મળતી ઉષ્મા –તેનાથી મળતી હૂંફ કેટલી  ગમે છે !  ગરમી, પ્રકાશ, હૂંફ બધું સૂર્યકિરણમાંથી આવે છે.  તે મૂળ સત્તામાંથી આવે છે.  આ ધરતીમાં કણ વાવો અને મણ ઉપજાવે છે.  આ ફળદ્રૂપતા, ઉત્પાદકતાની શક્તિ ક્યાંથી આવી ?  એ મૂળસત્તામાંથી.  આકાશ જે આપણને પોતાના અવકાશમાં વિહરવા દે છે, હરવા-ફરવા દે છે, શ્વાસ લેવા દે છે,  આ અવકાશ  – આ Emptiness  - ક્યાંથી આવ્યું ?  એ પ્રભુસત્તામાંથી.  ‘માતૃશક્તિ’  એ પ્રભુ શક્તિનો નિર્દેશ કરનારો શબ્દ છે.  માતા અને પિતા એટલો જ માર્યાદિત અર્થ નથી.  ત્યાંથી શરૂ કરો.  નારીની વિશેષતાઓ છે તેનાથી તે ગૌરવાન્તિ થાય, સમાજનાં કાર્યો કરે.  આ બધું ઠીક છે પરંતુ શક્તિ કેવળ પ્રભુની સત્તામાંથી આવે છે.  શક્તિનો સ્તોત્ર આપણે નથી.  ‘તુંહી’ –‘તુંહી’ –‘તુંહી’ કહે છે ને !  સ્ત્રીઓએ સંસ્કૃતિ બચાવી, સ્ત્રીઓએ ધર્મ બચાવ્યો.  ખબર નથી શું શું કહે છે !

 

સ્ત્રી જે આજે ભારતના લોકતંત્રની નાગરિક બની છે તેને જો ભાન થઇ જાય કે બધાં ગુણનો, સર્વ શક્તિઓનો સ્તોત્ર એક પરમાત્માસત્તા છે અને આપણા સમાજમાં, આપણા પરિવારમાં તેનું પ્રતિનિધિત્વ આપણે કરવાનું છે તો મને લાગે છે કે માતૃશક્તિનું દાયિત્વ નારીદેહમાં સહજ સુલભ થઇ જશે, પ્રતિનિધિત્વ કરવાનું પણ સુલભ થઇ જશે.  ખ્યાલમાં રાખો કે શક્તિનો એક જ સ્તોત્ર છે – દેહની શક્તિ હોય, મનની શક્તિ હોય, બુદ્ધિની શક્તિ હોય.  બધી શક્તિનો એક જ સ્તોત્ર છે અને તે છે સર્વવ્યાપ્ત પરમાત્માશક્તિ.  જેણે સર્વરૂપ ધારણ કર્યા છે અને જે સર્વમાં ઓતપ્રોત છે.

 

આપણે જે કપડા પહેર્યા છે તે કપડામાં સૂતર છે. સૂતર કપાસમાંથી બન્યું છે ને !  તો જેવી રીતે કપડામાં કપાસ વ્યાપ્ત છે, માટીના ઘડામાં માટી વ્યાપ્ત છે તેવી રીતે જગતમાં તમને સ્પર્શ થાય છે તત્વથી પરમાત્માનો.  દેખીતી રીતે તમે વૃક્ષને હાથ લગાડ્યો, કૂતરાને હાથ લગાડ્યો, બિલાડીને હાથ લગાડ્યો, પોતાના શરીરને કે બાળકને હાથ લગાડ્યો, પરંતુ જ્યા સુધી બધી શક્તિઓના મૂળ સ્તોત્ર પરમાત્મા છે અને તે વિશ્વાકાર બનીને, સર્વાકાર બનીને, સજીધજીને આપણી સામે છે એવો બોધ નથી થતો, ભાન નથી જાગી ઊઠતું ત્યાં સુધી ચિત્તમાં કરુણા નથી જાગતી.  અને કરુણા જ અસલમાં માતૃશક્તિ છે !  કરુણા જ સ્ત્રીના દેહમાં રક્તનું દૂધ બનાવે છે, જેને  આપણે વાત્સલ્ય –વત્સલતા કહીએ છીએ.  ગુજરાતમાં એક મુનિ સંતબાલ થઈ ગયા.  જે વિશ્વ –પ્રકૃતિને ‘મૈયા’ કહેતા હતા.  તેઓ વિશ્વ વાત્સલ્ય ની વાત કહે છે.  રામકૃષ્ણ પરમહંસ હોય, મુનિ સંતબાલાજી હોય, વિનોબાજી હોય કે મહાત્મા ગાંધીજી  હોય, કોઈપણ સંત એક જ વાત કરે.  બધાની વાતો તમારી પાસે કહીને હું તમને થકાવા નથી માંગતી.  હમણાં હમણાં ક્યાંક કોઈ એક રચનામાં અમે લખ્યું કે આ વિશ્વવિમલ છે કે માધવનો મહારસ છે !  તો હિંસાના નિરાકરણ માટે સર્વાત્મમય, સર્વમય પરમાત્માસત્તાનું ભાન થવું જોઈએ.  જેનું શબ્દથી ચિંતન, મનન, જપ, ભજન, મૌન જે સાધન કરવું હોય તે કરો.  જેનાથી તેનો બોધ થાય, તેનો સાક્ષાત સ્પર્શ થાય.  આજે આ ભાન નથી.  આજે લોકો કહે છે ‘મારા માટે જ કમાવા દો. જુઠ્ઠું બોલીને કમાવા દો.  કોઈનું ગળું કાપીને કમાવા દો. કોઈને કચડીને મને આગળ આવવા દો.’   લોકોને પૈસામાં સુરક્ષા લાગે છે, પ્રતિષ્ઠામાં સુરક્ષા લાગે છે, અહંકારની બધી માંગ પૂરી કરવામાં સુરક્ષા લાગે છે.  કારણ કે પેલો બોધ નથી.  આજે આ વિનાશનો રસ્તો છે, હિંસાનો રસ્તો છે.

 

મહિલાવર્ગે આજે જો ખરેખર કંઈ કરવું હોય તો જે કાર્ય છેલા ૫૦ વર્ષોમાં નથી બની શક્યું તે, લોકોને યુગધર્મનું ભાન કરાવવાનું અને યુગકાર્યનું નેતૃત્વ લેવાનું છે.  ભારત એક રાષ્ટ્ર છે, તેની એક રાષ્ટ્રીય સંસ્કૃતિ છે, તે ન તો હિંદુ સંસ્કૃતિ છે, ન તો મુસ્લિમ સંસ્કૃતિ છે, ન જૈન સંસ્કૃતિ છે.  બધાની મળીને એક સંગમસંસ્કૃતિ  છે.  આ આપણી જે સંસ્કૃતિ છે તેના પર પ્રહાર થઇ રહ્યો છે.  એટલે આપણાં બાળકો  પરાવલમ્બી થઇ રહ્યાં છે.  આ અનર્થકારી અર્થ જ પરમ મૂલ્ય બની ગયું છે.  લોકોની મનોવૃત્તિ ભ્રષ્ટાચારી બની ગઈ છે.

 

નાની બાળાઓને છોડી દઉં તો  અહીં જે બહેનો છે એમના કાં તો અનુભવની વાત હશે અથવા તેમના નિરીક્ષણ –પરીક્ષણ-આકલનની વાત હશે.  કન્યા જ્યારે ‘વધૂ’ બને છે ત્યારે તેનું મનોવિજ્ઞાન-સાઈકોલોજી, તેનો વ્યવહાર બદલાય છે.  પત્નીમાંથી માતા બને છે ત્યારે તેના ચિત્તમાં વ્યાપકતા સહજ આવવા લાગે છે, એક જાતની મૃદુતા, એક જાતની મધુરતા આવે છે.  માતા ગર્ભને પેટમાં ધારણ કરે છે, તેનું જતન કરે છે, પોતાના હાડમાંસથી ભરણપોષણ કરે છે, પ્રસવની વેદના સહન કરે છે, લાલન-પાલન કરે છે.  આ બધી કરુણાની પ્રક્રિયા છે.  હવે બહેનોએ, માતાઓએ સમાજના હિતનો ગર્ભ ચિત્તમાં ધારણ કરવો પડશે.  પોતાના વ્યક્તિગત અને સામૂહિક જીવનમાંથી તેનું ભરણપોષણ કરવું પડશે.  આપણું દાયિત્વ છે, જવાબદારી છે કે આપણે એ કામ મૂળ પાયામાંથી કરવું જોઈએ.

 

(વિશ્વપ્રસિદ્ધ વિદુષી વિમલાતાઈએ પોતાના આ લેખમાં માતૃશક્તિનાં વિવિધ પાસાંની સુવ્યવસ્થિત રીતે ચર્ચા કરી છે.)
સંકલિત… 
(રા.જ. ૧૧-૦૧/૩૨૯-૩૩૧/અં-૭ -૧૩)
આપને માતૃશક્તિની પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર આવેલ કોમેન્ટ્સ બોક્ષ દ્વારા  અમોને જણાવશો.. આપના દરેક પ્રતિભાવ અમારા માટે સદા આવકાર્ય રહેશે… ! આભાર … !

 

બ્લોગ લીંક:http://das.desais.net
સંપર્ક : email: dadimanipotli@gmail.com
Posted in આજ કાલ ..., ટૂંકીવાર્તા-બોધકથાઓ અને પ્રેરકવાતો, લેખ, વીણેલા મોતી |

ઉદાસી આ … (ગઝલ)

ઉદાસી આ …


આજે  આપણે ભગવતીકુમાર શર્મા રચિત  એક ગઝલ માણીશું … આ ગઝલ ભગવતીકુમાર શર્માના કાવ્યવિશેષ ‘તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે’ માંથી સાભાર મેળવેલ છે …  આજની આ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ (શિકાગો) ના અત્રે અંતરપૂર્વકથી આભારી છીએ … આશા છે કે આપ સર્વેને આ ગઝલ જરૂર પસંદ આવશે ! આપના પ્રતિભાવ કોમેન્ટ બોક્ષ દ્વારા જરૂર આપશો …

 

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે;
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

 

મને ઉંબરે એકલો છોડી દઈને
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે.

 

અનુભવ છે દરીયાના તોફાનનો પણ
આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે.

 

લખ્યું’તું કદી નામ મારું તમે જ્યાં
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે !

 

ઝરી જાય જળ કે મળે જળસમાધી;
જુઓ, પાંપણો કૂવાકાંઠે ચઢી છે !

 

ઘણા રૂપ લઈ લઈને જન્મે છે સીતા;
હવે લાગણી પણ ચિતાએ ચઢી છે !

 

જરા ગણગણી લઉં તમારી સભામાં;
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

-ભગવતીકુમાર શર્મા …


 

ભગવતીકુમાર શર્માના કાવ્યવિશેષ … ‘તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે’  માંથી સાભાર ….
સૌજન્ય : વિજયભાઈ ધારિયા (શિકાગો – યુ એસ એ) 
બ્લોગ લીંક: http://das.desais.net
email: dadimanipotli@gmail.com
Posted in આજ કાલ ..., વિજય ધારીઆ - (શિકાગો - યુએસએ) દ્વારા સંકલિત ..., વીણેલા મોતી, સ્વરચિત કાવ્ય -ગઝલ અને રચના |